Get The App

મોસ્કોમાં હુમલો : પુતિન-અસદની દોસ્તી રશિયનોને ભારે પડી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
મોસ્કોમાં હુમલો : પુતિન-અસદની દોસ્તી રશિયનોને ભારે પડી 1 - image


- મોસ્કોના હુમલાથી દુનિયા ચોંકી ગઈ છે કેમ કે રશિયામાં મોટા આતંકવાદી હુમલા થતા નથી અને રશિયા અને આતંકવાદી સંગઠનોને કોઈ સીધો સંઘર્ષ પણ નથી

- મોસ્કોમાં આતંકી હુમલા માટે પુતિને વહોરેલી પારકી પિડા જવાબદાર છે. ઈસ્લામિક સ્ટેટે રશિયામાં હુમલો કર્યો એ માટેનું કારણ સિરિયાના પ્રમુખ બશર અલ અસદ છે. આઈએસઆઈએસનો દાવો છે કે, વ્લાદિમિર પુતિને ચેચન્યા અને સીરિયામાં હુમલા કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યા છે તેનો બદલો લેવા આ હુમલો કરાયો છે.  રશિયાએ અફઘાનિસ્તાનમાં 1980ના દાયકામાં પોતાનું લશ્કર મોકલ્યું ત્યારે પણ મુસ્લિમો પર આવા જ અત્યાચારો ગુજાર્યા હતા. તેનો હિસાબ ચૂકતે કરવા હજુ બીજા હુમલા કરાશે એવી ધમકી પણ અપાઈ છે.

રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે.  સિટી હોલમાં રશિયાના લોકપ્રિય બેન્ડ પિકનિકના જલસા પહેલાં આર્મીના યુનિફોર્મ પહેરીને આવેલા પાંચ આતંકવાદી ઘૂસી ગયા. ક્રોકસ હોલમાં ૭૦૦૦ લોકોની કેપિસિટી છે. શો શરૂ થવાને વાર હોવાથી ૬ હજારની આસપાસ લોકો ભેગાં થયેલાં. આતંકવાદીઓએ પહેલાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી બોમ્બ ફેંક્યા તેમાં સત્તાવાર રીતે ૬૦થી વધારે લોકોનાં મોત થયાં છે. બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક ૧૫૦ જેટલો હોવાનું કહેવાય છે. આઘાતની વાત એ છે કે, હુમલો કર્યા પછી પાંચેય આતંકવાદી સહીસલામત રીતે રફુચક્કર થઈ ગયા. 

કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. આઈએસઆઈએસની ખોરાસન વિંગ એટલે કે આઈએસઆઈએસ-કેએ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. ખોરાસાન વિંગ ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનમા સક્રિય છે. આઈએસઆઈએસે હુમલો પિકનિક બેન્ડની કોન્સર્ટ માટે ભેગા થયેલા સંગીત રસિયાઓ પર કરેલો પણ તેનું ટાર્ગેટ ખ્રિસ્તીઓ હોય એવું ચિત્ર ઉભું કરીને દાવો કર્યો છે કે, સિટી હોલમાં ખ્રિસ્તીઓનું સંમેલન હતું તેના પર હુમલો કરાયો છે.

આઈએસઆઈએસનો દાવો છે કે, વ્લાદિમિર પુતિને ચેચન્યા અને સીરિયામાં હુમલા કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યા છે તેનો બદલો લેવા આ હુમલો કરાયો છે. રશિયાએ અફઘાનિસ્તાનમાં ૧૯૮૦ના દાયકામાં પોતાનું લશ્કર મોકલ્યું ત્યારે પણ મુસ્લિમો પર આવા જ અત્યાચારો ગુજાર્યા હતા. તેનો હિસાબ ચૂકતે કરવા હજુ બીજા હુમલા કરાશે એવી ધમકી પણ અપાઈ છે. 

મોસ્કોના હુમલાથી દુનિયા ચોંકી ગઈ છે કેમ કે રશિયામાં મોટા આતંકવાદી હુમલા થતા નથી અને રશિયાને ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવનારાં સંગઠનો સાથે સીધો સંઘર્ષ પણ નથી. વાસ્તવમાં આ હુમલા માટે પુતિને વહોરેલી પારકી પિડા  જવાબદાર છે. ઈસ્લામિક સ્ટેટે રશિયામાં હુમલો કર્યો એ માટેનું કારણ સિરિયાના પ્રમુખ બશર અલ અસદ છે. અસદ ૨૦૦૨થી સીરિયાના સર્વેસર્વા છે અને રશિયાની મદદથી ટકી રહ્યા છે. અસદ શિયા કે સુન્ની નહીં પણ અલવાઈત મુસ્લિમ છે. શિયા અને સુન્ની માને છે કે, અલ્લાહ જ એક માત્ર પ્રભુ છે અને મોહમ્મદ તેમના પયગંબર હતા. અલવાઈત અલી, મોહમ્મદ અને સલમાન-અલ-ફરીસી એમ ત્રણ પયગંબરમાં માને છે. અલ્લાહ પૃથ્વી પર સાત વાર અવતરેલા એવી પણ તેમની માન્યતા છે તેથી સુન્નીઓ તેમની વિરૂધ્ધ છે.

સીરિયાના મુસ્લિમોમાં ૭૦ ટકા સુન્ની છે જ્યારે અલવાઈતી ૧૦ ટકા જ છે તેથી એક અલવાઈતી સુન્નીઓ પર શાસન કરે એ કટ્ટરવાદીઓથી સહન ના થયું. સીરિયાના પાડોશી ઈરાનમાં શિયાઓનું શાસન છે એ પણ સુન્ની કટ્ટરવાદીઓથી સહન થતું નહોતું. શિયાઓ સામે લડવા સીરિયામાં ૨૦૦૬માં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક (આઈએસઆઈ) બન્યું અને પછી સીરિયામાં પણ સુન્ની શાસન સ્થાપવાનો ઉદ્દેશ જાહેર કરીને તેનું નામ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈઆસ) કરાયું. આ સંગઠનનો પ્રભાવ ધીરે ધીરે વધવા માંડયો. ૨૦૧૦માં અબુ બકર અલ બગદાદી તેનો વડો બન્યો પછી તેણે આતંકવાદ શરૂ કરાવ્યો. બકરે મધ્ય-પૂર્વના દેશોના બેકાર યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરી તેમના હાથોમાં હથિયારો પકડાવી દીધાં.

અસદ શરૂઆતમાં અત્યંત લોકપ્રિય હતા પણ સત્તા ટકાવવા વિરોધીઓને સાફ કરવા માંડતાં ૨૦૧૦થી વિરોધ શરૂ થયો. અસદ અમેરિકાને પસંદ નહોતા તેથી અમેરિકાની સહાયથી અસદને તગેડી મૂકવા આંદોલન શરૂ થયું. આંદોલન હિંસક બનતાં અસદે લશ્કરને છૂટું મૂકી દીધું તેથી પ્રજા અને લશ્કર વચ્ચે ઘર્ષણ શરૂ થયું. તેનો લાભ લઈ આઈએસઆઈએસએ સીરિયાના કેટલાક પ્રદેશ પર કબજો જમાવી લીધો. આ ઓછું હોય તેમ જુલાઇ ૨૦૧૧માં અસદ વિરોધી સંગઠનોએ હથિયારો ઉઠાવીને પોતાનું લશ્કર બનાવીને અસદ સરકારને ઉખાડી ફેંકવા જંગ શરૂ કર્યો. આ લશ્કર અમેરિકાની તન, મન, ધનની મદદથી શરૂ થઈ હતી એ કહેવાની જરૂર નથી.

અસદ અમેરિકા અને આઈએસઆઈએસ બંને સામે ઝીંક ઝીલી શકે તેમ નહોતા તેથી રશિયાના શરણે ગયા. વ્લાદિમિર પુતિન તો યુધ્ધ કરવામાં શૂરા છે જ તેથી તેમણે સીરિયામાં રશિયન લશ્કરને મોકલ્યું. પુતિન કોઈના પર દયા કરવામાં માનતા નથી. પોતાની સામે ઉઠનારા અવાજને કચડી નાંખવામાં માને છે તેથી સીરિયામાં પણ રશિયન લશ્કરે જે પણ સામે આવે તેને ગોળીએ દેવા માંડયા. આઈએસઆઈએસના અડ્ડા ઉડાવવા માંડયા તેથી ઈસ્લામિક સ્ટેટ પુતિનનું દુશ્મન બની ગયું છે.

પુતિન હવે શું કરશે એ કહેવાની જરૂર નથી. પુતિન દુશ્મનને ઉગતો ડામવામાં અને લશ્કરી તાકાત અજમાવીને વિરોધને કચડી નાંખવાની નીતિમાં માને છે તેથી હવે ઈસ્લામિક સ્ટેટનો વારો પડશે. રશિયામાંથી બીજાં આતંકવાદી સંગઠનો સાફ થઈ ગયાં છે. એક જમાનામાં ચેચન્યાના આતંકી રશિયામાં ઘૂસીને હુમલા કરતા પણ પુતિને ચેચન્યામાં ઘૂસીને તેમને પણ  ઠેકાણે પાડી દીધા પછી રશિયા પર આતંકવાદનો ખતરો નથી રહ્યો. ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવતાં સંગઠનો દુનિયાનાં ઘણાં દેશોમાં ફેલાયેલા છે પણ રશિયામાં નહોતાં.

રશિયામાં છેલ્લો મોટો આતંકવાદી હુમલો ૨૦૧૭માં થયેલો. ૨૦૧૭માં પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગ મેટ્રોમાં ઉઝબેક મૂળના આતંકીએ બ્લાસ્ટ કરીને ૧૪ લોકોને મોતને ઘાટ ઉતારેલા. પહેલાં આ હુમલો ઈસ્લામિક સ્ટેટે કરાવેલો એવી વાત ચાલેલી પણ પછી ખબર પડી કે, બ્લાસ્ટ કરનારો અકબરઝહોન જલિલોવ નામનો કિર્ગીઝસ્તાનમાં પેદા થયેલા રશિયન નાગરિક હતો. બ્લાસ્ટના મૂળ સુધી પહોંચ્યા પછી રશિયામાં ઈસ્લામિક સ્ટેટની હાજરી નથી એ સાબિત થઈ ગયેલું. 

હવે અચાનક ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી મોસ્કો લગી પહોંચી જાય ને લાશોના ઢગ ખડકી જાય ને પુતિન કશું ના કરે એ વાતમાં માલ નથી. રશિયામાં બહુ જલદી આતંકીઓના સફાયા માટેનું ઓપરેશન શરૂ થશે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં રશિયન લશ્કર ફરી વળશે. અત્યારે ભલે આતંકીઓ ભાગી ગયા હોય પણ પુતિન પાતાળમાંથી પણ તેમને શોધીને પતાવી દેશે.

પુતિનનો મુસ્લિમો વિરોધી ભાષણનો ફેક વીડિયો વાયરલ

પુતિન મુસલમાનોના કટ્ટર વિરોધી છે અને રશિયામાંથી મુસ્લિમોને સાફ કરી નાંખવા માગે છે એવો કુપ્રચાર મુસ્લિમ રાષ્ટ્રોમાં વ્યવસ્થિતી રીતે ચલાવાય છે. આ પ્રચારના ભાગરૂપે વ્લાદિમિર પુતિને રશિયાની સંસદના નીચલા ગૃહ ડયુમામાં પુતિને ૪ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આપેલા કહેવાતા ભાષણનો ખોટો વીડિયો વાયરલ કરાય છે. 

આ વીડિયોમાં પુતિન એવું કહેતા સંભળાય છે કે, રશિયામાં રહેતી કોઈ પણ લઘુમતીએ રશિયન ભાષા બોલવી પડશે અને રશિયાના કાયદાને માન આપવું પડશે. રશિયામાં ઈસ્લામના શરીયા કાયદા નહીં ચાલે. જેમણે શરીયા કાયદા પાળવા હોય એ લોકો શરીયા કાયદા અમલી હોય એવા દેશમાં જઈને રહે. રશિયાને મુસ્લિમોની જરૂર જ નથી. અમેરિકા, ઈંગ્લેન્ડ, હોલેન્ડ અને ફ્રાન્સે મુસ્લિમોને આશ્રય આપીને આપઘાત કર્યો તેના પરથી રશિયા સમજી ગયું છે કે, એક રાષ્ટ્ર તરીકે રશિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો મુસ્લિમોને રશિયામાંથી કાઢવા પડશે. મુસ્લિમો રશિયન નથી, શરીયા કાયદા અને મુસ્લિમો રશિયાની પરંપરા અને રીતીરિવાજો સાથે મેળ ખાતા નથી તેથી તેમને કાઢવા પડશે.

વાસ્તવમાં પુતિને આવું કોઈ ભાષણ જ આપ્યું નથી પણ સમયાંતરે આ વીડિયોને વાયરલ કરાય છે. પુતિને ૨૦૦૯માં ચેચન્યા સાથેના યુધ્ધ વખતે ઈસ્લામફોબિયાની વાત કરીને મુસ્લિમો સામે ઝેર ઓકેલું એવા પણ દાવા કરાય છે. તેના કારણે પુતિનને ઈસ્લામિક સ્ટેટ સહિતનાં સંગઠનો પોતાના દુશ્મન માને છે.

રશિયામાં ચેચન્યાનાં કટ્ટરવાદી સંગઠનોનો આતંક

રશિયામાં બહુમતી પ્રજા ખ્રિસ્તી છે જ્યારે મુસ્લિમો સૌથી મોટી લઘુમતી છે. સત્તાવાર વસતી ગણતરી પ્રમાણે રશિયાની કુલ વસતીમાં ૧૦ ટકા જેટલા મુસ્લિમો છે. ૨૦૨૧ની વસતી ગણતરી પ્રમાણે રશિયાની ૧૪.૫૦ કરોડની વસતીમાં ૧.૫૦ કરોડ મુસ્લિમો છે. બિનસત્તાવાર રીતે આ પ્રમાણ ૨ કરોડનું છે જ્યારે રશિયાના શાહી મુફતી શેખ રાવિલ ગાયનેતદીને દાવો કરેલો કે, ૨૦૧૮માં રશિયામાં ૨.૫૦ કરોડ મુસ્લિમો હતા. રશિયામાં મોટા ભાગના મુસ્લિમો તાતાર અને બાશકોર્ત છે. 

રશિયન મુસ્લિમો આતંકવાદથી અલિપ્ત છે પણ ચેચન્યાનાં મુસ્લિમ આતંકવાદી સંગઠનો હુમલા કર્યા કરે છે. મોસ્કોના હુમલાને બાદ કરો તો રશિયામાં છેલ્લા અઢી દાયકામાં થયેલા બે સૌથી મોટા આતંકવાદી હુમલા ચેચન આતંકીઓએ જ કરેલા છે. ઓક્ટોબર ૨૦૦૨માં ચેચન આતંકવાદીઓએ મોસ્કોના થિયેટરમાં ૯૫૦  લોકોને બાનમાં લીધા હતા.  રશિયન સ્પેશિયલ ફોર્સે થીયેટરમાં ઘૂસીને ૪૧ ચેચન આતંકીઓને ઠાર માર્યા ત્યારે ૧૨૯ લોકોનાં પણ મોત થયા હતા. સપ્ટેમ્બર ૨૦૦૪ માં  ૩૦ ચેચન આતંકીઓએ દક્ષિણ રશિયાના બેસલાનમાં એક શાળામાં સેંકડો લોકોને બાનમાં લીધા પછી ૩૦૦ લોકોની હત્યા કરી હતી. રશિયાએ એ વખતે પણ તમામ આતંકીને ઠાર માર્યા હતા.

News-Focus

Google NewsGoogle News