Get The App

લોરેન્સની સિન્ડિકેટમાં 70 ખતરનાક ગેંગસ્ટર. 700થી વધુ શાર્પ શૂટર

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
લોરેન્સની સિન્ડિકેટમાં 70 ખતરનાક ગેંગસ્ટર. 700થી વધુ શાર્પ શૂટર 1 - image


- લોરેન્સના સાથીઓમાં ઉત્તર પ્રદેશમાં બ્રિજેશ અને ધનંજય સિંહ, બિહારમાં ગેંગસ્ટર અનંતસિંહ, રાજસ્થાનમાં અનુરાધા ચૌધરી વગેરેનો સમાવેશ થાય છે

- લોરેન્સની પોતાની ગેંગ મુખ્યત્વે હરિયાણા અને રાજસ્થાનમાં કામ કરે છે પણ તેના સાથીઓની ગેંગ ઉત્તર ભારતમાં તમામ રાજ્યોમાં સક્રિય છે. દિલ્હીમાં હાશિમ બાબા ગેંગ લોરેન્સ સાથે મળીને કામ કરે છે. ઉત્તર પ્રદેશમાં બે રાજકારણી કમ ગેંગસ્ટર બ્રજેશ સિંહ અને ધનંજ્ય સિંહની ગેંગ તેની સાથે જોડાયેલી છે. બિહારમાં પણ ગેંગસ્ટર પોલિટિશિયન્સ અનંત સિંહ અને રાજન તિવારીની ગેંગ લોરેન્સ સાથે મળીને કામ કરે છે. હરિયાણામાં કાલા જઠેડી ઉપરાંત ગોગી ગેંગ અને સુખવિંદર ગુ્રપ તેની સાથે છે. રાજસ્થાનમાં અનુરાધા ચૌધરી લોરેન્સની સાથી છે. આ કુખ્યાત ગેંગસ્ટર્સની મદદથી લોરેન્સ બિશ્નોઈએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. ગેંગ વોરના બગલે ક્રાઈમમાં કો-ઓપરેશન અને કોર્પોરેટ કલ્ચરના કારણે બિશ્નોઈ ગેંગના સામ્રાજ્યને કોઈ છિન્નભિન્ન કરી શકતું નથી.

આખા ઉત્તર ભારતમાં જેના નામથી લોકો કાંપે છે એવા લોરેન્સ બિશ્નોઈની ક્રાઈમ સિન્ડિકેટમાં ૭૦થી વધારે ગેંગસ્ટર અને ૭૦૦થી વધારે શાર્પ શૂટર્સ હોવાનું કહેવાય છે. ભારત જ નહીં પણ અમેરિકા, કેનેડા, પોર્ટુગલ, થાઈલેન્ડ, પાકિસ્તાન સહિતના દેશોમાં તેનું નેટવર્ક છે. ભારતમાં તો ભાગ્યે જ કોઈ રાજ્ય એવું હશે કે જ્યાં બિશ્નોઈ ગેંગ સક્રિય નહીં હોય. 

લોરેન્સની ગેંગમાં લોરેન્સ ઉપરાંત ગોલ્ડી બ્રાર, અર્શ દલ્લા અને કાલા જઠેડી મુખ્ય છે. સતિન્દરજીતસિંહ ઉર્ફે ગોલ્ડી ્રબ્રાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટની યાદીમાં છે. કેનેડા અને ભારત વચ્ચે જેની હત્યાના કારણે તણાવ થયો એ ખાલિસ્તાનવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા ગોલ્ડીએ કરાવી હોવાનો આક્ષેપ કેનેડાની પોલીસે મૂક્યો છે. 

ગોલ્ડી બ્રાર અમેરિકામાં રહેતો હોવાનું કહેવાય છે પણ તેનો સાથી અર્શ દલ્લા કેનેડામાં રહે છે. લોરેન્સને અપરાધની દુનિયામાં લાવવાનું શ્રેય ગોલ્ડી બ્રારને જાય છે. ગોલ્ડી કોલેજમાં લોરેન્સનો સીનિયર હતો. લોરેન્સને કોલેજ પોલીટિક્સમાં ગોલ્ડી જ લાવેલો.  ગોલ્ડી સામે પંજાબમાં જ ૫૨ કેસ છે. 

ગોલ્ડી અને બિક્રમ બ્રાર સાથે મળીને પંજાબમાં ક્રાઈમ નેટવર્ક ચલાવતો અર્શદીપસિંહ ગિલ પંજાબના મોંગા જિલ્લાના દલ્લાનો હોવાથી અર્શ દલ્લા તરીકે ઓળખાય છે. દલ્લાએ નિજ્જર કરતાં પણ વધારે હત્યાઓ કરાવી હોવાનું કહેવાય છે. કનિષ્ક પ્લેન બોમ્બિંગમાં સંડોવાયેલા આતંકવાદી રીપુદમનસિંહ મલિકની હત્યા દલ્લાએ કરાવી હતી. ૨૭ વર્ષનો અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ઈન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. 

૨૦૨૦માં ભારત છોડીને કેનેડા ગયેલો દલ્લા બ્રિટિશ કોલંબિયામાં પત્ની અને નાની દીકરી સાથે રહેતો હોવાનું મનાય છે. દલ્લા સામે હિંદુ સંત પ્રજ્ઞાાજ્ઞાાન મુનિ, ડેરા સચ્ચા સૌદાના મનોહરલાલ સહિતનાં લોકોની હત્યાના કેસ  છે. 

લોરેન્સની ગેંગમાં સૌથી મહત્વનો માણશ કાલા જઠેડી છે. બિશ્નોઈ ગેંગની પોસ્ટમાં લોરેન્સ, ગોલ્ડી બ્રાર અને કાલા જઠેડીનો ઉલ્લેખ હોય જ છે. 

હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી પણ મોટી માયા છે. જઠેડીએ પાછાં લગ્ન  લેડી ડોન અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિંજ સાથે કર્યાં છે. આ વર-બૈરીનો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ભારે આતંક છે.  

સોનીપત જિલ્લાના જઠેડી ગામનો હોવાથી કાલા જઠેડી તરીકે ઓળખાતા સંદીપ સામે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ એ ચાર રાજ્યોમાં કાલા જઠેડી સામે હત્યા, અપહરણ, લૂંટ વગેરેના ૩૦થી વધારે કેસ નોંધાયેલા છે.   કાલાએ કરેલા અપરાધોની સંખ્યા   બહુ વધારે છે પણ તેના ડરથી મોટા ભાગના કેસમાં ફરિયાદ નોંધાવવા   કોઈ આગળ આવતું નથી. કાલા જઠેડી પાસે ૨૦૦થી વધારે શાર્પ શૂટર અને મસલમેન છે. તેમની મદદથી જમીનો પર કબજો કરીને કાલા પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. 

સંદીપ ઉર્ફે કાલા માત્ર બારમું ભણેલો છે. ૨૦૦૦ના દાયકામાં કેબલ ઓપરેટર તરીકે શરૂઆત કરનારા જઠેડી સામે ૨૦૦૪માં મારામારીનો પહેલો કેસ નોંધાયો હતો. જેલમાંથી બહાર આવીને કાલાએ બે હત્યાઓ કરીને ગેંગ જમાવી દીધી અને છેલ્લા બે દાયકાથી હરિયાણામાં આતંકનો પર્યાય છે.

કાલાની પત્ની અનુરાધા ચૌધરી હાઈલી એજ્યુકેટેડ અને ફ્લુઅન્ટ અંગ્રેજી બોલે છે. દિલ્હીથી બી.ટેક. અને પછી એમબીએ કરનારી અનુરાધા કોલેજમાં ફેલિક્સ દીપક મિંજના પ્રેમમાં પડીને પરણી ગયેલી. એમબીએ થયા પછી દીપક-અનુરાધાએ રાજસ્થાનના સિકરમાં શેરબજારનો બિઝનેસ શરૂ ઉંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવેલા પણ એ પૈસા ડૂબી ગયા. 

લેણદારોની પઠાણી ઉઘરાણીથી બચવા દીપક રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલસિંહના શરણે જતાં અનુરાધા આનંદપાલના સંપર્કમાં આવી. બંને વચ્ચે નિકટતા સ્થપાઈ પછી અનુરાધા  દીપકને છોડીને આનંદપાલની ગર્લફ્રેન્ડ બની ગઈ. ફેલિક્સ મિંજની પત્ની હોવાથી આનંદપાલ  ગેંગના ગુંડા તેને લેડી મિંજ કહેતા.

આનંદપાલે અનુરાધાને અત્યાધુનિક હથિયારો ચલાતાં શીખવ્યું. એમબીએ અનુરાધા ગેંગના નાણાકીય વ્યવહારો જોતી. ૨૦૧૭માં પોલીસ એન્કાઉન્ટરમાં આનંદપાલ મરાયો પછી અસ્તિત્વ ટકાવવા અનુરાધાએ લોરેન્સ બિશ્નોઈ સાથે હાથ મિલાવ્યા. બિશ્નોઈના ખાસ માણસ સંદીપ ઉર્ફે કાલા જઠેડીના પ્રેમમાં પડી ને પરણી ગઈ. અનુરાધા સામે હત્યા, અપહરણ, ખંડણી વગેરેના ૧૨ કેસ છે. 

લોરેન્સની સિન્ડિકેટમાં લેખપ્રિત અને સત્યવીર સન ઉર્ફે રોમી કેનેડામાં રહીને કામ કરે છે. બંને લોરેન્સ સાથે કોલેજમાં ભણતા ને દોડવીર બનવાનાં સપનાં જોતા જોતા ગેંગસ્ટર બની ગયા.અમેરિકામાં ધરમાન કહલોન, વિરેન્દ્ર, ગુરપ્યાર બાગપુરાના, અમદીપ મુલતાની લોરેન્સ માટે કામ કરે છે. લોરેન્સનો ભાઈ અનમોલ તેમની મદદથી જ ગેંગ ચલાવે છે. પોર્ટુગલમાં લખા કુરુક્ષેત્ર, થાઈલેન્ડમાં મનિષ ભંડારી અને ઈંગ્લેન્ડમાં રાજા ઉર્ફે મોન્ટી લોરેન્સ માટે કામ કરે છે. પાકિસ્તાનમાં શહઝાદ ભટ્ટી અને હરવિંદરસિંહ રિંદા લોરેન્સ બિશ્નોઈ સાથે કામ કરે છે. રિંદા ખાલિસ્તાનવાદી આતંકવાદી છે. 

ભારતમાં લોરેન્સની ગેંગમાં રોહિત ગોદરા, સચિન થાપન, કપિલ સાંગવાન, સંપત નેહરા જેવા કુખ્યાત ગેંગસ્ટર છે. સંપત પણ કોલેજમાં લોરેન્સની સાથે હતો. પીઆઈ બાપનો દીકરો સંપત રનર બનવાનાં સપનાં જોતો જોતો ગેંગસ્ટર બની ગયો. 

લોરેન્સની પોતાની ગેંગ મુખ્યત્વે હરિયાણા અને રાજસ્થાનમાં કામ કરે છે પણ તેના સાથીઓની ગેંગ ઉત્તર ભારતમાં તમામ રાજ્યોમાં સક્રિય છે. દિલ્હીમાં હાશિમ બાબા ગેંગ લોરેન્સ સાથે મળીને કામ કરે છે. ઉત્તર પ્રદેશમાં બે રાજકારણી કમ ગેંગસ્ટર બ્રજેશ સિંહ અને ધનંજ્ય સિંહની ગેંગ તેની સાથે જોડાયેલી છે. 

બિહારમાં પણ ગેંગસ્ટર પોલિટિશિયન્સ અનંત સિંહ અને રાજન તિવારીની ગેંગ લોરેન્સ સાથે મળીને કામ કરે છે. હરિયાણામાં કાલા જઠેડી ઉપરાંત ગોગી ગેંગ અને સુખવિંદર ગુ્રપ તેની સાથે છે. રાજસ્થાનમાં અનુરાધા ચૌધરી લોરેન્સની સાથી છે. 

આ કુખ્યાત ગેંગસ્ટર્સની મદદથી લોરેન્સ બિશ્નોઈએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. ગેંગ વોરના બદલે ક્રાઈમમાં કો-ઓપરેશન અને કોર્પોરેટ કલ્ચરના કારણે બિશ્નોઈ ગેંગના સામ્રાજ્યને કોઈ છિન્નભિન્ની કરી શકતું નથી. લોરેન્સ ૨૦૧૫થી જેલમાં હોવા છતાં દેશનો સૌથી મોટો ગેંગસ્ટર બની ગયો છે.

લોરેન્સનો ભાઈ અનમોલ રાષ્ટ્રવાદી હિંદુ ગેંગસ્ટરની ઈમેજ બનાવવા સક્રિય

લોરેન્સની સિન્ડિકેટમાં 70 ખતરનાક ગેંગસ્ટર. 700થી વધુ શાર્પ શૂટર 2 - image

લોરેન્સ બિશ્નોઈની ગેરહાજરીમાં નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ ગેંગનો કર્તાહર્તા હોવાનું મનાય છે. સલમાનના ઘર પર ફાયરિંગનું પ્લાનિંગ અનમોલે કરેલું.  અનમોલે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને હુમલાની જવાબદારી લઈને ધમકી આપી હતી કે, આ તો ટ્રેલર છે પણ હવે પછી ઘર પર ગોળીઓ નહીં ચલાવાય, સીધી સલમાન પર ચલાવાશે. આ છેલ્લી વોર્નિંગ છે, અમારી તાકાતનાં પારખાં કરવાનું છોડી દો. 

અનમોલ બિશ્નોઈ પોતાને રાષ્ટ્રવાદી હિંદુ ગેંગસ્ટર તરીકે સ્થાપિત કરવા માગે છે તેથી પોતાની પોસ્ટની શરૂઆતમાં ઓમ, જય શ્રી રામ, જય ગુરૂ જમ્ભેશ્વર, જય ગુરૂ દયાનંદ સરસ્વતી અને જય ભારત પણ લખે છે. અનમોલ પોતાના ઘરમાં હવન કરતો હોય કે કોઈ હિંદુ ધાર્મિક વિધી કરતો હોય એવા વીડિયો પણ મૂક્યા કરે છે. અનમોલે પોતાના બે કૂતરાનાં નામ દાઉદ અને છોટા શકીલ રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો છે.

રાજસ્થાનની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનારો અનમોલ ઉર્ફે ભાનુ અત્યારે કેનેડામાં હોવાનું મનાય છે. ગયા વરસે થયેલી પંજાબના પોપ સિંગર અને કોંગ્રેસના નેતા સિધ્ધુ મૂસેવાલાની હત્યામાં અનમોલ સંડોવાયેલો હતો.

 પોલીસે અનમોલને ઝડપી ધોંસ વધારતાં અનમોલ ભાગીને વિદેશ જતો રહેલો. અનમોલ પંજાબના જાણીતા ગાયકો કરન ઔજલા અને શેરી માન સાથે પાર્ટી કરતો હોય એવો વીડિયો બહાર આવ્યો પછી પંજાબ પોલીસે અમેરિકાને જાણ કરેલી પણ અનમોલ હાથ નહોતો લાગ્યો. અનમોલ સામે પાંચ હત્યા સહિત ૧૮ કેસ નોંધાયેલા છે. અનમોલ ૨૦૨૧ના ઓક્ટોબર સુધી જોધપુર જેલમાં બંધ રહેલો. ૨૦૨૧ના ઓક્ટોબરમાં જામીન પર છૂટયા પછી ફરાર થઈને કેન્યા જતો રહેલો.

લોરેન્સ બિશ્નોઈ ભારત સરકારની એનઆઈએનું પ્યાદું ? 

લોરેન્સ બિશ્નોઈની ભારતીય એજન્સીઓ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ પણ થાય છે. એનઆઈએ લોરેન્સ ગેંગનો ઉપયોગ ભારત વિરોધી કુખ્યાત પરિબળોને સાફ કરવા કરી રહી હોવાનું કહેવાય છે.  એનઆઈએ લોરેન્સ અને ગોલ્ડી બ્રારની ખાલિસ્તાનવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાનું કહે છે પણ વાસ્તવમાં બંને એનઆઈએ માટે કામ કરતા હોવાનું કહેવાય છે.  

કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલિસે તો બિશ્નોઈની ગેંગ સહિતનાં અપરાધ સાથે સંકળાયેલાં સંગઠનોનો ઉપયોગ ભારત સરકારના એજન્ટો કેનેડામાં ખાલિસ્તાન તરફીઓના ખાતમા માટે કરી રહ્યા હોવાનો સત્તાવાર આરોપ મૂક્યો છે. હરદીપસિંહ નિજ્જર અને સુખા દુનાન્કેની બિશ્નોઈ ગેંગે કરાવી હોવાનું કેનેડા માને છે. 

લોરેન્સને સલામત રાખવા સાબરમતી જેલમાં રખાયો હોવાનું કહેવાય છે, કેન્દ્ર સરકારે ખાસ ઓર્ડર દ્વારા તેને બીજાં રાજ્યોની પોલીસ કે એજન્સીઓને સોંપવા પર પ્રતિબંધ મૂક્યો છે. 

પાકિસ્તાનમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકવાદીઓ અને ખાલિસ્તાનવાદીઓની હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે. તેની પાછળ પણ લોરેન્સ ગેંગ હોવાના આક્ષેપ થાય છે.

News-Focus

Google NewsGoogle News