આનંદપાલના એન્કાઉન્ટરે ભૂતપૂર્વ સીએમ વસુંધરાની કારકિર્દી ખતમ કરી નાંખી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
આનંદપાલના એન્કાઉન્ટરે ભૂતપૂર્વ સીએમ વસુંધરાની કારકિર્દી ખતમ કરી નાંખી 1 - image


- રાજસ્થાન પોલીસે 24 જૂન, 2017ના દિવસે આનંદપાલનું એન્કાઉન્ટર કર્યું હતું, હાઈકોર્ટે કહ્યું છે કે આ નકલી એન્કાઉન્ટર હતું અને તેને હત્યા ગણાવી કેસ કરવા ફરમાન કર્યું છે

- આનંદપાલ કોઈ ફિલ્મ કે નોવેલમાં જ જોવા મળે એવું પાત્ર હતો. આનંદપાલ સામે હત્યા, હત્યાના પ્રયાસ અપહરણ વગેરેના ૩૫ જેટલા કેસ નોંધાયેલા હતા. શેખાવટી પંથકમાં તેના નામનો એવો ખૌફ હતો કે, એક ફોન કરે એટલે તેને ખંડણી પહોંચાડવી જ પડતી. 100 ગુંડાઓની ગેંગ ધરાવતા આનંદપાલનું નામ સાંભળતાં જ ધનિકોનાં ધોતિયાં ભીનાં થઈ જતાં. બીજી તરફ ગરીબો આનંદપાલને તારણહાર માનતા. આનંદપાલ અપરાધ કરીને કરેલી કમાણીનાં નાણાંમાંથી રાજપૂત સમાજનાં લોકોને છૂટા હાથે મદદ કરતો. રાજસ્થાનની અપરાધની દુનિયામાં જાટ ગેંગસ્ટર્સનું  વર્ચસ્વ હતું. આનંદપાલે આ વર્ચસ્વને તોડીને રાજપૂતોનો સિક્કો જમાવ્યો તેથી રાજપૂત યુવકો તેને આદર્શ માનતા.

રાજસ્થાનમાં ૨૦૧૭માં ભારે ચકચાર મચાવનારા અને ભાજપની વસુંધરા રાજે સરકારને ઘરભેગી કરવામાં નિમિત્ત બનેલા ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસમાં હાઈકોર્ટે ૬ પોલીસો સામે હત્યાનો કેસ કરવાનો આદેશ આપતાં સોપો પડી ગયો છે.  જોધપુર હાઈકોર્ટે ચુરુ જિલ્લાના તત્કાલિન ચુરુ એસપી રાહુલ બરહટ, એડિશનલ એસપી વિદ્યા પ્રકાશ ચૌધરી, ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડ, આરએસી હેડ કોન્સ્ટેબલ કૈલાશચંદ્ર, કોન્સ્ટેબલ સોહનસિંહ, કોન્સ્ટેબલ ઘર્મપાલ અને કોન્સ્ટેબલ ઘર્મવીર સામે હત્યાનો કેસ ચલાવવા ફરમાન કર્યું છે.

રાજસ્થાન પોલીસે ૨૪ જુન ૨૦૧૭ના દિવસે આનંદપાલનું એન્કાઉન્ટર કરેલું. પોલીસના દાવા પ્રમાણે આનંદપાલ સાલાસર નામના ગામમાં છૂપાયો હોવાની બાતમી મળતાં એસઓજીએ ઘેરો ઘાલીને તેને જીવતો પકડવા પ્રયાસ કર્યો પણ પોલીસ ટીમ પહોંચી પછી  આનંદપાલે ફાયરિંગ શરૂ કરી દેતાં પોલીસે કરેલા વળતા ગોળીબારમાં આનંદપાલ ઢબી ગયો.

આનંદપાલના ભાઈ રૂપવિન્દરે આક્ષેપ મૂકેલો કે, છત પર છૂપાયેલા આનંદપાલ સુધી પોલીસ પહોંચી શકતી નહોતી તેથી આનંદપાલને કંઈ નહીં થાય એવી ખાતરી આપીને પોતાને તેની પાસે લઈ ગયેલી પણ છત પર જતાં જ પોલીસે પહેલા તેને ફટકાર્યો ને પછી ગોળી મારીને તેને મારી નાંખ્યો. 

આ કેસની તપાસ કરનારી સીબીઆઈએ આ વાતને વાહિયાત ગણાવીને ક્લોઝર રીપોર્ટ આપી દીધેલો પણ આનંદપાલનો પરિવાર લડી લેવાના મૂડમાં હતો તેથી હાઈકોર્ટમાં ગયેલો. આનંદપાલના શરીર પર ઈજાના નિશાન હતાં અને આનંદપાલને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી હતી એવું પોસ્ટમોર્ટમ રીપોર્ટ કહેતો હતો તેથી હાઈકોર્ટે આનંદપાલની નકલી એન્કાઉન્ટરને હત્યા ગણાવીને કેસ કરવા ફરમાન કર્યું છે.

આનંદપાલ હત્યા કેસના ચુકાદાએ રાજસ્થાનના સૌથી ખૂંખાર ગેંગસ્ટરને ફરી ચર્ચામાં લાવી દીધો છે. આનંદપાલ કોઈ ફિલ્મ કે નોવેલમાં જ જોવા મળે એવું પાત્ર હતો. એક તરફ  આનંદપાલ સામે હત્યા, હત્યાના પ્રયાસ અપહરણ વગેરેના ૩૫ જેટલા કેસ નોંધાયેલા હતા. શેખાવટી પંથકમાં તેના નામનો એવો ખૌફ હતો કે,  આનંદપાલ એક ફોન કરે એટલે તેને ખંડણી પહોંચાડવી જ પડે એવી હાલત હતી. ૧૦૦ ગુંડાઓની ગેંગ ધરાવતા આનંદપાલનું નામ સાંભળતાં જ ધનિકોનાં ધોતિયાં ભીનાં થઈ જતાં.

બીજી તરફ ગરીબો આનંદપાલને તારણહાર માનતા. રાજપૂત યુવકો માટે તો આનંદપાલ મસિહાથી કમ નહોતો. આનંદપાલ અપરાધ કરીને કરેલી કમાણીનાં નાણાંમાંથી રાજપૂત સમાજનાં લોકોને છૂટા હાથે મદદ કરતો. રાજસ્થાનની અપરાધની દુનિયામાં જાટ ગેંગસ્ટર્સનું  વર્ચસ્વ હતું. આનંદપાલે આ વર્ચસ્વને તોડીને રાજપૂતોનો સિક્કો જમાવ્યો તેથી રાજપૂત યુવકો તેને આદર્શ માનતા. 

આનંદપાલ સામાન્ય પરિવારનો હતો ને બી.એડ. કરીને શિક્ષક બનવા માગતો હતો પણ નોકરી ના મળતાં એલએલબી કરી નાંખ્યું. એ પછી પણ નોકરી ના મળતાં ડેરી કરીને ગુજરાન ચલાવતો હતો. ભણેલો હોવાથી ફર્રાટેદાર અંગ્રેજી બોલતો આનંદપાલ લોકોને મદદ કરતો તેથી લોકપ્રિય હતો. આ લોકપ્રિયતાનો લાભ લેવા ૨૦૦૦માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડયો ને જીતી ગયો. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હરજીરામ બુરડકનો દીકરો જગન્નાથ બુરડક સામે ૨ મતે હારી ગયેલો.

આનંદપાલે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મળેલી સત્તાનો ઉપયોગ કરીને દારૂના ધંધામાં ઝંપલાવી દીધું. આનંદપાલે ગેરકાયદેસર દારૂના ધંધામાં બહુ પૈસા જમાવ્યા. દરમિયાનમાં તેના દોસ્ત જીવનરામે લશ્કરના જવાન મદનસિંહ રાઠોડની હત્યા કરી નાંખી. જીવનરામ જાટ હતો તેથી તકનો લાભ લઈને આનંદપાલે જીવનરામને મારી નાંખ્યો અને રાજપૂત સમાજનો હીરો બની ગયો. આનંદપાલે તકનો લાભ લઈને રાજપૂત યુવાનોની ગેંગ જમાવીને ખંડણીનો ધંધો શરૂ કર્યો. તેમાં વચ્ચે આવે તેમને પતાવી દેતો તેથી બહુ જલદી એ પોલીસના ચોપડે ચડી ગયેલો. આનંદપાલ ૨૦૧૪માં બિકાનેર જેલમાં બંધ હતો ત્યારે તેના ખાસ માણસ બલબીર બાનુડાની જેલમાં હત્યા કરાયેલી. આનંદપાલે તેનો બદલો લેવા જેલમાં જ તેના હત્યારાઓને અત્યંત ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યા પછી તેની ધાક વધી ગયેલી. આનંદપાલ જેલમાં બેઠાં બેઠાં જ કરોડોની ખંડણી ઉઘરાવતો.

આનંદપાલના વધતા પ્રભાવ સામે નેતાઓ લાચાર હતા તેથી તેમણે પોલીસને આનંદપાલને એન્કાઉન્ટરમં પતાવી દેવા કહેવું પણ આનંદપાલને ગંધ આવી જતાં તેના સાથીઓ તેને કોર્ટમાં લઈ જતી વખતે છોડાવી ગયેલા. એકે-૪૭ મશીનગન્સ સાથે ત્રાટકેલા આનંદપાલના સાથીઓએ બિલકુલ ફિલ્મ સ્ટાઈલમાં પોલીસની આબરૂનો ધજાગરો કરી નાંખેલો. એ પછી આનંદપાલને પોલીસ નહીં છોડે એ નક્કી હતું. 

આનંદપાલનું એન્કાઉન્ટર થતાં રાજસ્થાનમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવેલા. આનંદપાલના પરિવારે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધેલો. એન્કાઉન્ટર કરનારા પોલીસોને જેલભેગા ના કરાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પર અડેલા પરિવારને બોલાવીને પરાણે અગ્નિસંસ્કાર કરાવી દેવાયેલા. આ વાતની ખબર પડતાં બહાર હજારોની મેદની ઉમટી પડેલી. આ મેદનીને કાબૂમાં રાખવા માટે જ ૫૦ હજાર પોલીસોને તૈનાત કરવા પડયા હતા. 

આનંદપાલના અગ્નિસંસ્કાર પછી રાજપૂતો રસ્તા પર ઉતર્યા હતા. ઉગ્ર આંદોલન પછી સીબીઆઈને તપાસ સોંપાઈ ત્યારે રાજપૂતો માન્યા હતા. એ વખતે પોલીસ અને રાજસ્થાનની ભાજપ સરકારે હાશકારો અનુભવેલો પણ આ હાશકારો થોડાક મહિના ટકેલો કેમ કે રાજપૂતોએ આનંદપાલની હત્યા માટે વસુંધરા રાજે અને ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાને જવાબદાર માનીને આખા ભાજપને જ સત્તામાંથી ફેંકી દીધો હતો. વસુંધરાએ આનંદપાલનું એન્કાઉન્ટર કરાવી  પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખી કેમ કે એ પછી વસુંધરા ફરી સત્તામાં જ ના આવી શક્યાં. હવે આનંદપાલના એન્કાઉન્ટર બદલ હત્યાનો કેસ નોંધાતાં પોલીસોની કારકિર્દી પણ ખતમ થઈ જવાનાં એંધાણ છે.

ગર્લફ્રેન્ડ અનુરાધા પોલીસના જાપ્તામાંથી આનંદપાલને છોડાવી ગયેલી

થોડા મહિના પહેલાં હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડી સાથે લગ્ન કરનારી લેડી ડોન અનુરાધા ચૌધરી મૂળ આનંદપાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદપાલને ૨૦૧૫માં ફિલ્મી સ્ટાઈલમાં પોલીસના મજબૂત જાપ્તામાંથી છોડાવી જવાનું ષડયંત્ર અનુરાધાએ પાર પાડયું હતું. આનંદપાલની ગેંગમાં નંબર ટુ ગણાતી અનુરાધા ઉર્ફે અનુરાગ પરણેલી હતી પણ પતિને છોડીને આનંદપાલ સાથે જોડાઈ ગઈ હતી. અનુરાધાની માતા બાળપણમાં ગુજરી ગયેલી પણ ગરીબ પિતાએ મહેનત કરીને ભણાવેલી.  દિલ્હીથી બી.ટેક. અને એમબીએ કરનારી અનુરાધા કોલેજમાં જ ફેલિક્સ દીપક મિંજના પ્રેમમાં પડેલી અને એમબીએ કરતી હતી ત્યારે લવ મેરેજ કરી લીધેલાં. દીપક-અનુરાધાએ રાજસ્થાનના સિકરમાં શેરબજારનો બિઝનેસ શરૂ કરેલો અને ઉંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવેલા. શેરોમાં રોકાણ જતાં એ પૈસા ડૂબી ગયા. 

અનુરાધા-ફેલિક્સના લેણદારો નાણાં માટે પઠાણી ઉઘરાણી કર્યા કરતા તેથી દીપક શેખાવટીના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલસિંહના શરણે ગયો. અનુરાધાનો તેના પતિના કારણે જ આનંદપાલ સાથે સંપર્ક થયો. આ સંપર્ક પછી ગાઢ પરિચયમાં પરિણમ્યો ને બંને વચ્ચે સંબંધો બંધાયા. અનુરાધા ફેલિક્સને  છોડીને આનંદપાલની રખાત બનીને રહી ગઈ. ફેલિક્સ મિંજની પત્ની હોવાથી આનંદપાલની ગેંગના લોકો અનુરાધાને લેડી મિંજ તરીકે સંબોધતા તેથી અનુરાધા લેડી મિંજ અને રીવોલ્વર રાની તરીકે જાણીતી બની. 

આનંદપાલ પાસેથી અનુરાધા  એકે ૪૭ સહિતનાં અત્યાધુનિક હથિયારો ચલાવતાં શીખી. એમબીએ અનુરાધા ગેંગના નાણાકીય વ્યવહારો જોતી. આનંદપાલ મરાયો પછી અનુરાધાએ ગેંગ ચલાવવા લોરેન્સ બિશ્નોઈ સાથે હાથ મિલાવ્યા. ગુના કરતાં કરતાં અનુપાધા સંદીપ ઉર્ફે કાલા જઠેડીના પ્રેમમાં પડી. બંને સાથે ગેંગ ચલાવવા માંડયાં. અનુરાધા સામે હત્યા, અપહરણ, ખંડણી વગેરેના ૧૨ કેસ નોંધાયેલા છે. 

આનંદપાલની મોટી દીકરી લેડી ડોન, દુબઈથી ગેંગ ઓપરેટ કરે છે

આનંદપાલસિંહના મોત પછી વિખેરાઈ ગયેલી તેની ગેંગ અત્યારે તેની મોટી દીકરી ચરણજીત ઉર્ફે ચીનુ દુબઈમાં બેઠાં બેઠાં ચલાવે છે. 

નાની દીકરી યોગિતા કાયદાની પરીક્ષામાં આખા દેશમાં પહેલા નંબરે આવી હતી અને અત્યારે વકીલાત કરે છે. યોગિતા સિંહ રાજકીય રીતે પણ સક્રિય છે. આનંદપાલના એન્કાઉન્ટરના વરસ પછી યોજાયેલી ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં યોગિતાએ ભાજપની વિરૂધ્ધ આક્રમક પ્રચાર કરીને કોંગ્રેસને ભરપૂર મદદ કરી હતી. રાજપૂતો આનંદપાલના એન્કાઉન્ટરના કારણે ગુસ્સામાં હતા.  યોગિતાના પ્રચારે આ ગુસ્સાને હવા આપતાં તેમણે કચકચાવીને ભાજપ વિરૂધ્ધ મતદાન કરીને કોંગ્રેસને સત્તા અપાવી હતી. 

ચરણજીત ઉર્ફે ચીનુ આનંદપાલના એન્કાઉન્ટર પહેલાં દુબઈ ભણવા જતી રહી હતી પણ દુબઈમાં કશું ભણી નહીં પણ ત્યાં જ રહી ગઈ. 

આનંદપાલના મોત વખતે પણ ચીનુ ભારત નહોતી આવી પણ આનંદપાલના મોતનો બદલો લેવા તેણે ફરી ગેંગના સભ્યોને એક કર્યા. આનંદપાલના વિરોધી ગેંગસ્ટર રાજુ ઠેઠ અને કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં ચીનુનો હાથ હોવાનું કહેવાય છે. આનંદપાલના એક સમયના સાથી ગેંગસ્ટર સુભાષ બરાલે તેને મદદ કરી હોવાનું કહેવાય છે. 

આનંદપાલના એન્કાઉન્ટરના મુદ્દાને ચગાવીને ગોગામેડીએ ઉગ્ર આંદોલન કરેલું પણ આનંદપાલની સંપત્તિના મુદ્દે ગોગામેડીએ ચીનુના કાકાઓને સાથ આપતાં ચીનુએ તેની હત્યા કરાવી દીધી હોવાનું કહેવાય છે.

News-Focus

Google NewsGoogle News