Get The App

રીયા ચક્રવર્તીને ક્લીન ચીટઃ કેન્દ્રીય એજન્સીઓની આબરૂ ધૂળધાણી

Updated: Mar 24th, 2025


Google News
Google News
રીયા ચક્રવર્તીને ક્લીન ચીટઃ કેન્દ્રીય એજન્સીઓની આબરૂ ધૂળધાણી 1 - image


- આ કેસમાં સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીને મીડિયાએ વિલન ચિતરી દીધી હતી. સીબીઆઈએ ક્લિન ચીટ આપીને તેની સામેનો કેસ બંધ કરી દીધો છે

- રીયા સામેના કેસ ભારતમાં એજન્સીઓના દુરૂપયોગનો સૌથી ગંદો નમૂનો છે. રીયાને એટલા માટે ટાર્ગેટ કરાયેલી કે, આદિત્ય ઠાકરે સાથે તેના સંબંધો હોવાની શંકા હતી. સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન પર ગેંગ રેપ-હત્યાના કેસમાં આદિત્ય ઠાકરેને ફસાવવા કેન્દ્ર સરકારની બધી એજન્સીઓને કામે લગાડી દેવાઈ હતી.  તેના ભાગરૂપે રીયા ચક્રવર્તી પાછળ પણ આ એજન્સીઓને છોડી મૂકાઈ હતી. ઈડી , એનસીબી અને સીબીઆઈએ  રીયા સામે કેસ ઠોકીને જેલભેગી કરીને રીયાને ફસાવવા ભરપૂર પ્રયત્નો કર્યા પણ અંતે ક્લીન ચીટ આપવી પડી.

એક તરફ એક્ટર સુશાંત સિંહા રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનો કેસ ફરી ખોલવાની અરજી થઈ છે ત્યારે બીજી તરફ સીબીઆઈએ સુશાંત સિંહા રાજપૂતના મોતની તપાસનો સંકેલો કરી લીધો. આ કેસમાં સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીને મીડિયાએ વિલન ચિતરી દીધી હતી. સીબીઆઈએ રીયા ચક્રવર્તીને ક્લિન ચીટ આપીને તેની સામેનો કેસ બંધ કરી દીધો છે. 

સુશાંતના મોતના કેસમાં સીબીઆઈ બે કેસની તપાસ કરતી હતી. પહેલો કેસ સુશાંતના પરિવારે નોંધાવેલો કે જેમાં રીયા ચક્રવર્તી પર સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવીને આપઘાતની ફરજ પાડવાનો આક્ષેપ મૂકાયેલો. બીજો કેસ રીયાએ સુશાંતની બહેનો અને ડોક્ટર સામે કરેલો કે જેમણે રીયાને ફસાવવા વોટ્સએપ પર પ્રિસ્ક્રિપ્શન મોકલીને કાવતરું રચેલું. સીબીઆઈએ બંને કેસ બંધ કરીને રીયાને દૂધે ધોયેલી જાહેર કરી દીધી છે. 

રીયા સામેના કેસ ભારતમાં એજન્સીઓના દુરૂપયોગનો સૌથી ગંદો નમૂનો છે. રીયાને એટલા માટે ટાર્ગેટ કરાયેલી કે, આદિત્ય ઠાકરે સાથે તેના સંબંધો હોવાની શંકા હતી. સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન પર ગેંગ રેપ-હત્યાના કેસમાં આદિત્ય ઠાકરેને ફસાવવા કેન્દ્ર સરકારની બધી એજન્સીઓને કામે લગાડી દેવાઈ હતી.  તેના ભાગરૂપે રીયા ચક્રવર્તીની પાછળ પણ આ એજન્સીઓને છોડી મૂકાઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એમ ત્રણેય કેન્દ્રીય એજન્સીઓએ  રીયા સામે કેસ ઠોકીને તેને ફસાવવા ભરપૂર પ્રયત્નો કરાયા પણ અંતે રીયાને ક્લીન ચીટ આપવી પડી. 

રીયાને ફસાવવાના પ્લાનની શરૂઆત સુશાંતના મોતના દોઢ મહિના પછી ૨૫ જુલાઈ, ૨૦૨૦ના રોજ, રાજપૂત  પરિવારે પટણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ સાથે થઈ. આ એફઆઈઆરમાં સુશાંતના પિતા કે.કે. સિંહે  આક્ષેપ કરેલા કે, રીયાએ સુશાંતના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રીયા સુશાંતને ખંખેરવા તેની સાથે પ્રેમનું નાટક કરતી હતી અને તેને ડ્રગ્સ પૂરું પાડતી હતી. રીયાએ જ સુશાંતને આત્મહત્યા કરવાની ફરજ પાડી હતી. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં 'બિહાર કા બેટા' સુશાંત સિંહ રાજપૂતના નામે ચરી ખાવા નીતિશ કુમારની સરકારે ઉભા કરેલા તૂતના ભાગરૂપે આ ફરિયાદ નોંધાઈ ને પછી કેસ સીબીઆઈને સોંપી દેવાયો. 

સીબીઆઈને આ કેસ સોંપાયો પછી રીયા ઉપરાંત તેના પિતા ઈન્દ્રજીત, માતા સંધ્યા. બાઈ શોવિક, મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને શ્રુતિ મોદીને આરોપી બનાવાયાં હતાં. આ લોકો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણી, ગોંધી રાખવો, ચોરી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, સિંહે આક્ષેપ મૂકેલો કે, સુશાંતે તેની બહેનને કહેલું કે રીયા તેનાં મેડિકલ પ્રિસ્ક્રિપ્શન જાહેર કરીને તેને પાગલ સાબિત કરી દેશે કેમ કે આપઘાતના એક દિવસ પહેલાં રીયા સુશાંત પાસેથી તેની બધી મેડિકલ રીસિપ્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન્સ લઈ ગઈ હતી.  રાજપૂતને ડર હતો કે, રીયા દિશા સાલિયાનના મોતના કેસમાં તેને ફસાવી દેશે. 

સીબીઆઈની એફઆઈઆરના પગલે આ કેસમાં એનસીબી અને ઈડીની એન્ટ્રી થઈ. એનસીબીએ પહેલાં રીયાના ભાઈ શોવિકને ઉઠાવીને અંદર નાંખ્યો ને અઠવાડિયા પછી  રીયાને જેલભેગી કરી નાંખેલી. એનસીબીએ રીયા સામે આરોપ મૂકેલો કે, રીયા ડ્રગ્સ સીન્ડિકેટની ત્ક્રય સભ્ય છે અને સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનાં નાણાં આપતી હતી. રીયાએ કબૂલ્યું છે કે પોતે ક્યારેક ક્યારેક ડ્રગ્સ લેતી ને સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી હતી.  

એનસીબીએ   રીયાના ફોનની વોટ્સએપ ચેટ હતી કે જેમાં સુશાંત માટે ડ્રગ્સ લેવા થયેલી નાણાંકીય લેવડદેવડની  વાતો હતી. ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન સુશાંતના નોકર દીપેશ સાવંતે રીયા અને શોવિકના કહેવાથી ૧૬૫ ગ્રામ મારીજુઆના લઈને સુશાંતને પહોંચાડેલું . સુશાંત સાથે સંકળાયેલા મનાતા બે ડ્રગ્સ સપ્લાયર પાસેથી એનસીબીએ ૫૯ ગ્રામ મારીજુઆના ઝડપ્યું હોવાનો દાવો પણ કરાયેલો.

રીયાને ફસાવવાના અભિયાનમાં સૌથી પહેલી પછડાટ ઈડીને મળી. ઈડીની તપાસમાં ખબર પડી કે, સુશાંતના ખાતામાંથી રીયા કે તેના પરિવારના ખાતામાં કોઈ નાણાં ટ્રાન્સફર જ થયાં નથી. બલ્કે છેલ્લાં કેટલાંક વરસોથી સુશાંતના ખાતામાં નાણાં જ નહોતાં ને કોઈ આવક જ નહોતી. બીજી પછડાટ સીબીઆઈને મળી. સીબીઆઈએ સુશાંતની હત્યા કરાઈ હોવાના આક્ષેપોના પગલે   ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ને કેસ રીફર કરેલો. એઈમ્સે  રીપોર્ટ આપ્યો કે, સુશાંતે આપઘાત જ કરેલો, તેની હત્યા થયેલી એ વાતોમાં કોઈ દમ નથી. 

ત્રીજી પછડાટ એનસીબીને મળી. રીયાએ કરેલી ડ્રગ્સના કેસની જામીન અરજીમાં હાઈકોર્ટે એનસીબીનાં છોતરાં કાઢી નાખેલાં. હાઈકોર્ટે મહત્વનો મુદ્દો એ ઉભો કર્યો હતો કે,  રીયા કે સુશાંતને ત્યાંથી ડ્રગ્સ મળ્યું જ નથી ત્યારે રીયાને કઈ રીતે ડ્રગ્સ સીન્ડિકેટ સાથે જોડી શકાય ?  એનસીબીએ બકવાસ દલીલ કરેલી કે, સેલિબ્રિટીઝ કે રોલ મોડલ્સ સામે આકરા થવું જોઈએ કે જેથી યુવા પેઢી માટે દાખલો બેસે. હાઈકોર્ટે આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને કહેલું કે, કાયદા આગળ બધા સરખા છે તેથી આવા ભેદભાવ ઉભા ના કરશો. હાઈકોર્ટે રીયા સામે કોઈ પુરાવા નહીં હોવાના આધારે તેને જામીન આપી દીધા પછી રીયા સામે કોઈ કેસ જ નહોતો બચ્યો. 

સીબીઆઈએ પછી કાગળિયાં કરીને કેસ બંધ કરવાની ઔપચારિકતા પૂરી કરવાની હતી. રીયાને ક્લિન ચીટ દ્વારા  એ ઔપચારિકતા પૂરી કરાઈ છે પણ સીબીઆઈની શરમકથા અહીં પતતી નથી.  રીયાએ સુશાંતની બે બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહ સામે સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી હતી. તેના બીજા જ દિવસે રીયાને જેલભેગી કરી દેવાયેલી. 

રીયાની ફરિયાદમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો. તરૂણ કુમાર પણ સંડોવાયેલા હતા. રીયાનો આક્ષેપ હતો કે, સુશાંતની બહેનોએ ડો. તરૂણ કુમારને સાધીને બોગસ મેડિકલ પ્રીસ્ક્રીપ્શન તૈયાર કરીને સુશાંતને વોટ્સએપ પર મોકલાવેલું. સુશાંત મુંબઈમાં હતો પણ તેને દિલ્હીમાં આઉટપેશન્ટ બતાવીને પ્રીસ્ક્રીપ્શન લખાવાયેલું. 

કોરોના વખતે દિલ્હીની ૨૪ સરકારી હોસ્પિટલોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને દર્દી હોસ્પિટલમાં આવ્યા વિના ડોક્ટરનું માર્ગદર્શન અને દવા મેળવી શકે તેવી વ્યવસ્થા કરાયેલી. તેનો ગેરલાભ લઈને સુશાંતની બહેનોએ  સુશાંત માટે એનઝાઈટીની દવાઓનું બનાવટી પ્રીસ્ક્રીપ્શન તેના મોતના પાંચ દિવસ પહેલાં જ વોટ્સએપ પર મોકલેલું. સીબીઆઈએ આ કેસમાં કશું ના કર્યું ને તેનો વીંટો વાળી દીધો છે. 

- રિયા ચક્રવર્તી નિષ્ફળ અભિનેત્રી પણ અફેર્સના કારણે ચર્ચાસ્પદ

રિયા ચક્રવર્તીએ ટીવી સીરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું પણ તેની કારકિર્દી બહુ સફળ નહોતી. ૮ ફિલ્મો અને ૫ ટીવી શો કરનારી રીયા સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઈન રીલેશનમાં રહેતી હતી ત્યારે તેની પાસે કોઈ કામ જ નહોતું.  રિયાએ ૨૦૦૯માં એમટીવી ઈન્ડિયાના ટીવીએસ સ્ક્રૂટી ટીન દિવા શો   સાથે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. એ વખતે રિયા માત્ર ૧૭ વર્ષની હતી. આ શોમાં રીયા ફસ્ટ રનર-અપ રહી હતી.

 રીયાએ એમટીવમાં વીડિયો જોકી (વીજે) બનવા ઓડિશન આપ્યું ને પસંદ થઈ પછી એમટીવી વોસ્સપ, ટિકટેક કોલેજ બિટ, એમટીની ગોન ઈન સિક્સ્ટી સેકન્ડ્સ વગેરે શો હોસ્ટ કર્યા હતા. આ દરમિયાન રીયા ફિલ્મો માટે પણ ઓડિશન આપતી હતી તેથી ફિલ્મોમાં પણ રોલ મળવા માંડયા. ૨૦૧૨માં રીલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'તુનીગા તુનીગા'થી હિન્દી ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ.  ૨૦૧૩માં આવેલી મેરે ડેડ કી મારુતિથી રીયાએ હિન્દી ફિલ્મ કારકિર્દી શરૂ કરી. રીયાએ પછી હાફ ગર્લફ્રેન્ડ, દોબારાઃ સી એવિલમાં પણ નાનકડી ભૂમિકાઓ ભજવી હતી . રીયાએ એ પછી યશરાજ ફિલ્મ્સની બેંક ચોરમાં પણ કામ કરેલું. જલેબી અને ચેહરે તેની બીજી બે ફિલ્મો છે. આ પૈકી એક પણ ફિલ્મ ચાલી નથી. 

રીયા તેની એક્ટિંગ કરતાં તેનાં અફેર્સના કારણે વધારે જાણીતી છે. રીયાનું ૨૦ વર્ષની ઉંમરે ૮ વર્ષ મોટા આદિત્ય રોય કપૂર સાથે પહેલું અફેર થયું. એ પછી સાકિબ સલિમ, હર્ષવર્ધન કપૂર, સુશાંત સિંહ રાજપૂત, બંટી સજદેહ અને છેલ્લે નિખિલ કામથ એમ છ તો જાણીતાં અફેર છે. પોતાનાથી ૫૦ વર્ષ મોટા મહેશ ભટ્ટ સાથે રીયાને અફેર હોવાની વાતો પણ ચાલી હતી.

- મીડિયા ટ્રાયલ ચલાવનારી ટીવી ચેનલો રીયાની માફી માગશે ? 

રીયા ચક્રવર્તી સામે ટીવી ચેનલોએ ભારતના ઈતિહાસમાં સૌથી ધૃણાસ્પદ મીડિયા ટ્રાયલ ચલાવ્યો હતો. રીયા ચક્રવર્તી જ નહીં પણ આખું બોલીવુડ ડ્રગ્સનો અડ્ડો હોય એવો કુપ્રચાર ચેનલોએ  ચલાવ્યો. રીયા ચક્રવર્તી સિવાય દીપીકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રિત સિંહ સહિતની ઘણી અભિનેત્રીઓ સામે કોઈ પણ પુરાવા વિના આક્ષેપો કરીને આબરૂના ધજાગરા કરી નાંખ્યા. અભિનેત્રીઓને પૂછપરછ માટે બોલાવાઈ, તેમના ફોન જપ્ત કરીને અપમાનિત કરાઈ પણ કશું હાથ ના લાગ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં ઘણાં મોટાં માથાંને પણ બદનામ કરાયાં. 

કંગના રાણાવત આ મીડિયા ટ્રાયલમાં મોખરે હતી. કંગના આણિ મંડળીએ પોતાના સ્કોર સેટલ કરવા સુશાંતને હીરોમાંથી ઝીરો બનાવી દીધો. સુશાંત ગુજરી ગયો ત્યારે લોકોને તેના માટે સહાનુભૂતિ હતી પણ મીડિયા ટ્રાયલના કારણે સુશાંત ડ્રગ્સ એડિક્ટ ને લફરાબાજ હતો એવી ઈમેજ બની ગઈ. 

હીરોઈનો સાથે લફરાં કરવાં, ડ્રગ્સ લેવું ને નશામાં પડયા રહેવા સિવાય બીજો કોઈ ધંધો જ ના હોય એવા માણસની છાપ પડી ગઈ છે. કંગનાએ તો  સુશાંત બળાત્કાર કેસમાં આરોપી હતો એવી વાતો પણ ચલાવી. 

ચેનલોએ આ વાતોને ચગાવેલી તેથી રીયાને ક્લિન ચીટ પછી સોશિયલ મીડિયા યુઝર્સ ચોક્કસ ચેનલોનું નામ લઈને સવાલ કરી રહ્યાં છે કે, આ ચેનલો રીયા ચક્રવર્તીની માફી માગશે ?


Tags :