Get The App

હોસ્પિટલમાં હવસનો શિકાર અરૂણા શાનબાગ 42 વર્ષ કોમામાં રહેલી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
હોસ્પિટલમાં હવસનો શિકાર અરૂણા શાનબાગ 42 વર્ષ કોમામાં રહેલી 1 - image


- અરૂણાની જિંદગીની દાસ્તાન કોઈપણ સંવેદનશીલ માણસને ખળભળાવી મૂકે એમ છે, કોઈ વ્યક્તિના માથા પર સવાર થાય ત્યારે તે કઈ હદે હેવાનિયત આચરી શકે તેની કલંક કથા છે

- કોલકાત્તા રેપ કેસમાં ચીફ જસ્ટિસે કરેલા ઉલ્લેખના કારણે ૧૯૭૩નો અરૂણા શાનબાગ કેસ ફરી ચર્ચામાં છે. મુંબઈની કેઈએમહોસ્પિટલમાં  નર્સ અરૂણા હીરોઈન ગીતાબાલી જેવી લાગતી. વોર્ડ બોય સોહનલાલ ભરથા વાલ્મિકી તેની સાથે સંબંધ બાંધવા માગતો હતો પણ અરૂણા તૈયાર નહોતી તેથી સોહનલાલે અરૂણાને હવસનો શિકાર બનાવી. સોહનલાલે વિકૃત્તિની બધી હદો વટાવીને કૂતરાને ગળે બાંધવાની ચેઈન અરૂણાના ગળા ફરતે વીંટાળીને તેના પર પાશવી બળાત્કાર કર્યો. ચેઈન ગળા ફરતે વીંટળાતાં અરૂણાના મગજ સુધી લોહી અને ઓક્સિજન પહોંચતાં બંધ થઈ જતાં ૨૫ વર્ષની અરૂણા બ્રેઈન ડેડ થઈ ગઈ અને ૪૨ વર્ષ કોમામાં જ રહી

કોલકાત્તામાં કે.જી. ધાર હોસ્પિટલમાં ૩૧ વર્ષની ડોક્ટર યુવતી પર પાશવી બળાત્કાર કર્યા પછી હત્યા કરવાના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ૧૯૭૩ના અરૂણા શાનબાગ કેસનો ઉલ્લેખ કર્યો. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે અરૂણા કેસની યાદ અપાવીને કહ્યું કે, મહિલા ડોક્ટરો પર વરસોથી ક્રૂરતાપૂર્વક હુમલા થાય છે. પુરૂષવાદી પૂર્વગ્રહયુક્ત માનસિકતાના કારણે મહિલા ડોક્ટરોને વધારે પ્રમાણમાં નિશાન બનાવાય છે. ચીફ જસ્ટિસે આકરા શબ્દોમાં એમ પણ કહ્યું કે, વધુ ને વધુ પ્રમાણમાં મહિલાઓ કામ કરતી થઈ છે ત્યારે આપણે પરિસ્થિતીને બદલવા માટે વધુ એક બળાત્કાર થાય તેની રાહ ના જોઈ શકીએ. 

ચીફ જસ્ટિસે કરેલા ઉલ્લેખના કારણે અરૂણા શાનબાગની દેશભરમાં ચર્ચા છે. અરૂણા શાનબાગનો કેસ કોઈ પણ વ્યક્તિને ખળભળાવી મૂકે એવો છે. અરૂણાની જીંદગીની દાસ્તાન કોઈ પણ સંવેદનશીલ માણસને ખળભળાવી મૂકે એવી છે. અરૂણા શાનબાગ કેસ કોઈ વ્યક્તિના માથા પર હવસ સવાર થાય ત્યારે એ કઈ હદે હેવાનિયત આચરી શકે છે તેની કલંકકથા છે. સાથે સાથે આ દેશની જડ પોલિસ, ન્યાયતંત્ર વગેરેની શરમકથા પણ છે. 

અરૂણા શાનબાગ મુંબઈના પરેલમાં આવેલી કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ) હોસ્પિટલમાં જુનિયર નર્સ હતી. મૂળ કર્ણાટકના કરવાર જિલ્લાના હલદીપુરની અરૂણા ૧૯૬૬માં મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં જોડાઈ હતી. ૨૧ વર્ષની અરૂણા હિન્દી ફિલ્મોની હીરોઈન ગીતાબાલી જેવી લાગતી એવું કહેવાય છે. સોહનલાલ ભરથા વાલ્મિકી નામનો વોર્ડ બોય અરૂણા પર ફિદા થઈ ગયેલો અને તેની સાથે સંબંધ બાંધવા માગતો હતો પણ અરૂણા તૈયાર નહોતી તેથી સોહનલાલે ૨૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ એકલતાનો લાભ લઈને અરૂણાને પોતાની હવસનો શિકાર બનાવી. 

સોહનલાલે વિકૃત્તિની બધી હદો વટાવીને કૂતરાને ગળે બાંધવાની ચેઈન અરૂણાના ગળા ફરતે વીંટાળીને તેના પર પાશવી બળાત્કાર કર્યો. સોહનલાલે અરૂણા સાથે અકદુરતી સંબંધો બાંધીને પણ બળાત્કાર ગુજારેલો. સોહનલાલના માથા પર હવસ સવાર હતી તેથી તેને બીજું કશું સૂઝવાનુ નહોતું પણ તેની ક્રૂરતાએ અરૂણાની જીંદગી તબાહ કરી નાંખી. કૂતરાની ચેઈન ગળા ફરતે વીંટળાતાં અરૂણાના મગજ સુધી લોહી અને ઓક્સિજન પહોંચતાં બંધ થઈ જતાં ૨૫ વર્ષની અરૂણા બ્રેઈન ડેડ થઈ ગઈ. સોહનલાલ હવસ સંતોષીને અરૂણાને બ્રેન ડેડ હાલતમાં છોડીને ભાગી ગયેલો. હોસ્પિટલની નર્સનું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક અરૂણાને સારવાર માટે ખસેડી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

આ કેસમાં પોલીસ ફરિયાદ થઈ પણ સોહનલાલ બહુ સામાન્ય સજા ભોગવીને છૂટી ગયો. પોલીસે સોહનલાલ સામે બળાત્કાર, હત્યાનો પ્રયાસ, લૂંટ, અકદુરતી શરીર સંબંધ બાંધીને બળાત્કાર સહિતના ગુના નોંધેલા પણ કોર્ટે સોહનલાલને બળાત્કાર સહિતની કલમો માટે દોષિત ના ઠેરવ્યો એ આશ્ચર્યની વાત હતી. સોહનલાલે પોતે બળાત્કાર નહીં કર્યાનું કહેલું ને અરૂણા બોલી શકે તેમ નહોતી એ જોતાં બળાત્કાર કોણે કર્યો એ રહસ્ય રહી ગયું. કોર્ટે સોહનલાલને લૂંટ અને હુમલા માટે દોષિત ઠેરવીને સાત-સાત વર્ષની સજા ફટકારી. આ સજા અલગ અલગ રીતે નહીં પણ સાથે ભોગવવાનો ચુકાદો આપતાં છ વર્ષની સજા ભોગવીને સોહનલાલ ૧૯૮૦માં છૂટી ગયો. કોર્ટે સોહનલાલને બળાત્કાર અને હત્યાના પ્રયાસ બંને કેસમા દોષિત ઠેરવ્યો હોત તો આજીવન કારાવાસની સજા થઈ હોત. 

અરૂણા બળાત્કારનો ભોગ બની એ વખતે જ કોમામાં જતી રહેલી અને ૪૨ વર્ષ સુધી કોમામાં જ રહી. ૧૮ મે, ૨૦૧૫ના રોજ અરૂણા ૬૬ વર્ષની વયે કોમામાં જ ગુજરી ગઈ એ સાથે તેની જીંદગીનો અંત આવ્યો પણ તેનો કેસ આ દેશના ઈતિહાસમાં એક કાળા પ્રકરણ તરીકે હંમેશાં માટે આલેખાઈ ગયો. દેશના ચીફ જસ્ટિસે ૫૧ વર્ષ પછી પણ અરૂણા પરના બળાત્કારની ઘટનાને યાદ કરવી પડે છે તેના પરથી જ આ ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. 

બળાત્કારનો ભોગ બનેલી અરૂણાની જીંદગીમાં કશું બચ્યું નહોતું પણ એ જીંદગી પણ માનવતાનું એવું ઉદાહરણ રજૂ કરીને ગઈ કે, આપણી આંખો ભરાઈ આવે.  બળાત્કાર પછી કોમામાં જતી રહેલી અરૂણાને પોતાની આસપાસ શું બને છે તેનું ભાન જ નહોતું. અરૂણાની સારસંભાળ લેનાર કોઈ સ્વજન નહોતું પણ કેઈએમની નર્સોએ તેની જવાબદારી ઉપાડી લીધી. સ્વૈચ્છિક રીતે જ કોઈ અપેક્ષા વિના કેઈએનની નર્સોએ ૪૧ વર્ષ સુધી અરૂણાની સેવા કરી. અરૂણા સાથે કામ કરતી નર્સોએ અરૂણાની સેવાનું કામ માથે લીધેલું. એ બધી નર્સો નિવૃત્ત થઈ ગઈ પણ નવી નર્સોએ નિઃસ્વાર્થભાવે અરૂણાની સેવા ચાલુ રાખી. માનવતામાં લોકોને ભરોસો જળવાય એવી આ ઘટના છે. 

કેઈએમ હોસ્પિટલનો કારભાર કરતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અરૂણાને ઉઠાવીને બહાર ફેંકી દેવા માગતા હતા પણ નર્સો ઢાલ બનીને ઉભી રહી.  કોર્પોરેશનના અધિકારીઓ અરૂણાને હોસ્પિટલમાંથી દૂર કરવા દલીલ કરતા કે, અરૂણાને બહાર કાઢીને ખાલી થનારો પલંગ બીજા દર્દીને આપી શકાશે. આ દલીલ નર્સોએ ફગાવી દીધી અને મચક ના આપતાં  સંવેદનહીન અધિકારીઓએ બે વાર અરૂણાને ઉઠાવીને બહાર ફેંકવાના પ્રયત્નો કરેલા પણ નર્સો રણચંડી બનીને ઉભી રહેતાં આ યોજના અભરાઈ પર ચડાવી દેવી પડેલી. 

નર્સોએ અરૂણાને ઈચ્છામૃત્યુ આપવાની માગને પણ નહોતી સ્વીકારી. અરૂણાને મુક્તિ અપાવવા લેખિકા પિંકી વિરાણીએ સુપ્રીમ કોર્ટમાં અરૂણાને મોત આપવાની માગણી કરતી અરજી કરેલી. જાન્યુઆરી ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના મેડિકલ બોર્ડ પાસે અરૂણા અંગે રીપોર્ટ માંગ્યો. બોર્ડે રીપોર્ટ આપેલો કે, અરૂણાનાં મોટા ભાગનાં અવયવો કાયમી વેજીટેટિવ સ્થિતીમાં છે. અરૂણા ફરી હરીફરી શકે તેવી કોઈ શક્યતા નથી. તેના આધારે માર્ચ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરી આપી હતી પણ કેટલીક શરતો રાખી હતી.

સુપ્રીમ કોર્ટે કહેલું કે, મેડિકલ બોર્ડની ભલામણ પછી દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય માતા-પિતા, જીવનસાથી કે નજીકનાં સગાં અને તેમની ગેરહાજરીમાં નજીકના મિત્ર લઈ શકે. ઈચ્છામૃત્યુ પર હાઈકોર્ટની મંજૂરીની મહોર મારેલી હોવી જોઈએ. 

અરૂણાના કેસમાં સુપ્રીમ કોર્ટે પિંકી વિરાણીને  અરૂણાની સગી કે તેની નેક્સ્ટ ફ્રેન્ડ (નજીકની મિત્ર) તરીકે નહોતી સ્વીકારી. તેના બદલે વરસોથી અરૂણાની સારવાર કરતી કેઈમ હોસ્પિટલની નર્સોને અરૂણાની નેક્સ્ટ ફ્રેન્ડ ગણાવેલી. કેઈએમની નર્સો અરૂણાની સપોર્ટ સિસ્ટમ હટાવવા નહોતી માગતી તેથી તેને ઈચ્છામૃત્યુ ના મળ્યું. ચાર વર્ષ પછી કુદરતી રીતે જ અરૂણાનો શ્વાસ બંધ થતાં તેની જીવનલીલા સંકેલાઈ ગઈ.

- અરૂણાની જીંદગી તબાહ કરનારો સોહન પરિવાર વસાવીને સુખેથી રહ્યો

અરૂણાનો બળાત્કારી સોહનલાલ સજા ભોગવ્યા પછી મુંબઈ છોડીને જતો રહ્યો હતો અને દિલ્હીની કોઈ હોસ્પિટલમાં નામ બદલીને વોર્ડ બોય તરીકે જોડાઈ ગયો હતો. સોહનલાલ એ પછી વરસો લગી ગુમનામીમાં રહ્યો. સોહનલાલનો ફોટો કેઈએમ હોસ્પિટલમાં કે પોલીસ પાસે નહોતો તેથી ઘણા પત્રકારોએ તેને શોધવાના પ્રયત્નો કર્યા પણ સફળ ના થયા.

અરૂણા ૨૦૧૫માં ગુજરી ગઈ ત્યારે મુંબઈના એક પત્રકારે સોહનલાલને ઉત્તર પ્રદેશમાંથી શોધી કાઢેલો. પશ્ચિમ યુપીના પારપા ગામમાં સોહનલાલ પોતાની સાસરીમાં પરિવાર સાથે રહેતો હતો. પાવર સ્ટેશનમાં કામદાર સોહન ૧૯૮૦ના દાયકામાં પોતાના વતન દાદુપુર આવેલો ને લગ્ન કરીને પછી પારપામાં સ્થાયી થઈ ગયેલો. 

સોહનલાલે અરૂણા પર બળાત્કાર કર્યાનો ઈન્કાર કરેલો. સોહનનનું કહેવું હતું કે, અરૂણા પર બળાત્કાર બીજા કોઈએ કર્યો હતો પણ પોતાના માથે દોષનો ટોપલો ઢોળી દીધો. કોર્ટે પણ પોતાને બળાત્કારનો દોષિત નહોતો ઠેરવ્યો એવી સોહનની દલીલ હતી. અરૂણા તેની બોસ હતી તેથી રજાના મામલે અરૂણા સાથે તેને ઝગડો અને મારામારી થઈ હતી એવું સોહને કબૂલ્યું. આવેશમાં આવીને પોતે અરૂણા પર હુમલો કર્યાનું પણ સોહને સ્વીકાર્યું પણ બળાત્કારનો ઈન્કાર કર્યો.

- અરૂણાના કારણે ભારતમાં પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરી મળી 

અરૂણા પર બળાત્કાર પછી કેઈએમ હોસ્પિટલની નર્સોએ મહિલા સ્ટાફની સુરક્ષા અને સારી સવલતો માટે હડતાળ કરેલી. અઠવાડિયાની હડતાળ પછી માંડ માંડ સમજાવીને હડતાળ પાછી ખેંચાવડાવાઈ હતી. ૫૦ વર્ષ પછી કોલકાત્તામાં ડોક્ટર યુવતીની હત્યા પછી પણ હોસ્પિટલનો સ્ટાફ સુરક્ષા અને સલામતીની માગણી સાથે હડતાળ પર ઉતર્યો છે. ૫૦ વર્ષમાં આ દેશમાં કશું બદલાયું નથી તેનો આ પુરાવો છે. 

અરૂણાનો કેસ ભારતમાં પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરીમાં નિમિત્ત બન્યો. સુપ્રીમ કોર્ટે પિંકી વિરાણીની અરજીને આધારે અરૂણાના ઈચ્છામૃત્યુને ૨૦૧૧માં શરતી મંજૂરી આપેલી. ૨૦૦૫માં કોમન કોઝ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવા વિનંતી કરી હતી પણ તેના તરફ ધ્યાન નહોતું અપાયું. ડીસેમ્બર, ૨૦૧૦માં અરૂણા શાનબાગને ઈચ્છામૃત્યુ આપવાની અરજી થઈ પછી સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરીને સુનાવણી શરૂ કરી અને એક વરસમાં તો અરૂણાને ઈચ્છામૃત્ય આપવાને મંજૂરી આપી દીધી હતી.


News-Focus

Google NewsGoogle News