કોલેજની ચૂંટણીમાં ગર્લફ્રેન્ડ કાજલની હત્યા બાદ લોરેન્સ ગેંગસ્ટર બની ગયો
- લોરેન્સ બિશ્નોઈ કોર્પોરેટ સ્ટાઈલમાં ક્રાઈમ ગેંગ ચલાવે છે. વાસ્તવમાં લોરેન્સ ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે. ગોલ્ડી બ્રારથી માંડીને અનુરાધા ચૌધરી સુધીના ખતરનાક ગેંગસ્ટર્સ સામેલ
- લોરેન્સ બિશ્નોઈ કોર્પોરેટ સ્ટાઈલમાં ક્રાઈમ ગેંગ ચલાવે છે. વાસ્તવમાં લોરેન્સ ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે. ગોલ્ડી બ્રારથી માંડીને અનુરાધા ચૌધરી સુધીના ખતરનાક ગેંગસ્ટર્સની આ સિન્ડિકેટ લોરેન્સને એકદમ વફાદાર છે તેથી વરસોથી જેલમાં હોવા છતાં લોરેન્સની ગેંગ વિખેરાઈ નથી બલ્કે વધારે ને વધારે મજબૂત થતી જાય છે. લોરેન્સની લવ સ્ટોરીની શરૂઆત દસમામાં ભણતો હતો ત્યારે જ થઈ ગયેલી. 2008ની આ વાત છે. કાજલ નામની સાથે જ ભણતી છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો. બારમું પૂરું કર્યા પછી બંનેએ સાથે જ ચંદીગઢની ડીએવી કોલેજમાં એડમિશન લઈ લીધું. પરિવારને વાંધો નહોતો તેથી બંને લગ્ન કરશે એ નક્કી હતું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કરીને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દેશભરમાં જાણીતો થઈ ગયો છે. લોરેન્સે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરીને ચકચાર જગાવી હતી પણ મુંબઈમાં સરેઆમ એક હાઈ પ્રોફાઈલ રાજકારણી-બિઝનેસમેનની હત્યા બહુ મોટો અપરાધ છે. ૧૨ ઓક્ટોબર ને દશેરાની સાંજે બાબા સિદ્દીકી પોતાના સુરક્ષા કમાન્ડોથી ઘેરાઈને ફટાકા ફોડી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શૂટરે ધડાધડ ગોળીઓ છોડીને બાબાનો ખેસ ખતમ કરી નાંખ્યો.
ઘટનાના કલાકોમાં તો લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી સ્વીકારીને એલાન કરી દીધું કે, દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધો રાખનારી કોઈ પણ વ્યક્તિના આ જ હાલ થશે. બિશ્નોઈએ સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું ત્યારે પણ આ ધમકી આપેલી પણ કોઈએ તેને ગંભીરતાથી લીધો નહોતો. સિદ્દીકીની હત્યા કરાવીને બિશ્નોઈએ પોતાની તાકાતનો પરચો આપ્યો છે.
બાબા સિદ્દીકીની હત્યાએ લોરેન્સ બિશ્નોઈને ભારતના સૌથી મોટા ગેંગસ્ટર તરીકે સ્થાપિત કરી દીધો છે. માત્ર ૩૧ વર્ષના લોરેન્સની ગેંગ અને ક્રાઈમ નેટવર્ક વિશે જે વાતો બહાર આવી રહી છે એ ચોંકાવી દેનારી છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા સહિતનાં રાજ્યોમાં બિશ્નોઈ ગેંગના ૭૦૦થી વધારે શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. તેમની મદદથી લોરેન્સ બિશ્નોઈએ ભયનું જોરદાર સામ્રાજ્ય ઉભું કર્યું છે અને મહિને ૧૦૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવતો હોવાનું કહેવાય છે.
લોરેન્સ બિશ્નોઈ કોર્પોરેટ સ્ટાઈલમાં ક્રાઈમ ગેંગ ચલાવે છે. વાસ્તવમાં લોરેન્સ ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે. ગોલ્ડી બ્રારથી માંડીને અનુરાધા ચૌધરી સુધીના ખતરનાક ગેંગસ્ટર્સની આ સિન્ડિકેટ લોરેન્સને એકદમ વફાદાર છે તેથી વરસોથી જેલમાં હોવા છતાં લોરેન્સની ગેંગ વિખેરાઈ નથી બલ્કે વધારે ને વધારે મજબૂત થતી જાય છે.
કોઈ પણ ગેંગસ્ટર વિશે સામાન્ય છાપ એવી હોય છે કે, બહુ ભણેલો નહીં હોય ને ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ગુનાખોરી તરફ વળી ગયો હશે. બિશ્નોઈ ઓછું ભણેલો નથી ને ઝડપથી કમાણીની લાલચ પણ નથી પણ સંજોગોએ તેને ક્રાઈમની દુનિયામાં ધકેલી દીધો. બિશ્નોઈ જબરદસ્ત ક્રાઈમ સામ્રાજ્ય ઉભું કરી શક્યો તેનું કારણ શિક્ષણ છે. બિશ્નોઈ કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલો છે અને પંજાબ યુનિવસટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એલએલબી પણ કર્યું.
લોરેન્સનો પરિવાર ગર્ભશ્રીમંત છે. તેના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા પણ પોલીસ ફોર્સમાં જોડાયાના ૫ વર્ષમાં જ નોકરી છોડીને ખેતી કરવા લાગેલા કેમ કે પરિવાર પાસે પુષ્કળ જમીન છે. ભાઈઓના ભાગ પાડયા પછી પણ અત્યારે લોરેન્સના પિતા પાસે ૧૧૦ એકર (લગભગ ૧૮૦ વિઘા) જમીન છે કે જેમાંથી વરસે કરોડોની કમાણી થાય છે. જેલમાં રહેલા લોરેન્સ પાછળ તેનો પરિવાર વરસે ૪૦ લાખ ખર્ચી નાંખે છે.
લોરેન્સ કશું કર્યા વિના પિતાની જેમ ખેતી કરતો હોત તો પણ કરોડોમાં આળોટતો હોત પણ એ ગુનાખોરી તરફ વળ્યો તેનું કારણ તેની ટ્રેજિક લવ સ્ટોરી છે. લોરેન્સની લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. એનિમલ ફિલ્મમાં ધનિક બિઝનેસમેન બાપનો દીકરો રણબીર કપૂર પિતા પર હુમલો થતાં તેમના રક્ષણ માટે ગેંગસ્ટર બની જાય છે. લોરેન્સના કિસ્સામાં પણ એવું જ થયું છે.
લોરેન્સની લવ સ્ટોરીની શરૂઆત લોરેન્સ દસમામાં ભણતો હતો ત્યારે જ થઈ ગયેલી. ૨૦૦૮ની આ વાત છે. કાજલ નામની તેની સાથે જ ભણતી છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો. કાજલ પણ સ્માર્ટ લોરેન્સના પ્રેમમાં પડી ગઈ તેથી બારમું પૂરું કર્યા પછી બંનેએ સાથે જ ચંદીગઢની ડીએવી કોલેજમાં એડમિશન લઈ લીધું. લોરેન્સ અને કાજલના પરિવારને વાંધો નહોતો તેથી બંને લગ્ન કરશે એ નક્કી હતું.
હાલનો કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર એ વખતે પંજાબ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનનો પ્રમુખ હતો. લોરેન્સ અને ગોલ્ડીની મિત્રતા થઈ તેથી કોલેજમાં લોરેન્સ પોલિટિક્સમાં રસ લેતો થયો. લોરેન્સ પંજાબ યુનિવર્સિટી કેમ્પસ સ્ટુડન્ટ્ટસ કાઉલ્સિમાં જોડાયો.
લોરેન્સે સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (એસઓપીયુ) નામનું સંગઠન બનાવેલું. આ સંગઠન આજે પણ કામ કરે છે. ગોલ્ડીના કહેવાથી કોલેજની ચૂંટણીમાં ઉભો રહેલો. લોરેન્સને ખબર નહોતી કે આ ચૂંટણી તેની જિંદગી બદલી નાંખશે.
લોરેન્સ લોકપ્રિય હતો અને ગોલ્ડીનો સપોર્ટ હતો પણ હરીફ ઉમેદવાર પાસે મની પાવર વધારે હતો તેથી લોરેસ હારી ગયો. લોરેન્સની હાર પછી હરીફ ઉમેદવારે જીતનો જશ્ન મનાવવા રાખેલી પાર્ટી પહેલાં તેની ગેંગના લોકોએ કાજલને ઉઠાવી લીધી અને તેને જાહેરમાં સળગાવી દીધી. લોરેન્સ પોતાના સાથીઓ સાથે બહાર હતો. ખબર પડતાં દોડતો આવ્યો પણ ત્યાં સુધીમાં ખેલ ખતમ થઈ ગયો હતો. પોલીસમાં ફરિયાદ કરાઈ પણ હરીફ ઉમેદવાર પાવરફુલ હતો તેથી કાજલના મોતને એક્સિડંટમાં ખપાવી દેવાયો.
કાજલની હત્યાએ લોરેન્સને કાળઝાળ કરી દીધો હતો ને તેમાં પોલીસે પણ કશું ના કરતાં લોરેન્સે જાતે કાજલની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું. ગોલ્ડી બ્રારે તેને બંદૂક આપી ને એક દિવસ લોરેન્સ બંદૂક લઈને હરીફ ઉમેદવારના કેમ્પમાં ઘૂસી ગયો. કાજલને જેણે સળગાવીને મારી નાંખેલી તેના પર ગોળી છોડી પણ એ બચી ગયા પણ લોરેન્સેના નામે પહેલો અપરાધ નોંધાઈ ગયો.
લોરેન્સ બિશ્નોઈ સામે હત્યાના પ્રયાસ માટે એફઆઈઆર નોંધાઈ પણ ગોલ્ડી બ્રારની મદદથી એ બહાર આવી ગયો. હરીફોના ઈશારે એપ્રિલ ૨૦૧૦માં ટ્રેસ પાસિંગ માટે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૧માં લોરેન્સ સામે હુમલો અને સેલ ફોન લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ત્રણેય કેસ વિદ્યાર્થી રાજકારણ સાથે જોડાયેલા છે ને તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે તેના દુશ્મનો તેને છોડશે નહીં. લોરેન્સ પાછા ના ફરી શકાય એવી દુનિયામાં આવી ગયો હતો. લોરેન્સે જેમના પર હુમલો કરેલો એ તેને છોડવાનો નહોતો તેથી લોરેન્સ પાસે અપરાધની દુનિયામાં રહેવા સિવાય વિકલ્પ ના રહ્યો.
લોરેન્સ બિશ્નોઈ એ વખતે માત્ર ૧૯ વર્ષનો હતો. ગોલ્ડી બ્રાર તેને કુખ્યાત ગેંગસ્ટર્સ જગ્ગુ ભગવાનપુરીયા પાસે લઈ ગયો. ભગવાપુરીયાએ તેને પોતાની પાંખમાં લઈને રક્ષણનું વચન આપ્યું. ગોલ્ડી બ્રારે જ તેનો પરિચય પોલીટિશિયન કમ ગેંગસ્ટર રોકી ફાજિલ્કા સાથે કરાવ્યો.ગોલ્ડી બ્રાર, જગ્ગુ ભગવાનપુરીયા અને રોકી ફાજિલ્કાની મદદથી લોરેન્સે કઈ રીતે ૧૦ વર્ષમાં જ કાલા સામ્રાજ્ય જમાવ્યું, કઈ રીતે દેશનો સૌથી મોટો ગેંગસ્ટર બન્યો અને કેવા કેવા અપરાધ કર્યો તેની વાત આવતી કાલે કરીશું.
લોરેન્સના પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે ગાઢ સંબંધ, જેલમાંથી ફોન કરેલો
લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાનના ગેંગસ્ટર્સ સાથે પણ સંબંધો ધરાવે છે. હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ જૂનમાં પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો કોલમાં લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીને ઈદની મુબારકબાદ આપે છે. વીડિયો કોલમાં ભટ્ટી કહે છે કે, પાકિસ્તાન સિવાય બીજે બધે આજે ઈદ છે જ્યારે પાકિસ્તાનમાં રવિવારે ઈદ ઉજવાઈ ગઈ. ભારતમાં ૧૭ જૂન ને સોમવારે ઈદ ઉજવાઈ હતી જ્યારે પાકિસ્તાનમાં રવિવાર ને ૧૬ જૂને ઈદ ઉજવાઈ હતી. ઈદની ઉજવણી ચાંદ દેખાય તેના આધારે થતી હોય છે એવી સ્પષ્ટતા પણ ભટ્ટી કરે છે તેથી આ વીડિયો આ વખતનો જ હતો છતાં સાબરમતી જેલના તંત્ર પોતાને ત્યાંથી વીડિયો કોલ નથી થયો એવો દાવો કર્યો હતો.
બિશ્નોઈ-ભટ્ટી વીડિયો કોલનો વીડિયો સોશિયલ મીડિયા પર પંજાબના ભૂતપૂર્વ મંત્રી બિક્રમસિંહ મજીઠિયાએ મૂક્યો હતો. પાકિસ્તાનનો કુખ્યાત ગેંગસ્ટર અને આર્મ્સ-ડ્રગ્સ ડીલર શાહઝાદ ભટ્ટી મૂળ લાહોરનો છે પણ રાવલપિંડીમાં રહીને ગેંગ ઓપરેટ કરે છે. રાવલપિંડી પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર છે તેથી શાહઝાદ ભટ્ટી પાકિસ્તાન આર્મીના અધિકારીઓનો માનીતો ગેંગસ્ટર હોવાનું મનાય છે. ડ્રગ્સ અને આર્મ્સ સપ્લાયર ભટ્ટી લોરેન્સ બિશ્નોઈ સહિતની પંજાબ અને ઉત્તર ભારતમાં ઓપરેટ કરતી ગેંગ્સને હથિયારો અને દારૂગોળો પૂરાં પાડે છે.
પંજાબ અને કાશ્મીર સરહદેથી ભારતમાં શસ્ત્રો અને ડ્રગ્સ ઘૂસાડવાના બિઝનેસમાં પાકિસ્તાન આર્મીના ટોચના અધિકારીઓ તેના પાર્ટનર હોવાનું કહેવાય છે.
લોરેન્સ પરની વેબ સીરિઝનું પોસ્ટર દિવાળીએ રીલીઝ થશે
બાબા સિદ્દીકીની હત્યા પછી લોરેન્સ બિશ્નોઈની ઠેર ઠેર ચર્ચા છે ત્યારે હવે તેના પર વેબ સિરીઝ બની રહી છે. લોરેન્સ બિશ્નોઈ પર બની રહેલી વેબ સિરીઝનું નામ 'લોરેન્સઃ અ ગેંગસ્ટર સ્ટોરી' હશે. ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનમાં રજિસ્ટર્ડ કરાવાયેલા આ ટાઈટલને મંજૂરી મળી ગઈ છે. વેબ સીરિઝમાં તેની ગુનાખોરીની સફર અને જીવનના વિવાદો પર ઓછું પણ લોરેન્સ કેવી રીતે કુખ્યાત ગેંગસ્ટર બન્યો તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરાશે.
જાની ફાયર ફોક્સ ફિલ્મ આ વેબ સીરિઝનું નિર્માણ કરશે અને અમિત જાની તેના ડિરેક્ટર હશે. વેબ સીરિઝનું પોસ્ટર દિવાળીના દિવસે રિલીઝ થશે. લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા કોણ ભજવશે એ અત્યારે સસ્પેન્સ રખાયું છે. દિવાળીના દિવસે લોરેન્સ બિશ્નોઈની ભૂમિકામાં કયો અભિનેતા ભજવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.