પાકિસ્તાનમાં 1947માં 1288 મંદિર હતાં, હવે 18 જ બચ્યાં
- પાકિસ્તાનમાં લઘુમતીઓની શું હાલત છે તેનો આ એક પુરાવો છે, તેમની બહેન દીકરીઓને ઉઠાવી જઈ બળજબરીથી મુસ્લિમો સાથે પરણાવી દેવાય છે
- હિંદુઓ માટે 51 શક્તિપીઠ શ્રધ્ધાનાં કેન્દ્ર છે. આ પૈકી હિંગાળાજ માતાનું મંદિર, શારદાપીઠ અને શિવહરકરાય એ ત્રણ શક્તિપીઠ પાકિસ્તાનમાં છે. સિંધમાં તોડી નંખાયેલું હિંગળાજ માતાનું મંદિર શક્તિપીઠ નથી. હિંગળાજ માતા શક્તિપીઠ બલુચિસ્તાનના મકરાણમાં છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. સિંધનું હિગળાજ માતાનું મંદિર પણ હિંદુઓની શ્રધ્ધાનું કેન્દ્ર હતું જ તેથી તેને તોડી પાડવામાં આવ્યું એ પણ હિંદુઓની શ્રધ્ધા પર ઘા તો છે જ. પીઓકેનું શારદાપીઠ તો શક્તિપીઠ જ હતું. શારદાપીઠને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ તેનું રક્ષણ અને જાળવણી કરવા ફરમાન કરેલું
પાકિસ્તાનમાં હિંદુઓનાં મંદિર અને ધર્મસ્થાન તોડવાં નવી વાત નથી પણ સિંધમાં આવેલા હિંગળાજ માતાના મંદિર અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આવેલી શારદાપીઠ તોડી નંખાયાં એ સમાચારના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ મંદિરો તોડી પાડતા હતા પણ આઘાતની વાત એ છે કે, સિંધનું હિંગળાજ માતા મંદિર તથા શારદાપીઠ તો પાકિસ્તાન સરકારે તોડી પાડયાં છે.
સિંધના થરપારકર જિલ્લાના મીઠી શહેરમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને દબાણ કરાયું હોવાના બહાને તોડી પડાયું જ્યારે પીઓકેમાં આવેલી શક્તિપીઠને વિકાસના નામે તોડી પડાયું છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે શારદાપીઠની એકદમ નજીક કોફી હાઉસ બનાવાયું છે. શારદાપીઠ ઐતિહાસિક મંદિર છે અને વરસો જૂનું છે. પાકિસ્તાનમાં હિંદુ મંદિરોની કોઈ સારસંભાળ રાખનારું જ નથી તેથી આ મંદિર ખંડેર જેવી હાલતમાં હતું. તેના કારણે કોફી હાઉસની શોભા ઘટી જતી હતી તેથી મંદિર તોડી પડાયું.
હિંદુઓ માટે ૫૧ શક્તિપીઠ શ્રધ્ધાનાં કેન્દ્ર છે. આ પૈકી હિંગાળાજ માતાનું મંદિર, શારદાપીઠ અને શિવહરકરાય એ ત્રણ શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલી છે. સિંધમાં હિંગળાજ માતાનું મંદિર તોડી નંખાયું એ શક્તિપીઠ નથી. હિંગળાજ માતા શક્તિપીઠ તો બલુચિસ્તાનના મકરાણમાં છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. સિંધના મીઠીમાં આવેલું હિગળાજ માતાનું મંદિર પણ હિંદુઓની શ્રધ્ધાનું કેન્દ્ર હતું જ તેથી તેને તોડી પાડવામાં આવ્યું એ પણ હિંદુઓની શ્રધ્ધા પર ઘા તો છે જ.
આ ઘટનાએ પાકિસ્તાનના હિંદુઓને હચમચાવી દીધા છે કેમ કે પીઓકેનું શારદાપીઠ તો શક્તિપીઠ હતું. શારદાપીઠને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ તેનું રક્ષણ કરવા અને તેની જાળવણી કરવા ફરમાન કરેલું પણ કટ્ટરવાદીઓને ખુશ કરવા યુનેસ્કો અને સુપ્રીમ કોર્ટ બંનેને ઘોળીને પી જઈને શારદાપીઠ તોડી નંખાઈ એ જોતાં ભવિષ્યમાં બાકી રહેલાં હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડી પડાય અને પાકિસ્તાનમાં એક પણ હિંદુ મંદિર જ ના રહે એવી પૂરી શક્યતા છે.
પાકિસ્તાનમાં આઝાદી વખતે ૧૨૮૮ હિંદુ મંદિરો હતાં. પાકિસ્તાન સરકારે આપેલા આંકડા પ્રમાણે, ૨૦૧૯માં પાકિસ્તાનમાં ૨૦ હિંદુ મંદિર ચાલુ હતાં. સરકારનું બુલડોઝર ફરી વળતાં તેમાંથી હવે ૧૮ બચ્યાં છે. પાકિસ્તાનમાં જાન્યુઆરીમાં ચૂંટણી છે ને નવી સરકાર આવશે. આ સરકાર કટ્ટરવાદીઓનાં પગોમાં આળોટનારી હોય તો તેનાં પાંચ વર્ષ પૂરાં થતાં સુધીમાં તો એક પણ મંદિર નહીં બચે એવો પૂરેપૂરો ખતરો છે.
પાકિસ્તાનમાંથી હિંદુઓનો સફાયો કરવા ઝુંબેશ ચાલી રહી છે એ જોતાં મંદિરોને સાફ કરી દેવાય એવી શક્યતા વાસ્તવિકતા બનીને ઉભી રહે એવું હિંદુઓને લાગતું હોય તો તેમનો ડર એકદમ વ્યાજબી છે. અત્યારે મંદિરો હોવાથી હિંદુઓ એકઠા થઈ શકે છે ને પોતાનો એક સમાજ છે એવું અનુભવી શકે છે પણ મંદિરો જ ના બચે તો હિંદુઓ વેરવિખેર થઈ જાય.
હિંગળાજ માતા મંદિર અને શારદાપીઠનું ડીમોલિશન પાકિસ્તાનમાં લઘુમતીઓની શું હાલત છે તેનો વધુ એક પુરાવો છે. પાકિસ્તાનમાં રહેતા હિંદુ, સીખ, ખ્રિસ્તી સહિતના લઘુમતી સમુદાયનાં લોકો પર હુમલા થાય છે. તેમની બહેન-દીકરીઓને ઉઠાવી જઈને બળજબરીથી મુસ્લિમો સાથે પરણાવી દેવાય છે, લઘુમતીઓનું બળજબરીથી ધર્માંતરણ કરાવીને મુસલમાન બનાવી દેવાય છે એ બધું આપણે સાંભળીએ છીએ. લઘુમતીઓની જમીનો અને સંપત્તિ પડાવી લઈને તેમને પહેરેલાં લૂગડે ભાગવા માટે મજબૂર કરાય છે એ પણ જગજાહેર છે પણ મંદિરોના નાશ મુદ્દે બહુ ચર્ચા નથી થતી.
વાસ્તવમાં મંદિરોનો નાશ એ જ અત્યાચારની કથાનું વધુ એક પ્રકરણ છે. બે મંદિરોના ડીમોલિશનથી તેના તરફ ધ્યાન ગયું, બાકી આઝાદી સમયથી જ લઘુમતીઓ પર અત્યાચારની સાથે મંદિરોનો નાશ પણ શરૂ થઈ જ ગયેલો. પાકિસ્તાન ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અસ્તિત્વમાં આવ્યું પછી છેલ્લાં ૭૫ વર્ષમાં તોડી પડાયેલાં મદિરોના આંકડા પર નજર નાંખશો તો આ વાત સમજાશે.
પાકિસ્તાનમાં આઝાદી સમયે અને અત્યારે કેટલાં હિંદુ મંદિરો છે એ અંગે અલગ અલગ આંકડા અપાય છે કેમ કે પાકિસ્તાન સરકાર હિંદુ મંદિરો તોડી નાંખવાની ઘટનાઓને દબાવી દેવા માટે હકીકત છૂપાવે છે. અલબત્ત પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ દ્વારા અપાતી માહિતી પ્રમાણે,
આઝાદી વખતે પાકિસ્તાનમાં ૧૨૮૮ હિંદુ મંદિરો હતાં. તેમાંથી ૨૦૨૦માં ૩૧ મંદિરો જ બચ્યાં હતાં. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દ્વારા ૨૦૨૦માં આ આંકડા અપાયા હતા.
કાઉન્સિલે આપેલા આંકડામાં દેરી જેવાં નાનાં મંદિરોનો પણ સમાવેશ કરી લેવાયેલો પણ પાકિસ્તાન સરકારે આપેલા આંકડા પ્રમાણે, ૨૦૧૯માં પાકિસ્તાનના ચાર પ્રાંત પૈકી સિંધમાં ૧૧, પંજાબમાં ૪, બલુચિસ્તાનમાં ૩ અને ખૈબર પખ્તુનવાલામાં ૨ મળીને કુલ ૨૦ મદિર જ ચાલુ હતાં.
પાકિસ્તાનમાં આઝાદી સમયે પાકિસ્તાન છોડીને ગયેલા લોકોની પ્રોપર્ટીના મેન્ટેનન્સ માટે ઈવેક્યુ ટ્રસ્ટ બોર્ડ છે. આ બોર્ડમાં ૧૯૪૭માં કુલ ૧૨૮૮ હિંદુ મંદિરો નોંધાયેલાં હતાં જ્યારે ૨૦૨૦માં માત્ર ૩૧ મંદિરો જ ચાલુ છે એવું નોંધાયેલું. તેના આધારે કાઉન્સિલે આ માહિતી આપી હતી. એ વખતે ઈસ્લામાબાદમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધના કારણે હિંદુ મંદિરનું બંધકામ અટકાવી દેવાયેલું. તેના કારણે લઘુમતીઓ પર અત્યાચારનો મુદ્દો ચગતાં આ વિગતો બહાર આવેલી.
પાકિસ્તાન સહિતના દેશો ભારતમાં મુસ્લિમો સહિતની લઘુમતીઓ પર અત્યાચારો થાય છે એવાં જૂઠાણાં ચલાવે છે પણ અસલી અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે. આ અત્યાચારમાં પાકિસ્તાનની સરકાર પણ સામેલ છે એ બે મંદિરોનાં ડીમોલિશને સ્પષ્ટ કર્યું છે.
ભારતના હિંદુઓએ જ નહીં પણ સીખ, ખ્રિસ્તી સહિતના તમામ સમુદાયનાં લોકોએ આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ગજવવો જોઈએ. આ મુદ્દો માત્ર હિંદુઓ પૂરતો મર્યાદિત નથી પણ તમામ લઘુમતીઓને સ્પર્શતો મુદ્દો છે. વૈશ્વિક સ્તરે માનવાધાકિરની પત્તર ખાંડતાં સંગઠનો પાકિસ્તાનમાં થઈ રહેલા લઘુમતીઓ પરના અત્યાચારો અંગે ઘોર્યા કરે છે. તેમની ઉંઘ ઉડાવવા શોરબકરો જરૂરી થઈ ગયો છે.
ઈસ્લામાબાદના ભગવાન રામના મંદિરમાં હિંદુઓને ઘૂસવા નથી દેવાતા
પાકિસ્તાનમાં ઈમરાન ખાન વડાપ્રધાન હતો ત્યારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતા એવો દેખાડો કરવા માટે ૪૦૦ મંદિરો હિંદુઓને પાછાં સોંપવાની મોટા ઉપાડે જાહેરાત કરાયેલી. ઈમરાન સરકારે એલાન કરેલું કે, હિંદુ મંદિરોમાં કરાયેલાં દબાણો હટાવીને તેમનો જીર્ણોધ્ધાર કરાવીને હિંદુ સમુદાયને પાછાં સોંપી દેવામાં આવશે.
સિયાલકોટનાં જગન્નાથ મંદિર અને શિવાલય તેજાસિંહ એ બે ઐતિહાસિક મંદિરો તથા પેશાવરનું ગોરખનાથ મંદિર હિંદુઓને સોંપીને હિંદુઓને મંદિરો પાછાં સોંપવાની શરૂઆત કરાશે એવો દાવો કરાયેલો પણ કશું થયું નહીં. આ પૈકી શિવાલય તેજાસિંહ તો ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ઈમરાન ખાન સરકારની જાહેરાતનાં ચાર વર્ષ પછી પણ સ્થિતી એ જ છે. પાકિસ્તાનમાં હાલત એ હદે ખરાબ છે કે, જૂનાં મદિરો પાછાં આપવાની વાત તો છોડો પણ જે મંદિર સારી સ્થિતીમાં છે ત્યાં પણ હિંદુ જઈ શકતા નથી. ઈસ્લામાબાદમાં ૧૬મી સદીમા બંધાયેલું ભગવાન રામનું મંદિર છે. આ મંદિર આઝાદી વખતથી બંધ છે અને હિંદુઓને તેમાં ઘૂસવા નથી દેવાતા કે પૂજા પણ નથી કરવા દેવાતી.
મંદિરોમાં રેસ્ટોરન્ટ્સ, દુકાનો, સરકારી ઓફિસો બનાવી દેવાઈ
પાકિસ્તાનમાં આઝાદી વખતનાં ૧૨૮૮ હિંદુ મંદિરોનું શું થયું તેની વિગતો ચોંકાવનારી છે. મોટા ભાગના કિસ્સામાં કટ્ટરવાદીઓએ મંદિરો તોડીને મદરસા શરૂ કરી દીધા છે. કેટલાક કિસ્સામાં માથાભારે મુસ્લિમોએ હિંદુઓને ડરાવી ધમકાવીને મંદિરો પર કબજો કરી લીધો છે અને મંદિરોની જગા પર જાત જાતના ધંધા શરૂ કરી દીધા છે.
ઓલ પાકિસ્તાન હિંદુ રાઈટ્સ મુવમેન્ટ દ્વારા થોડા સમય હિંદુ મંદિરોની સ્થિતી શું છે એ વિશે સર્વે કરાયો હતો. આ સર્વે પ્રમાણે, ૧૯૯૦માં પાકિસ્તાનમાં ૪૨૮ હિંદુ મંદિરો બચેલાં. આ પૈકી ૪૦૮ મંદિરોમાં ૧૯૯૦ પછી રેસ્ટોરન્ટ્સ, સ્કૂલ, રમકડાંની દુકાન, વગેરે બનાવી દેવાયાં છે. ઘણાં મંદિરો તોડીને ત્યાં સરકારી ઓફિસો પણ બનાવી દેવાઈ છે. તેનો મતલબ એ થયો કે, સરકાર પણ મંદિરો તોડવામાં બરાબરની ભાગીદાર છે.