અલ કાયદા, IS પછી હમાસઃ ભારત પર હજુય મોટા હુમલાનો ખતરો
- ભારતની આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન સિવાયના દેશોના આતંકીઓ રસ લેતા હોય કે મદદ કરતા હોય એ નવી વાત નથી પણ પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ વિદેશી આતંકવાદી સંગઠન પીઓકેમાં કેમ્પ નાંખીને ભારતમાં આતંકવાદ ફેલાવવામાં સીધી મદદ કરી રહ્યું છે. હમાસ પીઓકે સુધી પહોંચી ગયું તેની આપણને ખબર હોવા છતાં આપણે હુમલાને રોકી ના શક્યા એ મોટી નિષ્ફળતા કહેવાય.
હમાસે રાતોરાત તો તાલીમ કેમ્પ ઉભો નહીં જ કર્યો હોય એ જોતાં હમાસ કેટલા સમયથી પીઓકેમાં સક્રિય છે એ અટકળનો વિષય છે પણ છેલ્લા ત્રણ મહિનાથી હમાસની હાજરીના તો પુરાવા છે જ.
ઈઝરાયલના આક્રમણથી ફફડેલા હમાસના નેતા દુનિયામાં સલામતી લાગે એવા દેશોમાં છૂપાઈ ગયા છે. આવા કેટલાક નેતાઓને પાકિસ્તાને પોતાને ત્યાં આવવા આશ્રય આપેલો.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ છે ત્યારે પહલગામ હુમલા વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મીડિયાએ ઈન્ટેલિજન્સ એજન્સીઓના હવાલાથી આપેલા રીપોર્ટ પ્રમાણે, પહલગામ હુમલા સાથે પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠન હમાસના તાર જોડાયેલા છે. હમાસના આતંકવાદીઓએ પાકિસ્તાનને પહલગામમાં હુમલો કરવામાં મદદ કરી છે.
આ હુમલો કરનારા ચાર આતંકવાદીમાંથી બે પાકિસ્તાની અને બે કાશ્મીરી છે. હમાસે તેમને ટ્રેઈનિંગ આપી હતી અને કઈ રીતે હુમલો કરવો તેનું કાવતરું ઘડવામાં પણ મદદ કરી હતી. ચારેયને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી. હમાસે પીઓકેમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે મળીને આઈએસઆઈની તન,મન, ધનની મદદથી એક ટ્રેઈનિંગ કેમ્પ સ્થાપ્યો છે કે જેમાં ભારતમાં આતંકવાદી હુમલા માટેનાં કાવતરાં ઘડાઈ રહ્યાં છે.
આ બહુ મોટો મોટો ધડાકો છે કેમ કે ભારતની આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન સિવાયના દેશોના આતંકીઓ રસ લેતા હોય કે મદદ કરતા હોય એ નવી વાત નથી પણ પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ વિદેશી આતંકવાદી સંગઠન પીઓકેમાં કેમ્પ નાંખીને ભારતમાં આતંકવાદ ફેલાવવામાં સીધી મદદ કરી રહ્યું છે.
હમાસ પીઓકે સુધી પહોંચી ગયું તેની આપણને ખબર હોવા છતાં આપણે હુમલાને રોકી ના શક્યા એ પણ આપણી મોટી નિષ્ફળતા કહેવાય.
હમાસે રાતોરાત તો તાલીમ કેમ્પ ઉભો નહીં જ કર્યો હોય એ જોતાં હમાસ કેટલા સમયથી પીઓકેમાં સક્રિય છે એ અટકળનો વિષય છે પણ છેલ્લા ત્રણ મહિનાથી હમાસની હાજરીના તો પુરાવા છે જ.
હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો પછી ઈઝરાયલે હમાસની ઓખાત બગાડી નાંખી છે. તેના કારણે હમાસના નેતા ભાગતા થઈ ગયા છે. ઈઝરાયલે બંકરોમાં છૂપાયેલા ને ઈરાનમાં સર્વેસર્વા ખામેનાઈના ગેસ્ટ હાઉસમાં છૂપાયેલા હમાસના આતંકીઓને પણ પકડી પકડીને ઉડાવી દીધા છે.
ઈઝરાયલના આક્રમણથી ફફડેલા હમાસના નેતા દુનિયામાં સલામતી લાગે એવા દેશોમાં છૂપાઈ ગયા છે. આવા કેટલાક નેતાઓને પાકિસ્તાને પોતાને ત્યાં આવવા આશ્રય આપેલો. ઈન્ટેલીજન્સ રીપોર્ટ પ્રમાણે, ૫ ફેબુ્રઆરીએ હમાસ નેતા પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનમાં આઈએસઆઈના અધિકારીઓ લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મળાવવા પીઓકે લઈ ગયા હતા. રાવલકોટમાં યોજાયેલી રેલીમાં હમાસ નેતાઓને ઘોડા પર સવારી કરાવીને મહાન લડવૈયા હોય એ રીતે તેમનો વરઘોડો કઢાયો હતો.
હમાસના પ્રવક્તા ડૉ. ખાલિદ કદ્દોમી, ડા. નાજી ઝહીર, મુફ્તી આઝમ અને બિલાલ અલસલત એ ચાર આતંકી હાજર હતા એ વાતને સમર્થન મળ્યું છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો દીકરો તલહા સૈફ,લોન્ચિંગ કમાન્ડર અસગર ખાન કાશ્મીરી, મસૂદ ઇલ્યાસ અને બીજા ટોચના આતંકવાદી પણ આ રેલીમાં હાજર હતા.
આ રેલીમાં ભારત વિરોધી ઝેર ઓકાયેલું. 'કાશ્મીર સોલિડેરિટી અને હમાસ ઓપરેશન અલ અક્સા ફ્લડ' ના બેનર હેઠળ યોજાયેલી રેલીમાં કાશ્મીર અને પેલેસ્ટાઇન બંનેને આઝાદ કરાવવા જિહાદ છેડવા માટે મુસ્લિમોને ભારત અને ઇઝરાયલ સામે એક થવા હાકલો કરાઈ હતી.
પીઓકેમાં હમાસી હાજરી ભારત માટે મોટો ખતરો છે પણ વાત અહીં પૂરી થતી નથી. હમાસની હાજરી બાંગ્લાદેશમાં પણ છે એવું આપણા જ ઈન્ટેલિજન્સ રીપોર્ટ કરે છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે ૭ ઓક્ટોબરે મળેલા એક ગુપ્તચર અહેવાલ પ્રમાણે આઈએસઆઈના અધિકારીઓ હમાસના નેતાઓને ઢાકા પણ લઈ ગયા હતા.
આઈએસઆઈ લાંબા સમયથી ભારતનાં પશ્ચિમ બંગાળ સહિતનાં ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આતંકવાદ ભડકાવવા માગે છે. બાંગ્લાદેશમાંથી હસીના ભાગી ગયાં પછી બાંગ્લાદેશમાં આઈએસઆઈ અને પાકિસ્તાનનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરાઈ રહ્યું છે.
આઈએસએઈ બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં કટ્ટરપંથી વિચારધારાનું બીજ રોપવા માટે કરી રહી છે ને તેના ભાગરૂપે હમાસ નેતાઓને ઢાકા લઈ જવાયા હતા.
ઠાકામાં મુફ્તી શાહિદુલ ઇસ્લામ દ્વારા સ્થાપિત ઇસ્લામિક સંગઠન 'અલ મરકઝુલ ઇસ્લામી' દ્વારા કાર્યક્રમ યોજાયેલો ને તેમાં ભારત સામે ઝેર ઓકાયેલું. કરવામાં આવ્યું હતું. શાહિદુલ ઇસ્લામ એસામા બિન લાદેનના ખાસ મનાતા અને અલ-કાયદા સાથે સીધા સંબંધો ધરાવતા જાણીતા કટ્ટરપંથી હતા.
શાહિદુલ ઇસ્લામ બાંગ્લાદેશમાં અલ કાયદાનો પગપેસારો કરવાનારા આતંકી મનાય છે. જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) જેવા ઉગ્રવાદી સંગઠનોનો સ્થાપક ઈસ્લામ બાંગ્લાદેશી આતંકીઓનો ગોડફાધ મનાય છે. ૧૯૯૯માં બાંગ્લાદેશના ખુલનામાં અહમદિયા મસ્જિદ પર બોમ્બ હુમલા બદલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. જો કે પુરાવાના અભાવે શાહિદુલ ઇસ્લામ છૂટી ગયેલો. જેલમાંથી મુક્તિ પછી શાહિદુલ ઇસ્લામ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ગયો હતો, શાહિદુલ ઇસ્લામે અલ-કાયદાના કાર્યકરો પાસેથી વિસ્ફોટકોની તાલીમ મેળવી હતી અને સંખ્યાબંધ હુમલા કરાવ્યા હતા. શાહિદુલ ઇસ્લામ ૨૦૨૩માં ગુજરી ગયો પણ એ પહેલાં બાંગ્લાદેશમાં તેણે આતંક નેટવર્ક ફેલાવી દીધેલું.
ઢાકામાં ઓક્ટોબરના કાર્યક્રમમાં હમાસના ટોચના નેતાઓ શેખ ખાલેદ કુદ્દુમી અને પોલિટિકલ બ્યુરોના પ્રમુખ શેખ ખાલેદ મિશાલે હાજરી આપી હતી.
પાકિસ્તાનના શેખુલ ઇસ્લામ, મુફ્તી તાકી ઉસ્માની અને મૌલાના ફઝલુર રહેમાન જેવા આતંકીઓના મસિકા મનાતા કટ્ટરપંથી પણ હાજર હતા.
આ બંને ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે, હમાસ હવે ભારતમાં સક્રિય છે તેથી ભારતે વધારે સતર્ક રહેવું પડશે. ભારત પર મોટા હુમલા કરવાનાં કાવતરાં વધશે.
ઈસ્લામિક સ્ટેટે કાસરગોડા મોડયુલ બનાવી શ્રીલંકામાં ભીષણ આતંકી હુમલો કરાવેલો
વિશ્વમાં આતંકવાદીઓના સૌથી ખતરનાક સંગઠનોમાંથી એક ઈસ્લામિક સ્ટેટે પણ ભૂતકાળમાભારતમાં પગપેસારો કરવા પ્રયત્ન કર્યો છે. ૨૦૧૯માં કોલંબોમાં થયેલા આતંકવાદી હુમલા પછી એનઆઈએએ કેરળમાંથી ઈસ્લામિક સ્ટેટના કાસરગોડ મોડયુલના આતંકી રિયાઝ અબુ બકરની ધરપકડ કરી હતી.
કાસરગોડ મોડયૂલની શરૂઆત અબ્દુલ રાશિદ અબ્દુલ્લાએ કરેલી હતો. અબ્દુલ્લાએ કાસરગોડના ૨૨ યુવકોને ઈસ્લામિક સ્ટેટમાં જોડયા હતા.
૨૮ વર્ષનો અબ્દુલ્લા એન્જીનિયર જ્યારે તેની પત્ની આયેશા સોફ્ટવેર એન્જિનિયર છે. અબ્દુલ્લા-આયેશાએ ફેબુ્રઆરી ૨૦૧૬માં શ્રીલંકામાં ઇસ્લામિક સ્ટડીના ક્લાસમાં ભાગ લેવા ગયેલાં ત્યારે બંનેને ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ફેલાવતા હોવાનું જણાવીને શ્રીલંકામાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
ભારત આવીને અબ્દુલ્લાએ ૨૨ સાથીદારોની મુસાફરીનો બંદોબસ્ત કર્યો હતો. અબ્દુલ્લાએ ઉચ્ચ શિક્ષિતોને આતંકી મોડયુલમાં જોડેલાં. તેમાં ડો. કે.પી. ઈજાઝ-રાફિલા, શિહાસ-અજમલા, માજિદ-શમસિયા એ ત્રણ કપલ મુખ્ય હતાં.
ચીનમાં ભણેલો ડોક્ટર ઈજાઝ સ્થાનિક હેલ્થ સેન્ટરમાં નોકરી કરતો. ડેન્ટિસ્ટ રાફિલા કાસરગોડની કોલેજમાં જ ભણી હતી. ઈજાઝનો નાનો ભાઈ શિહાસ એન્જીનિયર હતો જ્યારે અજમલા ટીચર હતી. તેનો પિતરાઈ માજિદ મુંબઈમાં હોટલ ચલાવતો જ્યારે શમસિયા કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતી. શ્રીલંકામાં આતંકવાદી હુમલા પછી ત્રણેય કપલ પોતાનાં સંતાનો સાથે ગાયબ થઈ ગયાં હતાં. બીજાં ઘણાં લોકો પણ ગાયબ થયાં છે ને તેમના તાર ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા છે તે કહેવાની જરૂર નથી.
અબ્દુલ્લાએ ઇસ્લામિક સ્ટેટના અફઘાનિસ્તાન અને સીરિયા કેમ્પ માટે દક્ષિણ ભારતના યુવકોની ભરતી કરી હતી. શ્રીલંકાના સીરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકવાદીઓએ કેરળ અને કાશ્મીરમાં તાલિમ લીધી હતી. શ્રીલંકાના હુમલાના માસ્ટર માઇન્ડ ઝાહરાન હાશિમ ત્રણેક મહિના ભારતમાં રહ્યો હતો. એનઆઈએએ આ બધી માહિતીના આધારે સપાટો બોલાવીને ઈસ્લામિક સ્ટેટના નેટવર્કને રફેદફે કરી દીધું હતું.
અલ કાયદાએ ભારતના મુસ્લિમોને જિહાદની હાકલ કરેલી પણ કોઈ પ્રતિસાદ ના મળ્યો
ભારતમાં વૈશ્વિક આતંકવાદી સંગઠનોએ પહેલાં પણ સક્રિય થવાના પ્રયત્નો કર્યા છે. ૨૦૨૦ના મે મહિનામાં અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સરકાર સામે જિહાદ છેડવા હાકલ કરી છે. અલ કાયદાએ દાવો કરેલો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે, મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ કરીને અલ કાયદાએ કહેલું કે, સીએએ દ્વારા ભારતમાં મુસ્લિમોને પતાવી દેવાશે તેથી મુસ્લિમોએ જિહાદ કરવી જ પડે અને ભારતના મુસ્લિમ વિદ્વાનોએ પણ આ જિહાદમાં જોડાવું જોઈએ.
અલ કાયદાના આ નિવેદન પાછળ પાકિસ્તાનનો હાથ હતો એ કહેવાની જરૂર નથી. પાકિસ્તાન ભારતમાં મુસ્લિમોનું નિકંદન કઢાઈ રહ્યું છે અને તેમના પર અત્યાચારો થઈ રહ્યા છે એવી રેકર્ડ વગાડયા જ કરે છે. સીએએ પછી પાકિસ્તાને આ મુદ્દે ભારે કુપ્રચાર કર્યો હતો. અલ કાયદાએ પણ સીએએની વાત કરીને ભારતના મુસ્લિમોને જિહાદ છેડવા કહ્યું તેનો મતલબ સ્પષ્ટ હતો કે, પાકિસ્તાને ચાવી મારેલી છે. અલ કાયદાએ પહેલાં પણ ભારત સામે જિહાદ છેડવાની વાતો કરી હતી. અલ કાયદાની વાતને પાંચ વર્ષ થઈ ગયાં પણ ભારતના મુસ્લિમોએ તેમાં કોઈ રસ બતાવ્યો નથી એ સ્પષ્ટ છે. ભારતમાં અલ કાયદાનું કોઈ નેટવર્ક નથી કે કોઈ પ્રવૃત્તિ પણ નોંધાઈ નથી તેનો અર્થ સાફ છે. ભારતીય મુસ્લિમોને આ વાતોમાં કોઈ રસ નથી.