Get The App

સાધ્વી પર રેપ, બે ખૂનના દોષિત રામ રહીમ પર રહેમ કેમ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સાધ્વી પર રેપ, બે ખૂનના દોષિત રામ રહીમ પર રહેમ કેમ 1 - image


- નક્કર કારણ વિના રામ રહીમને પેરોલ પર પેરોલ મળી રહ્યા છે, દર ત્રણ મહિને રામ રહીમને પેરોલના બહાને જેલની બહાર લવાય છે

- 2017માં પંચકુલાની કોર્ટે બળાત્કારના કેસમાં રામ રહીમને દોષિત ઠેરવીને 20 વર્ષની ફટકારી દીધી. એ વખતે રામ રહીમના સમર્થકોએ કરેલાં તોફાનોમાં 38 લોકોના જીવ ગયેલા પણ ભાજપનું અકાલી દળ સાથે જોડાણ હોવાથી સીખ મતદારોને રીઝવવા ભાજપ સરકારે રામ રહીમ સામે આકરું વલણ લીધેલું.

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ઈંશાંને પેરોલનો વિવાદ ફરી ગાજ્યો છે. ગુરમીત રામ રહીમને પોતાના જ આશ્રમની સાધ્વી પર વારંવાર બળાત્કાર ગુજારવા બદલ ૨૦ વર્ષની જેલની સજા થઈ છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં જનમટીપ થઈ છે જ્યારે પોતાના જ મેનેજર રણજીતસિંહની હત્યાના કેસમાં પણ આજીવન કેદની સજા થઈ છે.

જે વ્યક્તિને ત્રણ-ત્રણ ગંભીર ગુના બદલ સજા થઈ હોય એવી વ્યક્તિ પર મહેરબાન થઈને જેલતંત્રએ ૫૦ દિવસના પેરોલ પર છોડી દીધો છે. રામ રહીમને પેરોલ પર છોડયો હોય એવું પહેલી વાર નથી બન્યું. રામ રહીમને આ નવમી વાર પેરોલ પર છોડવામાં આવ્યો છે. 

સીખોની મોટી સંસ્થા મનાતી શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતી (એસજીપીસી)એ તો રામ રહીમને વારંવાર અપાતા પેરોલ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું એલાન પણ કર્યું છે. રામ રહીમનો હરિયાણા અને પંજાબના ચોક્કસ વર્ગ પર પ્રભાવ છે તેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે છોડી મૂકાયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

બીજી તરફ સરકાર અપરાધીઓને પંપાળીને કાયદો અને વ્યવસ્થા તથા ન્યાયતંત્રને મજાકરૂપ બનાવી રહી હોવાની ટીકા પણ થઈ રહી છે. રામ રહીમ સામે સાબિત થયેલા અપરાધોને જોતાં આ આક્ષેપો કે ટીકા ખોટાં પણ નથી. રામ રહીમ બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠરેલો છે એ જોતાં તેને કઈ રીતે વારંવાર પેરોલ આપી શકાય એ મુદ્દો વ્યાજબી જ છે. 

રામ રહીમ સામે સાધ્વીઓના શારીરિક શોષણ સહિતના આક્ષેપો લાંબા સમયથી થતા જ હતા પણ રાજકીય વગના કારણે તેનું કોઈ કશું ઉખાડી શકતું નહોતું. બળાત્કારના જે કેસમાં રામ રહીમને સજા થઈ એ કેસમાં પણ પીડિતાએ ૨૦૦૨માં બળાત્કારનો આક્ષેપ કરેલો.

સાધ્વીનો આક્ષેપ હતો કે, પોતે વરસોથી રામ રહીમના આશ્રમમાં રહેતી હતી. રામ રહીમે એક રાત્રે પોતાના રૂમમાં બોલાવીને પરાણે શારીરિક સંબંધ બાંધીને આખી રાત તેને ભોગવી હતી. રામ રહીમે યુવતીને કહેલું કે, મારી સાથે સંબંધ બાંધીને તુ પવિત્ર થઈ ગઈ છે. એ પછી આ સિલસિલો શરૂ થઈ ગયો ને રામ રહીમને ઈચ્છા થાય ત્યારે યુવતીને બોલાવીને પોતાની હવસ સંતોષતો હતો.

ઘર છોડીને આવેલી સાધ્વી શરૂઆતમાં બધું સહન કરતી રહી પણ રામ રહીમના  અત્યાચારો વધતાં સાધ્વીએ હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.  તેનાથી કંઈ ના થતાં ૨૦૦૨માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામ રહીમસિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી તેથી ૨૦૦૨ના સપ્ટેમ્બરમાં સીબીઆઇને તપાસ સોંપવામાં આવી પણ સીબીઆઈએ કશું ના કર્યું.  યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામ રહીમે આશ્રમમાં હજારો યુવતીઓને  હવસનો શિકાર બનાવી છે. રામ રહીમને રોજ નવી સ્ત્રી શરીરની ભૂખ સંતોષવા જોઈએ છે.

રામ રહીમને પોલીસ કે સીબીઆઈએ કંઈ ના કર્યું પણ રામચંદ્ર છત્રપતિ નામના  પત્રકારે તેની સામે લખવા માંડયું. રામ રહીમને શંકા હતી કે, છત્રપતિને રણજીત સિંહ મસાલો પૂરો પાડે છે. દરમિયાનમાં આશ્રમમાં યુવતીઓ પર કરાતા જાતિય અત્યાચારોની પત્રિકા ફરતી થઈ. છત્રપતિએ આ પત્રિકાની વિગતો છાપી તેથી  ભડકેલા રામ રહીમે ૨૦૦૨માં જ  છત્રપતિની ગોળી મારીને હત્યા કરાવડાવી. પછી રણજિતસિંહને પણ પતાવી દેવાયો. 

રામ રહીમ પાસે પુષ્કળ પૈસો હોવાથી તેને પૈસા વેરીને છૂટી જવાનો ફાંકો હતો પણ એક પછી બીજા ને બીજા પછી ત્રીજા કેસમાં પણ સજા થતાં રામ રહીમને બરાબરનો બૂચ વાગી ગયો. રામ રહીમ કોંગ્રેસના જોરે કૂદતો હતો કેમ કે તેના વેવાઈ કોંગ્રેસી છે પણ કોંગ્રેસ હવે બચાવી નહીં શકતાં તેણે ભાજપના પગ પકડયા છે. ભાજપ રાજકીય ફાયદા માટે તેને પેરોલ આપીને છોડયા કરે છે.

રામ રહીમનો હરિયાણા-પંજાબમાં મોટો અનુયાયી વર્ગ છે. દલિતો પર તેમનો ભારે પ્રભાવ હોવાથી લોકસભાની ચૂંટણીમાં એ ફાયદો કરાવશે એવી લાલચમાં ભાજપ સરકારે તેને પેરોલ આપવા માંડયા છે. રામ રહીમને છેલ્લા ૨૦૨૩ના નવેમ્બરમા પેરોલ અપાયા ત્યારે પંજાબ અને હરિયાણા સરકારે આ રીતે વારંવાર પેરોલ આપવા સામે સવાલ કરેલો. મનોહરલાલ ખટ્ટરની સરકારે એ વખતે બેશરમ થઈને કહી દીધેલું કે, રામ રહીમને સારા વર્તનના આધારે પેરોલ અપાય છે.

સારા વર્તનને આધારે કોઈને આટલા બધા દિવસ કઈ રીતે જેલની બહાર રખાય એ મોટો સવાલ છે. રામ રહીમને પહેલી વાર ૨૦૨૦ના ઓક્ટોબરમાં ગુડગાંવની હોસ્પિટલમાં દાખલ પોતાની બિમાર માતાને જોવા માટે એક દિવસના પેરોલ મળ્યા હતા. એ પછી ૨૦૨૧ના મેમાં ૧૨ કલાકના પેરોલ બિમાર માતાને જોવા મળેલા. અહીં સુધી બધું બરાબર હતું પણ ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં અચાનક જ મનોહરલાલ ખટ્ટર સરકારે રીઝીને રામ રહીમને પરિવારને મળવા માટે ૧૨ દિવસના પેરોલ આપ્યા. હદ તો એ થઈ ગઈ કે જેલની બહાર આવેલા રામ રહીમને ઝેડ પ્લસ સીક્યુરિટી અપાયેલી. આ પેરોલ પછી તો પેરોલનો સિલસિલો જ શરૂ થઈ ગયો. 

આઘાતની વાત એ છે કે કોઈ નક્કર કારણ વિના રામ રહીમને પેરોલ પર પેરોલ મળી રહ્યા છે. દર ત્રણ મહિને રામ રહીમને પેરોલના બહાને જેલની બહાર લવાય છે ને ધીરે ધીરે પેરોલની મુદત વધારાતી જાય છે. ૨૦૨૨ના જૂનમાં રામ રહીમને ૩૦ દિવસના પેરોલ મળેલા. એ પછી ૨૦૨૨ના ઓક્ટોબરમાં અને ૨૦૨૩ના જાન્યુઆરીમાં ૪૦-૪૦ દિવસના પેરોલ આપી દેવાયેલા. જુલાઈમાં ૩૦ ને નવેમ્બરમાં ૨૧ દિવસના પેરોલ અપાયા પછી આ વખતે સીધા ૫૦ દિવસના પેરોલ આપી દેવાયા છે. મતલબ કે, છેલ્લા દોઢ વર્ષમાં રામ રહીમ ૨૧૧ દિવસ તો જેલની બહાર જ રહ્યો છે. જેલમાં તેને અપાતી વીઆઈપી ટ્રીટમેન્ટની વાત ના કરીએ તો પણ બળાત્કાર ને હત્યામાં દોષિત ઠરેલી વ્યક્તિ આ રીતે સતત જેલની બહાર જ રહે તો કાયદાનું શાસન કઈ રીતે કહેવાય ?

રામ રહીમને માનેલી દીકરી સાથે સંબંધો હોવાનો આક્ષેપ થયેલો 

રામ રહીમ અને તેમની માનેલી  દીકરી હનીપ્રીત વચ્ચેના સંબધો પણ ચર્ચાસ્પદ બનેલા. હનીપ્રિતનું મૂળ પ્રિયંકા તનેજા હતું અને એ ફરીદાબાદની છે. હવે રામ રહીમે તેનું નામ રૂહાની દીદી કરી દીધું છે. 

હનીપ્રીતનાં લગ્ન ૧૯૯૯માં રામ રહીમની હાજરીમાં વિશ્વાસ ગુપ્તા સાથે થયેલાં. વિશ્વાસના દાદા લૂબિયા રામ ગુપ્તા પંજાબની ધરૌંદા બેઠક પરથી ધારાસભ્ય હતા. વિશ્વાસનો પરિવાર ડેરા સચ્ચા સૌદાનો વરસોથી અનુયાયી હોવાથી રામ રહીમના કહેવાથી દીકરાનાં લગ્ન હનીપ્રીત સાથે કરેલાં. રામ રહીમે ત્યારે હનીપ્રીતને દત્તક લઈને પોતાની દીકરી જાહેર કરી હતી. 

ગુપ્તાએ પાછળથી હનીપ્રીત અને રામ રહીમ વચ્ચે શારીરિક સંબધો હોવાનો દાવો કર્યો હતો. બંનેને પોતે રામ રહીમની ગુફામાં સાવ નગ્નાવસ્થામાં રંગરેલિયાં જોયેલાં તેવો દાવો પણ  ગુપ્તાએ કર્યો હતો.  હનીપ્રીત રામ રહીમની દીકરી ગણાતી હોવાથી ગમે ત્યારે રૂમમાં જતી રહેતી ને પોતાને બહાર બેસાડી રખાતો હતો. અંદર બંને પોતાની હવસ સંતોષતાં હતાં. ગુપ્તાનો દાવો છે કે પોતાની આ વાતની ખબર પડી પછી પોતે હનીપ્રીતથી છૂટાછેડા લઈ લીધેલા.

'આશ્રમ' રામ રહીમની સ્ટોરી હોવાનો વિવાદ ઉભો થયેલો

બોબી દેઓલને ચમકાવતી પ્રકાશ ઝાની વેબ સીરિઝ 'આશ્રમ' ગુરમીત રામ રહીમના જીવન પર આધારિત હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.  બોબી દેઓલનો લૂક ગુરમીત રામ રહીમ જેવો રખાયો હોવાથી આ વાતો ચાલી હતી પણ સત્તાવાર રીતે આ સીરિઝ રામ રહીમ પર આધારિત નહીં હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.  

'આશ્રમ' વેબ સીરિઝમાં કાશીપુરમાં આશ્રમ ચલાવતા બાબા નિરાલા ગુનાઈત ભૂતકાળ ધરાવે છે એવું બતાવાયું છે. બાબા નિરાલા પોતાના આશ્રમની સાધ્વીઓને હવસનો શિકાર બનાવે છે અને પોતાની સામે પડનારની હત્યાઓ પણ કરાવી દે છે, રાજકારણમાં પણ તેમનો ભારે પ્રભાવ છે તેથી રામ રહીમ સાથે તેને જોડી દેવાઈ હતી. આ વેબ સીરિઝને ભારે લોકપ્રિયતા મળી છે. વેબ સીરિઝની ૩ સીઝન થઈ ગઈ છે અને ચોથી સીઝન ક્યારે આવશે તેનો સૌને ઈંતજાર છે. સમગ્ર વિશ્વમાં ૧૫૦ કરોડ લોકોએ 'આશ્રમ' વેબ સીરિઝ જોઈ હોવાનો દાવો તેના સર્જકોએ કર્યો છે. 

'આશ્રમ' સીરિઝ આવી ત્યારે તેમાં હિંદુઓની આશ્રમ વ્યવસ્થાને બદનામ કરાઈ હોવાનો વિવાદ પણ ઉભો થયો હતો.

News-Focus

Google NewsGoogle News