વિવેક વર્સીસ સંદીપઃ સોશિયલ મીડિયાનો લોકોને ઠગવા દુરૂપયોગ
પોતાને મોટીવેશનલ સ્પીકર ગણાવતા સંદીપના યુ-ટયુબ ચેનલ પર ૨.૮૦ કરોડ, જ્યારે વિવેકના ૨.૧૪ કરોડ સબસ્ક્રાઈબર છે ઃ બંનેએ એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે
- પહેલાં પણ યુ-ટયુબનો દુરૂપયોગ કરીને લોકોને ચૂનો લગાવી દેવાયો હોવાનું સાબિત થયેલું છે તેથી વિવેક બિન્દ્રા શંકાના દાયરામાં છે જ. આઠ-નવ મહિના પહેલાં શેરબજારની વોચ ડોગ સેબીએ એક્ટર અરશદ વારસી અને તેની પત્ની મારીયા ગોરેટ્ટી સહિત ૪૫ લોકો પર એક વર્ષ સુધી શેરબજારમાં કામ કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો. અર્શદ વારસીએ પણ યુ-ટયુબ ચેનલ પર લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયા મૂકીને લાખોનો ચૂનો લગાડેલો.
સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસથી બે અત્યંત લોકપ્રિય યુ-ટયુબર સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રાનો જંગ છવાયેલો છે. સંદીપ અને વિવેક બંને પોતાને મોટિવેશનલ સ્પીકર ગણાવે છે અને બંનેની યુ-ટયુબ ચેનલના કરોડો સબસ્ક્રાઈબર છે. થોડા દિવસ પહેલાં સંદીપ મહેશ્વરીએ એક વીડિયો મૂકીને વિવેક બિન્દ્રા લોકોને પ્રેરણા આપવાના નામે પૈસા પડાવતા હોવાનો દાવો કર્યો તેના પગલે બંને વચ્ચેનો જંગ શરૂ થયો.
સંદીપે મૂકેલા વીડિયોમાં ત્રણ યુવકો દાવો કરે છે કે, પોતે ૫૦-૫૦ હજાર રૂપિયા ખર્ચીને એક મોટા યુ-ટયુબરનો કોર્સ ખરીદેલો પણ કોઈ ફાયદો થયો નથી કેમ કે આ મોટિવેશનલ સ્પીકર બિઝનેસમેન બનાવવાના બદલે યુવકોને પોતાના સેલ્સમેન બનાવે છે. યુ-ટયુબર પાસેથી પોતે પૈસા પાછા માંગ્યા તો તેમણે આ કોર્સ બીજાંને વેચવા કહ્યું. આ રીતે પોતાના કોર્સ વેચીને મળતા કમિશનમાંથી યુવકો પોતે કરેલું રોકાણ પાછું મેળવી શકશે એવી સલાહ તેમને આપવામાં આવી. સંદીપે આ વીડિયોના આધારે મોટિવેશનના નામે યુ-ટયુબ પર બહુ મોટું સ્કેમ ચલાવાતું હોવાનો આક્ષેપ મૂકી દીધો.
સંદીપ મહેશ્વરીએ આ વીડિયોમાં ક્યાંય વિવેક બિન્દ્રાનું નામ નહોતું લખ્યું પણ વિવેકે પોતાના વિશે વાત થાય છે એમ માનીને જવાબ આપ્ય ને જંગ શરૂ થયો. પછી સંદીપે એવો દાવો કર્યો કે, વિવેક બિન્દ્રા દ્વારા પોતાના પર આ વીડિયો હટાવી લેવા જોરદાર દબાણ કરાઈ રહ્યું છે. આ વીડિયોના કારણે પોતે ઉઘાડો પડી ગયો તેથી વિવેક આબરૂ ને ધંધો બચાવવા ફાંફાં મારી રહ્યો છે. સામે વિવેકે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી.
બદલામાં સંદીપે વિવેકને ઉઘાડો પાડવા માટે ભારતની સૌથી મોટી લો ફર્મને હાયર કરવાની ધમકી આપી દીધી. સંદીપ મહેશ્વરીની યુ-ટયુબ ચેનલના ૨.૮૦ કરોડ સબસ્ક્રાઈબર્સ છે જ્યારે વિવેક બિન્દ્રાની ચેનલના ૨.૧૪ કરોડ સબસ્ક્રાઈબર છે. બંનેમાં ઘણા કોમન પણ હશે તો પણ બધા મળીને ત્રણેક કરોડ લોકો બંનેના ચાહક છે તેથી સોશિયલ મીડિયા પર ચાહકો પણ સામસામે આવી ગયા. એકબીજા સામે આક્ષેપબાજી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર યુ-ટયુબર્સ કે બીજી સોશિયલ મીડિયા સેલિબ્રિટી વચ્ચે જામે એ નવી વાત નથી.
બે અલગ અલગ વિચારધારા ધરાવતા કે બીજાં કોઈ કારણસર એકબીજા સાથે ના ફાવતું હોય એવા સોશિયલ મીડિયા સ્ટાર બાખડે છે, ગાળાગાળી કરે છે એવું બધું બન્યા કરે છે. ઘણા સોશિયલ મીડિયા સ્ટાર વચ્ચે તો કાયમી ધોરણે કોલ્ડ વોર ચાલ્યા કરે છે પણ સંદીપ મહેશ્વરી વર્સીસ વિવેક બિન્દ્રાનો વિવાદ સામાન્ય નથી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આચરાતી ઠગાઈ સાથે સંકળાયેલો છે તેથી તેને ગંભીરતાથી લેવો જોઈએ.
સંદીપ મહેશ્વરીએ બિન્દ્રા પર 'સ્કેમ'નો આક્ષેપ કર્યો છે. બિન્દ્રા લોકોને બિઝનેસમેન બનાવવાની લાલચ આપીને ખંખેરી રહ્યા છે. છેતરી રહ્યા છે એવો આક્ષેપ મહેશ્વરીએ કર્યો છે. આડકતરી રીતે મહેશ્વરીએ કહી દીધું છે કે, બિન્દ્રા મોટિવેશનલ સ્પીકર નથી પણ ધૂતારો છે. આ બહુ મોટો આક્ષેપ કહેવાય એ જોતાં સરકારે તેની નોંધ લઈને તપાસ કરાવવી જોઈએ.
સંદીપ વર્સીસ વિવેકના વિવાદે સોશિયલ મીડિયાના સૌથી મોટા ખતરા અને દુરુપયોગ તરફ ફરી એક વાર લોકોનું ધ્યાન દોર્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને આંજી નાંખવા અને પછી તેમને બાટલામાં ઉતારીને તેમને ઠગી લેવાનો ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે એ આઘાતજનક હકીકત તરફ ફરી ધ્યાન ખેંચાયું છે.
ભારતમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યા પછી સોશિયલ મીડિયાના જોરે ઘણા લોકો સ્ટાર બની ગયા છે. લોકો તેમને ગંભીરતાથી લે છે, તેમની વાતોને સાંભળે છે ને માન પણ આપે છે પણ આ લોકો ખરેખર માનને લાયક છે ખરા એ સવાલ પણ ઉભો થયો છે.
વિવેક બિન્દ્રા સામેના આક્ષેપો સાચા છે કે નહીં એ ખબર નથી પણ આ પહેલાં યુ-ટયુબનો દુરૂપયોગ કરીને લોકોને ચૂનો લગાવી દેવાયો હોવાનું સાબિત થયેલું છે તેથી વિવેક બિન્દ્રા શંકાના દાયરામાં છે જ. આઠ-નવ મહિના પહેલાં ભારતમાં શેરબજારની વોચ ડોગ સેબીએ એક્ટર અરશદ વારસી અને તેની પત્ની મારીયા ગોરેટ્ટી સહિત ૪૫ લોકો પર એક વર્ષ સુધી શેરબજારમાં કામ કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો. અર્શદ વારસીએ પણ યુ-ટયુબ ચેનલ પર લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયા મૂકીને લોકોને ચૂનો લગાડેલો.
અરશદ આણિ ટોળકીએ યુ-ટયુબ પર વીડિયો મૂકીને સાધના બ્રોડકાસ્ટ અને શાર્પલાઈન બ્રોડકાસ્ટ એ બે કંપનીના શેર ખરીદવાની ભલામણ કરેલી. લોકો તેમની વાતોમાં આવી ગયા ને આ બે કંપનીઓના શેર લેવા પડાપડી કરી મૂકી તેમાં તેના ભાવ ઉંચકાઈ ગયા.
અરશદે પોતાની પાસેના શેર મોકાનો લાભ લઈને વેચી માર્યા ને લાખો રૂપિયાનો નફો ઘરભેગો કરી દીધો હતો. અર્શદ તો છીંડે ચડેલો ચોર છે પણ એ સિવાય બીજા ઘણા એવા છે કે જેમણે આ ગોરખધંધો કરીને લોકોને ઠગ્યા હોય. અરશદની ટોળકીએ કરેલી ઠગાઈ કરતાં વિવેક બિન્દ્રા સામેના આક્ષેપો વધારે ગંભીર છે કેમ કે વિવેકે બિન્દ્રા સામે તો લોકો પાસેથી સીધાં નાણાં લઈને તેમને ચૂનો લગાડવાનો આક્ષેપ છે. ત્રણ યુવકોએ સામે આવીને દાવો કર્યો પણ બીજા પણ ઘણા લોકો આ રીતે છેતરાયા પછી ચૂપ હોય એવું બને.
બિન્દ્રા સામે આક્ષેપો છે એવો ખેલ બીજા પણ યુ-ટયુબર કરતા જ હશે. ભારતમાં સોશિયલ મીડિયા મારફતે ઠગાઈ સામે હજુ કડક કાયદા નથી. તેનો લાભ લઈને લોકોને ધૂતવાનો ધંધો ચાલતો જ હશે.
આ સંજોગોમાં લોકોએ સતર્ક થવાની જરૂર છે. કોઈની ભૂરકીમાં આવ્યા વિના એટલું યાદ રાખવું કે, પૈસા કમાવવાનો કોઈ શોર્ટ કટ નથી અને મોટા બનવા મહેનત કરવી જ પડે. બિન્દ્રા જેવા લોકોના કોર્સથી બિઝનેસમેન બનાતું હોય તો લોકો ભણે શું કરવા ને મેનેજમેન્ટ સ્કૂલોમાં શું કરવા જાય ?
- સોશિયલ મીડિયા મારફતે કરોડોની ઠગાઈ
ભારતમાં સાયબર ક્રાઈમ બહુ વધી ગયા છે. મોટા ભાગના કેસોમાં ફોન કરીને ઓટીપી મારફતે કે એપ મારફતે લોકોનાં બેંક એકાઉન્ટ ખાલી કરી દેવાય છે. આ પ્રકારના કિસ્સામાં પોલીસ ફરિયાદો થાય છે તેથી તેના તરફ લોકોનું ધ્યાન ખેંચાય છે પણ નિષ્ણોતાના મતે, યુ-ટયુબ સહિતનાં સોશિયલ મીડિયા મારફતે થતી ઠગાઈ બહુ મોટી છે.
ભારત ૪૩ કરોડ સબસ્ક્રાઈબર સાથે વિશ્વમાં સૌથી વધારે યુ-ટયુબ સબસ્ક્રાઈબર ધરાવતો દેશ છે.
આ યુ-ટયુબ યુઝર્સને અલગ અલગ બહાને બાટલામાં ઉતારીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાનો ધંધો પૂરજોશમાં ચાલે છે. અલગ અલગ પ્રકારની સર્વિસીસ, તંત્ર-મંત્ર, જ્યોતિષ, એજ્યુકેશન, જોબ વગેરેના નામે લોકો પાસેથી પૈસા લેવાય છે ને પછી રાત ગઈ બાત ગઈ. મોટા ભાગના કિસ્સામાં આ રકમ પાંચસો-હજાર રૂપિયા જેટલી નાની હોય છે તેથી લોકો ફરિયાદ કરીને સમય બગાડવાના બદલે એ રકમને ભૂલી જવામાં માને છે. માનો કે ફરિયાદ કરો તો પણ ભારતમાં એવું તંત્ર કે કાયદા નથી કે ગયેલાં નાણાં પાછાં મળે. આ સંજોગોમાં ફરિયાદ કર્યા પછી પણ કંઈ મળતું નથી.
- વિવેક બિન્દ્રા સામે પત્ની સાથે મારઝૂડનો કેસ
સંદીપ મહેશ્વરીના આક્ષેપોને પગલે શંકાના દાયરામાં આવી ગયેલો વિવેક બિન્દ્રા પત્ની યાનિકાને ફટકારવાના કેસમાં પણ ફસાયો છે.
વિવેકે ૬ ડીસેમ્બરે જ યાનિકા સાથે લગ્ન કરેલાં. લગ્નના કલાકો પછી જ ૭ ડીસેમ્બરે વહેલી સવારે વિવેકનો પોતાની માતા સાથે ઝગડો થયેલો. યાનિકાએ વચ્ચે પડીને બંનેને શાંત કરવા કોશિશ કરી તો વિવેકે યાનિકાને રૂમમાં પૂરી દઈને ફટકારી હતી. યાનિકાના ભાઈએ કરેલી ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે, વિવેકે યાનિકાને એટલી ફટકારેલી કે તેના કાનનો પડદો ફાટી ગયો હતો અને સાંભળી શકતી નથી.
યાનિકા સાથે વિવેકનાં બીજાં લગ્ન છે. વિવેકની પહેલી પત્ની ગીતિકા સબરવાલે પણ વિવેક પોતાને મારી નંખાવશે એવો ભય વ્યક્ત કરીને કેસ કર્યો છે. વિવેકને ગીતિકા સાથેના પહેલા લગ્નથી એક દીકરો પણ છે.