Get The App

'બ્લેન્ક' બાઇડેને ખસી જઈને આબરૂ બચાવી, હવે મિશેલના ચાન્સ વધારે

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
'બ્લેન્ક' બાઇડેને ખસી જઈને આબરૂ બચાવી, હવે મિશેલના ચાન્સ વધારે 1 - image


- બાઇડેન સામે પાર્ટીને ફંડ આપનારાંએ પણ સાફ શબ્દોમાં કહી દીધું કે, બાઇડેન ઉભા રહેશે તો ફૂટી કોડી નહીં મળે

- બાઇડેન બીજા દેશના સત્તાધીશોનાં નામ વારંવાર ભૂલી જતા હતા, પોતે ક્યાં ઉભા છે તેનું તેમને ભાન નહોતું રહેતું, કઈ દિશામાં જવાનું છે ને શું કરવાનું છે તેની પણ ગતાગમ નહોતી રહેતી. ઘણી વાર હજારો લોકોની ચૂંટણી સભામાં કે મહત્વની બેઠકોમાં બાઇડેન એકદમ બ્લેન્ક થઈ જતા ને આસપાસ શું ચાલી રહ્યું છે એ જ ભૂલી જતા.  ઈટાલીમાં જી-૭ની બેઠક વખતે ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ને ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં બરાક ઓબામાએ તેમને સાચવીને લાવવા પડયા એ પ્રકારની ઘટનાઓ વધતી જતી હતી. આ કારણે બાઇડેનને નહીં બદલાય તો ડેમોક્રેટિક પાર્ટીનું હારી  જશે એ નક્કી મનાતું હતું.

અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અંતે ખસી જતાં પ્રમુખપદની ચૂંટણીનો જંગ અત્યંત રસપ્રદ બની ગયો છે. છેલ્લા કેટલાક મહિનાથી બાઇડેન તેમના વર્તનના કારણે હાંસીના પાત્ર બની ગયા હતા ને ડેમોક્રેટિક પાર્ટીમાં બાઇડેન સામે ઉગ્ર વિરોધ હતો. બાઇડેન બીજા દેશના સત્તાધીશોનાં નામ વારંવાર ભૂલી જતા હતા, પોતે ક્યાં ઉભા છે તેનું તેમને ભાન નહોતું રહેતું, કઈ દિશામાં જવાનું છે ને શું કરવાનું છે તેની પણ ગતાગમ નહોતી રહેતી. ઘણી વાર હજારો લોકોની ચૂંટણી સભામાં કે મહત્વની બેઠકોમાં બાઇડેન એકદમ બ્લેન્ક થઈ જતા ને આસપાસ શું ચાલી રહ્યું છે એ જ ભૂલી જતા. 

ઈટાલીમાં જી-૭ની બેઠક વખતે ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ને ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં બરાક ઓબામાએ તેમને સાચવીને લાવવા પડયા એ પ્રકારની ઘટનાઓ વધતી જતી હતી. આ કારણે બાઇડેનને નહીં બદલાય તો ડેમોક્રેટિક પાર્ટીનું તપેલું સાવ ઉપર ચડી જશે એ નક્કી મનાતું હતું. બાઇડેન ખસી જવાની ના પાડયા કરતા હતા ને પોતે સાજાનરવા હોવાની રેકર્ડ વગાડયા કરતા હતા એ જોતાં ડોહા નહીં માને એવું લાગતું હતું પણ બાઇડેને રવિવારે ખસી જવાની જાહેરાત કરીને કમ સે કમ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો અને સમર્થકોનો તો સન્ડે સુધારી જ દીધો. બાઇડેને જતાં જતાં ભારતીય મૂળનાં વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર બનાવવાની ભલામણ કરીને તેમને પોતાને ટેકો પણ આપી દીધો.  

બાઇડેને પોતાની સામેના વિરોધને સમજીને ખસી જઈને ભારત અને અમેરિકાના રાજકારણમાં શું ફરક છે એ પણ સ્પષ્ટ કરી દીધું. ભારતમાં નેતાઓને દૂર કરવા હોય તો ધક્કા મારીને કાઢવા પડે છે. નેતાજીની પાર્ટીમાં તો કોઈની તેમને ખસી જવાનું કહેવાની હિંમત જ નથી ચાલતી પણ પ્રજા દ્વારા બેઆબરૂ કરીને હડધૂત ના કરાય ત્યાં સુધી ભારતમાં નેતા ખસતા જ નથી. 

અમેરિકામાં બાઇડેન સામે માત્ર તેમની પાર્ટીમાં જ વિરોધનો સૂર ના ઉઠયો પણ પાર્ટીને ફંડ આપનારાંએ પણ સાફ શબ્દોમાં કહી દીધું કે, બાઇડેન ઉભા રહેશે તો ફૂટી કોડી નહીં મળે. ડેમોક્રેટિક પાર્ટીને હારતી બચાવવા બરાક ઓબામા જેવા ભૂતપૂર્વ પ્રમુખે પણ બધી શરમ છોડીને બાઇડેનને ખસી જવા કહેવું પડયું. 

બાઇડેને થોડો પ્રતિકાર કર્યો પણ બેશરમ બનીને ચીટકી રહેવાના બદલે એ પણ સાનમાં સમજી ગયા. પોતાના કારણે પાર્ટીને નુકસાન ના થવું જોઈએ એમ સમજીને બાઇડેને પણ મમત છોડી દીધી. બાકી બાઇડેનને ડેમોક્રેટિક પાર્ટીએ સત્તાવાર રીતે ઉમેદવાર બનાવી દીધા હતા. બાઇડેનને હટાવવા માટે પાર્ટીના બંધારણમાં ફેરફાર કરવા પડે તેમ હતા ને તેના માટે સમય જ બચ્યો નહોતો. તકનો લાભ લઈને બાઇડેન નિંભર બનીને ચીટકી રહ્યા હોત તો પાર્ટીમાં કોઈ તેમનું કશું ઉખાડી શકે તેમ નહોતું. અમેરિકાની પ્રજાએ તેમને ઉખાડી ફેંક્યા હોત એ અલગ વાત છે. 

બાઇડેને એ નોબત ના આવવા દીધી ને માનભેર ખસી ગયા તેથી હવે ડેમોક્રેટિક પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા નવા ઉમેદવાર શોધવા પડશે. બાઇડેને કમલાનું નામ સૂચવ્યું તેથી આપણે ત્યાં ટ્રમ્પ સામે કમલાની ટક્કર થશે એવું ડિંડવાણું ચાલ્યું છે પણ કમલા હજુ ડેમોક્રેટિક પાર્ટીનાં સત્તાવાર ઉમેદવાર બન્યાં નથી. ભારતની જેમ એક નેતા નક્કી કરી નાંખે તેને લોકો ખભે ઉંચકીને નાચવા માંડે એવું અમેરિકામાં નથી.

અમેરિકાની પાર્ટીઓમાં આંતરિક લોકશાહી મજબૂત છે તેથી ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં બાકાયદા ચૂંટણી કરાવીને નવા ઉમેદવારની પસંદગી કરાશે. શિકાગોમાં ૧૯ ઓગસ્ટથી ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન શરૂ થવાનું છે. એ પહેલાં બાઇડેનના સ્થાને ઉમેદવાર બનવા માગતા બધા નેતાઓએ ફોર્મ ભરીને ચૂંટણી લડવી પડશે. આખા અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના ૪૦૦૦ ડેલીગેટ્સમાંથી જેને બહુમતી મળે એ બાઇડેનના સ્થાને પ્રમુખપદના ઉમેદવાર બનીને ટ્રમ્પને ટક્કર આપશે. ૧૯ ઓગસ્ટને મહિનો પણ બચ્યો નથી તેથી પ્રમુખપદના ઉમેદવાર બનવા થનગનતાં નેતાઓ માટે રાત થોડી ને વેશ ઝાઝા છે. અત્યારથી તેમણે મચી જવું પડે.

બાઇડેને કમલા હેરિસને ટેકો આપતાં કમલાનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે પણ તેમને ટક્કર આપવા મિશેલ ઓબામા મેદાનમાં ઉતરે એવી પૂરી શક્યતા છે. મિશેલ કમલાને નહીં પણ કોઈને પણ હરાવી શકે એવાં મજબૂત ઉમેદવાર છે. અમેરિકામાં આફ્રિકન-અમેરિકન મતદારોની સંખ્યા અનેક ગણી વધારે છે તેથી આફ્રિકન-અમેરિકન મિશેલ વધારે મજબૂત ઉમેદવાર ગણાય છે.  મિશેલના પતિ બરાક ઓબામા બે ટર્મ એટલે કે  ૮ વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ રહ્યા હતા. ઓબામાએ છેક નીચલા સ્તરે કામ કરીને પ્રમુખપદ સુધી પહોંચેલા તેથી ડેમોક્રેટિક પાર્ટીમાં મિશેલની પકડ વધારે મજબૂત છે.

બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારે બાઇડેન ૮ વર્ષ સુધી અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ હતા. બાઇડેન પ્રમુખપદની ચૂંટણી લડયા ત્યારે ઓબામાએ તેમને ભરપૂર મદદ કરી હતી. બાઇડેને કમલાનું નામ સૂચવતાં બાઇડેનના સમર્થકો કમલા હેરિસ તરફ ઢળશે એવી વાતો થાય છે પણ વાસ્તવમાં તેમાંથી મોટા ભાગના ઓબામાના સમર્થકો છે. ઓબામા મેદાનમાં નથી તેથી એ બધા બાઇડેન સાથે હતા પણ મિશેલ મેદાનમાં આવે તો તેમની તરફ ઢળી જશે. આ સંજોગોમાં બાઇડેનના સ્થાને મિશેલ ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બને એવી શક્યતા વધારે છે.

કમલાનાં માતા તમિલ, પિતા જમૈકન કમલા નાનપણમાં હિંદુ ધર્મ પાળતાં

કમલા હેરીસનાં માતા શ્યામલાના વડવા તમિલનાડુના હતા જ્યારે પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકન છે. શ્યામલા ગોપાલન હેરિસ બ્રેસ્ટ કેન્સર સાયન્ટિસ્ટ હતાં.  કમલાના નાના પી.વી. ગોપાલન ટોચના ભારતીય રાજદ્વારી હતા. શ્યામલા ૧૯૬૦માં મદ્રાસથી અમેરિકા ગયાં હતાં. કોલેજ કાળમાં કોલેજ કાળમાં નાગરિક અધિકારો માટે લડતી વખતે ડોનાલ્ડ હેરિસના પ્રેમમા પડીને પછી પરણી ગયાં. ડોનાલ્ડ હેરિસ ૧૯૬૧માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા અમેરિકા આવેલા ને પછી અમેરિકા જ રહી ગયા. ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે.  

કમલા સાત વર્ષનાં હતાં ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ થયેલાં તેથી કમલાને તેમનાં માતાએ ઉછેર્યાં છે. શ્યામલાએ પોતાનાં ભારતીય મૂળની યાદ જાળવવા બંને દીકરીઓનાં નામ હિંદુ છોકરીઓ જેવાં કમલા અને માયા રાખ્યાં છે. શ્યામલા જાણીતાં સાયન્ટિસ્ટ હતાં તેથી કમલા કોઈ તકલીફ વિના ઉછર્યાં છે. કમલા  હાવર્ડ યુનિવર્સિટીમાં ભણ્યાં છે અને કેલિફોર્નિયા સ્ટેટનાં એટર્ની જનરલ તરીકે ચૂંટાયાં હતાં.

૨૦૧૭માં પહેલી વાર સેનેટમાં ચૂંટાયેલાં કમલા કેલોફોર્નિયાનાં સેનેટર છે.  કમલાનાં બહેન માયા પણ જાણીતાં વકીલ છે. કમલા નાનપણમાં હિંદુ અને ખ્રિસ્તી બંને ધર્મ પાળતાં પણ માતા સાથે રહ્યા પછી તેમનો ઝુકાવ હિંદુ ધર્મ તરફ વધ્યો. હાલમાં એ પોતાને હિંદુ કે ખ્રિસ્તી તરીકે નથી ઓળખાવતાં.

કમલાનું ૧૯૯૦ના દાયકામાં કેલિફાર્નિયા એસેમ્બલીના સ્પીકર વિલી બ્રાઉન સાથે અફેર હતું. એ પછી ટોક શો હોસ્ટ મોન્ટેલ વિલિયમ્સ સાથે પણ તેમનું અફેર રહ્યું. કમલા એ પછી વકીલ ડગ એમહોફને મળ્યાં અને પ્રેમમાં પડયાં. ૨૦૧૪માં કમલા એમહોફને પરણ્યાં. બંનેને કોઈ સંતાન નથી પણ એમહોફના આગલા લગ્નથી થયેલાં બે સંતાનો કમલા સાથે જ રહે છે.

અમેરિકામાં કોઈ મહિલા પ્રેસિડેન્ટ નથી ચૂંટાઈ, કમલા એક માત્ર વાઈસ પ્રેસિડેન્ટ

અમેરિકામાં બહુપક્ષીય લોકશાહી છે પણ રીપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બે મુખ્ય પક્ષો છે. ગ્રીન પાર્ટી, લિબરેશન પાર્ટી,  રીફોર્મ પાર્ટી સહિતના પક્ષો પણ છે પણ મુખ્ય જંગ  રીપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે થાય છે. આ બંને પક્ષો પ્રમુખપદના ઉમેદવાર તરીકે પુરૂષને જ પસંદ કરે છે. આ બે મોટા પક્ષમાંથી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં એક માત્ર મહિલા હિલેરી ક્લિન્ટન છે, હિલેરી ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયાં હતાં.

કમલા હેરિસ પહેલાં ૧૯૮૪માં ગેરલ્ડાઈન ફેરારો અને ૨૦૦૮માં સારાહ પાલિન વાઈસ પ્રેસિડેન્ટ એમ બે મહિલા જ વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી હતી. ફેરારો અને સારાહ પાલિન બંને હારી ગયાં હતાં તેથી કમલા હેરિસ અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ બનનારાં પહેલાં મહિલા હતાં. 

બાઇડેન ખસી જતાં ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદનાં ઉમેદવાર બનવા માટે કમલા હેરિસ અને મિશેલ ઓબામા વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાનું મનાય છે. બંનેમાંથી જે ઉમેદવાર બને એ પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં હિલેરી પછી બીજાં મહિલા હશે. ટ્રમ્પ બાઇડેન સામે અત્યંત મજબૂત લાગતા હતા પણ મિશેલ કે કમલા તેમને જોરદાર ટક્કર આપી શકે તેમ છે. હિલેરી જે ના કરી શક્યાં એ કમલા કે મિશેલ કરી શકે છે. અમેરિકનો પાસે પણ પહેલાં મહિલા પ્રેસિડેન્ટ ચૂંટીને ઈતિહાસ રચવાની તક આવી શકે છે.

News-Focus

Google NewsGoogle News