તાઈવાન મુદ્દે ચીનની ભારતને લુખ્ખી દાટી, ભારતને ફરક પડતો નથી
- અરૂણાચલમાં ભારતે સેલા ટનલ બનાવી તેની સામે પણ ચીને વિરોધ કર્યો હતો. તાઈવાનની કંપની ભારતમાં આવે તો પણ ચીનને પેટમાં દુઃખે છે
- ચીન વરસોથી વન ચાઈનાનું વાજું વગાડયા કરે છે ને અત્યારે પણ એ જ વાજું વગાડીને કહ્યું છે કે, દુનિયામાં એક જ ચીન છે અને તાઈવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો હોવાથી તાઈવાન સાથે કોઈ પણ દેશ તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે, અધિકૃત સંપર્કો ધરાવે કે પછી એકબીજાના દેશોમાં ઓફિસ ખોલવા સહિતનાં કામ કરે તેની સામે વાંધો હોય જ છે ને ભારત આ વાંધાને ધ્યાનમાં નહીં લે તો તકલીફ થશે. ભારતે ચીનની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી સાંભળીને કાઢી નાંખી છે. એ બરાબર પણ છે કેમ કે ભારતે કોની સાથે સંબંધો રાખવા ને કોની સાથે ના રાખવા એ ચીન નક્કી ના કરી શકે.
ચીનની માનસિકતા આખી દુનિયા પોતાનું કહ્યું એ પ્રકારની છે તેથી પોતાને અનુકૂળ ના આવે એવું કંઈ પણ બને કે તરત એ લુખ્ખાગીરી પર ઉતરી આવે છે. મુંબઈમાં ન્યુ તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (TECC)ની નવી ઓફિસ ખોલવાને મુદ્દે ચીને શરૂ કરેલી લુખ્ખાગીરી તેનું તાજું ઉદાહરણ છે. ચીને તાઈવાનની ભારતમાં ઓફિસ ખોલવાને મુદ્દે ભારત સામે જોરદાર રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે અને આડકતરી રીતે ધમકી જ આપી દીધી છે કે, ભારતમાં તાઈવાનની ઓફિસને મંજૂરીથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડશે. ચીનના કહેવા પ્રમાણે તાઈવાન ચીનનું અભિન્ન અંગ હોવાથી ભારતે તાઈવાનને ભારતમાં કોઈ પણ ઓફિસ ખોલવાની મંજૂરી ના આપવી જોઈએ.
ચીન વરસોથી વન ચાઈનાનું વાજું વગાડયા કરે છે ને અત્યારે પણ એ જ વાજું વગાડીને કહ્યું છે કે, દુનિયામાં એક જ ચીન છે અને તાઈવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો હોવાથી તાઈવાન સાથે કોઈ પણ દેશ તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે, અધિકૃત સંપર્કો ધરાવે કે પછી એકબીજાના દેશોમાં ઓફિસ ખોલવા સહિતનાં કામ કરે તેની સામે વાંધો હોય જ છે ને ભારત આ વાંધાને ધ્યાનમાં નહીં લે તો તકલીફ થશે.
ભારતે ચીનની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી સાંભળીને કાઢી નાંખી છે. એ બરાબર પણ છે કેમ કે ભારતે કોની સાથે સંબંધો રાખવા ને કોની સાથે ના રાખવા એ ચીન નક્કી ના કરી શકે.
ચીને જેની સામે વાંધો લીધો એ ન્યુ તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરની ભારતમાં દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી ઓફિસો છે જ. ભારતે ત્યારે પણ ચીનના વાંધા કે ધમકીને ગણકાર્યાં નહોતાં. એ યોગ્ય પણ છે કેમ કે ચીનને તો હજારો વાત સામે વાંધો હોય છે.
ચીન અરૂણાચલને જંગનાન કહીને તેને ચીનનો પ્રદેશ ગણાવે છે તેથી અરૂણાચલમાં કંઈ પણ થાય તો તરત કૂદી પડે છે. આ વર્ષની શરૂઆતમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા ત્યારે પણ ચીને વાંધો લીધેલો ને ભારત સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો.
અરૂણાચલમાં ભારતે સેલા ટનલ બનાવી તેની સામે પણ ચીને વિરોધ કર્યો હતો. દલાઈ લામા અરૂણાચલ જાય તો પણ ચીનને તકલીફ થાય છે ને તાઈવાનની કંપની ભારતમાં આવે તો પણ ચીનને પેટમાં દુઃખે છે. આ માહોલમાં ચીનના વાંધાની કોઈ કિંમત નથી. ભારત એક આત્મનિર્ભર દેશ છે ને કોઈ દેશે તેને ડિક્ટેટ ના કરી શકે.
તાઈવાનને ચીન પોતાનો પ્રદેશ માને છે પણ તાઈવાનની પ્રજા ચીનના દાવાને સ્વીકારવા તૈયાર નથી. તાઈવાનમાં પહેલાં ક્વિંગ વંશનું શાસન હતું પણ ક્વિંગ વંશે તાઈવાન જાપાનને આપી દીધું હતું. તાઈવાનનાં લોકોએ ૧૯૧૧માં ક્વિગં વંશને હટાવીને રીપબ્લિક ઓફ ચાઈનાની જાહેરાત કરી. જાપાનને લોકશાહી ઢબે સ્થપાયેલું શાસન મંજૂર નહોતું તેથી પોતાનું લશ્કર મોકલીને ફરી તાઈવાન પર કબજો કર્યો. આ કારણે બીજા વિશ્વયુધ્ધના અંત સુધી તાઈવાનમાં જાપાનનું શાસન રહ્યું. દરમિયાન ૧૯૧૫માં મેઈનલેન્ડ ચીનમાં લોકશાહીની સ્થાપના થઈ હતી.
૧૯૨૭માં કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સામ્યવાદીઓએ લશ્કર બનાવીને આખા ચીન પર કબજો કરવા હુમલા શરૂ કરતાં ચીનમાં આંતરિક યુધ્ધ શરૂ થયું. સામ્યવાદીઓ તાઈવાન પર પણ કબજો કરવા માંગતા હતા પણ જાપાન સામે ફાવ્યા નહીં તેથી તાઈવાન જાપાનના કબજામાં રહ્યું.
બીજા વિશ્વયુધ્ધમાં જાપાન હારતાં તાઈવાનમાં લોકશાહીની સ્થાપના થઈ અને રીપબ્લિક ઓફ ચાઈના અસ્તિત્વમાં આવ્યું. રીપબ્લિક ઓફ ચાઈના યુનાઈટેડ નેશન્સના સ્થાપક સભ્યોમાં એક હતું. તેને ચીનના પ્રતિનિધી તરીકે માન્યતા મળી હતી. જો કે માઓના નેતૃત્વમાં સામ્યવાદીઓનો હાલના ચીનના પ્રદેશો પર કબજો થવા માંડતાં રીપબ્લિક ઓફ ચાઈનાનું સંચાલન તાઈપેઈથી થવા માંડયું.
સામ્યવાદીઓએ ૧૯૪૯માં મોટા ભાગનો ચીનનો પ્રદેશ કબજે કરી લીધો પણ હાલના તાઈવાનના વિસ્તારો કબજે ના કરી શક્યા. આ વિસ્તારમાં રીપબ્લિક ઓફ ચાઈનાની જ સરકાર રહી. યુનાઈટેડ નેશન્સમાં પહેલાં ચીનના પ્રતિનિધી તરીકે રીપબ્લિક ઓફ ચાઈનાને માન્યતા મળેલી હતી પણ ચીનના દબાણના કારણે ૧૯૭૧માં રીપબ્લિક ઓફ ચાઈનાની માન્યતા રદ થતાં તાઈવાન અત્યારે યુ.એન.નું સભ્ય પણ નથી. અમેરિકાએ એ વખતે સામ્યવાદી ચીનને માન્યતા આપીને તાઈવાન સાથે ગદ્દારી કરેલી પણ પછી ચીનનો પ્રભાવ વધતાં તેને ખાળવા તાઈવાનને મદદ કરવા માંડી છે. તાઈવાને કોઈની પણ મદદ વિના પ્રગતિ ચાલુ રાખી અને પોતાના જોરે અતિ સમૃધ્ધ દેશ બન્યો છે તેથી પણ હવે અમેરિકા તાઈવાનને મદદ કરે છે.
ચીનને તાઈવાન પર કબજો કરવામાં રસ છે તેનું કારણ તેની સામ્રાજ્યવાદી માનસિકતા છે. ચીનનું માનવું છે કે, ભૂતકાળમાં જે પણ દેશો તેના વિસ્તાર હેઠળ હતા એ બધા વિસ્તારો પોતાને મળવા જોઈએ એવું ચીનનું માનવું છે. આ કારણે ચીન ભારત સહિતના તમામ પાડોશી દેશોની જમીન પચાવી પાડવા માગે છે ને તેમાં તાઈવાન પણ આવી ગયું. તાઈવાન ચીનની આ દાદાગીરીને ગણકાર્યા વીના પોતાનું અસ્તિત્વ ટકાવી ગયું છે કેમ કે તાઈવાન સાયન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ છે.
સેમીકન્ડકરના ઉત્પાદનમાં તાઈવાન દુનિયામાં અવ્વલ છે તેથી અમેરિકા તેને સાચવે છે. ચીન પણ આ સેમીકંડક્ટર બિઝનેસ પર કબજો કરીને દુનિયા પર દાદાગીરી કરવા માટે નવું હથિયાર હસ્તગત કરવા માગે છે તેથી તાઈવાન સાથે કોઈને પણ સંબંધો ના બંધાય એ માટે દબાણ કર્યા કરે છે. ભારતને પણ ધમકી આ કારણે જ આપી છે.
ભારત ચીનને શરણે જઈ શકે તેમ નથી કેમ કે ચીન એક વાર પોલું ભાળી જાય પછી બજાવવામાં કોઈ કસર ના છોડે. એક મુદ્દે ભારત શરણાગતિ સ્વીકારે એટલે ચીન પછી વારંવાર નાક દબાવવા માંડે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે એ જોતાં ભારતે કોઈની પણ દાદાગીરી સહન કરવાની જરૂર નથી.
તાઈવાન મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે 2025માં યુધ્ધ થશે એવી ચેતવણી
તાઈવાન મુદ્દે ભવિષ્યમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે એવી આગાહી નિષ્ણાતો કરે છે. અમેરિકા અને ચીન વચ્ચે સાઉથ સી મુદ્દે પણ તાણવ છે. આ ઉપરાતં તાઈવાન સહિતના મુદ્દે ચીનની વધતી દાદાગીરી તથા બીજા મુદ્દે લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે અને કોલ્ડ વોરની સ્થિતી છે. બંને દેશો એકબીજા પર વ્યાપારી પ્રતિબંધો મૂકી રહ્યા છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું પછી ચીને રશિયાની તરફેણ કરતાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. અત્યારે તાઈવનામાં અમેરિકાની પીઠ્ઠુ જેવી સરકાર હોવાથી ચીન કશું કરી શકતું નથી પણ એ ધીરે ધીરે તિબેટની જેમ જ ચીન તાઈવાનને હડપ કરવા મથી રહ્યું છે. ચીન સામેના જંગમાં અમેરિકા તાઈવાનને મદદ કરી રહ્યું છે તેના કારણે સ્થિતી સ્ફોટક બનતી જાય છે.
અમેરિકન એરફોર્સના સીનિયર અધિકારી જનરલ માઈક મિનિહાને તો ચેતવણી આપી છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૨૫માં યુધ્ધ થઈ શકે છે. અમેરિકન એરફોર્સના એર મોબિલિટી કમાન્ડના વડા જનરલ માઈક મિનિહાને એકાદ વર્ષ પહેલાં અમેરિકન સરકારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે, તાઈવાન મુદ્દે ૨૦૨૫માં ચીન અને અમેરિકા વચ્ચે જંગ છેડાઈ જશે. જનરલ માઈક મિનિહાને પોતાના હાથ નીચેના અધિકારીઓને યુધ્ધ થાય તો ચીનને કઈ રીતે હરાવી શકાય તેના પર અત્યારથી ધ્યાન કેન્દ્રીત કરીને પૂરી તૈયારી રાખવા પણ કહી દીધું છે.
ચીનની મહત્વાકાંક્ષા દુનિયાના દાદા બનવાની, તાઈવાન કેન્દ્રસ્થાને
દુનિયાના દાદા બનવાની ચીનની મહત્વાકાંક્ષામાં તાઈવાન કેન્દ્રસ્થાને છે. તાઈવાન પાસે જબરદસ્ત સમૃધ્ધિ હોવાથી ચીન તેના જોરે દુનિયાને પોતાના ઈશારે નચાવવા માગે છે. ચીનની આ મહત્વાકાંક્ષા આડે અમેરિકા સૌથી મોટો અવરોધ છે અને અમેરિકા સાથે સંકળાયેલા દેશોને પણ દુશ્મન માને છે. ભારત પણ આ દેશોમાં એક છે તેથી તાઈવાન મુદ્દે ચીનના વાંધાને ભારતે ગંભીરતાથી લેવો જરૂરી છે.
ભારત સાથે તો ચીનને સરહદી વિવાદ છે અને ભારતના સંખ્યાબંધ વિસ્તારોને ચીન પોતાના ગણાવીને તેમને હડપવાની પેરવીઓ કર્યા જ કરે છે. અરૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનમાં તો ચીને ઘૂસણખોરી કરીને ભારતનો પ્રદેશ પચાવી પણ પાડયો છે. આ સંજોગોમાં ચીન માટે અમેરિકા હરીફ છે જ્યારે ભારત તો દુશ્મન છે તેથી ભારતે વધારે સતર્ક થવું પડે. ભારત-ચીન સરહદે અંદરની તરફ ઘણા દુર્ગમ વિસ્તારો આવેલા છે. બરફ અને ગાઢ જંગલોથી બનેલા આ વિસ્તારો પર ચોવીસે કલાક નજર રાખવી શક્ય નથી એ જોતાં ભારતે સતર્કતા વધારવી જ પડે.