બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન, હસીના માટે વટનો સવાલ
- બાંગ્લાદેશનું લશ્કર પણ શેખ હસીનાની સાથે છે તેથી હસીનાને સીધી રીતે હટાવી શકાય તેમ નથી. તેના માટે પ્રચંડ લોકઆંદોલન ઉભું કરવું પડે
- અનામતનો લાભ મેળવનારા ૯૦ ટકાથી વધારે પરિવારો હસીનાની અવામી લીગના સમર્થકો છે. હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે પોતાની સાથે લડનારા આઝાદીના લડવૈયાઓના પરિવારજનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી હતી. આ અનામતના કારણે અવામી લીગની વફાદાર મતબેંક ઉભી થઈ કે જેને કોઈ પણ સંજોગોમાં હસીના સાચવશે જ. હસીના પાકાં ખેલાડી છે તેથી અત્યારે કદાચ કશું ના કરે તો પણ ભવિષ્યમાં હસીના અનામત પાછી લાવશે જ. ભૂતકાળમાં હસીનાએ એવું કર્યું જ છે.
મુસ્લિમ રાષ્ટ્ર બાંગ્લાદેશમાં ભડકેલા અનામત વિરોધી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાનના લશ્કર સામે લડનારા શેખ મુજીબુર રહેમાનની આર્મીના સૈનિકોનાં સગાં માટે સરકારી નોકરીઓમાં ૩૦ ટકા બેઠકો ૧૯૭૨થી અનામત હતી. ૨૦૧૮માં શેખ હસીનાની સરકારે આ અનામત રદ કર હતી પણ ગયા મહિને હાઈકોર્ટે ફરી અનામત લાગુ કરવા આદેશ આપતાં જ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
શેખ હસીનાની સરકારના દબાણ હેઠળ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હોવાનો દાવો કરીને આંદોલનકારીઓ અનામત નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે પણ શેખ હસીના મચક નથી આપતાં તેથી હિંસા શરૂ થઈ ગઈ. શુક્રવારે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમાં ૧૩૩ લોકોનાં મોત થઈ ગયાં છે. ઠેર ઠેર આગ લગાડાઈ છે તેથી હસીનાની સરકારે આર્મીને મેદાનમાં ઉતારીને દેખો ત્યાં ઠારના આદેશ આપવા પડયા છે.
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટેની અનામતને ઘટાડીને ૫ ટકા કરી દીધી અને બાકીની બધી કેટેગરી માટેની અનામત માત્ર ૨ ટકા કરીને ૯૩ ટકા જગાઓ મેરિટથી ભરવાનો આદેશ આપતાં આંદોલનકારીઓ ઠંડા પડયા છે પણ હિંસા ચાલુ જ છે. તેનું કારણ એ કે, આ મામલો હવે રાજકીય બની ગયો છે.
આ આંદોલનની શરૂઆત હાઈકોર્ટે અનામતને માન્યતા આપતાં થઈ હતી પણ સુપ્રીમ કોર્ટે અઠવાડિયામાં જ ફરી અનામત લાગુ કરવાના નિર્ણયને રદ કરી દીધો હતો. આ કારણે બાંગ્લાદેશમાં અનામત જ ના રહેતાં આંદોલનનો મતલબ જ નહોતો રહ્યો પણ વિપક્ષોને એ મંજૂર નહોતું તેથી હિંસા ભડકાવી દીધી.
વિદ્યાર્થીઓએ ચાલુ કરેલા આંદોલનની જમાત એ ઈસ્લામી સહિતનાં કટ્ટરવાદી સંગઠનોએ પોતાના હાથમાં લઈ લીધી. બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તામાં છે જ્યારે કટ્ટરવાદી મુસ્લિમ પાર્ટી જમાત એ ઈસ્લામી મુખ્ય વિપક્ષ છે. માથાભારે શેખ હસીના બધાંને કચડીને છેલ્લાં ૧૫ વર્ષથી બાંગ્લાદેશ પર એકહથ્થુ શાસન કરે છે. શેખ હસીના સામે ચૂંટણીઓમાં ગરબડ કરીને જીતવાના આક્ષેપો થાય છે. અમેરિકા શેખ હસીનાની વિરૂધ્ધ હોવા છતાં કશું બગાડી શકતું નથી કેમ કે હસીના સરમુખત્યારશાહી વલણ સાથે બધાંને કચડી નાંખે છે.
બાંગ્લાદેશનું લશ્કર પણ શેખ હસીનાની સાથે છે તેથી હસીનાને સીધી રીતે હટાવી શકાય તેમ નથી. તેના માટે પ્રચંડ લોકઆંદોલન ઉભું કરવું પડે. જમાત સહિતનાં કટ્ટરવાદી સંગઠનોને અનામત વિરોધી આંદોલનના કારણે પ્રચંડ આંદોલન ઉભું કરવાની તક મળી ગઈ હોય એવું લાગે છે તેથી આ તક છોડવા માગતાં નથી.
શેખ હસીના માટે પણ આ અનામત વટનો સવાલ છે કેમ કે અનામતનો લાભ મેળવનારા ૯૦ ટકાથી વધારે પરિવારો હસીનાની અવામી લીગના સમર્થકો છે. બાંગ્લાદેશની સ્થાપના ૧૯૭૧માં થઈ એ પહેલાં તે પાકિસ્તાનનો હિસ્સો હતો. આઝાદી વખતે અંગ્રેજોએ ધર્મના આધારે પંજાબ અને બંગાળ એ બે મહત્વનાં રાજ્યોનાં ઉભાં ફાડિયાં કરી નાંખેલાં. બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમોની વસતી લગભગ સરખી જ હતી પણ બંગાળના મુસ્લિમો પાકિસ્તાનની રચનાના પ્રણેતા મોહમ્મદઅલી ઝીણાના સમર્થક નહોતા તેથી તેમણે ભારતથી અલગ થવાની ના પાડેલી. અંગ્રેજોને આખું બંગાળ ભારતને મળે તેમાં રસ નહોતો તેથી તેમણે લોકલાગણીને અવગણીને બંગાળનાં ઉભાં ફાડિયાં કર્યાં. દેશના ભાગલા વખતે પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યું ને પૂર્વ બંગાળ પાકિસ્તાનમાં ગયું.
બંગાળીઓને પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાના વારસાનું બહુ ગૌરવ છે. બીજી તરફ પાકિસ્તાનમાં પંજાબીઓ અને સિંધીઓનું વર્ચસ્વ હતું. આ કારણે સંઘર્ષનો આરંભ થયો. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાને આ સંઘર્ષની આગેવાની લીધી. ભારતે તેમો લાભ લઈને પૂર્વ પાકિસ્તાનના ક્રાન્તિકારીઓને મદદ કરતાં બંગાળી લોકોના આક્રોશને ડામવો પાકિસ્તાનની સરકાર માટે અશક્ય બની ગયું
ભૂરાંટા થયેલા પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાંખવા અત્યાચારો કરવા માંડયા. પાકિસ્તાને આતંકવાદીઓ જેવા રઝાકારની ભરતી કરીને બંગાળીઓ પર અસહ્ય અત્યાચારો શરૂ કર્યા. રઝાકાર દયા બતાવ્યા વિના બંગાળીઓને ગોળીએ મારતા, તેમનાં ઘરો સળગાવી દેતા અને સ્ત્રીઓ પર ગેંગ રેપ કરતા. યાહ્યાખાનના આદેશથી ૩૦ લાખ બાંગ્લાદેશીઓની હત્યા થઈ હોવાનું કહેવાય છે.
આ અત્યાચારો સામે અહિંસક લડત કામ લાગે તેમ નહોતી એટલે મુજીબુર રહેમાને લોકોને પૂરી તાકાતથી લડી લેવાનું એલાન કરતાં બંગાળીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ આંદોલનને કચડી નંખવા ૨૫ માર્ચ, ૧૯૭૧ના રોજ યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો. બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી. મુજિબુરના સમર્થકોને ખતમ કરવા પાકિસ્તાની લશ્કરે ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું.
મુજિબુર રહેમાનના સમર્થકોએ પાકિસ્તાની લશ્કરના અત્યાચારો સામે બંગાળીઓનું રક્ષણ કરવા હથિયાર ઉઠાવ્યાં. ૧૦ એપ્રિલે બાંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ. આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને મુક્તિ બાહિની રચી અને બાંગ્લાદેશની આઝાદી માટે જંગ શરૂ થયો. આ જંગમાં ભારતે મુક્તિબાહિનીને મદદ કરી તેથી પાકિસ્તાનનાં ઉભાં ફાડિયાં થયાં એ ઈતિહાસ જાણીતો છે. શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે પોતાની સાથે લડનારા આઝાદીના લડવૈયાઓના પરિવારજનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી હતી. આ અનામતના કારણે અવામી લીગની વફાદાર મતબેંક ઉભી થઈ કે જેને કોઈ પણ સંજોગોમાં હસીના સાચવશે જ.
હસીના પાકાં ખેલાડી છે તેથી અત્યારે કદાચ કશું ના કરે તો પણ ભવિષ્યમાં હસીના અનામત પાછી લાવશે જ.
ભૂતકાળમાં હસીનાએ એવું કર્યું જ છે. ૨૦૧૮માં અનામત સામે પ્રચંડ આંદોલન થયું પછી હસીનાએ અનામત રદ કરી દીધી હતી. આ કારણે ૨૦૧૮ પછી બાંગ્લાદેશમાં અનામત જ નહોતી. આ કારણે અવામી લીગના સમર્થકોમાં નારાજગી હતી. આ નારાજગી દૂર કરવા હસીનાએ ફર ૩૦ ટકા અનામતનો અમલ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાવી હતી. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલાં શેખ હસીના પોતે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની અનામતની તરફેણમાં હોવાનું કહેતાં હતાં. સતામાં આવ્યા પછી તેમણે હાઈકોર્ટ પાસે અનામતની તરફેણમાં ચુકાદો અપાવડાવીને પોતાના સમર્થકોનાં દિલ જીતી લીધાં હતાં.
હવે ફરી અનામત નાબૂદ થઈ જાય તો હસીનાના વિરોધીઓનો નૈતિક વિજય ગણાય, હસીના ખુર્રાંટ છે ને એવું થવા દે એવાં નથી એ જોતાં ફરી અનામત આવશે ને ફરી બાંગ્લાદેશ સળગશે.
- હૈદરાબાદને ભારતમાં ભળતું રોકવા રઝાકારો ભારત સામે લડેલા
શેખ હસીનાએ બાંગ્લાદેશના અનામત આંદોલન વિરોધીઓને રઝાકાર ગણાવતાં વિવાદ થઈ ગયો છે.
બાંગ્લાદેશની આઝાદી વખતે બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજારવા પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યાખાને રઝાકાર નામે અર્ધલશ્કરી દળ બનાવેલું. રઝાકાર બાંગ્લા પ્રજા પર અત્યાચારો ગુજારવા માટે કુખ્યાત હોવાથી બાંગ્લાદેશમાં રઝાકાર શબ્દને ગાળ તરીકે લેવાય છે.
રઝાકારનાં મૂળિયાં હૈદરાબાદમાં છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમના બહાદપર યાર જંગ તેના સ્થાપક હતા.
દેશની આઝાદી પહેલાં કાસિમ રઝવી નામનો એકદમ કટ્ટરવાદી તેનો નેતા હતો. નિઝામે પાકિસ્તાનમાં ભળવાનું નક્કી કર્યું એ વખતે કાસિમ રઝવીના માણસો હથિયારો લઈને ભારતીય સેનાનો સામનો કરવા ઉતરી પડેલા. કાસિમ રઝવી અને તેના ટોળાએ હિન્દુઓ પર અમાનવિય અત્યાચારોની ગુજાર્યા હતા.
રઝાકારોએ ભારતીય લશ્કરને રોકવાનો પ્રયાસ કરેલો પણ પરાજિત થયા પછી, નિઝામે શરણાગતિ સ્વીકારી અને રઝાકરોને વિખેરી નાખવા સંમત થયા. કાસિમ રઝવીને શરૂઆતમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને પછી તેને પાકિસ્તાન જવાની મંજૂરી આપવામાં આવી હતી.
- બાંગ્લાદેશમાં હિંદુઓ માટે ૫ ટકા અનામત હતી
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ૫૬ ટકા બેઠકો અલગ અલગ ગુ્રપો માટે અનામત હતી જ્યારે ૪૪ ટકા બેઠકો મેરિટથી ભરાતી હતી. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે તમામ અનામત રદ કરી દીધી પછી હાલમાં બાંગ્લાદેશમાં કોઈ પ્રકારની અનામત નથી. રવિવારે સુપ્રીમ કોર્ટે ૭ ટકા અનામતને મંજૂરી આપતાં હવે અનામત અમલી બનશે. આ પહેલાં ૫૬ ટકા અનામતમાં સૌથી વધારે ૩૦ ટકા બેઠકો ૧૯૭૧ના બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારો માટે હતી. ૧૦ ટકા બેઠકો સ્ત્રીઓ માટે અને ૧૦ ટકા પછાત જિલ્લાનાં લોકો માટે અનામત હતી.
હિંદુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ માટે ૫ ટકા અનામત અને ૧ ટકા દિવ્યાંગો માટે અનામત હતી. જમાત સહિતના કટ્ટરવાદી સંગઠનોને હિંદુઓ માટેની અનામત પણ પસંદ નહોતી. મુસ્લિમ સંગઠનો તો બાંગ્લાદેશમાંથી હિંદુઓને સાફ કરી દેવા માગે છે તેથી તેનો પણ ભારે વિરોધ કરતાં હતાં.