અમેરિકાએ અનમોલ બિશ્નોઈને જસ્ટિન ટ્રુડોને ફાયદો કરાવવા પકડયો
- કેનેડાની ચૂંટણીમાં શીખ મતદારો કિંગ નથી પણ કિંગમેકર તો છે જ : નિજ્જરની હત્યાના મુદ્દાને ચગાવી ટ્રુડો ફરી સત્તા કબજે કરવા માગે છે
- અમેરિકાએ અનમોલને ભારતને નહીં પણ કેનેડાને સોંપવા પકડયો છે. કેનેડામાં ખાલિસ્તાનવાદી ગેંગસ્ટર હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં અનમોલ મોસ્ટ વોન્ટેડ છે તેથી પૂછપરછ પછી યુએસ સત્તાવાળા તેને કેનેડાને સોંપી દેશે. અનમોલ સામે બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના કેસ હોવાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ એફબીઆઈનો સંપર્ક કરેલો. એફબીઆઈએ અનમોલને ભારતને સોંપવાની ઘસીને ના પાડી હોવાનું કહેવાય છે. કેનેડાના ભારત સાથેના અતિ ખરાબ સંબંધો અને આવતા વરસે યોજાનારી કેનેડાની ચૂંટણીને જોતાં અનમોલ બિશ્નોઈ કદી ભારતને સોંપાય એવી શક્યતા નહિવત છે.
સાબરમતી જેલમાં બેઠાં બેઠાં આતંક અને ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવતા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અનમોલ અમેરિકાના કેલિફોર્નિયામાં ઝડપાયો હોવાના સમાચાર આવતાં જ ભારતીય મીડિયામાં ઉત્તેજના છવાઈ ગયેલી. અનમોલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મોસ્ટ-વોન્ટેડ અપરાધીઓની યાદીમાં હોવાથી અમેરિકા અનમોલને ભારતને સોંપી દેશે એવી વાતો શરૂ થઈ ગયેલી પણ ૨૪ કલાકમાં જ આ વાતોની હવા નિકળી ગઈ. અમેરિકાએ અનમોલને પકડયો છે એ વાત સાચી છે પણ ભારતને સોંપવા નથી પકડયો પણ કેનેડાને સોંપવા પકડયો છે.
કેનેડામાં ખાલિસ્તાનવાદી ગેંગસ્ટર હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં અનમોલ મોસ્ટ વોન્ટેડ છે તેથી અનમોલ બિશ્નોઈની પૂછપરછ કર્યા પછી યુએસ સત્તાવાળા તેને હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડાને સોંપી દેશે. ટીવી ચેનલો પર તો એવી વાતો પણ ચાલી છે કે, કેનેડાને સોંપાય પછી ભારતીય અધિકારીઓ અનમોલની કસ્ટડી મેળવી શકે છે પણ એ વાતમાં માલ નથી.
અનમોલ સામે મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના કેસ નોંધાયેલા હોવાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ અનમોલ પકડાયો હોવાની ખબર પડતાં જ એફબીઆઈનો સંપર્ક કરેલો. એફબીઆઈએ અનમોલ પકડાયો હોવાની વાત સ્વીકારી પણ તેને ભારતને સોંપવાની ઘસીને ના પાડી હોવાનું કહેવાય છે. કેનેડાના ભારત સાથેના અતિ ખરાબ સંબંધો અને આવતા વરસે યોજાનારી કેનેડાની ચૂંટણીને જોતાં અનમોલ બિશ્નોઈ કદી ભારતને સોંપાય એવી શક્યતા નહિવત છે. એક વાર કેનેડાને સોંપાઈ જાય પછી અનમોલ કેનેડાની જેલમાંથી બહાર આવે એવી શક્યતા પણ સાવ પાતળી છે.
અનમોલ બિશ્નોઈ કેનેડાને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે 'બિગ કેચ' છે. ટ્રુડોની હાલત અત્યારે સાવ ખરાબ છે અને આવતા વરસે યોજાનારી કેનેડાની ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટીનું સાવ પડીકું થઈ જશે એ નક્કી મનાય છે. કેનેડામાં બેફામ મોંઘવારી છે અને નોકરીઓ જ મળતી નથી. આ ઓછું હોય તેમ લોકોને નાણાં ખર્ચ્યે પણ ઘર મળતાં નથી. ટ્રુડો પાસે જાદુ છડી નથી કે રાતોરાત આ બધી સમસ્યાએ ઉકેલી દે તેથી તેણે સીખ સમુદાયને રીઝવવાનો દાવ ખેલીને હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મોટો મુદ્દો બનાવી દીધો. નિજ્જરની હત્યાના મુદ્દે ટ્રુડોએ ભારત સાથેના વરસો જૂના સારા સંબંધો પર પણ પાણી ફેરવી દીધું છે તેના પરથી જ નિજ્જર ટ્રુડો માટે કેટલો મહત્વનો છે તેનો અંદાજ આવી જાય.
નિજ્જરની હત્યાના મુદ્દાને ચગાવીને ટ્રુડો કેનેડાના સીખ મતદારોને સંપૂર્ણપણે પોતાની તરફ વાળીને પાછા સત્તા કબજે કરવા માગે છે. કેનેડાની ચૂંટણીમાં સીખ મતદારો કિંગ નથી પણ કિંગ મેકર તો છે જ. કેનેડાની ૩.૭૦ કરોડની વસતીમાં ૧૬ લાખ ભારતીય મૂળનાં લોકો છે. કેનેડાની વસતીમાં ૪ ટકા હિસ્સો ધરાવતા મૂળ ભારતીયોમાંથી ૭.૭૦ લાખ સીખ છે. સીખો કેનેડામાં વરસોથી છે તેથી સામાજિક અને રાજકીય બંને રીતે એક પ્રભાવશાળી સમુદાય બની ચૂક્યા છે.
કેનેડાની સંસદમાં ૩૩૮ સાંસદો છે અને તેમાંથી લગભગ ૫ ટકા એટલે કે ૧૮ સીખ છે. આ સિવાય ૧૫ બેઠકો પણ સીખ મતદારો જેની તરફ ઝૂકે તેનું પલ્લુ નમે છે. કેનેડાની સંસદની ૩૩ બેઠકો પર સીખોનો પ્રભાવ છે. સંસદની ૧૦ ટકા બેઠકોનાં પરિણામ નક્કી કરતા સમુદાયને કોઈ પણ રાજકીય પક્ષ અવગણી ના શકે કે નારાજ ના કરી શકે. ટ્રુડોના પિતા પીયરે ટ્રુડો ૧૯૬૮થી ૧૯૬૯ એટલે કે સળંગ ૧૧ વર્ષ માટે ને પછી ૧૯૮૦થી ૧૯૮૪નાં ૫ વર્ષ માટે એમ કુલ મળીને ૧૬ વર્ષ કેનેડાના વડાપ્રધાન રહ્યા. સીખો ત્યારે કેનેડામાં આવો પ્રભાવ નહોતા ધરાવતા છતાં પીયર ટ્રુડોએ સીખોને રીઝવવાની વ્યૂહરચના અપનાવેલી. તેના કારણે ટ્રુડોની પાર્ટી તો વરસોથી સીખોની પ્રિય રહી છે. આ વફાદાર મતબેંકને રાજી રાખવા ટ્રુડોએ ભારત સાથેના સંબંધો વણસી જાય તેની પણ ચિંતા ના કરી એ જોતાં અનમોલ ટ્રુડો માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. નિજ્જરના હત્યારાને કેનેડા ઢસડી લાવીને સીખોને ન્યાય અપાવવાના નામે ટ્રુડો ફરી તરી શકે છે.
કેનેડામાં અનમોલ બિશ્નોઈ સામે જડબેસલાક કેસ બનાવાશે તેમાં શંકા નથી. નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાની પોલીસે મે ૨૦૨૪માં કરણ બ્રાર (૨૨ વર્ષ), કમલ પ્રીત સિંઘ (૨૨ વર્ષ) અને કરણ પ્રીત સિંઘ (૨૮ વર્ષ)ની ધરપકડ કરીને ત્રણેય સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય ભારતીય નાગરિકો છે, એડમોન્ટનમાં રહેતા હતા અને ત્રણથી પાંચ વર્ષથી કેનેડામાં હાજર હતા.
કેનેડામાં અસ્થાયી વિઝા પર રહેતા ત્રણેય લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંકળાયેલા છે અને અનમોલ બિશ્નોઈ પાસેથી ઓર્ડર લેતા હતા.
ટૂંકમાં નિજ્જરની હત્યા અનમોલના ઈશારે થઈ હોવાનો કેસ પહેલેથી તૈયાર છે. આ સિવાય એડમોન્ટનમાં ૧૧ વર્ષના છોકરાની હત્યા સહિતના ત્રણ હત્યાના કેસની પણ નિજ્જરની હત્યા સાથે જોડાયેલી હોવાના કારણે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસોમાં પણ અનમોલને ફિટ કરી દેવાશે તેથી અનમોલ માટે મુશ્કેલ સમય છે.
પંજાબી સિંગર્સ કરન ઔજલા, શેરી માન સાથે પાર્ટી કરવામાં અનમોલ ઝડપાયો
અનમોલ બિશ્નોઈ પોતાને હિંદુ રાષ્ટ્રવાદી ગેંગસ્ટર તરીકે સ્થાપિત કરવા મથે છે. સોશિયલ મીડિયા પર પૂજા કરતો હોય, હવન કરતો હોય, હિંદુ શ્રધ્ધાળુઓ જેવાં કપડાં પહેર્યાં હોય એવી પોસ્ટ અનમોલ સતત મૂકે છે.
પોસ્ટની શરૂઆત પણ ઓમ, જય શ્રી રામ, જય ગુરૂ જમ્ભેશ્વર, જય ગુરૂ દયાનંદ સરસ્વતી, જય ભારત વગેરેથી કરે છે.
સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૪ એપ્રિલે ગોળીબાર પહેલા, બિશ્નોઈએ શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલને નવ મિનિટનું ભાષણ આપ્યું તેમાં પણ કહેલું કે, ભગવાન રામે આપણને આશીર્વાદ આપ્યા છે તેથી આપણે સલમાનને પતાવી દઈશું, સલમાનના ઘર પર ફાયરિંગ પછી અનમોલ બિશ્નોઈએ દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને સલમાન ભગવાન માને છે એવો ઉલ્લેખ પોતાની પોસ્ટમાં કર્યો હતો.
અનમોલે પોતાના બે કૂતરાનાં નામ દાઉદ અને છોટા શકીલ રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો હતો.
રાજસ્થાનની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનારો અનમોલ ઉર્ફે ભાનુ અમેરિકામાં સલામત રહી શક્યો હોત પણ શોબાજી કરવામાં ઝડપાઈ ગયો.
અનમોલ પંજાબના જાણીતા ગાયકો કરન ઔજલા અને શેરી માન સાથે પાર્ટી કરતો હોય એવો વીડિયો બહાર આવ્યો પછી પંજાબ પોલીસે અમેરિકાને જાણ કરેલી. તેના કારણે એફબીઆઈ અનમોલની પાછળ લાગી ગઈ ને છેવટે તેને ઝડપી લીધો.
ભારતમાં અનમોલ સામે મૂસેવાલા-બાબા સિદ્દીકીની હત્યા સહિત 18 કેસ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અનમોલ બિશ્નોઈને મોસ્ટ-વોન્ટેડની યાદીમાં સમાવીને તેની ધરપકડ માટે રૂપિયા ૧૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ સામે ભારતમાં કુલ ૧૮ કેસ નોંધાયેલા છે. આ પૈકી એનઆઈએ દ્વારા ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અનમોલ ૨૦૨૧ના ઓક્ટોબર સુધી જોધપુર જેલમાં બંધ રહેલો. ૨૦૨૧ના ઓક્ટોબરમાં જામીન પર છૂટયા પછી ફરાર થઈ ગયેલો. એનઆઈએએ ચાર્જશીટ દાખલ કરી પછી ગયા વર્ષે નકલી પાસપોર્ટ બનાવીને ભારત બહાર ભાગી ગયો હતો. અનમોલ પહેલાં કેનેડા ગયો હોવાનું મનાય છે. કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યાનું કાવતરું સફળ રીતે પાર પાડીને અનમોલ અમેરિકા ભાગી ગયેલો એવું કહેવાય છે.
અનમોલ સામે ભારતમાં ૨૦૨૨માં પંજાબી ગાયક અને કોગ્રેેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા, આ વરસે એપ્રિલમાં બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર અને છેલ્લે એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા સહિતના કેસો છે. ૨૯ જૂન, ૨૦૨૨ના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિધુ મૂસેવાલાને તેના ગામ મૂસા પાસે ગોળી મારીને મારી નાંખનારા હત્યારાઓને અનમોલે શસ્ત્રો અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડયો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લઈને દાવો કર્યો હતો કે યુથ અકાલી દળના નેતા વિકી મુદ્દુખેરાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરાઈ હતી.