Get The App

માઈક્રોસોફ્ટે આબરૂ બચાવવા કરોડો ડોલર આપીને હેકિંગની વાતને દબાવી દીધી ?

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
માઈક્રોસોફ્ટે આબરૂ બચાવવા કરોડો ડોલર આપીને હેકિંગની વાતને દબાવી દીધી ? 1 - image


- સર્વર હેક થઈ ગયું હોવાની ખબર પડે તો કંપનીની આબરૂના ધજાગરા થઈ જાય એટલે માઈક્રોસોફ્ટના પ્રમોટરોએ રાતોરાત નુકસાન રોકવા હેકર્સ સાથે કરોડો ડોલરમાં સોદો કરવો પડયો

- હેકર્સ દુનિયાની મોટી કંપનીઓને પરેશાન કરીને ખંખેરવાનો ધંધો કરે જ છે. થોડા સમય પહેલાં સોની પિક્ચર્સનું સર્વર હેક કરી નાંખેલું તેથી માઈક્રોસોફ્ટનું સર્વર હેક થયું હોઈ શકે. માઈક્રોસોફ્ટ અને ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા કરાયેલી સ્પષ્ટતા પણ શંકાસ્પદ છે. ક્રાઈડસ્ટ્રાઈકની  સ્પષ્ટતા પ્રમાણે, સમસ્યા શું હતી તેની ખબર પડી ગઈ તેથી સમસ્યા સર્જતી ફાઈલને અલગ કરી દેવાઈ અને સોલ્યુશન એપ્લાય કરી દેવાયું. કોઈ પણ કોમ્પ્યુટર માત્ર એક જ ફાઈલ દૂર કરશે એટલે સમસ્યા જતી રહેશે. જો કે કંપનીએ ના સમસ્યા શું હતી એ સ્પષ્ટતા કરી કે અપડેટ કરવામાં શું તકલીફ સર્જાઈ તે વિશે સ્પષ્ટતા કરી છે. આ કારણે હેકિંગની શંકા ઘેરી બની છે.

'માઇક્રોસોફ્ટ આઉટેજ'ના કારણે દુનિયાભરમાં ખળભળાટ મચેલો છે અને બે દિવસ પછી પણ તેની અસર વર્તાઈ રહી છે. માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં સર્જાયેલી ખામીના કારણે દુનિયાભરમાં એરલાઈન્સ, બેન્ક, સ્ટોક એક્સચેન્જ, ટેલિકોમ્યુનિકેશન, પેમેન્ટ સિસ્ટમ, ઈમર્જન્સી સર્વિસીસ, હેલ્થ સિસ્ટમ અને બ્રોડકાસ્ટિંગ સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ અને કરોડો લોકો પરેશાન થઈ ગયા.  

માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીના કારણે આખી દુનિયામાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝથી ચાલતી લાખો કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ. અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઓસ્ટ્રેેલિયા જેવા દેશોમાં મોટા ભાગનાં સેક્ટરમાં કામકાજ ખોરવાઈ ગયું.  આ ખામીના કારણે સર્જાયેલી 'બ્લુ સ્ક્રીન ઓફ ડેથ' એરરના કારણે સ્ક્રીન બ્લુ થઈ જાય છે અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈને રીસ્ટાર્ટ થઈ જાય છે.  

આ ખામીની સૌથી વધુ અસર વિમાની સેવા પર પડી છે. ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સવારે લગભગ ૫ વાગ્યે આ કમઠાણ શરૂ થયું. સવારે ટ્રાફિક ઓછો હોય પણ ૧૦ વાગતા સુધીમાં બેંકો, ઓફિસો વગેરે ખૂલવા માંડયું તેમાં એરપોર્ટ સહિત બધે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસથી માઈક્રોસોફ્ટ આઉટેજની અસર વર્તાવા લાગી હતી. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ સહિત દેશનાં મોટાં એરપોર્ટ પર અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ ગઈ. 

કોમ્પ્યુટર વારંવાર બંધ થઈને રીસ્ટાર્ટ થવા માંડતાં સ્ટાફ માટે પેસેન્જરને સર્વિસ  આપવાનું જ શક્ય ના રહ્યું. પરિણામે ફ્લાઈટ્સ મોડી પડતી ગઈ ને ભીડ વધતી ગઈ. ફ્લાઈટ્સ ઉપડતી જ નહોતી તેથી પેસેન્જર્સ જ્યાં જગા મળે ત્યાં પથરાવા લાગતાં મોટા ભાગનાં એરપોર્ટ રેલ્વે સ્ટેશન જેવાં બની ગયાં. ઓનલાઈન સેવા બંધ થવાને કારણે ઘણાં એરપોર્ટ પર તો ફ્લાઈટ બોડગ પાસ હાથથી લખીને આપવા પડયા. 

દુનિયાના વિકસિત દેશોમાં તો હાલત વધારે ખરાબ હતી. એમ કહી શકાય કે, આખી દુનિયામાં ફ્લાઈટ સર્વિસ  ઠપ્પ થઈ ગઈ. દુનિયામાં એકલા શુક્રવારે જ ૪,૨૯૫ ફ્લાઈટ્સ રદ કરવી પડી. ખાલી અમેરિકામાં ૧૧૦૦ ફ્લાઈટ્સ રદ કરાઈ થઈ અને ૧૭૦૦થી વધારે ફ્લાઈસ મોડી પડી. 

સોશિયલ મીડિયામાં ને મીડિયામાં દુનિયાભરનાં એરપોર્ટ્સની તસવીરો આવી રહી છે. એ જોયા પછી ખબર પડે કે, બધે આપણા જેવી જ હાલત છે.  થાકેલા ને કંટાળેલા લોકો જમીન પર જ્યાં જગા મળી ત્યાં લંબાવીને સૂઈ ગયા છે. 

બેંકો, ઓફિસો વગેરે બધું તો સાંજે પાચ-છ વાગ્યે બંધ થઈ જાય તેથી એ બધાં તો શુક્રવારે સાંજે આ ત્રાસમાંથી છૂટી ગયાં પણ એરપોર્ટ પર તો શનિવારે પણ અંધાધૂંધી અને અરાજકતા છે. માઈક્રોસોફ્ટ દ્વાર આ સમસ્યાનું નિરાકરણ કરાયું હોવાનો દાવો કરાયો છે પણ આ દાવા સો ટકા સાચા નથી. 

ભારતમાંપણ સંખ્યાબંધ એરપોર્ટ પર શનિવાર સાજ સુધી કેઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યા જ કરતા હતા. કોઈ જગાએ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ ડિજીયાત્રા કામ નહોતી કરતી તો કોઈ જગાએ પાછી બ્લુ સ્ક્રીન એરર આવ્યા કરતી હતી. 

'માઇક્રોસોફ્ટ આઉટેજ'ને કેટલાક નિષ્ણાતો છેલ્લાં કેટલાંક વરસોમાં સર્જાયેલી સૌથી મોટી આઈટી ક્રાઈસિસ ગણાવે છે. કેટલાકે તો તેના માટે 'ડિજિટલ પેનેડેમિક' શબ્દો પણ વાપર્યા છે. આ ખામી માટે એન્ટિ-વાયરસ સોફ્ટવેર કંપની ક્રાઉડસ્ટ્રાઈકને જવાબદાર ગણવામાં આવે છે. માઈક્રોસોફ્ટમાં સાયબર સીક્યુરિટીની જવાબદારી ક્રાઉડસ્ટ્રાઈકના માથે છે. ક્રાઉડસ્ટ્રાઇક એન્ટિ વાયરસ અપડેટ કરવા ગઈ તેમાં માઈક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યા સર્જાઈ ગઈ એવું કહેવાય છે. ક્રાઉડસ્ટ્રાઈકના સીઈઓ જ્યોર્જ કુર્ટ્ઝે પોતે જવાબદારી સ્વીકારીને માફી માગી છે તેથી બધાંએ તેમની વાતને સાચી માની લીધી છે પણ ટેકનોલોજી જગતમાં ચાલતી ચર્ચા ર્ પ્રમાણે, આ અપડેટના કારણ સર્જાયેલી ખામી નથી પણ હેકર્સનું કરૂતૂત છે. 

હેકર્સે માઈક્રોસોફ્ટના સર્વરમાં ઘૂસીને તેના પર કબજો કરી લીધો ને પછી પોતે કેટલું નુકસાન કરી શકે છે તેનો પરચો આપ્યો તેમાં માઇક્રોસોફ્ટ આઉટેજ થઈ ગયું.  એવી પણ વાત ચાલે છે કે, માઈક્રોસોફ્ટનું સર્વર હેક થઈ ગયું હોવાની ખબર પડે તો કંપનીની આબરૂના તો ધજાગરા થઈ જ જાય પણ તેના પરફોર્મન્સ પર પણ જબરદસ્ત અસર પડે. કંપનીના શેર પણ ગગડીને નીચે આવી જાય તેથી માઈક્રોસોફ્ટના પ્રમોટરો અને રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવે. આ નુકસાન રોકવા માટે કંપનીએ ખાનગીમાં હેકર્સ સાથે કરોડો ડોલરમાં સોદો કરવો પડયો. 

આ સોદાબાજી દરમિયાન સિસ્ટમ ખોરવાઈ ગઈ. હેકર્સ ખસ્યા કે તરત સિસ્ટમ સામાન્ય થવા માંડી ને ધીરે ધીરે પૂર્વવત્ થઈ જશે. હેકર્સ સાથે માઈક્રોસોફ્ટે પોતાનું સર્વર હેક કર્યું એવું જાહેર નહીં કરવા માટે પણ સોદાબાજી કરી હોવાનું કહેવાય છે. માઈક્રોસોફ્ટની આબરૂ બચાવવા માટે દોષનો ટોપલો ક્રાઉડસ્ટ્રાઈકે પોતાના માથે લેવો પડયો કેમ કે સીક્યુરિટીની જવાબદારી તેના માથે છે.

આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ વાત સાચી પણ હોઈ શકે છે. હેકર્સ દુનિયાની મોટી મોટી કંપનીઓને પરેશાન કરીને તેમને ખંખેરવાનો ધંધો કરે જ છે. થોડા સમય પહેલાં આ રીતે સોની પિક્ચર્સનું સર્વર હેક કરી નાંખેલું તેથી માઈક્રોસોફ્ટનું સર્વર હેક થયું હોઈ શકે. માઈક્રોસોફ્ટ અને ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા કરાયેલી સ્પષ્ટતા પણ શંકાસ્પદ છે. 

ક્રાઈડસ્ટ્રાઈક દ્વારા કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે, સમસ્યા શું હતી તેની ખબર પડી ગઈ તેથી સમસ્યા સર્જતી ફાઈલને અલગ કરી દેવાઈ અને સોલ્યુશન એપ્લાય કરી દેવાયું. 

કોઈ પણ  કોમ્પ્યુટર માત્ર એક જ ફાઈલ દૂર કરશે એટલે સમસ્યા જતી રહેશે. જો કે કંપનીએ ના તો સમસ્યા શું હતી એ સ્પષ્ટતા કરી કે અપડેટ કરવામાં શું તકલીફ સર્જાઈ તે વિશે સ્પષ્ટતા કરી છે. આ કારણે હેકિંગની શંકા ઘેરી બની છે. સામાન્ય રીતે માલવેર હોય તો સિંગલ ફાઈલ દૂર કરવાથી સમસ્યાનો ઉકેલ આવી જતો હોય છે. આ કેસમાં પણ સિંગલ ફાઈલ જ દૂર કરવાની છે. 

સૌથી મહત્વની વાત એ છે કે, આઉટેજની અસર માત્ર વિન્ડોઝ પીસીને જ થઈ છે જ્યારે એપલ અને લિનક્સ યુઝર્સને કોઈ અસર થઈ નથી. એપલ અને લિનક્સ યુઝર્સ પણ માઈક્રોસોફ્ટની એપ વાપરે જ છે તો તેમને કેમ અસર ના થઈ એ મોટો સવાલ છે. 

માઈક્રોસોફ્ટ ટીમ્સનું ફેક વર્ઝન આઉટેજ માટે કારણભૂત હોઈ શકે

ટેકનોલોજીના જાણકારોએ આપેલી વિગતો પ્રમાણે, માઈક્રોસોફ્ટ ટીમ્સ એપનું ફેક વર્ઝન મોટા પ્રમાણમાં ફરી રહ્યું છે. તેના માધ્યમથી હેકર્સ માઈક્રોસોફ્ટના સર્વરને હેક કરવામાં સફળ થયા હોય એવી શક્યતા નકારી ના શકાય. 

માઈક્રોસોફ્ટ ટીમ્સની મદદથી વર્કસ્પેસ અને વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે, ફાઈલ સ્ટોર કરી શકાય છે. સાથે સાથે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ અને સર્વિસીસનું ઈન્ટીગ્રેશન કરી શકાય છે. કોરોના કાળ દરમિયાન લોકો વર્ક ફ્રોમ હોમ કરતાં હતાં ત્યારે માઈક્રોસોફ્ટ ટીમ્સને જબરદસ્ત સફળતા મળી હતી. દર મહિને ૩૦ કરોડથી વધારે લોકો માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરે છે. 

ફેક ઝૂમ, સ્કાયપે અને ગુગલ મીટ પણ બનાવાયાં છે કે જે માલવેરને ફેલાવે છે. સ્કાયપે એકાઉન્ટ હેક કરીને ફેક માઈક્રોસોફ્ટ ટીમ્સ સિસ્ટમમાં ઘૂસાડીને ડેટા ચોરી લેવાતો હતો તેથી માઈક્રોસોફ્ટે પોતાના સોફ્ટવેર ટૂલને ડિસેબલ કરવું પડેલું. સ્કાયપે પણ માઈક્રોસોફ્ટની જ પ્રોડક્ટ છે. તેના કારણે ફેક માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ આઉટેજ માટે જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે એપલનાં મેક કોમ્પ્યુટર્સને હેક કરી શકાતાં નથી પણ માઈક્રોસોફ્ટ ટીમ્સના ફેક વર્ઝનની મદદથી એટમિક સ્ટીલર દ્વારા મેકમાંથી ડેટા ચોરી લેવાયો હોય એવું પણ બને છે. મતલબ કે, માઈક્રોસોફ્ટ ટીમ્સ સાથે સંકળાયેલા હેકર્સ મજબૂત છે.

દુનિયાભરનાં એરપોર્ટ્સ પર માઈક્રોસોફ્ટનાં સોફ્ટવેરની માયાજાળ

માઈક્રોસોફ્ટ આઉટેજની સૌથી વધારે અસર એરપોર્ટ્સને થઈ કેમ કે માઈક્રોસોફ્ટની માયાજાળ દુનિયાભરનાં એરપોર્ટ પર ફેલાયેલી છે. 

એરપોર્ટ મેનેજમેન્ટથી માંડીને ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પેસેન્જર સર્વિસ સુધીની સેવાઓ માઇક્રોસોફ્ટ સિસ્ટમથી ચાલે છે. 

માઈક્રોસોફ્ટે માઈક્રોસોફ્ટ અઝુર (Microsoft Azure) નામે ક્લાઉડ કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ વ્યક્તિગત રીતે, કંપનીઓ તેમજ સરકારોને પણ એપ્લિકેશન્સ તથા સર્વિસિસના ડેલવપમેન્ટ, એક્સેસ અને મેનેજમેન્ટની સેવા પૂરી પાડે છે. 

માઈક્રોસોફ્ટની ડાયનેમિક્સ ૩૬૫ મેનેજમેન્ટ એપ્લિકેશન છે. દુનિયાનાં મોટા ભાગનાં  એરપોર્ટ આ બંનેની મદદથી પેસેન્જર પ્રોસેસિંગ, બેગેજ હેન્ડલિંગ, ફેસિલિટી મેનેજમેન્ટ વગેરે હેન્ડલ કરે છે. 

મતલબ કે, દુનિયામાં મોટા ભાગનાં એરપોર્ટનું મેનેજમેન્ટ માઈક્રોસોફ્ટનાં સોફ્ટવેર દ્વારા થાય છે તેથી એરપોર્ટ્સને સૌથી વધારે અસર થઈ ગઈ.

News-Focus

Google NewsGoogle News