યોગીને કદ પ્રમાણે વેંતરી નાંખવા OBC નેતાઓની ત્રિપુટી મેદાને, જેમાં એક તો ભાજપના કદાવર નેતા
- યોગીની હિન્દુવાદી ઇમેજના કારણે ભાજપમાં મોદી પછી યોગી લોકપ્રિય નેતા તરીક ઉભરી આવ્યા તેના કારણે હવે તેમને કદ પ્રમાણે વેતરી નાંખવાના પેંતરા ચાલે છે
- મૌર્ય, અનુપ્રિયા અને રાજભર એ ત્રણેય ઓબીસી નેતા એક જ મુદ્દે મચ્યાં છે તેના પરથી સ્પષ્ટ છે કે, યુપીમાં સવર્ણ નેતા યોગી આદિત્યનાથ સામે ઓબીસી નેતાઓએ મોરચો માંડી દીધો છે. યોગી સામેના આ મોરચાને ભાજપ હાઈકમાન્ડના આશિર્વાદ છે એ કહેવાની પણ જરૂર નથી કેમ કે મૌર્ય, અનુપ્રિયા અને રાજભર ત્રણેય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નજીકના નેતાઓ છે. વાસ્તવમાં મૌર્ય, અનુપ્રિયા અને રાજભરે લોકસભાની ચૂંટણી પહેલાંથી જ યોગી સામે મોરચો માંડી દીધો હતો.
Uttarpradesh Political News about Yogi Adityanath| ઉત્તર પ્રદેશમાં થોડા સમયની શાંતિ પછી યોગી આદિત્યનાથ વર્સીસ કેશવ પ્રસાદ મૌર્યનો જંગ પાછો શરૂ થયો છે. યોગી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પહેલેથી યોગી કેબિનેટની બેઠકોમાં હાજરી આપતા નથી પણ બહાર રહીને યોગીને ભીંસમાં મૂકવા મથ્યા કરે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે મૌર્યે પોતાની જ સરકારને પત્ર લખીને સરકારના તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કેટલા કર્મચારીઓ કામ કરે છે અને તેમાં અનામતનું કઈ રીતે પાલન કરાયું છે તેની વિગતો માગી છે.
મૌર્યે ક્યા વિભાગ દ્વારા કેટલા પ્રમાણમાં આઉટસોર્સિંગ કરાય છે અને તેમાં કોને કોન્ટ્રાક્ટ અપાય છે તેની પણ વિગતો માગી છે. મૌર્યે આ પત્ર ઉત્તર પ્રદેશ સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એપોઈન્ટમેન્ટ એન્ડ પર્સોનલ વિભાગને પત્ર લખીને આ વિગતો માગી છે. આ વિભાગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તાબા હેઠળ આવે છે તેથી મૌર્યે યોગીને ભીંસમાં મૂકવા લેટર બોમ્બ ફોડયો છે એ કહેવાની જરૂર નથી.
મૌર્યે આક્ષેપ મૂક્યો છે કે, પોતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ડીપાર્ટમેન્ટ ઓફ એપોઈન્ટમેન્ટ એન્ડ પર્સોનલના અધિકારીઓને આ તમામ વિગતો આપવા કહ્યું હતું પણ અધિકારીઓએ મારી વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હતી. ૧૫ જુલાઈએ લખનઉની ભાજપ પ્રદેશ કારોબારીમાં યોગી અને મૌર્ય વચ્ચે ભારે તડાફડી થઈ તેના એક દિવસ પહેલાં ૧૫ જુલાઈ, ૨૦૨૪ના રોજ મૌર્યે ફરી પત્ર લખીને વિગતો માગી હતી પણ કશું ના થતાં મૌર્યે ફરી પત્ર ફટકારી દીધો છે.
મૌર્ય પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને અપના દલનાં નેતા અનુપ્રિયા પટેલે પણ યોગી સરકારને પત્ર લખીને વિગતો માગી હતી. અનુપ્રિયાએ તો સરકાર પર ઓબીસી અને એસસી અનામતના નિયમોની ઐસીતૈસી કરીને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની નિમણૂક કરાઈ હોવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. યોગી સરકારે અનુપ્રિયા પટેલના પત્રનો જવાબ આપવાની તસદી સુધ્ધાં નહોતી લીધી. એ પછી બીજા ઓબીસી નેતા અને યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે આ જ પ્રકારના પત્ર લખીને અનુપ્રિયાના આક્ષેપોને દોહરાવ્યા હતા. યોગી આદિત્યનાથે રાજભરને પણ જવાબ આપવાની તસદી ના લેતાં હવે કેશવ પ્રસાદ મૌર્યે પોતે આ મુદ્દો ઉઠાવીને પત્ર લખી દીધો છે.
મૌર્ય, અનુપ્રિયા અને રાજભર એ ત્રણેય ઓબીસી નેતા એક જ મુદ્દે મચ્યાં છે તેના પરથી સ્પષ્ટ છે કે, યુપીમાં સવર્ણ નેતા યોગી આદિત્યનાથ સામે ઓબીસી નેતાઓએ મોરચો માંડી દીધો છે. યોગી સામેના આ મોરચાને ભાજપ હાઈકમાન્ડના આશિર્વાદ છે એ કહેવાની પણ જરૂર નથી કેમ કે મૌર્ય, અનુપ્રિયા અને રાજભર ત્રણેય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નજીકના નેતાઓ છે. વાસ્તવમાં મૌર્ય, અનુપ્રિયા અને રાજભરે લોકસભાની ચૂંટણી પહેલાંથી જ યોગી સામે મોરચો માંડી દીધો હતો.
મૌર્ય, અનુપ્રિયા અને રાજભરે અમિત શાહ સાથેના નિકટતાનો લાભ લઈને યુપીની લોકસભાની ચૂંટણી માટેની ટિકિટોની વહેંચણીથી માંડીને પ્રચાર સુધીની બાબતોમાં યોગીનો એકડો કાઢી નંખાવ્યો હતો. ભાજપ હાઈકમાન્ડે મૌર્ય, અનુપ્રિયા અને રાજભરની ત્રિપુટીના કહેવા પ્રમાણે ટિકિટોની વહેંચણી કરી અને પ્રચારની કમાન પણ પોતાના હાથમાં રાખી તેનું શું પરિણામ આવ્યું તે સૌની નજર સામે છે. ૨૦૧૯માં યુપીમાં લોકસભાની ૬૨ બેઠકો જીતનારો ભાજપ અત્યારે ૩૩ બેઠકો પર આવી ગયો છે.
મૌર્ય, અનુપ્રિયા અને રાજભરને એમ હતું કે, ઓબીસી મતબેંકના જોરે પોતે ભાજપનો જયજયકાર કરાવી દેશે પણ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી સામે એ લોકો સાવ વામણા પુરવાર થયા છે. આ વાતનો સ્વીકાર કરવાની તેમનામાં હિંમત નથી તેથી ભાજપની હાર માટે દોષનો ટોપલો યોગી આદિત્યનાથ પર ઢોળીને તેમને વધેરી નાંખવાના ભાજપ હાઈકમાન્ડના કારસામાં એ લોકો હાથો બની રહ્યા છે.
યોગી સામે આ મોરચો કેમ મંડાયો છે એ પણ કહેવાની જરૂર નથી. ભાજપમાં નરેન્દ્ર મોદી પછી કોણ એ સવાલ ક્યારનોય પૂછાયા કરે છે. એક સમય હતો કે જ્યારે મોદી પછી અમિત શાહ એવું જ મનાતું હતું પણ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ભાજપને સળંગ બે વાર જીતાડયું પછી સમીકરણો બદલાઈ ગયાં છે. યોગીની હિંદુવાદી ઈમેજના કારણે ભાજપમાં મોદી પછી યોગી સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા તેના કારણે હવે તેમને કાપી નાંખવાના કારસા થઈ રહ્યા છે ને એ માટે આ ઓબીસી ત્રિપુટીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
કેશવ પ્રસાદ મૌર્ય ૨૦૧૭માં મુખ્યમંત્રીપદના દાવેદાર હતા પણ અચાનક યોગી ફૂટી નિકળતાં લટકી ગયા હતા તેથી એ અતૃપ્ત આત્મા છે. તેમને લાગે છે કે, અમિત શાહનો હાથ પકડવાથી તેમને મુખ્યમંત્રીપદ મળી જશે. ઓમ પ્રકાશ રાજભર અને અનુપ્રિયા પટેલનો પહેલાં જેવો વટ રહ્યો નથી કેમ કે યોગીએ બધાંને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે. યોગી તો ઓમ પ્રકાશ રાજભર અને દારાસિંહ ચૌહાણને પોતાના મંત્રીમંડળમાં લેવા જ નહોતા માગતા પણ શાહના દબાણના કારણે તેમણે બંનેને મંત્રીમંડળમાં લેવા પડયા હતા. મંત્રીમંડળમાં લેવાયા પછી રાજભરે મૌર્ય સાથે મળીને યોગીને ભીંસમાં મૂકવાની વ્યૂહરચના અમલમાં મૂકી દીધી હતી.
ભાજપ હાઈકમાન્ડ યોગીને હટાવવા ગને તે ઉધામા કરે પણ યોગી મજબૂત નેતા છે. અત્યાર લગી તેમણે જે રીતે ઝીંક ઝીલી છે એ જોતાં તેમને હટાવવા અઘરા છે.
ભાજપની બી ટીમ માયાવતી નબળાં પડતાં અખિલેશ ભાજપને પછાડી ગયા
ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર માટે ભાજપે તેના રીપોર્ટમાં ગમે તે કારણ આપ્યાં પણ ઓબીસી અને દલિત મતદારો ભાજપને બદલે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તરફ ઢળી ગયા એ મુખ્ય કારણ છે.
અત્યાર સુધી યુપીમાં ભાજપ, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી એમ ત્રિપાંખિયો જંગ રહેતો હતો.
માયાવતી અને અખિલેશની લડાઈનો ભાજપને ફાયદો મળતો. દલિત મતદારોનો ભાજપ વિરોધી વર્ગ માયાવતીની સાથે રહેતો તેથી ભાજપ વિરોધી મતો વહેંચાઈ જતા.
માયાવતી થોડા ઘણા મુસ્લિમ મતો પણ ખેંચી જઈને અખિલેશની મતબેંકમાં ગાબડું પાડી દેતાં. તેના બદલામાં ભાજપે માયાવતી સામેના ભ્રષ્ટાચારના કેસોમાં ઢીલ મૂકી દીધી છે.
માયાવતીએ મુખ્યમંત્રી તરીકે કરેલા ભ્રષ્ટાચાર કે તેમના ભાઈ આનંદ કુમારના નોટબંધી વખતનાં કૌભાંડોની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓએ ઢીલું મૂકી દીધું તેનું કારણે ભાજપ અને માયાવતીની મિલિભગત હતી. માયાવતી એ રીતે ભાજપની બી ટીમ જ હતાં.
હવે દલિતોના ભાજપ વિરોધી વર્ગને સમજાયું છે કે, માયાવતી સાવ પતી ગયાં છે અને તેમને મત આપીને પોતાના મત વેડફવા જેવા નથી કેમ કે તેના કારણે ભાજપને ફાયદો થાય છે. આ ચૂંટણીમાં દલિતોના આ વર્ગે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને મત આપ્યા છે. અખિલેશનો જયજયકાર થઈ ગયો તેનું કારણ દલિત મતદારો છે.
મૌર્યને બેસાડી યુપીમાં સવર્ણ-ઓબીસી-દલિત ધરી રચવાની ભાજપની ગણતરી
ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણો અત્યંત પેચીદાં છે. ઉત્તર પ્રદેશમાં ૮૦ ટકા મતદારો હિંદુ અને ૨૦ ટકા મતદારો મુસ્લિમ છે. ભાજપ મુસ્લિમ મતદારો તેને મત આપતા હોવાનો દાવો કરે છે પણ મુસ્લિમ મતદારો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે છે. વચ્ચે થોડો સમય બસપા સાથે હતા પણ પાછા સપા-કોંગ્રેસ સાથે છે. બાકીના ૮૦ ટકા હિંદુ મતદારોમાં દલિત મતદારો ૨૧ ટકા, સવર્ણ મતદારો ૩૭ ટકા અને ઓબીસી મતદારો ૪૨ ટકા છે.
સવર્ણોમાં ઠાકુર અને બ્રાહ્મણ મુખ્ય છે. સવર્ણ મતદારો મુખ્યત્વે ભાજપ સાથે છે પણ બાકીના ત્રણ મોટા વર્ગ ભાજપ સાથે નથી. આ પૈકી મુસ્લિમો ભાજપ સાથે આવી શકે તેમ નથી તેથી ભાજપ સવર્ણો અને ઓબીસીની ધરી બનાવીને જીતવા માગે છે.
ઓબીસીમાં પણ યાદવો અખિલેશ યાદવ સાથે છે તેથી ભાજપની નજર બાકીની ઓબીસી મતબેંક પર છે. ભાજપ અખિલેશ તરફ વળેલા દલિત મતદારો અને સપાની ઓબીસી મતબેંકમાં ગાબડું પાડવા માગે છે.
યોગી આદિત્યનાથ ઠાકુર એટલે કે સવર્ણ હોવાથી યોગી હશે ત્યાં સુધી ઓબીસી કે દલિતો ભાજપ તરફ નહીં વળે પણ ઓબીસી નેતા કેશવ પ્રસાદ મૌર્ય હોય તો ઓબીસી ભાજપ તરફ વળશે એવું ભાજપની નેતાગીરીને લાગે છે. આ કારણે મૌર્યને ગાદી પર બેસાડવા હાઈકમાન્ડ થનગને છે પણ યોગી મચક નથી આપતા.