Get The App

ઇલેક્ટ્રિક કાર ટેસ્લા ભારતમાં આવશે કે મસ્કે ફરી ગાજર લટકાવ્યું ?

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ઇલેક્ટ્રિક કાર ટેસ્લા ભારતમાં આવશે કે મસ્કે ફરી ગાજર લટકાવ્યું ? 1 - image


- ભારતમાં મર્સિડીઝ કે બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર કરતાં પણ  ટેસ્લા કાર મોંઘી પડી માટે ભારતમાં તે વેચાય એવી આશા ઠગારી નીવડી શકે

- ટેસ્લા ભારતમાં આવે તો ભારતને તાત્કાલિક કોઈ ફાયદો ના થાય કેમ કે શરૂઆતમાં ટેસ્લા ભારતમાં કોઈ પ્લાન્ટ નથી નાંખવાની કે કોઈ ડીલરશીપ નથી આપવાની. અમેરિકા સહિતાના દેશોમાં ટેસ્લા જે રીતે કારનું વેચાણ કરે છે એ રીતે ભારતમાં પણ ટેસ્લા ઓનલાઈન કાર વેચશે તેથી ભારતમાં ટેસ્લાના કારણે મોટા પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન થશે કે મોટો ફાયદો થશે એવી આશા નથી. 

ટેસ્લાની કાર પણ બહુ મોંઘી છે તેથી ભારતમાં તેની કારના બહુ ગ્રાહકો મળી જશે એવી શક્યતા ઓછી છે. ટેસ્લા અમેરિકામા જે ભાવે કાર વેચે છે તેને રૂપિયામાં કન્વર્ટ કરો તો ભારતમાં મર્સીડિઝ કે બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર કરતાં પણ આ કાર મોંઘી પડે.

મુકેશ અંબાણી અને ઇલોન મસ્ક વચ્ચેની ઈન્ટરનેટ વોર વચ્ચે મસ્કની ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના ભારતમાં આગમનના ભણકારા ફરી વાગવા માંડયા છે. એલન મસ્કે લગભગ છ મહિના પહેલાં ભારત અને મેક્સિકોમાં ૨૫,૦૦૦ ડોલર (લગભગ ૨ કરોડ રૂપિયા)ની કિંમતની 'સસ્તી' ઇલેક્ટ્રિક કાર બનાવવાની ટેસ્લાની યોજના ૨૦૨૫માં અમલી બનશે એવી જાહેરાત કરી હતી. 

ભારત સરકારે જાહેર કરેલી નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ ૨૦૨૭ સુધીમાં ટેસ્લા પ્લાન્ટ નાંખે તો તેને મહત્તમ ફાયદો થાય તેથી મસ્કે ટેસ્લાનો પ્લાન્ટ આવતા વરસે ધમધમતો થઈ જાય એ માટે ભારત સરકાર સાથે ફરી ચર્ચા શરૂ કરી હોવાનું કહેવાય છે. ૨૦૨૪માં જાહેર કરાયેલી ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયા ૪,૧૫૦ કરોડનું રોકાણ કર્યું છે અને ત્રણ વર્ષમાં પ્લાન્ટ સ્થાપવો જરૂરી છે. જો કે એલન મસ્કે અત્યાર લગી ભારતમાં આવવાના મુદ્દે વારંવાર ગુલાંટો લગાવી છે એ જોતાં મસ્કની વાત ખરેખર ક્યારે સાચી પડશે એ કહેવું મુશ્કેલ છે. મસ્કે ફરી ટેસ્લાને ભારતમાં લાવવાનું ગાજર લટકાવી દીધું કે શું એ સવાલ પૂછાઈ રહ્યો છે. 

ટેસ્લા ભારતમાં આવશે તો લગભગ ૧૦ વર્ષ પછી ટેસ્લાના ભારતમાં પ્લાન્ટનું સપનું સાકાર થશે. વિશ્વમાં ઈલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં સૌથી મોટી મનાતી અમેરિકાની કંપની ટેસ્લાના માલિક  એલન મસ્ક ભારતમાં પોતાની કાર લઈને આવવાની વાત ક્યારના કરે છે પણ ક્યારે આવશે તેનો ફોડ નથી પાડતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જાન્યુઆરી, ૨૦૧૫માં પહેલી વાર અમેરિકાની યાત્રાએ ગયા ત્યારે ટેસ્લાની એક કલાકની પ્લાન્ટ વિઝિટ પર ગયા હતા.  મસ્ક જાતે તેમને આખા પ્લાન્ટમાં ફરવા લઈ ગયા હતા. ટેસ્લા ભારતમાં ક્યારે આવશે એ મુદ્દે સવાલ પૂછાયો તેનો મસ્કે કોઈ જવાબ નહોતો આપ્યો પણ મસ્કે ૨૦૧૬માં ભારતમાં ટેસ્લાની કાર મોડલ થ્રી લોંચ કરવાનો સંકેત આપેલો . 

જો કે મસ્કે એ વખતે પીઠેહઠ કરેલી. ભારતમાં ટેસ્લાની કાર માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી એ કારણ આગળ ધરીને ટેસ્લાએ આખો પ્લાન અભરાઈ પર ચડાવી દીધેલો.  એ પછી  એલન મસ્કે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. મસ્કને મોદી સાથે સંબધ રાખવામાં રસ છે પણ ભારતમાં આવવામાં રસ નથી એવું સૌને લાગવા માંડેલું. ૨૦૨૦માં મસ્કને આ સવાલ ફરી પૂછાયો ત્યારે જવાબ આપેલો કે, આવતા વર્ષે ચોક્કસ આવીશું.  

મસ્કે ડીસેમ્બરમાં ભારતમાં આવવાની જાહેરાત પણ કરી દીધી હતી. ટેસ્લાએ ભારતમાં પોતાની સબસિડરી કંપની સ્થાપવા માટે અરજી આપી દીધી હતી અને જાન્યુઆરીમાં  ટેસ્લા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામે સબસિડરી રડિસ્ટર્ડ પણ કરાવી દીધી હતી.  તેની રજિસ્ટર્ડ ઓફિસ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં છે અને પછી દેશનાં પાંચ રાજ્યોમાં તેનું વિસ્તરણ કરાશે એવું પણ કહેવાયેલું. 

ટેસ્લા ભારતમાં પોતાનો કોઈ પ્લાન્ટ નથી નાંખવાની પણ અમેરિકામાં બનેલી પોતાની કાર લાવીને ભારતમાં વેચશે અને પછી કંપની અમેરિકાથી પાર્ટ્સ લાવીને એસેમ્બલિંગ શરૂ કરશે એવી જાહેરાત કરાયેલી. એ રીતે આવતાં બે-ચાર વર્ષમાં ટેસ્લાની કાર ભારતમાં બનવા માંડે એવી પૂરી શક્યતા ને એ રીતે ટેસ્લા ભારતમાં ડીલરશીપ પણ નહીં આપે પણ અમેરિકાની જેમ અહીં પણ ઓનલાઈન કાર વેચશે એવું કહેવાયેલું. એ વખતે ૧૦૦૦ ડોલર ( એ વખતના લગભગ ૭૦ હજાર રૂપિયા)માં બુકિંગ પણ શરૂ કરાયેલું પણ કાર અપાઈ જ નહીં. એ વખતે બુકિંગ કરાવનારને હજુ રીફંડ મળ્યું નથી. 

ટેસ્લા ઈલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન કંપની છે. દુનિયાભરના દેશો ટેસ્લાને પોતાના દેશમાં આવવા નિમંત્રણ આપે છે પણ મસ્ક બધાંને ભાવ નથી આપતા. એશિયામાં ગણતરીના દેશોમાં ટેસ્લાના શોરૂમ અને સર્વિસ સેન્ટર છે. ટેસ્લાએ સૌથી પહેલો શોરૂમ જાપાનમાં ૨૦૧૦માં ખોલ્યો હતો. એ પછી ટેસ્લાએ ગણતરીના દેશોમાં જ જવાનું પસંદ કર્યું છે. હોંગકોંગ, ચીન, દક્ષિણ કોરીયા, તાઈવાન આ દેશોમાં જ ટેસ્લાના શોરૂમ છે. ચીનના શાંઘાઈમાં ટેસ્લાની ફેક્ટરી છે. અમેરિકાની બહાર ટેસ્લાની આ એક માત્ર ફેક્ટરી છે.

ટેસ્લા ભારતમાં આવે તો ભારતને તાત્કાલિક કોઈ ફાયદો ના થાય કેમ કે શરૂઆતમાં ટેસ્લા ભારતમાં કોઈ પ્લાન્ટ નથી નાંખવાની કે કોઈ ડીલરશીપ નથી આપવાની. અમેરિકા સહિતાના દેશોમાં ટેસ્લા જે રીતે કારનું વેચાણ કરે છે એ રીતે ભારતમાં પણ ટેસ્લા ઓનલાઈન કાર વેચશે તેથી ભારતમાં ટેસ્લાના કારણે મોટા પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન થશે કે મોટો ફાયદો થશે એવી આશા નથી. 

ટેસ્લાની કાર પણ બહુ મોંઘી છે તેથી ભારતમાં તેની કારના બહુ ગ્રાહકો મળી જશે એવી શક્યતા ઓછી છે. ટેસ્લા અમેરિકામા જે ભાવે કાર વેચે છે તેને રૂપિયામાં કન્વર્ટ કરો તો ભારતમાં મર્સીડિઝ કે બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર કરતાં પણ આ કાર મોંઘી પડે. આ કારણે ભારતમાં આ કાર મોટા પ્રમાણમાં વેચાશે એવી આશા ટેસ્લા પણ ના રાખી શકે પણ લાંબા ગાળે ટેસ્લાનું આગમન ટેસ્લા અને ભારત બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટેસ્લા ભવિષ્યમાં ભારતમાં ચીનની જેમ પોતાનો પ્લાન્ટ નાંખે એવી પ્રબળ શક્યતા છે. ટેસ્લા એશિયાના બીજા દેશોમાં વિસ્તરણ કરે ત્યારે ભારત તેના માટે કાર ઉત્પાદનનું હબ બની શકે છે. આ કારણે ભારતમાં મોટા પ્રમાણમાં રોજગારી પેદા થશે ને સરકારને પણ આવક થશે. ભારતમાં અત્યારે ઈલેક્ટ્રિક કે બીજી રીન્યુએબલ એનર્જીથી ચાલતી કારનું ચલણ નથી પણ ટેસ્લાને કારણે ભારતમાં પણ રીન્યુએબલ એનર્જીથી ચાલતી કારનું ચલણ વધશે તો પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટશે ને મોંઘા ભાવનું વિદેશી હૂંડિયામણ બચશે, પ્રદૂષણ ઘટશે. 

ટેસ્લાના સોલર અને ક્બીલીન એનર્જી સહિતના બીજા ધંધાના કારણે પણ ભારતને ફાયદો થશે.

એલન મસ્ક ટેસ્લાની સ્થાપનાના વરસ પછી જોડાયો ને માલિક બની ગયો

ટેસ્લા એલન મસ્કે સ્થાપી હોવાનું મનાય છે પણ મસ્ક ટેસ્લાના સ્થાપક નથી. ટેસ્લાની સ્થાપનાના ૨૦૦૩માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગે ૨૦૦૩માં કરી હતી. ટેસ્લાની સ્થાપનાનાવર્ષ પછી મસ્ક ટેસ્લામાં જોડાયો હતો પણ ટેસ્લાએ કરેલી પ્રગતિનો યશ મસ્કને જાય છે. મસ્કની ડીઝાઈન્સ, માર્કેટિંગ સ્ટ્રેટેજી વગેરેના કારણે આજે ટેસ્લા વિશ્વમાં ટોચની બ્રાન્ડ્સમાં સ્થાન પામે છે.

મસ્કની વય ૫૪ વર્ષ છે પણ મસ્કને દુનિયામાં ટ્રેેન્ડ સેટર ગણવામાં આવે છે. મસ્ક દક્ષિણ આફ્રિકન પિતા અને કેનેડિયન માતાનું સંતાન છે. ગાંધીજીએ પોતાના સત્યાગ્રહની શરૂઆત જ્યાંથી કરેલી એ પ્રીટોરિયાની સ્કૂલમાં મસ્ક ભણ્યો અને ઉછર્યો છે.  મસ્કે યુનિવર્સિટી ઓફ પ્રીટોરિયામાં પણ એડમિન લીધું હતું પણ પછી કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાં ભણવા ગયો. એ વખતે તેની વય માત્ર ૧૭ વર્ષની હતી.ક્વીન્સ યુનિવર્સિટીમાં બે વર્ષ ભણ્યા પછી એ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયામાં ભણવા ગયો. ઈકોનોમિક્સ અને ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ થયા પછી મસ્ક ૧૯૯૫માં એપ્લાઆડ ફિઝિક્સ અને મટીરિયલ સાયન્સીસમાં પીએચ.ડી. કરવા માટે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયો. મસ્ક બે દિવસમાં જ કંટાળી ગયો ને પીએચ.ડી. છોડીને વેબ સોફ્ટવેર કંપની ઝીપટુ બનાવી.

મસ્કનું આ પહેલું સાહસ ઠીક ઠીક સફળ થયું તેથી ૧૯૯૯માં કોમ્પેક કંપનીએ ૩૧ કરોડ ડોલરમાં આ કંપની ખરીદી લીધી. મસ્કે એ પછી ઓનલાઈન બેંક એક્સડોટકોમ બનાવી. તેનું પેપાલ લોંચ કરનારી કોન્ફિનિટીમા મર્જર કરી દેવાયું ને ઓક્ટોબર, ૨૦૦૨માં ઈ-કોમર્સ કંપની ઈ-બેએ ૧.૫૦ અબજ ડોલરમાં ખરીદી લીધી. મસ્કે ૨૦૦૨માં સ્પેસએક્સ કંપની બનાવી હતી. ટેસ્લાની સ્થાપના  ૨૦૦૩માં થઈ હતી ને મસ્ક ૨૦૦૪માં ટેસ્લાના પ્રોડક્ટ આર્કિટેક્ટ તરીકે જોડાયો હતો.

ટેસ્લા 2020 સુધી ખોટ કરતી કંપની હતી, કારનું વેચાણ માત્ર ઓનલાઈન

ટેસ્લા દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ ગણાતી હોવા છતાં ૨૦૨૦ સુધી ખોટ કરતી કંપની હતી. ૨૦૦૯માં ટેસ્લાએ ઉત્પાદન શરૂ કર્યું ત્યારથી ૨૦૨૦ સુધી ટેસ્લાએ એક પણ વર્ષે નફો નહોતો કર્યો. 

૨૦૦૯માં ટેસ્લાનું વેચાણ ૧૧ કરોડ ડોલરનું હતું કે જે ૨૦૧૯માં વધીને ૨૪૫૦ કરોડ ડોલર થયું પણ તેની ખોટ પણ ૫.૬૦ કરોડ ડોલરથી વધીને ૮૬ કરોડ ડોલર થઈ ગઈ છે. ૨૦૨૧માં પહેલી વાર કંપનીએ ૫.૫૨ અબજ ડોલરનો નફો બતાવલો. વિશ્વમાં હાલમાં ફરી રહેલી ઈલેક્ટ્રિક કારમાંથી ૨૦ ટકા કાર ટેસ્લાની છે. ટેસ્લાએ ૨૦૨૦માં જ ૬ લાખ ઈલેક્ટ્રિક કાર વેચી છે. ઈલેક્ટ્રિક બેટરીનું વેચાણ તો અલગથી કર્યું છે છતાં કંપની ખોટ કરે છે કેમ કે કંપની પોતાની એસેટ્સ ઉભી કર્યા કરે છે. ઈલેક્ટ્રિક કાર ચાર્જ કરવા માટે ટેસ્લાએ આખા અમેરિકામાં સુપરચાર્જર સ્ટેશન ઉભાં કર્યાં છે. હજારોની સંખ્યામાં આવેલાં આ સ્ટેશનમાંથી પણ ટેસ્લાને સારી આવક થાય છે. આ ઉપરાંત આખા અમેરિકામાં ટેસ્લાના શોરૂમ્સ આવેલા છે. આ બધી મિલકતો ટેસ્લા કંપનીની પોતાની છે. ટેસ્લા પાસે અત્યારે ૧૦૬ અબજ ડોલર (લગભગ રૂપિયા ૯૦ હજાર કરોડ)ની આસપાસની મિલકતો છે. ટેસ્લાના કર્મચારીઓની સંખ્યા ૧.૫૦ લાખની આસપાસ છે.

ટેસ્લા પોતાની કાર ઓનલાઈન જ વેચે છે. ટેસ્લાના પોતાના શોરૂમ્સ  અને  મોટી મોટી હોટલમાં ગેલેરી દ્વારા વેચે છે.  ટેસ્લાની કારનું પ્રદર્શન આ શોરૂમ્સ અને ગેલેરીમાં કરે છે પણ કારનું વેચાણ ઓનલાઈન જ કરે છે.

News-Focus

Google NewsGoogle News