'ડર્ટી ડોઝિયર' ફરી ચર્ચામાં, ટ્રમ્પ રશિયાના એજન્ટ હોવાના દાવાથી ખળભળાટ
- ડોનાલ્ડ ટ્રમ્પની સેક્સની કથાઓના સમયાંતરે કબાટમાંથી હાડપિંજરો બહાર આવ્યા જ કરે છે : 'ડર્ટી ડોઝિયર' નામે ૩૫ પેજનો એક રીપોર્ટ ફરતો થયેલો
- બ્રિટનના ખ્યાતનામ જાસૂસી ક્રિસ્ટોફર સ્ટીલે બનાવેલા ડોઝિયરમાં દાવો કરાયેલો કે, ટ્રમ્પ મોસ્કોની હોટલમાં ચાર સેક્સ વર્કર્સ સાથે રંગરેલિયાં મનાવતા હતા ત્યારે સેક્સ વર્કર્સે તેમના પર પેશાબ કર્યો હતો તેની ફિલ્મ રશિયનોએ ચોરીછૂપીથી ઉતારી લીધી હતી. ટ્રમ્પે આખી વાતને નરાતર જૂઠાણું ગણાવી હતી. ટ્રમ્પ ચૂંટણી જીતી જતાં આખી વાત ભૂલાઈ ગઈ હતી. હવે ટ્રમ્પ પાછા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં 'ડર્ટી ડોઝિયર' અને 'ગોલ્ડન શાવર્સ' ફરી ચર્ચામાં છે. એવા દાવા થઈ રહ્યા છે કે, ટ્રમ્પ પ્રમુખ બન્યા પહેલાં આ ટેપના આધારે ટ્રમ્પ અને રશિયા વચ્ચે સોદાબાજી થયેલી. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી રશિયાની મદદથી જીત્યા હતા ને જીત્યા પછી રશિયાના દલાલ તરીકે કામ કરતા રહ્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સેક્સની કથાઓનો અંત જ નથી આવતો ને સમયાંતરે કબાટમાંથી હાડપિંજરો બહાર આવ્યા જ કરે છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવા માટે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે ત્યારે ફરી તેમનું એક જૂનો સેકસ કાંડ બહાર આવ્યો છે. ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 'ડર્ટી ડોઝિયર' નામે ૩૫ પેજનો એક રીપોર્ટ ફરતો થયેલો.
બ્રિટનના ખ્યાતનામ જાસૂસી ક્રિસ્ટોફર સ્ટીલે બનાવેલા ડોઝિયરમાં દાવો કરાયેલો કે, ટ્રમ્પ મોસ્કોની હોટલમાં ચાર સેક્સ વર્કર્સ સાથે રંગરેલિયાં મનાવતા હતા ત્યારે સેક્સ વર્કર્સે તેમના પર પેશાબ કર્યો હતો તેની ફિલ્મ રશિયનોએ ચોરીછૂપીથી ઉતારી લીધી હતી. સ્ટીલના ડોઝિયરમાં સેક્સ વર્કર્સે પેશાબ કર્યો તેના માટે 'ગોલ્ડન શાવર્સ' શબ્દ વાપર્યા હતા. આ ફિલ્મમાં ટ્રમ્પની કામલીલાને કંડારાઈ હશે એ કહેવાની જરૂર નથી.
સ્ટીલના દાવાએ એ વખતે ખળભળાટ મચાવ્યો હતો. ટ્રમ્પે આખી વાતને નરાતર જૂઠાણું ગણાવી હતી પણ વિરોધીઓએ તેનો બરાબર પ્રચાર કરેલો પણ ટ્રમ્પ ચૂંટણી જીતી જતાં આખી વાત ભૂલાઈ ગઈ હતી. અમેરિકામાં તપાસનું ને એવું નાટક કરાયું પણ તેમાં ટ્રમ્પને ક્લીન ચીટ આપીને દૂધે ધોયેલા સાબિત કરીને વાતનો વીંટો વાળી દેવાયો હતો.
હવે ટ્રમ્પ પાછા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં 'ડર્ટી ડોઝિયર' અને 'ગોલ્ડન શાવર્સ' ફરી ચર્ચામાં છે. એવા દાવા થઈ રહ્યા છે કે, ટ્રમ્પ પ્રમુખ બન્યા પહેલાં આ ટેપના આધારે ટ્રમ્પ અને રશિયા વચ્ચે સોદાબાજી થયેલી. રશિયા તેમને આ ટેપના આધારે બ્લેકમેઈલ ના કરે તેના બદલામાં ટ્રમ્પ જીતે તો રશિયાને મદદ કરે ને રશિયા બદલામા ટેપ બહાર નહી પાડીને ટ્રમ્પને ચૂંટણી જીતવામાં મદદ કરે એવા દાવા થઈ રહ્યા છે. ટૂંકમાં એવો દાવો થઈ રહ્યો છે કે, ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી રશિયાની મદદથી જીત્યા હતા ને જીત્યા પછી રશિયાના દલાલ તરીકે કામ કરતા રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોલ ખૂલી ના જાય એટલા માટે રશિયનોને ફાયદારૂપ થવાય એવી નીતિ અપનાવીને પોતાના પાપને ઢાંકી રાખ્યું હતું. ટ્રમ્પ સત્તામાં રહ્યા ત્યાં લગી રશિયાને મદદ કરતા રહ્યા તેથી આ ટેપ કદી બહાર ના આવી પણ આ ટેપ હજુ રશિયા પાસે છે જ. ટ્રમ્પ પ્રમુખ બનશે તો રશિયા ફરી તેના આધારે ટ્રમ્પને બ્લેકમેઈલ કરીને પોતાનું ધાર્યું કરાવશે એવા દાવા પણ થઈ રહ્યા છે. ટ્રમ્પના 'ગોલ્ડન શાવર્સ'ના મીમ્સ પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.
સોશિયલ મીડિયા પર આ વાત એ હદે ગાજી છે કે, ટ્રમ્પે પોતે સ્પષ્ટતા કરવી પડી છે કે, સેક્સ વર્કર્સે મારી પર પેશાબ કર્યો એ વાત કોઈ માનતું નથી. મારી પત્ની મેલાનિયા પોતે આ વાતને ગપ્પુ માને છે કેમ કે મારા જેવો 'જર્મોફોબ' આવું કરી જ ના શકે એવું તેનું કહેવું છે. ગુજરાતીમાં 'જર્મોફોબ' એટલે ચોખલિયો. ટીવી પરની જાહેરખબરોમાં આવે છે એમ કીટાણુ ને જીવાણુથી ડરી ડરીને છાસવારે હાથ ધોનારાને અંગ્રેજીમાં 'જર્મોફોબ' કહેવાય. ટ્રમ્પનું કહેવું છે કે, મેલાનિયા એ વાત માનવા જ તૈયાર નથી કે સેક્સ વર્કર્સ મારી સાથે આવી હરકતો કરતી હોય ને હું સહન કર્યા કરું.
જો કે મેલાનિયા શું માને છે એ મહત્વનું નથી પણ અમેરિકાની પ્રજા શું માને છે એ મહત્વનું છે. આ મુદ્દો ગંભીર છે ને અમેરિકાની પ્રજાને ગળે આ વાત ઉતરી જાય તો ટ્રમ્પનું ફરી તપેલું ચડી જાય તેમાં બેમત નથી. ટ્રમ્પ સેક્સ સંબંધોના મામલે વગોવાયેલા છે તેથી એ ચાર સેક્સ વર્કર્સ સાથે હોટલની રૂમમા હતા કે ચાલીસ સાથે હતા તેનાથી લોકોને કોઈ ફરક પડતો નથી, સેક્સ વર્કર્સે ટ્રમ્પ સાથે શું શું કર્યું એ વાત પણ તેમના માટે મહત્વની નથી. મહત્વનો મુદ્દો ટ્રમ્પની હરકતોની ટેપ રશિયા પાસે છે અને રશિયા ટ્રમ્પને બ્લેકમેઈલ કરીને પોતાના ઈશારે નચાવતું હતું એ છે.
અમેરિકા અને રશિયા વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. બંને એકબીજાનો ખાતામો કરવા માટે ઘૂરકિયાં કર્યા કરતા હોય છે. આ સંજોગોમાં પોતાનો પ્રમુખ દુશ્મન દેશની કઠપૂતળી હોય એ વાત અમેરિકનો સહન કરી શકે તેમ નથી તેથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે આક્રોશ ફાટી નિકળે એવું બને. ટ્રમ્પે પોતે સ્પષ્ટતા કરવી પડી તેનું કારણ પણ અમેરિકનો ભડકીને પોતાને લાત મારીને તગેડી ના મૂકે તેનો ડર છે.
ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમણે સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ મુલ્લેર પાસે તપાસ કરાવડાવી હતી. મુલ્લેરે રીપોર્ટ આપ્યો તેમાં દાવો કરેલો કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રશિયાની મદદ લીધી હોય કે રશિયાની સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો હોય એવા કોઈ પુરાવા નથી. અલબત્ત આ રીપોર્ટમાં પણ ટ્રમ્પની ટેપ અસ્તિત્વમાં છે કે નહીં તેના કોઈ પુરાવા નહોતા.
સ્ટીલે આ રીપોર્ટને બકવાસ ગણાવેલો. સ્ટીલનો દાવો હતો કે, રશિયાએ પોતે આખું કેમ્પેઈ બહુ સિફતથી પ્લાન કરેલું એ જોતાં કોઈ પુરાવા છોડે એ વાતમાં માલ નહોતો. મુલ્લેર પણ ટ્રમ્પના માણસ હતા એ જોતાં એ પણ ટ્રમ્પને નુકસાન થાય એવો રીપોર્ટ આપવાના જ નહોતા.
આ ડર્ટી ડોઝિયરના કારણે ટ્રમ્પ માટે નવી આફત આવી છે અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વધારે રસપ્રદ બની છે. ટ્રમ્પ એક પછી એક આક્ષેપના કળણમાં ખૂંપતા જાય છે પણ આ આક્ષેપ વધારે ગંભીર છે કેમ કે અમેરિકનો રશિયાના એજન્ટને માફ કરતા નથી.
ડર્ટી ડોઝિયર બનાવનારો સ્ટીલ હાઈ પ્રોફાઈલ સ્પાય
અમેરિકામાં જેની અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે એ 'ડર્ટી ડોઝિયર' બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ૬ના હાઈ પ્રોફાઈલ સ્પાય ક્રિસ્ટોફર સ્ટીલે તૈયાર કર્યું હતું. સ્ટીલ કાઉન્ટરઈન્ટેલિજન્સ સ્પેશિયાલિસ્ટ મનાતો હતો. મતલબ કે, દુશ્મન દેશોની જાસૂસી સંસ્થાઓથી એમઆઈ૬ને બચાવવાનું કામ કરતો હતો. એમઆઈ૬ના એજન્ટોની ઓળખ છતી ના થઈ જાય તેનું ધ્યાન રાખતો.
સ્ટીલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે ૧૯૮૭માં તેની એમઆઈ૬માં નિમણૂક કરાઈ હતી. થોડો સમય લંડનમાં કામ કર્યા પછી સ્ટીલને રશિયા મોકલી દેવાયો. રશિયાના વિભાજનના એ દિવસો દરમિયાન સ્ટીલે અમેરિકાની સીઆઈએ તથા બીજી મિત્ર દેશોન જાસૂસી સંસ્થાઓ સાથે કામ કર્યું. રશિયામાં સ્ટીલ એમઆઈ૬ના બીજા જાસૂસોની જેમ યુકેની એમ્બેસીમાં રાજદ્વારી તરીકે કામ કરતો હતો. ૧૯૯૩માં સ્ટીલને લંડન પાછો બોલાવી લેવાયો ને વિદેશ મંત્રાલયમાં રખાયો.
સ્ટીલે એમઆઈ૬માં ૨૦૧૨ સુધી કામ કર્યું ને પછી પોતાના સાથી ક્રિસ બરોઝ સાથે મળીને પ્રાઈવેટ એજન્સી બનાવી. ફિફાના ભ્રષ્ટાચારની તપાસ સ્ટીલે કરી હતી. ચીન દ્વારા યુકેમાં ટોચના લોકોને લાંચ આપીને ખરીદવાના પ્રયત્ન કરાતા હોવાની વાત પણ સૌથી પહેલાં સ્ટીલ બહાર લેવાલો. સ્ટીલે યુકેના ક્યા ક્યા લોકો ચીનને પે-રોલ પર છે તેની વિગતો સરકારને આપી હતી.
'કોમ્પ્રોમેટ' રશિયાનું અક્સીર હથિયાર
સ્ટીલના ડોઝિયરમાં દાવો કરાયેલો કે, ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૩માં રશિયા ગયા ત્યારે મોસ્કોની રીટ્ઝ-કાર્લટન હોટલમાં ઉતરેલા. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ ઓબામા રશિયાની મુલાકાત દરમિયાન જે રૂમમાં રોકાયેલાં એ જ રૂમમાં ટ્રમ્પ પણ રોકાયા હતા. રશિયનો ટ્રમ્પની અમેરિકાના પ્રમુખ બનવાની મહત્વાકાંક્ષાથી વાકેફ હતા તેથી વરસોથી તેમના પર નજર રાખી રહ્યા હતા. આ કારણે હોટલનો રૂમ બગ કરીને કેમેરા લગાવાયા હતા.
રશિયાની જાસૂસી સંસ્થાના સોર્સે સ્ટીલને આ વાત કરી ત્યારે સ્ટીલને આઘાત લાગી ગયો હતો. સોર્સે ક્યા દિવસે અને ક્યારે આ ટેપ ઉતારાઈ તેની વિગતો આપી હતી. સ્ટીલે ચેક કરતાં એ વખતે ટ્રમ્પ મોસ્કોમાં હતા ને એ સમયે પોતાના રૂમમાં જ હતા એ વાતની ખાતરી થઈ હતી.
સોર્સે સ્ટીલને કહેલું કે, રશિયાની જાસૂસી સંસ્થાની આ બહુ જાણીતી મોડસ ઓપરેન્ડી છે. રશિયા પાસે બીજા પણ ઘણા ટોચના નેતાઓની આવી ટેપ છે. કોમ્પ્રોમેટ એટલે કે કોમ્પ્રોમાઈઝિંગ મટીરિયલ પર તો રશિયાની જાસૂસી સંસ્થા પોતાનાં મોટાં મોટાં ઓપરેશન પાર પાડે છે.