Get The App

સલમાન, સિદ્દીકી, હની સિંહ, ધિલ્લોનઃ લોરેન્સનાં ટાર્ગેટ હાઈ પ્રોફાઈલ લોકો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
સલમાન, સિદ્દીકી, હની સિંહ, ધિલ્લોનઃ લોરેન્સનાં ટાર્ગેટ હાઈ પ્રોફાઈલ લોકો 1 - image


- 2013માં જેલમાં ધકેલાયેલા લોરેન્સે જેલનો ઉપયોગ આર્મ્સ ડિલર સંપર્ક વધારવામાં કર્યો હતો અને પછી તેની પાસેથી હથિયાર ખરીદ્યા હતા

- લોરેન્સ નાનો ગેંગસ્ટર હતો ત્યારે તેની ધમકીને કોઈ ગંભીરતાથી નહોતું લેતું પણ 2018માં સંપત નેહરા સલમાનની હત્યાના કાવતરામાં પકડાયો પછી સલમાન સતત ફફડાટ વચ્ચે જીવતો થઈ ગયો છે. મનોરંજન જગતની બીજી ઘણી સેલિબ્રિટી પણ લોરેન્સનું ટાર્ગેટ બની ચૂકી છે. લોરેન્સે યો યો હની સિંહના ઘર પર ફાયરિંગ કરાવીને તેને ખંડણી આપવા મજબૂર કરેલો. 2023માં એક્ટર-સિંગર ગીપ્પી ગ્રેવાલ સલમાનનો ખાસ હોવાનું કારણ આપીને તેના ઘર પર ગોળીબાર કરાવેલો. ગ્રેવાલ એવો ફફડી ગયો કે, સલમાનને મળતો જ બંધ થઈ ગયો. થોડા સમય પહેલાં કેનેડામાં સિંગર એ.પી. ધિલ્લોનના ઘરે પણ સલમાનની ચમચાગીરી કરવા બદલ ફાયરિંગ કરાવીને લોરેન્સે ફફડાટ પેદા કરી દીધેલો.

ક્રાઈમ વર્લ્ડમાં રોકી ફાઝિલ્કા લોરેન્સ બિશ્નોઈનો ગોડફાધર મનાય છે. જસવિંદરસિંહ ઉર્ફે રોકીએ લોરેન્સને પોતાના રક્ષણ માટે હથિયાર આપ્યાં અને પોલીસથી બચાવ્યો પણ ખરો. કોલેજમાં હતો ત્યારે જ લોરેન્સ સામે ૭ એફઆઈઆર થઈ ગયેલી ને તેમાંથી ૪ કેસમાં લોરેન્સ રોકી-જગ્ગુની મદદથી છૂટી ગયો. બાકીના ૩ કેસ પેન્ડિંગ છે ને ક્યારે પતશે એ ખબર નથી. રોકી-જગ્ગુએ લોરેન્સને જે કરવું હોય એ કરવાની છૂટ આપી. 

લોરેન્સે ભગવાનપુરીયા ગેંગમાં પોલીસવાળાનાં દીકરાઓ અને સ્પોર્ટ્સપર્સન્સની ભરતી કરી. પોલીસવાળાના દીકરા ગેંગમાં હોવાથી પોલીસ તેમના અપરાધો સામે આંખ આડા કાન કરતા અને સ્પોર્ટ્સપર્સન્સ ચપળતાથી કોઈ પણ કામને અંજામ આપી દેતા તેથી આ ગેંગ બહુ જલદી છવાઈ ગઈ. લોરેન્સ સામે ફરિયાદો નોંધાતી તેમ તેણે જેલમાં જવું પડયું. તેનો ઉપયોગ તેણે જેલમાં રહેલા ગેંગસ્ટર્સ સાથે સંપર્ક વધારવા કર્યો. લોરેન્સે આર્મ્સ ડીલર સાથે સંપર્ક કરીને ગેંગ માટે અત્યાધિનિક હથિયારો ખરીદવા માંડયાં અને ખંડણી ઉઘરાવવા માંડી.

લોરેન્સે પહેલો મોટો અપરાધ ૨૦૧૩માં મુક્તસરની સરકારી કોલેજમાં ચૂંટણી જીતેલા હરીફ કેમ્પના ઉમેદવારની હત્યા કરીને કર્યો. ૨૦૧૩માં જ ફાઝિલ્કાના કહેવાથી લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક વિરોધી ઉમેદવારની હત્યા કરી નાંખી. તેના કારણે પંજાબમાં પોલીસની ધોંસ વધતાં લોરેન્સ રાજસ્થાન જતો રહ્યો. 

રાજસ્થાનમાં લરેન્સ શ્રીગંગાનગર અને ભરતપુરમાં રહીને ગેંગ ઓપરેટ કરતો. ૨૦૧૪માં રાજસ્થાન પોલીસે રેડ પાડી ત્યારે બચવા માટે લોરેન્સે પોલીસ પર ગોળીઓ છોડેલી પણ પકડાઈ ગયેલો. પોલીસે તેને ભરતપુર જેલમાં નાંખી દીધેલો. બિશ્નોઈએ ભરતપુર જેલમાં સામ્રાજ્ય જમાવ્યું. ૨૦૧૫માં લોરેન્સને કોર્ટમાં લઈ જવાતો હતો ત્યારે ફિલ્મી સ્ટાઈલમાં તેના  સાથીઓ તેને છોડાવી ગયેલા પણ લોરેન્સ બહુ જલદી ઝડપાઈ ગયો.

લોરેન્સ બિશ્નોઈ ૨૦૧૫થી જેલમાં જ બંધ છે ને વાસ્તવમાં જેલમાં રહીને તેણે પોતાની સિન્ડિકેટ ઉભી કરીને હાહાકાર મચાવી દીધો છે. 

૨૦૨૧માં લોરેન્સને તિહાર જેલમાં ખસેડાયો ને ૨૦૨૩માં સાબરમતી જેલમાં ખસેડાયો પણ લોરેન્સનો દબદબો વધતો જ જાય છે. લોરેન્સ બિશ્નોઈ તરીકે કુખ્યાત ગેંગસ્ટરનું અસલી નામ બાલકરણ બ્રાર છે પણ તેના ફોઈના કહેવાથી તેણે નામ બદલીને લોરેન્સ બિશ્નોઈ કરી નાંખેલું. 

લોરેન્સે પોતાની ધાક ઉભી કરવા સોશિયલ મીડિયા અને મીડિયા બંનેનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો છે. ૧૯૯૮માં હમ સાથ સાથ હૈં ફિલ્મના શૂટિંગ વખતે સલમાન ખાને કાળિયાર હરણનો શિકાર કર્યો ત્યારે લોરેન્સ માત્ર ૫ વર્ષનો હતો. તેને કાળિયાર હરણ કેમ બિશ્નોઈ સમુદાય માટે પવિત્ર છે તેની પણ ખબર નહોતી પણ બિશ્નોઈ સમાજનો આક્રોશ તેણે જોયો હતો. 

લોરેન્સ મોટો થતો ગયો તેમ તેમ સમજતો ગયો કે, સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યા પછી પોતાની વગનો ઉપયોગ કરીને છૂટી ગયો તેના કારણે બિશ્નોઈ સમાજ માટે સૌથી મોટો વિલન છે. 

લોરેન્સે આ આક્રોશનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે. લોરેન્સે ૨૦૧૫માં જ સલમાન માફી માગે અથવા મોત માટે તૈયાર રહે એવું એલાન કરીને બિશ્નોઈ સમાજની સહાનુભૂતિ જીતી લીધેલી. એ પછી લોરેન્સે પોતાની ધમકીને દોહરાવી છે. લોરેન્સ ત્યારે નાનો ગેંગસ્ટર હતો તેથી તેની ધમકીને કોઈ ગંભીરતાથી નહોતું લેતું પણ ૨૦૧૮માં સંપત નેહરા સલમાનની હત્યાના કાવતરામાં પકડાયો પછી મુંબઈ પોલીસ સતર્ક થઈ. સલમાનની સીક્યુરિટી વધારવામાં આવી તેથી તેને કશું થયું નથી પણ સલમાન સતત ફફડાટ વચ્ચે જીવતો થઈ ગયો છે. 

મનોરંજન જગતની બીજી ઘણી સેલિબ્રિટી પણ લોરેન્સનું ટાર્ગેટ બની ચૂકી છે. લોરેન્સે યો યો હની સિંહના ઘર પર ફાયરિંગ કરાવીને તેને ખંડણી આપવા મજબૂર કરેલો. ૨૦૨૩માં એક્ટર-સિંગર ગીપ્પી ગ્રેવાલ સલમાનનો ખાસ હોવાનું કારણ આપીને તેના ઘર પર ગોળીબાર કરાવેલો. ગ્રેવાલ એવો ફફડી ગયો કે, સલમાનને મળતો જ બંધ થઈ ગયો. થોડા સમય પહેલાં કેનેડામાં સિંગર એ.પી. ધિલ્લોનના ઘરે પણ સલમાનની ચમચાગીરી કરવા બદલ ફાયરિંગ કરાવીને લોરેન્સે ફફડાટ પેદા કરી દીધેલો. 

બિશ્નોઈ ભરતપુર જેલમાં હતો ત્યારે ૨૦૧૬માં તેના ગોડફાધર જસવિંદરસિંહ ઉર્ફે રોકી ફાજિલ્કાની  હિમાચલ પ્રદેશમાં ગેંગસ્ટર જયપાલ ભુલ્લરે હત્યા કરાવી દીધી હતી. 

લોરેન્સે ૪ વર્ષ પછી ભુલ્લરની હત્યા કરાવીને ગેંગને મેસેજ આપ્યો કે, પોતાની સાથે એક વાર જોડાય પછી તેના દુશ્મન પોતાના દુશ્મન છે. 

સલમાન સિવાય લોરેન્સ બીજા પણ મોટા અપરાધોમાં સામેલ છે. 

૨૯ મે, ૨૦૨૨ના દિવસે પંજાબના મનસા જિલ્લામાં પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિધ્ધુ મૂસેવાલાની હત્યા થઈ એ સાથે જ લોરેન્સ દેશભરમાં છવાઈ ગયો. ફિલ્મી સ્ટાઈલમાં મૂસેવાલાની એસયુવીને રસ્તા વચ્ચે રોકીને ૬ શૂટરે ધડાધડ ગોળીઓ છોડીને મૂસેવાલાનો ખેલ ખતમ કરી નાંખેલો. મૂસેવાલાની હત્યા તિહાર જેલમાં બંધ લોરેન્સના આદેશથી થઈ હતી. લોરેન્સના કહેવાથી કેનેડામાં રહેતા તેના સાથી ગોલ્ડી બ્રારે ૫૦ લાખ રૂપિયા હવાલાથી ટ્રાન્સફર કર્યા હતા. બિશ્નોઈએ પોતાના સાથી વિક્કી મિદ્દુખેડાની હત્યાનો બદલો લેવા મૂસેવાલાને ઉપર પહોંચાડીને સોપો પાડી દીધો હતો.

લોરેન્સે કેનેડામાં ખાલિસ્તાનવાદી ગેંગસ્ટર સુખદુલસિંહ ગિલ ઉર્ફે સુખા દુનાન્કેની ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ હત્યા કરાવી દીધી હતી. ૫ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેના ઘરમાં હત્યા કરાયેલી. રોહિત ગોદરા મારફતે કરાયેલી આ હત્યાના કારણે રાજપૂત સમાજ લોરેન્સ સામે ભડકેલો છે. એ પછી હમણાં બાબા સિદ્દીકીની હત્યા કરાવીને લોરેન્સે ખળભળાટ મચાવી દીધો છે. 

એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સલમાન માટે માથાનો દુઃખાવો

સલમાન ખાન માટે એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ માથાનો દુઃખાવો બની છે. સલમાનની નજીકનાં લોકોનું માનવું છે કે, સલમાને વરસો પહેલાં સોમીને ફેંકી દીધી હતી તેનો બદલે લેવા સોમી જાણી જોઈને એવી વાતો કરી રહી છે કે જેથી બિશ્નોઈ સલમાન અને તેની આસપાસનાં લોકોને ટાર્ગેટ કરે.  સોમીએ દાવો કરેલો કે, પોતે અગાઉ સલમાન સાથે વાત કરી ત્યારે સલમાને કહેલું કે રાજસ્થાનમાં કાળિયારને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે એ વાતની તેને ખબર નહોતી. સોમીએ લોરેન્સને 'ઈડિયટ' ગણાવીને કહેલું કે, જોધપુર પાસે ૮૦ હજાર એકરના જંગલમાં  માત્ર સલમાન જ નથી ગયો ને શિકાર નથી કર્યો પણ બિશ્નોઈ સલમાનની પાછળ પડયો છે કેમ કે તેને પબ્લિસિટી જોઈએ છે. સોમીએ કહેલું કે, સલમાને શું કરવા માફી માંગવી જોઈએ? ભારતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે એ જોતાં કાયદો કાયદાનું કામ કરશે પણ સલમાને માફી માગવાની જરૂર નથી. આ પોસ્ટ પછીથી તેણે ડીલીટ કરી દીધી હતી. સોમીએ લખેલું કે, હું ઈચ્છું છું કે લોરેન્સ મારી સાથે વાત કરે. હું તેને સમજાવીશ કે આ ખોટું છે. હું નવેમ્બરમાં વેકેશન માટે ત્યાં આવું છું ત્યારે મારે બિશ્નોઈ સમુદાયના નેતા દેવેન્દ્ર સાથે વાત કરીશ અને સલમાનના નામે તેની માફી માંગીશ. 

સોમી તો સલમાનની નજીકનાં લોકોનાં નામ પણ જાહેર કરી રહી છે. સોમીએ કહેલું કે, હું નથી ઈચ્છતી કે સલમાનના પરિવાર કે તેના મિત્રો, કાજોલ, તબ્બુ, અજય દેવગન, રવિના કે સૈફને નુકસાન થાય.

બિશ્નોઈથી ફફડેલા સલમાને બીજી બુલેટપ્રૂફ એસયુવી મંગાવી

લોરેન્સ બિશ્નોઈએ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાવી તેના કારણે બોલીવુડમાં એવો જોરદાર ફફડાટ ફેલાયો છે કે, સલમાન ખાને પોતાના માટે નવી બુલેટપ્રૂફ કાર મંગાવવી પડી છે. સલમાન પાસે એક બુલેટપ્રુફ કાર તો પહેલેથી છે જ પણ ૨ કરોડ રૂપિયાની બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી દુબઈથી આયાત કરી છે. આ એસયુવીમાં બોમ્બ એલર્ટ ઈન્ડિકેટર્સ, ફાયરપ્રૂફ ગ્લાસ અને ટીન્ટેડ વિન્ડો સહિત હાઈ-ટેક સેફ્ટી ફીચર્સ છે. સલમાન પહેલાં ઘણી વાર સાયકલ પર પણ નિકળતો પણ હવે બુલેટપ્રૂફ એસયુવી સિવાય બહાર નિકળતો નથી. 

સલમાન  ખાને કાળિયારનો શિકાર કર્યો તેના કારણે લોરેન્સ બિશ્નોઈ તેના પર ખફા છે. લોરેન્સે સલમાનને જોધપુરમાં બિશ્નોઈ મહાપંચાયતની સામે હાજર થઈને માફી માગવા કહ્યું હતું પણ  સલમાને માફી ના માગતાં બિશ્નોઈ ગેંગના સભ્યોએ એપ્રિલમાં સલમાનના બાંદ્રામાં આવેલા ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાન પાસેથી બિશ્નોઈ ગેંગના નામે રૂપિયા ૫ કરોડની માંગ કરતો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની તપાસ શરૂ કરી છે પણ તેની પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ નહીં હોવાનું પોલીસ માને છે. જો કે  નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને મારવા આવેલા બિશ્નોઈ ગેંગના  શૂટરને ઝડપી લીધો હતો. આ શૂટરની ઓળખ હરિયાણાના પાણીપતના સુખબીર સિંહ તરીકે થઈ છે.

News-Focus

Google NewsGoogle News