ભારતમાં કુલ રૂ. 1 લાખ કરોડની 13 હજારથી વધુ શત્રુ સંપત્તિ
- એક્ટમાં સરકારે ૨૦૧૭માં કરેલા સુધારાના આધારે હાઈકોર્ટે ચુકાદો આપતા સૈફના પરિવારની ૧૫ હજાર કરોડની સંપત્તિ પર લટકતી તલવાર
- ઈન્દિરા ગાંધીની સરકારે ૧૯૬૮માં એનીમી પ્રોપર્ટી એક્ટ બનાવીને સ્પષ્ટ કરેલું કે, ભારત છોડીને પાકિસ્તાન ગયેલાં લોકોને ભારતમાં સંપત્તિ ધરાવવાનો અધિકાર નથી અને ભારત પાકિસ્તાનીઓને દુશ્મન જ માને છે. આ કાયદા હેઠળ કસ્ટોડિયન ઓફ એનીમી પ્રોપર્ટીઝ ઓફ ઈન્ડિયા (સીઈપીઆઈ)ની રચના કરાઈ છે. ઈન્દિરાએ એનીમી પ્રોપર્ટી એક્ટ હેઠળ પોતાના પિતા જવાહરલાલ નહેરૂએ કરેલી ભૂલને સુધારી હતી.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પટૌડી પરિવારની ૧૫ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવા સામેનો સ્ટે ઉઠાવી લેતાં પટૌડી પરિવાર ફરી ચર્ચામાં છે. આ ચુકાદો શત્રુ સંપત્તિ કાયદાની આધારે અપાયેલો છે. આ એનીમી પ્રોપર્ટી એક્ટ, ૧૯૬૮ હેઠળ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી પછી પાકિસ્તાન જતા રહેલાં લોકોની સંપત્તિ જપ્ત કરવાનો કેન્દ્ર સરકારને અધિકાર મળે છે. ઈન્દિરા ગાંધીની સરકારે ૧૯૬૮માં એનીમી પ્રોપર્ટી એક્ટ બનાવીને સ્પષ્ટ કરેલું કે, ભારત છોડીને પાકિસ્તાન ગયેલાં લોકોને ભારતમાં સંપત્તિ ધરાવવાનો અધિકાર નથી અને ભારત પાકિસ્તાનીઓને દુશ્મન જ માને છે. ૧૯૬૫માં પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવીને એનીમી પ્રોપર્ટી એક્ટ બનાવ્યો હતો.
આ કાયદા હેઠળ કસ્ટોડિયન ઓફ એનીમી પ્રોપર્ટીઝ ઓફ ઈન્ડિયા (સીઈપીઆઈ)ની રચના કરાઈ છે. સીઈપીઆઈના સત્તાવાર આંકડા પ્રમાણે હાલમાં ભારતમાં ૧૩,૨૫૨ એનીમી પ્રોપર્ટી છે કે જેમની બજાર કિંમત એક લાખ કરોડ રૂપિયાથી વધારે થાય છે. આ સંપત્તિ પૈકી મોટા ભાગની કાનૂની વિવાદોમાં ફસાયેલી હોવાથી સરકાર તેમને જપ્ત કરીને વેચી શકતી નથી. એનીમી પ્રોપર્ટીઝને લગતા વિવાદોના ઉકેલ માટે અલગ કોર્ટ બનાવવાની માગ પણ કરાઈ છે પણ કોઈ સરકારે તેના તરફ ધ્યાન નથી આપ્યું.
ઈન્દિરાએ એનીમી પ્રોપર્ટી એક્ટ હેઠળ પોતાના પિતા જવાહરલાલ નહેરૂએ કરેલી ભૂલને સુધારી હતી. નહેરૂએ ૧૯૫૦માં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન સાથે લિયાકત-નહેરૂ કરાર તરીકે ઓળખાતા દિલ્હી કરાર કર્યા હતા.
આ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને બંને દેશોના લઘુમતી સમુદાયનાં લોકો બીજા દેશમાં રહી ગયેલી સંપત્તિ વેચવા માટે જઈ શકે તેની મંજૂરી અપાઈ હતી. ભારત આવી ગયેલા હિંદુ પાકિસ્તાન જઈને પોતાની સંપત્તિ વેચી શકે ને પાકિસ્તાન જતા રહેલા મુસલમાનો ભારત આવીને પોતાની સંપત્તિ વેચી શકે તેવી જોગવાઈ આ કરારમાં કરાઈ હતી. લૂંટવામાં આવેલી સંપત્તિ તથા ઉઠાવી જવાયેલી મહિલાઓને પણ પાછી આપવાની જોગવાઈ હતી. બંને દેશોમાં લઘુમતીઓને મદદ કરવા લઘુમતી પંચોની રચના કરાઈ હતી. આ કાયદો એ રીતે અસરકારક છે પણ તેના કારણે કોર્ટના કેસો વધ્યા છે.
સૈફનાં દાદી ભારતમાં રહેલાં તેથી પહેલેથી તેમને વારસ જાહેર કરી દેવાયાં હોત તો કદાચ એનીમી પ્રોપર્ટી એક્ટના દાયરામાં આ સંપત્તિ ના આવી હોત.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે ભોપાલમાં આવેલી પટૌડી પરિવારની નૂર-ઉસ-સબાહ પેલેસ. ફ્લેગ સ્ટાફ હાઉસ, દાર-ઉસ-સલામ, બંગલો ઓફ હબીબી, અહમદાબાદ પેલેસ. કોહેફિઝા પ્રોપર્ટી સહિતની અબજોની સંપત્તિ એનીમી પ્રોપર્ટી એક્ટ, ૧૯૬૮ હેઠળ જપ્ત કરવાની પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી છે.
આ ચુકાદા સામે પટૌડી પરિવાર પાસે એપેલેટ ટ્રિબ્યુનલમાં જવાનો વિકલ્પ છે ને તેમાં પણ કંઈ ના થાય તો સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે. ૧૫ હજાર કરોડ રૂપિયા નાની રકમ નથી તેથી પટૌડી પરિવાર સરળતાથી હથિયાર હેઠાં મૂકી દે એ વાતમાં માલ નથી પણ હાઈકોર્ટે એનીમી એક્ટમાં મોદી સરકારે ૨૦૧૭માં કરેલા સુધારાના આધારે ચુકાદો આપ્યો છે. ૨૦૧૭ના સુધારા પ્રમાણે, પાકિસ્તાન કે ચીન જતાં રહેલાં લોકોના વારસો ભારતમાં રહેતા હોય તો પણ સંપત્તિ પર દાવો ના કરી શકે. આ સંપત્તિનાં અસલી વારસ આબિદા બેગમ પાકિસ્તાન જતાં રહેલાં તેથી સુપ્રીમ કોર્ટ પણ આ ચુકાદાને માન્ય રાખે એવી પૂરી શક્યતા છે એ જોતાં પટૌડી પરિવારે આ સંપત્તિથી હાથ ધોવા પડી શકે છે.
પટૌડી પરિવાર હરિયાણાના પટૌડીનો છે અને સૈફના પૂર્વજો પટૌડીના નવાબ હતા. ભોપાલમાં પટૌડી પરિવારની કહેવાતી સંપત્તિ સૈફ અલી ખાનનાં દાદીના પક્ષે મળેલી છે. સૈફ અલી ખાનના દાદાનું નામ નવાબ ઈફ્તિખાર અલી ખાન જ્યારે પિતાનું નામ મનસૂર અલી ખાન હતું. ઇફ્તિખારનાં લગ્ન ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાનના બીજા નંબરની દીકરી સાજીદા સુલતાન સાથે થયાં હતાં. હમીદુલ્લાહની મોટી દીકરી આબિદા સુલતાનનાં લગ્ન કુરવાઈના નવાબ મોહમ્મદ સરવર અલી ખાન સાથે થયેલાં. હમીદુલ્લાહની ત્રીજી દીકરી રાબિયા સુલતાને એક વાર પાકિસ્તાનમાં ને પછી ભારતમાં લગ્ન કરેલાં.
હમીદુલ્લાહ ભાગલા પછી પણ ભારતમાં જ રહેલા અને ૧૯૬૦માં ભોપાલમાં જ ગુજરી ગયેલા. આબિદા સુલતાન પરિવારમાં સૌથી મોટાં હતાં તેથી તેમને સંપત્તિનાં વારસ ગણાયેલાં. દિલ્હી કરારના કારણે આબિદાને પોતે ગમે ત્યારે સંપત્તિ વેચી શકશે એવું લાગતું હતું પણ ૧૯૬૮માં એનીમી પ્રોપર્ટી એક્ટ અમલી બન્યો એટલે ચિત્ર બદલાયું. આ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી થવાના ડરે સૈફ અલી ખાનનાં દાદી સાજિદા બેગમે પોતે સંપત્તિનાં વારસ હોવાથી સંપત્તિ પોતાને મળવી જોઈએ એવો દાવો કરીને કેસ કરેલો.
સાજિદા બેગમનાં નાનાં બહેન રાબિયા સુલતાને ૧૯૭૦માં સંપત્તિમાં પોતાનો હિસ્સો હોવાના દાવા સાથે કેસ કરેલો. રાબિયાના વારસો પાકિસ્તાનમાં રહે છે અને તેમણે પણ ભારતમાં આવીને સંપત્તિમાં હિસ્સો માગેલો પણ તેમને વારસ તરીકે સ્વીકારાય તો કશું કર્યા વિના સંપત્તિથી હાથ ધોવા પડે એટલે સૈફ અલી ખાનના પરિવારે રાજવી પરિવારની સંપત્તિનું વિભાજન ના કરી શકાય એવો મુદ્દો ઉભો કરેલો કે જેનો કેસ હજુ ચાલે છે.
સાજિદા બેગમને ૨૦૧૯માં કોર્ટે કાયદેસરનાં વારસ જાહેર કરતાં આ સંપત્તિ સૈફ અલી ખાનના પરિવારને મળવાની શક્યતા ઉભી થઈ હતી પણ હાઈકોર્ટના ચુકાદાને પગલે આ આશા ધૂંધળી થઈ ગઈ છે. સૈફ અલી ખાન પાસે પટૌડીમાં અને મુંબઈમાં અબજોની સંપત્તિ છે તેથી આ સંપત્તિ સરકાર જપ્ત કરે એટલે સૈફ રસ્તા પર નથી આવી જવાનો પણ ૧૫ હજાર કરોડની સંપત્તિ હાથમાંથી સરકી જાય એટલે આંચકો તો લાગે જ.
- સૈફના દાદા-પિતા બંને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનેલા, પાકિસ્તાનમાં પણ બહોળો પરિવાર
ગુડગાંવ પાસેના પટૌડીના નવાબ સૈફ અલી ખાનનો પરિવાર બહુ મોટો છે. સૈફ અલી ખાનના દાદા ઈફ્તિકાર અલી ખાન પટૌડી જાણીતા ક્રિકેટર હતા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. સૈફના પિતા મંસૂર અલી ખાન ઉર્ફે ટાઈગર પટૌડી પણ ભારતીય ટીમના કેપ્ટન હતા.
ભારતને વિદેશની ધરતી પર પહેલો ટેસ્ટ શ્રેણી વિજય ટાઈગર પટૌડીના નેતૃત્વમાં મળ્યો હતો. ટાઈગર પટૌડીએ જાણીતાં અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યાં. સૈફ ઉપરાંત એક્ટ્રેસ સોહા અને જ્વેલરી ડીઝાઈનર સબા તેમનાં સંતાનો છે. સૈફની દીકરી સારા, પત્ની કરીના, બનેવી કુણાલ ખેમુ વગેરે બોલીવુડનાં જાણીતાં નામ છે.
પટૌડી પરિવાર સાથે સંકળાયેલાં લોકોનો પાકિસ્તાનમાં પણ ભારે પ્રભાવ છે. ઇફ્તિખાર અલી ખાનના ભાઈ શેર અલી ખાન પાકિસ્તાન આર્મીમાં મેજર જનરલ હતા અને તેમના પુત્ર ઈસ્ફન્દિયાર પાકિસ્તાન આર્મીમાં મેજર જનરલ અને આઈએસઆઈના ડેપ્યુટી ડિરેક્ટર બનેલા.
સૈફનાં દાદી સાજિદાનાં મોટાં બહેન આબિદા બહુ મોડર્ન હતાં. આબિદા પાયલોટ હતાં અને ઈસ્લામની પરંપરાથી વિરૂદ્ધ બોય કટ વાળ રાખતાં અને પેન્ટ-શર્ટ પહેરતાં. આબિદાના પુત્ર શહરયાર ખાન પાકિસ્તાનના વિદેશ સચિવ બનેલા અને લાંબો સમય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રહેલા. આબિદાની દીકરી હસીન બાનોના પતિ સાદિક હુસૈન કુરૈશી પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી બનેલા જ્યારે તેમનો આશિક હુસૈન પાકિસ્તાન આર્મીમાં ઓફિસર અને ક્રિકેટર હતો. આ તો બહુ જાણીતાં થયેલાં લોકોની વાત કરી પણ પાકિસ્તાનમાં પટૌડી પરિવારના ૫૦થી વધારે સભ્યો અત્યારે હયાત છે.
- ભાગલા પછી સંપત્તિ મુદ્દે થયેલા નહેરૂ-લિયાકત કરારના કારણે ભાજપનો પાયો નંખાયો
એનીમી પ્રોપર્ટી એક્ટ પહેલાં ભારત અને પાકિસ્તાનમાં રહી ગયેલાં લોકોની સંપત્તિ અંગેના દિલ્હી કરારના કારણે હાલના ભાજપનો પાયો નંખાયો. ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી નહેરૂ સરકારમાં મંત્રી હતા. દિલ્હી કરારના વિરોધમાં શ્યામાપ્રસાદે નહેરૂના પ્રધાનમંડળમાંથી ૮ એપ્રિલ, ૧૯૫૦ના દિવસે રાજીનામું ધરી દીધું હતું. શ્યામાપ્રસાદ માનતા હતા કે, દિલ્હી કરાર કરીને નહેરૂ સરકારે ભારત આવેલા હિંદુઓને પાકિસ્તાન સરકારની દયા પર છોડી દીધા છે.
ભાગલા વખતે પંજાબ અને પૂર્વ બંગાળથી સૌથી વધારે હિંદુ ભારત આવેલા. આ હિંદુઓ પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, ત્રિપુરા, બિહાર, પંજાબ અને દિલ્હી આવીને રહેલા. શ્યામાપ્રસાદ ઈચ્છતા હતા કે, મિલકતોની અદલાબદલીનું કામ ભારત સરકાર કરે. પાકિસ્તાન હિંદુઓની જેટલી સંપત્તિ અને સ્ત્રીઓને પાછી આપે તેટલા જ પ્રમાણમાં ભારત પણ મુસ્લિમોને સંપત્તિ અને સ્ત્રીઓ પાછી આપે પણ નહેરૂને એ મંજૂર નહોતું તેથી શ્યામાપ્રસાદે રાજીનામું આપી દીધું હતું.
શ્યામાપ્રસાદ નહેરૂ સરકારની જમ્મુ અને કાશ્મીર નીતિના પણ વિરોધી હતા તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને રાજકીય પક્ષ સ્થાપવા કહ્યું. સંઘની મદદથી શ્યામાપ્રસાદે ૨૩ એપ્રિલ, ૧૯૫૧ના દિવસે જનસંઘ પશ્ચિમ બંગાળ શાખા શરૂ કરીને ભાજપનો પાયો નાંખ્યો. બલરાજ મધોકે ૨૭ એપ્રિલે પંજાબ અને દિલ્હી શાખા શરૂ કરી અને આ રીતે ભાજપનો પૂર્વાવતાર જનસંઘ અસ્તિત્વમાં આવ્યો.