Get The App

બ્રહ્મપુત્રા પછી સિંધુ, ચીનનો ગેમ પ્લાન ભારતને ભિડાવવાનો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
બ્રહ્મપુત્રા પછી સિંધુ, ચીનનો ગેમ પ્લાન ભારતને ભિડાવવાનો 1 - image


- ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્રતા વધે તો ચીન તિબેટથી જ સિંધુને રોકી શકે. ચીન પાસે જબરદસ્ત ટેકનોલોજી છે તેથી સિંધુ નદીના પાણીને પોતાની તરફ વાળી શકે. વૈશ્વિક નિષ્ણાતોના મતે, ચીનનો લાંબા સમયનો ગેમ પ્લાન સિંધુના પાણી પર કબજો કરવાનો છે. સિંધુમાં હિમાલયનો જે ભાગ ભારતમાં છે તેમાંથી પણ પાણી આવે છે તેથી સિંધુ સાવ સૂકાય નહીં પણ ચીન તેને પોતાની તરફ વાળે એટલે તેનું પાણી ત્રીજા ભાગનું થઈ જાય. ભારત સિંધુ નદીના પાણીનો ઉપયોગ નથી કરતું તેથી ભારતને સીધો ફરક ના પડે પણ ચીનનો ગેમ પ્લાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ કરાવવાનો છે. ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય ત્યારે ચીન પાકિસ્તાનની સાથે રહીને ભારતને નુકસાન કરી શકે એ જોતાં ભારત માટે સિંધુ નદીનો મુદ્દો સ્ફોટક બની શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતની પાડોશી દેશો સાથે નદીઓના પાણીના મુદ્દે વધી રહેલી તકરાર ચર્ચામાં છે. એક તરફ ચીન બ્રહ્મપુત્રા નદી પર સૌથી મોટો બંધ બાંધીને ભારતની હાલત કફોડી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે એ મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે બીજી તરફ પાકિસ્તાન પણ સિંધુ નદીના મુદ્દે ડખા ઉભા કરી રહ્યું છે. તેના ભાગરૂપે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રેતલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ બનાવ્યા તેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. 

પાકિસ્તાને ૨૦૧૫માં બંને પ્રોજેક્ટ્સ સામે તેના વાંધાઓ અંગે રજૂઆત કરવા માટે ન્યુટ્રલ એક્સપર્ટ એટલે  તટસ્થ નિષ્ણાતની નિમણૂકની માંગ કરી હતી. વર્લ્ડ બેંક ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિમાં મધ્યસ્થી છે તેથી વર્લ્ડ બેંકે ન્યુટ્રલ એક્સપર્ટની નિમણૂક કરી હતી. ઈન્ટરનેશનલ કમિશન ફોર લાર્જ ડેમ્સના પ્રમુખ મિશેલ લિનોને ન્યુટ્રલ એક્સપર્ટ નિમવામાં આવ્યા પછી પાકિસ્તાને ગુલાંટ લગાવીને  ૨૦૧૬માં ન્યુટ્રલ એક્સપર્ટના બદલે હેગની આર્બિટ્રેશન કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી હતી.

ભારતે તેનો વિરોધ કરીને આ મામલો આર્બિટ્રેશન કોર્ટમાં નહીં પણ ન્યુટ્રલ એક્સપર્ટ મારફતે જ ઉકેલાય એવી માગ કરી હતી.  ભારતે પાકિસ્તાનના વાંધાઓનો ઉકેલ લાવવા માટે ન્યુટ્રલ એક્સપર્ટ સાથે મીટિંગો કરેલી પણ હેગમાં આર્બિટ્રેશનની કાયમી કોર્ટની કાર્યવાહીથી દૂર રહ્યું હતું. ભારતનો મુદ્દો સ્પષ્ટ હતો કે બંને પ્રક્રિયા એક સાથે ચાલી શકે નહીં. ન્યુટ્રલ એક્સપર્ટ મિશેલ લિનોએ ભારતના વલણને માન્ય રાખ્યું છે અને પાકિસ્તાનના વાંધાઓની રજૂઆત સાંભળવા માટે પોતે સક્ષમ છે એવો ચુકાદો આપ્યો છે. 

હવે પાકિસ્તાન શું કરશે એ ખબર નથી પણ ભારતમાં મીડિયાનો એક વર્ગ અને ખાસ તો સોશિયલ મીડિયા પર ભારતની મોટી જીત થઈ હોવાનું અને પાકિસ્તાનને કારમી પછડાટ થઈ હોવાનું કોરસ શરૂ થઈ ગયું છે. આ ચુકાદો પાકિસ્તાન માટે પીછેહઠ સમાન છે પણ તેના કારણે સિંધુ નદીના પાણીના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિખવાદનો અંત આવી જવાનો નથી. બલ્કે ભવિષ્યમાં ભારત માટે નવી મુશ્કેલીનાં એંધાણ છે. પાકિસ્તાન-ચીનની જુગલબંધી ભવિષ્યમાં બ્રહ્મપુત્રા પછી સિંધુ નદીના પાણીનો ઉપયોગ પણ ભારત સામે હથિયાર તરીકે કરી શકે છે. 

પાકિસ્તાન કશું કર્યા વિના કે દુનિયાની નજરમાં વિલન બન્યા વિના ભારતની હાલત બગાડી શકે છે. આ વાતને સમજવા સિંધુ જળ સંધિને સમજવી જરૂરી છે. સિંધુ જળ સંધિ ૧૯૬૦માં થયેલી ને વર્લ્ડ બેંકે તેમાં મધ્યસ્થી કરેલી તેથી આ સંધિનો અમલ કરાવવાની જવાબદારી વર્લ્ડ બેંકની છે. ભારત વતી જવાહરલાલ નહેરૂ ને પાકિસ્તાન વતી અયુબ ખાને સિંધુ જળ સંધિ પર સહી કરેલી.

સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. પાકિસ્તાનના ભાગે  સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીઓ જ્યારે ભારતના ભાગે બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી આવી છે.  ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, ટ્રાન્સપોર્ટ અને પાવર જનરેશન માટે કરી શકે પણ આ નદીઓના કાંઠે ઉદ્યોગો કે બીજા પ્રોજેક્ટ ઉભા કરીને આ નદીઓના પાણીનો ઉપયોગ ના કરી શકે. ભારત ડેમ બનાવી શકે પણ તેણે ધ્યાન રાખવું પડે કે પાકિસ્તાનને અમુક જથ્થાથી ઓછું પાણી ના મળે.

પાકિસ્તાનને ડર હતો કે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીનાં પાણી રોકીને પાકિસ્તાનમાં પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને દુકાળ લાવી શકે છે. પાકિસ્તાનની ખેતીને તેના કારણે નુકસાન થાય અને લોકોને પીવા માટે પણ પાણી ના મળે તેથી પાકિસ્તાને આ ડર યુ.એન.માં વ્યક્ત કર્યો. પાકિસ્તાન ત્યારે અમેરિકાનું પીઠ્ઠુ હતું ને યુએન અમેરિકાના ઈશારે ચાલે છે તેથી યુનાઈટેડ નેશન્સે ભારત પર સંધિ માટે દબાણ કર્યું.  દુશ્મન દેશો સાથે પનારો પાડવાના મુદ્દે જવાહરલાલ નહેરૂ સાવ પોચકા હતા તેથી તેમણે દબાણમાં આવીને આ સંધિ કરી નાંખી.

છેલ્લાં ઘણાં વરસોથી આ સંધિનો અમલ સારી રીતો થયો છે પણ છેલ્લાં કેટલાંક વરસોથી પાકિસ્તાન કોઈ ને કોઈ વાંધા કાઢયા કરે છે. તેનું કારણ ચીનની ચડવણી હોવાનું કહેવાય છે. ચીન બ્રહ્મપુત્રા અને સિંધુ નદીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માગે છે તેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના મુદ્દે ઝગડો થાય અને પોતાના દોસ્ત પાકિસ્તાનને મદદ કરવા માટે ચીન કૂદી પડે એવો તખ્તો ઘડી રહ્યું છે. 

ચીન એવું કરી શકે કેમ કે સિંધુ નદી પાકિસ્તાનમાં ભારતમાં થઈને જાય છે પણ તેનું મૂળ તિબેટમાં છે. સિંઘુ તિબેટના પશ્ચિમ ભાગમાંથી નિકળે છે. કૈલાસ પર્વત અને કૈલાસ માનસરોવરની નજીક તેનું ઉદગમસ્થાન છે, તિબેટથી નિકળીને સિંધુ ભારતમાં લદાખમાં આવે છે. લદાખથી એ પાકિસ્તાને પચાવી પાડેલા ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે ને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાં જાય છે.

આ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્રતા વધે તો ચીન તિબેટથી જ સિંધુને રોકી શકે. ચીન પાસે જબરદસ્ત ટેકનોલોજી છે તેથી સિંધુ નદીના પાણીને પોતાની તરફ વાળી શકે. વૈશ્વિક નિષ્ણાતોના મતે, ચીનનો લાંબા સમયનો ગેમ પ્લાન સિંધુના પાણી પર કબજો કરવાનો છે. 

સિંધુમાં હિમાલયનો જે ભાગ ભારતમાં છે તેમાંથી પણ પાણી આવે છે તેથી સિંધુ સાવ સૂકાય નહીં પણ ચીન તેને પોતાની તરફ વાળે એટલે તેનું પાણી ત્રીજા ભાગનું થઈ જાય. ભારત સિંધુ નદીના પાણીનો ઉપયોગ નથી કરતું તેથી ભારતને સીધો ફરક ના પડે પણ ચીનનો ગેમ પ્લાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ કરાવવાનો છે. 

ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય ત્યારે ચીન પાકિસ્તાનની સાથે રહીને ભારતને નુકસાન કરી શકે એ જોતાં ભારત માટે સિંધુ નદીનો મુદ્દો સ્ફોટક બની શકે છે.

ચીન બ્રહ્મપુત્રા પર કબજો કરીને ભારતનું નાક દબાવવા માગે છે

ભારત માટે સિંધુ નદીનો મુદ્દો બ્રહ્મપુત્રા જેટલો ગંભીર નથી એ સાચું પણ ચીન જેમાં સામેલ થાય એ મુદ્દો અત્યંત ગંભીર બની જ શકે છે. તેનું કારણ એ કે, ચીન સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવે છે અને પોતાનાં હિતોની વાત આવે ત્યારે કોઈનું સાંભળતું નથી. ચીન સામ્રાજ્યવાદી માનસિકતા બતાવીને ધીરે ધીરે ભારતના ઘણા વિસ્તારો પર કબજો કરી રહ્યું છે એવી ચેતવણીઓ લાંબા સમયથી અપાઈ જ રહી છે. ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ કરાવીને આઈ વિસ્તારો પર કાયમી કબજો કરવાની મેલી મુરાદ ધરાવતું હોય એ શક્યતા નકારી ના શકાય. 

પાકિસ્તાન અત્યારે ચીનના ખોળામાં બેઠેલું છે ને પાકિસ્તાન પહેલા ખોળાનો હોય એટલાં લાડ ચીન તેને લડાવે છે. ચીને વારંવાર જાહેર કરેલું જ છે કે પાકિસ્તાન સાથે તેની દોસ્તી અતૂટ છે ને એ ગમે તે સંજોગોમાં પાકિસ્તાનને પડખે રહેશે. આડકતરી રીતે ચીન ભારતને આ ચેતવણી આપી રહ્યું છે તેથી ભારત માટે સતર્કતા જરૂરી છે.

સિંધુ જળ સંધિના કારણે ભારતમાં પંજાબ-હરિયાણામાં લીલાલહેર

સિંધુ જળ સંધિ પાકિસ્તાન કરતાં વધારે ભારતને ફળી છે. સિંધુ જળ સંધિના કારણે પોતાના ભાગમાં આવેલી  સતલજ, બિયાસ ને રાવિ એ ત્રણ નદીનાં પાણીનો ભારતે ભરપૂર ઉપયોગ કર્યો છે. જવાહરલાલ નહેરૂના સમયમાં સતલજ નદી પર બંધાયેલા ભાખરા-નાંગલ બંધે પંજાબ-હરિયાણામાં સમૃદ્ધિ જ સમૃધ્ધિ કરી નાંખી. ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું તેનું કારણ સતલજ, બિયા, અને રાવિ નદીઓ છે. 

પંજાબ-હરિયાણામાં લોકો ખેતી કરીને સમૃદ્ધ બન્યા તેનું કારણ આ ત્રણ નદીઓ છે. મોટા  ઉદ્યોગો વિના માત્ર ખેતીના જોરે પંજાબ-હરિયાણા ભારતમાં સૌથી સુખી રાજ્ય આ નદીઓના કારણે બન્યાં છે. ઉત્તર ભારતમાં બીજાં રાજ્યોમાં પણ સતલજની નહેરો ગઈ તેના કારણે એ રાજ્યોમાં પણ લીલાલહેર છે.

News-Focus

Google NewsGoogle News