ટાર્ગેટ કિલિંગ સામે ટ્રાગેટ સર્જિકલ સ્ટ્રાઈક વધારવાની જરૂર
- કાશ્મીરમાં હિન્દુઓમાં આક્રોશ : ટાર્ગેટ કિલિંગ કરી ત્રાસવાદીઓનો આશય ફફડાટ યથાવત્ રાખવાનો છે
- અત્યારે આતંકવાદીઓ કાશ્મીરમાં હરેફરે છે કેમ કે તેમની તરફ સહાનુભૂતિ રાખનારા લોકો કાશ્મીરમાં જ છે કે જે તેમને તન, મન, ધનથી મદદ કરે છે. બહારનાં લોકો આવીને રહેવા માંડે તો તેમને પનાહ આપનારા પણ ઉઘાડા પડવા માંડે. પોલીસ ને લશ્કર તેમને ઉઠાવીને સીધાદોર કરવા માંડે ને આતંકવાદી નેટવર્કની કમર તૂટી જાય. મદદગારો વિના આતંકવાદીઓ પાંગળા થઈ જાય ને ધીરે ધીરે આતંકવાદનો ખાતમો થઈ જાય.
જમ્મુ અને કાશ્મીરમાં થોડા દિવસની શાંતિ પછી ફરી આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે અને હિંદુઓને શોધી શોધીને હત્યા કરવા માંડી છે. આતંકવાદીઓએ ૬૦ કલાકના ગાળામાં જ ત્રણ હિંદુઓની હત્યા કરીને ખળભળાટ મચાવી દીધો છે. શનિવારે કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ચૌધરી ગામમાં આતંકવાદીઓએ પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટ નામના પંડિતની હત્યા કરી નાંખેલી. ૪૮ વર્ષના પંડિતજી ઘરની પાસે જ આવેલા સફરજનના બગીચામાં કામ કરવા જતા હતા ત્યાં બાઈક પર આવેલા બે આતંકવાદીએ ગોળી મારીને તેમને ઢાળી દીધા. આઘાતની વાત એ છે કે, પૂરન પંડિતની સુરક્ષા માટે ગાર્ડ અપાયા હતા પણ એ ગાર્ડ પણ પંડિતને ના બચાવી શક્યા.
આ હત્યાના કારણે હિંદુઓમાં જોરદાર આક્રોશ વ્યાપેલો જ છે ત્યાં મંગળવારે શોપિયાંમાં ફરી આતંકીઓ ત્રાટક્યા અને વધુ બે હિંદુઓની હત્યા કરી નાંખી. યુપીના કન્નૌજ જિલ્લાના મનીષ કુમાર અને રામ સાગર નામના બે યુવક બીજા મજૂરોની સાથે હરમન વિસ્તારમાં રહેતા હતા. વહેલી સવારે આતંકવાદીઓએ ફેંકેલા ગ્રેનેડથી થયેલા બ્લાસ્ટમાં બંને યુવક ગંભીર રીતે ઘાયલ થયેલા. તેમને હોસ્પિટલ લઈ જવાયા પણ સારવાર દરમિયાન બંનેનાં મોત થઈ ગયાં. માત્ર ૬૦ કલાકના ગાળામાં જ ત્રણ હિંદુઓની હત્યાએ કાશ્મીરમાં રહેતા હિંદુઓને હચમચાવી દીધા છે તો દેશભરના હિંદુઓમાં જોરદાર આક્રોશ પેદા કર્યો છે.
આ આક્રોશ લાંબા સમયથી છે પણ વચ્ચે વચ્ચે ઠંડો પડી જાય છે. કોઈ હિંદુની હત્યા થાય ત્યારે હિંદુઓમાં આક્રોશ પેદા થાય ને પછી પાછા હિંદુ ઠંડા પડી જાય. કાશ્મીરમાં મે મહિનામાં બડગામમાં મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા કાશ્મીરી પંડિત રાહુલ ભટને આતંકવાદીઓએ ઓફિસમાં ઘૂસીને ઠાર માર્યા એ પહેલાંથી આ સિલસિલો ચાલે છે. વચ્ચે વચ્ચે આતંકવાદીઓ શાંત થઈ જાય છે ને પછી પાછા હિંદુઓને નિશાન બનાવીને સક્રિય થઈ જાય છે.
આતંકવાદીઓએ ૧૨ મેના દિવસે રાહુલ ભટની હત્યા સાથે આ સિલસિલો ફરી શરૂ કરેલો. ભટની હત્યાના બે મહિનામાં જ આતંકવાદીઓએ દસ લોકોની હત્યા કરી નાંખી હતી. આ હત્યાની ઘટનાઓથી ફફડી ગયેલા મોટા ભાગના હિંદુઓ કાશ્મીર ખીણ છોડીને જમ્મુ હિજરત કરી ગયા છે.
રાહુલની જેમ સરકારી નોકરીઓ કરતા પંડિતોએ નોકરી પર જવાનું બંધ કરીને જમ્મુમાં ધામા નાંખ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી આ આંદોલન ચાલે છે પણ કોઈ તેમની વાત સાંભળતું નથી. કર્મચારીઓએ ધમકી આપી છે કે, તેમને જમ્મુ રીજિયનમાં પોસ્ટિંગ નહીં અપાય તો સામૂહિક રાજીનામાં ધરી દેશે.
આ પંડિતોની દલીલ એ છે કે, સરકારી ઓફિસમાં જ કાશ્મીરી પંડિત સલામત નથી તો પછી ખીણમાં બીજે તેમની સલામતીની શું ગેરંટી ? આ કર્મચારીઓના આંદોલનને કારણે ટાર્ગેટ કિલિંગનો મુદ્દો ગાજી જ રહ્યો છે ત્યાં હવે ૬૦ કલાકમાં ત્રણ હિંદુની હત્યા થતાં કાશ્મીર ખીણમાં રહી ગયેલા હિંદુઓ પણ ફફડીને ભાગવા માંડે તો નવાઈ નહીં લાગે.
આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ કેમ કરી રહ્યા છે એ કહેવાની જરૂર નથી. મોદી સરકારે ૨૦૧૯ના ઓગસ્ટમાં કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ નાબૂદ કરીને બહારનાં લોકો માટે કાશ્મીરના દરવાજા ખોલી દીધા છે. મોદી સરકારે કલમ ૩૭૦ અને ૩૫ એ નાબૂદ કરી ત્યારે દેશપ્રેમનો પ્રચંડ જુવાળ આવી ગયો હતો. મોદીના નિર્ણયને કારણે જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં લોકો બેરોકટોક જઈ શકશે, મિલકતો ખરીદી શકશે ને રહી પણ શકશે એવી વાતો શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર તો શ્રીનગર ને પહલગામ જેવાં શહેરોમાં પ્લોટ ખરીદવાના દાવા કરાતા હતા.
ગુલમર્ગ-સોનમર્ગમાં બહારનાં લોકો દ્વારા સ્કી રીસોર્ટ્સ બનાવવાના દાવા કરાતા હતા. ગુજરાતી ઉદ્યોગપતિઓ કાશ્મીરમાં ઈન્ડસ્ટ્રી ૬સ્થાપશે એવી વાતો થતી હતી. ટૂંકમાં બહારનાં લોકોથી હવે કાશ્મીર ઉભરાવા માંડશે એવું ચિત્ર ઉભુ કરી દેવાયેલું. આ વાતો સાચી પડે ને બહારનાં લોકો આવીને રહેવા માંડે તો કાશ્મીર પણ દેશનાં બીજાં રાજ્યો જેવું જ બની જાય.
દેશનાં બીજાં રાજ્યોમાં દેશમાંથી આવેલાં કોઈ પણ લોકો રહે છે એ રીતે કાશ્મીર પણ બહારનાં લોકોથી ભરાઈ જાય તો આતંકવાદીઓની હાલત કફોડી થઈ જાય.
અત્યારે આતંકવાદીઓ કાશ્મીરમાં હરેફરે છે કેમ કે તેમની તરફ સહાનુભૂતિ રાખનારા લોકો કાશ્મીરમા જ છે કે જે તેમને તન, મન, ધનથી મદદ કરે છે. બહારનાં લોકો આવીને રહેવા માંડે તો તેમને પનાહ આપનારા પણ ઉઘાડા પડવા માંડે. પોલીસ ને લશ્કર તેમને ઉઠાવીને સીધાદોર કરવા માંડે ને આતંકવાદી નેટવર્કની કમર તૂટી જાય. મદદગારો વિના આતંકવાદીઓ પાંગળા થઈ જાય ને ધીરે ધીરે આતંકવાદનો ખાતમો થઈ જાય.
આ સ્થિતિ ના સર્જાય એટલે આતંકવાદીઓએ બહારનાં લોકો અને હિંદુઓને ખતમ કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. આતંકવાદીઓએ આ નવી મોડસ ઓપરેન્ડી હેઠળ ૬૦ લોકોની હત્યા કરી નાંખી છે. આતંકવાદીઓ પહેલાં લશ્કરી જવાનો કે પોલીસ પર હુમલા કરીને તેમની હત્યા કરતા પણ હિંદુઓને નિશાન નહોતા બનાવતા. બહારના લોકો મજૂર તરીકે પહેલાં પણ કામ કરતા પણ તેમને પણ ભાગ્યે જ નિશાન બનાવાતા.
કલમ ૩૭૦ની નાબૂદી પછી રોજગાર કે ધંધા માટે બહારનાં લોકો કાશ્મીરમાં આવતાં ફફડે એટલે તેમની હત્યાઓ કરાઈ રહી છે. કાશ્મીર છોડીને જતા રહેલા પંડિત-હિંદુઓ પાછા ના આવે એટલે તેમની હત્યા કરાઈ રહી છે. આતંકવાદીઓ 'ટાર્ગેટ કિલિંગ' કરીને દેશનાં લોકોનો ફફડાટ વધારી રહ્યા છે. આતંકવાદીઓ હિંદુ-સીખની સાથે સાથે બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને 'ટાર્ગેટ કિલિંગ' કરી રહ્યા છે તેનો ઉદ્દેશ જ કાશ્મીરથી બીજાં રાજ્યનાં લોકોને દૂર રાખવાનો છે.
ટાર્ગેટ કિલિંગ બહુ મોટી સમસ્યા છે અને તેનો ઉપાય આતંકવાદનો સફાયો છે. આતંકવાદના સફાયા વિના લોકો સલામત રીતે રહી ના શકે તેથી બહારથી કોઈ પણ વ્યક્તિ કાશ્મીરમાં આવતાં ડરવાની જ. કાશ્મીરી પંડિતો માટે પણ કાશ્મીર ખીણવતન છે પણ જીવની સલામતી ના હોય એવા વતનમાં રહેવા જવા કોઈ તૈયાર ના થાય.
મોદી સરકારે આ સ્થિતી બદલવી પડે. કાશ્મીરને દેશનાં બીજાં રાજ્યોની જેમ સામાન્ય બનાવવું પડે. ધંધો-વેપાર શાંતિ હોય ત્યાં જ થાય એ નિયમ કાશ્મીરમા પણ લાગુ પડે જ છે તેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામાન્ય કરવી પડે. આતંકવાદનો ઓછાયો પણ કાશ્મીરમાં નથી એવું લોકોના મનમાં ઠસાવવું પડે. કાશ્મીરમાંથી ભાગવું પડેલું એ હિંદુઓને ફરી કાશ્મીર લાવીને વસાવવા પડે.
આ ઉદ્દેશ પાર પાડવા પાકિસ્તાનથી ચાલતા આતંકવાદી નેટવર્કને રફેદફે કરવું પડે ને સાથે સાથે કાશ્મીરમાં જ રહીને આતંકવાદીઓને મદદ કરનારા મદદગારોને પણ સાફ કરવા પડે. પાકિસ્તાનથી ચાલતા આતંકવાદી નેટવર્કને રફેદફે કરવા સાચુકલી સર્જિકલ સ્ટ્રાઈક્સ સતત કર્યા કરવી પડે.
સરહદને પેલે પારથી આવતાં શસ્ત્રો, દારૂગોળો વગેરે રોકવા પડે, તાલીમબધ્ધ આતંકવાદીઓને ઘૂસતા રોકવા પડે. કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ થઈ ગઈ પણ હજુય એવી સ્થિતી તો છે જ કે, ગમે ત્યારે આતંકવાદીઓ આવીને કોઈને પણ ગોળી મારીને રામનામ સત્ય હૈ કરીને જતા રહે છે. શોપિયાનમાં બનેલી બે ઘટનાઓએ આ વાત સાબિત કરી જ છે.
કાશ્મીરમાં 'હાઈબ્રિડ ટેરરિસ્ટ'નું વધતું પ્રમાણ
જમ્મુ અને કાશ્મીરમાં શોપિયાનમાં થયેલા હુમલાએ આતંકવાદીઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શોપિયાનમાં થયેલા હુમલા પછી પોલીસે એક 'હાઈબ્રિડ' આતંકવાદીને પકડયો છે. 'હાઈબ્રિડ' શબ્દે સૌને ચોંકાવી દીધા છે કેમ કે મોટા ભાગનાં લોકોએ 'હાઈબ્રિડ ટેરરિસ્ટ' શબ્દ જ સાંભળ્યો નથી. પોલીસ એવા લોકોને 'હાઈબ્રિડ ટેરરિસ્ટ' ગણાવે છે કે જે સામાન્ય લોકોની વચ્ચે જ રહેતો હોય પણ આતંકવાદી સંગઠનો સાથે ભળેલો હોય. તેને મિશન અપાય એટલે પાર પાડવા હુમલો કરે ને હુમલો કર્યા પછી પાછો સામાન્ય લોકોની વચ્ચે જઈને રહેવા માંડે.
વિદ્યા બાલનની યાદગાર ફિલ્મ 'કહાની'માં બોબ વિશ્વાસ નામનું પાત્ર આ રીતે જ લોકોની હત્યા કરે છે.
બોબ વિશ્વાસ જીવન વિમા એજન્ટ તરીકે કામ કરે છે પણ અંદરખાને કોન્ટ્રાક્ટ કિલર છે. મોબાઈલ ફોન પર ફોટો મળે તેની હત્યા કરવાનું તેનું મુખ્ય કામ છે. હત્યા કર્યા પછી એ કંઈ ના બન્યું હોય એમ સામાન્ય લોકોની જેમ જીવવા માંડે છે.
આતંકવાદી સંગઠનો પહેલાં પાકિસ્તાનથી આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલતા. તેના બદલે હવે સ્થાનિક લોકોનો જ આ રીતે 'હાઈબ્રિડ ટેરરિસ્ટ' તરીકે ઉપયોગ કરે છે. નિષ્ણાતોના મતે, આ ખતરનાક વ્યૂહરચના છે કેમ કે કોઈને ખબર જ ના પડે કે તેમની સાથે સામાન્ય માણસની જેમ જીવતી વ્યક્તિ 'હાઈબ્રિડ ટેરરિસ્ટ' છે.