આયશા અને સાનિયા, શોએબ મલિકે ઈતિહાસ દોહરાવ્યો
- શોએબ અને સના વચ્ચે લાંબા સમયથી અફેર ચાલતું હતું તેથી સાનિયા શોએબથી અલગ રહેતી હતી કેમ કે એ પોતે લગ્નજીવનનો અંત લાવવા માગતી હતી
- શોએબે આયશા અને સાનિયા બંનેને એકસરખા કારણે બાજુ પર મૂકી દીધી. આયશાએ ખુલ્લેઆમ કહેલું કે, પોતે જાડી થઈ ગઈ હોવાથી શોએબને ગમતી નથી તેથી છોડી દીધી. સાનિયાએ શોએબ સાથેના લગ્નજીવનનો અંત કેમ આવ્યો એ વિશે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી પણ ત્રણ દિવસ પહેલાં તેણે મૂકેલી પોસ્ટમાં સંકેત તો આપી જ દીધો છે. સાનિયાએ લખેલું છે કે, લગ્ન મુશ્કેલ છે તો ડિવોર્સ પણ મુશ્કેલ છે. તમારી મુશ્કેલીની પસંદગી કરો. મોટાપો મુશ્કેલ છે અને ફિટ રહેવું પણ મુશ્કેલ છે તો તમે તમારી મુશ્કેલીની પસંદગી કરો.
અંતે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથેના લગ્નજીવનનો અંત આવી ગયો. હોટ એક્ટ્રેસ આયેશા ઉમર સાથે શોએબ મલિકના સંબંધો હોવાના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થઈ ગયાં હોવાની વાતો લાંબા સમયથી ચાલતી હતી. આ વાતો અડધી-પડધી સાચી પડી છે કેમ કે સાનિયા શોએબથી અલગ થઈ ગઈ છે પણ તેનું કારણ આયેશા ઉમર નથી પણ બીજી એક્ટ્રેસ સના જાવેદ છે.
શોએબને આયશા ઉંમર સાથે અફેર હોઈ શકે છે. તેના કારણે શોએબ અને સાનિયાના લગ્નજીવનમાં તણાવ આવ્યો હોય એવું બને પણ શોએબ મલિકે સના જાવેદ સાથે નિકાહ કર્યાં છે તેથી અત્યારે તો સાનિયા-શોએબના લગ્નજીવનના અંત માટે સના જાવેદ સાથેના અફેરને જ કારણભૂત ગણી શકાય.
સાનિયા-શોએબની સ્ટોરીમાં રસપ્રદ વાત એ છે કે, શોએબે સાનિયાને તલાક નથી આપ્યા પણ સાનિયાએ શોએબને છોડયો છે. શોએબ અને સના વચ્ચે લાંબા સમયથી અફેર ચાલતું હતું તેથી સાનિયા શોએબથી અલગ રહેતી હતી કેમ કે એ પોતે લગ્નજીવનનો અંત લાવવા માગતી હતી.
મુસ્લિમોની અંગત બાબતોને લગતા શરિયા કાયદા પ્રમાણે, પુરૂષ સ્ત્રીથી છૂટો થાય તો તેણે તલાક આપવા પડે જ્યારે સ્ત્રી પોતે પુરૂષથી અલગ થાય તો તેને ખુલા કહે છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું છે કે, સાનિયાએ શોએબને ખુલા આપ્યા છે. શરિયા પ્રમાણે કોઈ મુસ્લિમ સ્ત્રી પતિથી ત્રણ મહિના કે વધારે સમયથી અલગ રહે પછી પુરૂષને ખુલા આપી શકે છે.
સાનિયા શોએબથી લાંબા સમયથી અલગ જ રહેતી હતી તેથી ખુલા આપવા હકદાર હતી. આ અધિકારનો ઉપયોગ કરીને સાનિયાએ શોએબને પોતાની જીંદગીથી અલગ કરી દીધો. બાકી શોએબ તો સના જાવેદ સાથે નિકાહ પછી પણ સાનિયા સાથે સંબધો રાખીને તેનો ઉપભોગ કરવા માગતો હતો પણ સાનિયાએ જ તેને લાત મારીને તગેડી મૂક્યો છે. મુસ્લિમ સ્ત્રીઓ સામાન્ય રીતે પતિની અય્યાશીઓને નજરઅંદાજ કરીને લગ્ન બચાવવા માગે છે ત્યારે સાનિયાની હિંમતને દાદ દેવી જોઈએ.
શોએબે એક રીતે જોઈએ તો પોતાના પહેલા નિકાહની સ્ટોરીને દોહરાવી છે. શોએબે પહેલા નિકાહ ભારતના હૈદરાબાદની આયશા સિદ્દિકી સાથે કરેલાં. મહા સિદ્દીકી ઉર્ફે આયશા હૈદરાબાદમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. ૨૦૦૨માં થયેલાં આયશા-શોએબનાં નિકાહનો ૨૦૧૦માં સાનિયા સાથેના શોએબના નિકાહથી અંત આવ્યો ત્યારે પણ શોએબ તો આયશાને તલાક આપવા નહોતો માગતો. આયશા સાથે સંબધો ચાલુ રાખીને તેનો પણ ઉપભોગ કરવાની તેની દાનત હતી. શોએબ એ હદે હલકો સાબિત થયેલો કે આયશા સાથે પોતાના નિકાહ થયાં હોવાની વાત માનવા જ તૈયાર નહોતો પણ પણ આયશા ખૂંખાર નિકળી.
આયશાએ શોએબનાં સાનિયા સાથેનાં લગ્ન ગેરકાયદેસર હોવાનું જાહેર કરીને શોએબ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. શોએબ સાથેનાં લગ્નનો વીડિયો પણ તેણે પોલીસને આપ્યો પછી શોએબ માન્યો. આયશાને તલાક નહીં આપે તો જેલમાં જવું પડશે એ ડરે સાનિયા સાથેના નિકાહના પાંચ દિવસ પહેલાં એટલે કે ૭ એપ્રિલ, ૨૦૧૦ના રોજ આયશાને તલાક આપ્યા. આયશા તલાક માટે પણ તૈયાર નહોતી તેથી શોએબે વડીલો અને ધર્મગુરૂઓને વચ્ચે પાડયા ત્યારે માંડ માંડ આયશા માની હતી. જો કે આયશા સસ્તામાં નહોતી માની કેમ કે તેણે શોએબ પાસેથી ૧૫ કરોડ રૂપિયા પડાવ્યા હતા.
સાનિયાના કિસ્સામાં પણ શોએબે તલાક આપવાની તસદી લીધી નથી. સાનિયા ભારતની દીકરી છે અને ખુદ્દાર છે. એ પોતે એટલું કમાય છે કે શોએબના ટુકડાઓ પર નભવાની તેણે જરૂર નથી તેથી તેણે સામેથી શોએબને રવાના કરી દીધો એટલો ફરક છે પણ શોએબની માનસિકતા એ જ છે.
બીજી રસપ્રદ વાત એ કે, શોએબે આયશા અને સાનિયા બંનેને એકસરખા કારણે બાજુ પર મૂકી દીધી. આયશાએ ખુલ્લેઆમ કહેલું કે, પોતે જાડી થઈ ગઈ હોવાથી શોએબને ગમતી નથી તેથી પોતાને છોડી દીધી અને રૂપાળી સાનિયા સાથે નિકાહ કરી રહ્યો છે. સાનિયાએ શોએબ સાથેના લગ્નજીવનનો અંત કેમ આવ્યો એ વિશે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી પણ ત્રણ દિવસ પહેલાં તેણે મૂકેલી પોસ્ટમાં સંકેત તો આપી જ દીધો છે. સાનિયાએ લખેલું છે કે, લગ્ન મુશ્કેલ છે તો ડિવોર્સ પણ મુશ્કેલ છે. તમારી મુશ્કેલીની પસંદગી કરો. મોટાપો મુશ્કેલ છે અને ફિટ રહેવું પણ મુશ્કેલ છે તો તમે તમારી મુશ્કેલીની પસંદગી કરો.
સાનિયાએ પોતે જાડી થઈ ગઈ છે તેના કારણે શોએબ સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું આડકતરી રીતે આ પોસ્ટમાં કહી જ દીધું છે. સાનિયાએ પોતાને કઈ મુશ્કેલી માફક આવશે એ બહુ પહેલાં જ નક્કી કરી લીધેલું તેથી એ વિશે ચર્ચા કરવાનો અર્થ નથી પણ તો નિર્ણય શાણપણભર્યો છે તેમાં શંકા નથી.
સાનિયાનું લગ્નજીવન તૂટયું એ સારા સમાચાર ન કહેવાય. તેના કારણે માનસિક ધક્કો ચોક્કસ લાગે પણ તેના કારણે સાનિયા માટે જીંદગી પતી જતી નથી. સાનિયા માનસિક રીતે એટલી મજબૂત છે કે આ આઘાતને જીરવી શકે છે. ભારતમાં ટેનિસને કારકિર્દી બનાવવી મૂર્ખામી લાગતી હોય એ જમાનામાં ટેનિસને અપનાવીને સામા પ્રવાહે તરનારી છોકરીની માનસિક તાકાત વિશે શું કહેવાનું હોય ?
શોએબથી છૂટયા પછી સાનિયા એક નવી શરૂઆત કરી શકે છે. સાનિયા ભારતમાં સેલિબ્રિટી છે તેથી પૈસા કે સ્ટેટસ તેના માટે સમસ્યા નથી. સાનિયાને જાહેરખબરો સતત મળ્યા કરે છે તેથી આજીવિકાની તેને સમસ્યા નથી. બલ્કે સાનિયા માટે ભલું થયું ભાંગી જંજાળ જેવી સ્થિતી છે. સાનિયા હવે આઝાદ છે તેથી પોતાના ઓરિજિનલ પેશન ટેનિસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ભારતમાં ટેનિસ સ્ટાર બનવા માગતી નાની-નાની છોકરીઓને ટેનિસના પાઠ ભણાવી શકે એવા કોચ બહુ નથી. સાનિયા ભવિષ્યની ચેમ્પિયન તૈયાર કરવાની ભૂમિકા સારી રીતે ભજવી શકે. ભારતમાં ટેનિસના વહીવટમાં પણ એ સક્રિય થઈ શકે છે. સાનિયા ભારતની દીકરી હતી ને રહેશે. ભારતે તેને કદી છોડી નહોતી એ જોતાં સાનિયા માટે શું કરવું એ પ્રશ્ન જ નથી.
સાનિયા માટે સવાલ પસંદગીનો છે. અહીં મુશ્કેલ શું છે એ પસંદ કરવાનું નથી તેથી પસંદગી પ્રમાણમાં સરળ છે.
- સનાનો પહેલો પતિ ઉમૈર સ્ટાર સિંગર-મ્યુઝિશિયન
શોએબ અને સના જાવેદના નિકાહના કારણે પાકિસ્તાની ગાયક, સંગીતકાર ઉમૈર જસવાલ ચર્ચામાં આવી ગયો છે કેમ કે સનાએ પહેલા નિકાહ ઉમૈર સાથે કરેલા. પાકિસ્તાનની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જસવાલ બંધુઓનો દબદબો છે. ઉમૈર, યાસિર અને ઉઝૈર એ ત્રણ ભાઈમાં યાસિર સૌથી મોટો છે જ્યારે ઉઝૈર સૌથી નાનો છે. પંજાબી મૂળનો જસવાલ પરિવાર મુસ્લિમ રાજપૂત ગણાય છે. જસવાલ બંધુઓના પિતા તાહિર જસવાલ પાકિસ્તાનના જાણીતા વૈજ્ઞાાનિક છે.
ઉઝૈરે સના સાથે ૨૦૨૦માં લગ્ન કરેલાં અને ત્રણ વર્ષ પછી ૨૦૨૩માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ઉમૈર જસવાલ ગાયક અને સંગીતકાર તરીકે જાણીતો છે જ પણ એક્ટિંગ પણ કરે છે. ફાસ્ટ બોલર શોએબ અખ્તરના જીવન પરથી બની રહેલી ફિલ્મ રાવલપિંડી એક્સપ્રેસમાં શોએબનો રોલ ઉમૈરે કર્યો છે. સના જાવેદ સાથે લગ્ન પહેલાં ઉમૈરનું પાકિસ્તાનમાં જન્મેલી પણ કેનેડાની નાગરિક એની ગાયિકા, એક્ટ્રેસ અને મોડલ મીશા શફી સાથે અફેર હોવાની ચર્ચા ચાલેલી.
- ઈમરાન, અઝહર, જયસૂર્યા પણ ત્રણ-ત્રણ વાર પરણ્યા
શોએબ મલિક પહેલાં પાકિસ્તાનના જ ઈમરાન ખાન, ભારતનો મોહમ્મદ અઝહરુદ્દીન અને શ્રીલંકાનો સનથ જયસૂર્યા ત્રણ-ત્રણ વાર પરણી ચૂક્યા છે. ઈમરાને જેમિમા ગોલ્ડસ્મિથ, રેહાન ખાન અને બુશરા માણિક સાથે લગ્ન કર્યાં છે તો જયસૂર્યાએ સુમુધા કરૂણાનાયકે, સાંદ્રા ડીસિલ્વા અને મલિકા સિરિસેનાગે સાથે લગ્ન કર્યાં છે. અઝહરુદ્દીને નૌરીન, સંગીતા બિજલાની અને શૈનોને મેરી સાથે લગ્ન કર્યાં છે.
શોએબની ત્રીજી પત્ની સના જાવેદ પાકિસ્તાનની જાણીતી ટીવી એક્ટ્રેસ છે. સના ૩૦ વર્ષની છે જ્યારે શોએબ ૪૧ વર્ષનો છે એ જોતાં બંનેની ઉંમરમાં ૧૧ વર્ષનો તફાવત છે. સાઉદીના જેદ્દાહમાં જન્મેલી સનાનો પરિવાર મૂળ કાશ્મીરનો છે પણ આઝાદી સમયે પાકિસ્તાન જતો રહેલો. સના સાઉદીમાં જ જન્મી અને ભણી પછી ગ્રેજ્યુએશ કરવા પાકિસ્તાન આવી. ૧૯ વર્ષની ઉંમરે તેને સીરિયલમાં પહેલો બ્રેક મળ્યો પછી જબરદસ્ત સફળતા મળતાં પાછા વળીને જોયું નથી.