અબજોપતિ ઓસવાલની ગ્લેમરસ દીકરી યુગાન્ડાની જેલમાં કેમ ?
- ઓસવાલ પરિવારની અકળામણ એટલા માટે વધી છે કે સત્તાવાળા કોઈ જવાબ નથી આપતા અને પિતા પંકજે એવા આક્ષેપો કર્યા છે કે એની દિકરી વસુંધરાને સખ્ત ત્રાસ આપવામાં આવે છે
- ઓસવાલ પરિવારની કુલ સંપત્તિ 3 અબજ ડોલર (લગભગ 25 હજાર કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે પણ પંકજ ભૂતકાળમાં ઘણાં નાણાંકીય વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયામાં એએનઝેડે કેસ કરતાં પંકજે સમાધાન કરીને ઓસ્ટ્રેલિયા છોડવું પડેલું ને સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી થયો. પોતાને સોશિયાલાઈટ ગણાવતી પંકજની પત્ની રાધિકા લેવિશ પાર્ટીઓ પાછળ ધુમાડા કરે છે તેમાં પંકજ લાંબો થઈ ગયો હોવાનું કહેવાય છે. પંકજની દીકરી વસુંધરા પણ ગ્લેમર ગર્લ છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત પોઝ અને એક્સપોઝર સાથેની ૨૬ વર્ષની વસુંધરાની તસવીરો જોઈને ભલભલી હીરોઈનો પણ ઝાંખી પડી જાય.
મૂળ ભારતીય પણ સ્વિત્ઝરલેન્ડમાં રહેતા બિઝનેસ ટાયકૂન્સ પંકજ અને રાધિકા ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલના યુગાન્ડામાં ગેરકાયદેસર રીતે જેલમાં ધકેલી દેવાઈ તેનો મુદ્દો ગાજી રહ્યો છે. ઓસવાલ પરિવારનો દાવો છે કે, ૨૬ વર્ષની વસુંધરા ૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ યુગાન્ડામાં પોતાની કંપની પીઆરઓ ઇન્ડસ્ટ્રીઝના એક્સ્ટ્રા-ન્યુટ્રલ આલ્કોહોલ (ઈશછ) પ્લાન્ટની મુલાકાતે ગઈ હતી ત્યારે પોલીસ અધિકારીઓ હોવાનો દાવો કરતા ૨૦ જેટલા સશસ્ત્ર લોકો આવ્યા અને વોરંટ વિના તેને ઉઠાવી ગયા.
ઓસવાલ પરિવારને વસુંધરાના સીક્યુરિટી સ્ટાફ પાસેથી ઘટનાની ખબર પડી પછી તેમણે પોલીસનો સંપર્ક કર્યો તો ખબર પડી કે, વસુંધરા સામે તો તેને ત્યાં કામ કરતો ને છેલ્લા કેટલાક દિવસોથી ગુમ શેફના અપહરણ અને હત્યાનો આરોપ છે. ઓસવાલ પરિવારના કહેવા પ્રમાણે આ આક્ષેપ સાવ ખોટો છે અને વસુંધરાને ફસાવવા માટે કરાયો છે. આ શેફે બે લાખ ડોલરની લોન લીધેલી કે જેમાં ઓસવાલ પરિવાર ગેરંટર છે. આ લોન ના ભરવી પડે એટલે એ ઘરમાંથી કરોડોનું ઝવેરાત લઈને ગાયબ થઈ ગયો ને તાન્ઝાનિયામાં જલસા કરે છે પણ યુગાન્ડાની સરકારે રાજકીય કારણોસર વસુંધરાને ઉઠાવીને જેલમાં ધકેલી દીધી છે.
પંકજ ઓસવાલે દીકરી વસુંધરાને છોડાવવા ભારે ઉધામા કર્યા પણ યુગાન્ડાની સરકાર મચક નથી આપતી. ઓસવાલે યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીને ખુલ્લો પત્ર લખીને વસુંધરા પર ભારે અત્યાચાર થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વસુંધરાને ઉઠાવી ગયા પછી જૂતાનાં રૂમમાં રખાઈ હતી, સાવ ગંદા ને લોહીના ડાઘા ધરાવતા બાથરૂમનો ઉપયોગ કરવાની ફરજ પડાઈ, પૂરતું ખાવાનું નથી અપાતું એ સહિતના આક્ષેપો પંકજે કર્યા છે પણ યુગાન્ડાની સરકાર મચક નથી આપતી. ઓસ્વાલે આક્ષેપ કર્યો છે કે, વસુંધરાને વકીલ નથી અપાઈ રહ્યો અને તેના પરિવારને મળવા દેવામાં આવતી નથી.
પંકજે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરનાં પત્ની અને પ્રખ્યાત માનવાધિકાર વકીલ ચેરી બ્લેરને વકીલ તરીકે રોક્યાં છે. ચેરી બ્લેરે યુનાઈટેડ નેશન્સમાં અરજી કરીને વસુંધરાના માનવાધિકારોનો ભંગ કરાઈ રહ્યો હોવાની રજૂઆત કરી છે પણ યોવેરી મુસેવેનીના પેટનું પાણી હાલતું નથી. યોવેરી મુસેવેની કોઈ જવાબ જ આપતા નથી તેથી ઓસવાલ પરિવારની અકળામણ વધી રહી છે.
ઓસ્વાલ પરિવારની રજૂઆતને જોતાં યુગાન્ડાની સરકાર ૨૬ વર્ષની છોકરી પર અત્યાચારો કરી રહી હોય એવું લાગે પણ જાણકારોના મતે, ઓસ્વાલ પરિવારે યોવેરી મુસેવેની સાથે દગો કર્યો તેનું આ ફળ છે. પંકજે યુગાન્ડામાં પ્લાન્ટની મંજૂરી માટે યોવેરી મુસેવેનીને નક્કી કરેલી રકમ પહોંચાડી નહીં તેમાં વસુંધરાને ઉઠાવી જવાઈ છે. યોવેરી મુસેવેની સાથેના સંબંધોનો લાભ ઉઠાવીને પંકજના પરિવારે ક્રિપ્ટો કરન્સીનું જંગી કૌભાંડ કર્યું હોવાનું પણ કહેવાય છે. પંકજે મુસેવેનીની નજીકના માણસોનું કરી નાંખીને ક્રિપ્ટો કરન્સી ઓહિયાં કરી ગયો તેમાં મુસેવેનીએ તેને પોતાનો પાવર બતાવી દીધો હોવાનું કહેવાય છે. આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ પંકજ ઓસવાલનો ભવ્ય ભૂતકાળ જોતાં આ વાત સાચી હોઈ શકે છે. ઓસવાલ પરિવારની કુલ સંપત્તિ ૩ અબજ ડોલર (લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે પણ પંકજ ભૂતકાળમાં ઘણાં નાણાંકીય વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. પંકજ એક સમચે ઓસ્ટ્રેલિયામાં સૌથી ધનિક માણસ ગણાતો હતો. પંકજ ઓસ્વાલની બુર્રૃપ ફર્ટિલાઈઝર ઓસ્ટ્રેલિયામાં ધમધોકાર ચાલતી.
પંકજે આ કમાણીનો ઉપયોગ લેવિશ લાઈફસ્ટાઈલ માટે કરવા કંપનીના ૧૫ કરોડ ડોલર ફેમિલી ટ્રસ્ટમાં નાંખી દીધા હોવાનો આરોપ મૂકાયેલો.
પંકજે પ્રાઈવેટ જેટ, યોટ અને લક્ઝુરીયસ કાર ખરીદેલી. પર્થમાં સ્વાન નદીના કિનારે પંકજે તાજ મહલ બનાવવાની જાહેરાત પણ કરેલી. પંકજે એએનઝેડ બેંક પાસેથી લીધેલી લોન ના ભરી તેથી બેંકે કેસ કર્યો તેમાં છેવટે સમાધાનરૂપે પંકજ-રાધિકાને ૧૫ કરોડ ડોલર મળ્યા પણ બદલામાં ધમધોકાર ચાલતી કંપની છોડીને ઓસ્ટ્રેલિયા છોડીને ભાગવું પડેલું. સેટલમેન્ટ રૂપે મળેલાં નાણાંમાંથી પરિવાર સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી થઈને ત્યાં જ રહે છે પણ તેમની લેવિશ લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડયો નથી.
થોડા સમય પહેલાં જ ઓસવાલ પરિવારે સ્વિટ્ઝર્લેન્ડના ગિંગિન્સ ખાતે વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંથી એક વિલા વેરી ૨૦ કરોડ ડોલર (લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો.
૪.૩ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો વિલાના રીનોવેશન પાછળ જ ઓસવાલ પરિવારે બીજા ૧૦ કરોડ ડોલરનો ધુમાડો કરી નાંખ્યો હોવાનું કહેવાય છે. પોતાને સોશિયાલાઈટ ગણાવતી પંકજની પત્ની રાધિકા લેવિશ પાર્ટીઓ પાછળ ધુમાડા કરવા માટે જાણીતી છે ને તેમાં પંકજ લાંબો થઈ ગયો હોવાનું કહેવાય છે. પંકજની દીકરી વસુંધરા પણ ગ્લેમર ગર્લ છે.
સોશિયલ મીડિયા પર જબરદસ્ત પોઝ અને એક્સપોઝર સાથેની તેની તસવીરો જોઈને ભલભલી હીરોઈનો પણ ઝાંખી પડી જાય. વસુંધરા બહુ રૂપાળી છે ને સોશિયલ મીડિયા પર રૂપનાં કામણ વિખેર્યા કરે છે.
સ્વિટ્ઝર્લેન્ડ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ ગ્રેજ્યુએટ થયેલી વસુંધરા ઓસવાલ એક્સિસ મિનરલ્સ અને પીઆરઓ ઇન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
વસુંધરાએ કાર્બન ડાયોક્સાઇડ-કેપ્ચરિંગ પ્લાન્ટ બનાવ્યો હોવાનું કહેવાય છે. કોલ્ડ્રિંક્સ બનાવતી કંપનીઓને રિસાયકલ કરેલું પાણી સપ્લાય કરે છે એવું પણ કહેવાય છે. જો કે વસુંધરા તેના બિઝનેસ કરતાં વધારે ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.
વસુંધરાએ પણ પિતાના રસ્તે ચાલીને લોકોને બાટલામાં ઉતારીને ખંખેરવાનો ધંધો માંડયો પણ તેનો પનારો ખોટા માણસ સાથે પડી ગયો. યોવેરી મુસેવેની દુનિયાના સૌથી ક્ર શાસકોમાં એક મનાય છે એ જોતાં ઓસવાલ પરિવાર મોટી મુસીબતમાં ફસાયો છે એ નક્કી છે.
38 વર્ષથી યુગાન્ડાના પ્રમુખ અય્યાશ મુસેવેનીને રોજ નવી છોકરી જોઈએ
યુગાન્ડામાં ૧૯૮૬થી એટલે કે ૩૮ વર્ષથી યોવેરી કાગુતા મુસેવેની તિબુહાબુર્વા પ્રમુખપદે છે. ૮૦ વર્ષના યોવેરી પહેલાં યુગાન્ડાના લશ્કરમાં ઓફિસર હતા. યોવેરીએ યુગાન્ડાના અર્થતંત્રને સરખું કર્યું પણ બેફામ ભ્રષ્ટાચાર પણ કર્યો છે. એકદમ અય્યાશ મુસેવેનીને પોતાની શરીરની ભૂખ સંતોષવા રોજ નવી છોકરી જોઈએ છે એવું કહેવાય છે. યોવેરીએ પોતાના વિરોધીઓને સાફ કરીને યુગાન્ડા પર કબજો કરી લીધો છે. તેનો દીકરો મુહૂઝી કેઆનેરૂગાબા તેના પછી પ્રમુખ બનશે એ નક્કી છે.
યોવેરીએ ૧૯૭૨માં યુગાન્ડાના કુખ્યાત સરમુખત્યાર ઈદી અમીનને ઉથલાવવા માટે થયેલા બળવાને ક્રતાથી દબાવી દીધો તેથી અમીનના માનીતા બની ગયા હતા. તાન્ઝાનિયાની મદદથી ઈદીને ઉથલાવવા માટે શો ઉઠાવનારા લોકોને યોવેરીએ શોધી શોધીને સાફ કરી નાંખ્યા હતા. આ કારણે યોવેરીનો દબદબો વધી ગયો. યુગાન્ડાના ભૂતપૂર્વ પ્રમુખ મિલ્ટોન ઓબોટના સમર્થકો તક જોઈને યોવેરીની સાથે થઈ ગયા. તેમણે યોવેરીને ઈદી અમીનના સ્થાને પ્રમુખ બનવા માટે ચડાવ્યા. તાન્ઝાનિયા પણ યોવેરીને મદદ કરવા તૈયાર હતું તેથી ૧૯૭૩માં જ યોવેરીએ ઈદી અમીન સામે મોરચો માંડી દીધો. ઈદી અમીન પણ અત્યંત ક્રૂર હતો તેથી તેણે પણ વિરોધીઓને સાફ કરવા પૂરી તાકાત લગાવીને લશ્કરને છૂટો દોર આપી દીધો. છ વર્ષ સુધી ચાલેલા જંગમાં લાખોની કત્લેઆમ થઈ ને છેવટે હાર નજીક લાગતાં ઈદી લિબિયા ભાગી ગયો. યોવેરી પ્રમુખપદના પ્રબળ દાવેદાર હતા પણ ઓબોટના સમર્થકોએ દગો દેતાં લટકી પડયા ને ઓબોટ ફરી પ્રમુખ બન્યા. હતાશ થયા વિના યોવેરીએ વિપક્ષોને એક કરીને જંગ છેડયો ને છેવટે ૧૯૮૬માં યોવેરી પ્રમુખ બન્યા.
પંકજ ભાજપ સાંસદ નવિન જિંદાલનો સાળો, સંપત્તિ માટે માતા-ભાઈ સામે લડેલો
પંકજ ઓસવાલ હરિયાણાના કુરૂક્ષેત્રના ભાજપના સાંસદ અને ઉદ્યોગપતિ નવિન જિંદાલનો સાળો છે. પંકજની બહેન શાલુનાં લગ્ન નવિન સાથે થયાં છે. નવિન વરસો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી પલટી મારીને ભાજપમાં જતો રહ્યો છે. નવિનનાં માતા સાવિત્રી જિંદાલ ભારતનાં સૌથી ધનિક મહિલા હતાં. સાવિત્રી જિંદાલ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યાં છે.
પંકજ ઓસ્વાલ એગ્રો મિલ્સના સ્થાપક અભય કુમારનો મોટો દીકરો છે. અભય ઓસવાલ એક જમાનામાં ધીરૂભાઈ અંબાણીની કક્ષાના દેશના ટોચના ઉદ્યોગપતિ ગણાતા હતા. પંકજ ભારતમાં ભણ્યો છે પણ પછી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો હતો. પંકજ ૨૦૧૬માં પિતાના અવસાન પછી અચાનક ભારત પાછો આવી ગયો. પંકજે માતા અરૂણાને કંપનીનાં ચેરમેનપદેથી કાઢવાની જાહેરાત કરી અને પંજાબી પરંપરા પ્રમાણે પગડી રસમ કરી પોતાને પિતાનો વારસ જાહેર કરી દીધો.
અરૂણાએ દીકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પંકજનો નાનો ભાઈ શૈલેન્દ્ર ઉર્ફે શીલ પંજાબનો જાણીતો પોપ સિંગર છે. શીલ અને અરૂણાએ કેસ કરતાં છેવટે પંકજે ખસી જવું પડેલું.
અત્યારે ઓસ્વાલ એગ્રો અને ઓસ્વાલ ગ્રીનટેક એ બંને કંપનીનો કર્તાહર્તા શીલ છે. શીલે પંજાબી ફિલ્મો અને ટેલીવિઝનની જાણીતી એક્ટ્રેસ સમીક્ષા સિંહ સાથે લગ્ન કર્યાં છે. સમીક્ષા અને શીલ બંનેનાં પહેલા લગ્ન નિષ્ફળ ગયેલાં, શીલને પહેલા લગ્નથી દીકરી સોહાન્ના અને દીકરો શિવમ છે જ્યારે સમીક્ષાને એક દીકરો આમેયબિર છે.