Get The App

બાઈડેન ડોહાનું સાવ ફટકી ગયું, જતાં જતાં વિશ્વ યુદ્ધ કરાવી દેશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
બાઈડેન ડોહાનું સાવ ફટકી ગયું, જતાં જતાં વિશ્વ યુદ્ધ કરાવી દેશે 1 - image


- અમેરિકનોને લાગે છે કે, બિડેન ડોહાનું સાવ ફટકી ગયું છે. પુતિનને બતાવી દેવાના ને ડોનાલ્ડ ટ્રમ્પને ભેરવી દેવાના ઓરતામાં ડોહા અમેરિકનોને બરબાદી તરફ ધકેલી રહ્યા છે. યુક્રેન રશિયામાં મિસાઈલો છોડે ને પુતિન કશું કર્યા વિના બેસી રહે એ વાતમાં માલ નથી. પુતિન યુક્રેનમાં તો તબાહી વેરે જ પણ અમેરિકા તથા તેના સાથી દેશોને પણ ના છોડે. પુતિને તો સીધી ત્રીજા વિશ્વ યુધ્ધની જ ધમકી આપી છે પણ આ ધમકી પ્રમાણે અમેરિકા કે તેના સાથી દેશો પર સીધું આક્રમણ ના કરે પણ અમેરિકામાં બોમ્બ બ્લાસ્ટ કે બીજા પ્રકારના આતંકવાદી હુમલા કરાવી શકે. પુતિન વરસો સુધી કેજીબીમાં રહ્યા છે તેથી આ પ્રકારનાં ઓપરેશનો તેમના માટે નવી વાત નથી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડેને યુક્રેનના લશ્કરને રશિયા સામે એટીએસીએમએસ મિસાઈલ વાપરવાની મંજૂરી આપીને ખળભળાટ મચાવી દીધાં છે. યુક્રેન અત્યારે રશિયા સામે ઓછી એટલે કે મહત્તમ ૧૬૫ કિલોમીટર (૧૦૩ માઈલ)ની રેન્જ ધરાવતાં એટીએસીએમએસ મિસાઈલ તો વાપરે જ છે પણ તેના દ્વારા રશિયાના અંદરના ભાગો સુધી પ્રહાર કરી શકતું નથી. બહુ બહુ તો યુક્રેનના દક્ષિણ ભાગમાં ક્રિમિયા તરફના રશિયન કબજાવાળા વિસ્તારો સુધી પ્રહાર કરી શકે છે તેથી રશિયાને તેની ચિંતા નહોતી.

 હવે જો બાઈડેને લાંબી રેન્જ એટલે કે ૩૦૦ કિલોમીટર (૧૯૦ માઈલ) સુધી પ્રહાર કરી શકે એવી લાંબી રેન્જની એટીએસીએમએસ મિસાઈલ વાપરવાની પણ યુક્રેનને છૂટ આપી છે. તેના કારણે હવે યુક્રેન રશિયાના અંદરના ભાગો પર પણ હુમલા કરી શકશે ને તબાહી વેરી શકશે.

બાઈડેનના નિર્ણયે આશ્ચર્ય સર્જ્યું છે કેમ કે યુ.એસ.એ ગયા વર્ષે યુક્રેનને એટીએસીએમએસ આપ્યાં ત્યારે રશિયા સામે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાને ડર હતો કે પુતિન તેનો આકરો જવાબ આપી શકે છે. બાઈડેને પોતે એ વખતે કહેલું કે, અમે ત્રીજું વિશ્વ યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે બાઈડેને પોતે ગુલાંટ લગાવીને પોતાનો જ નિર્ણય બદલી નાંખ્યો છે. 

રશિયાએ બાઈડેન સરકારના નિર્ણય સામે આકરા તેવર બતાવીને કહી દીધું છે કે, યુક્રેન લોંગ રેન્જનાં એટીએસીએમએસ મિસાઈલ રશિયા પર છોડશે તો ત્રીજું વિશ્વ યુધ્ધ છેડાઈ જશે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને સપ્ટેમ્બરમાં ચેતવણી આપી દીધેલી કે, અમેરિકા સહિતના પશ્ચિમના દેશો યુક્રેનને તેમનાં લોંગ-રેન્જ મિસાઈલોથી રશિયાની ધરતી પર આક્રમણ કરવાની મંજૂરી આપશે તો પછી રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચે સીધો જંગ છેડાઈ જશે ને પશ્ચિમના દેશોને કોઈ બચાવી નહીં શકે.

પુતિન માથાફરેલ છે ને પોતાની તાકાત બતાવવા ગમે તે હદે જતાં વિચાર કરતા નથી. એ છતાં બાઈડેને પુતિનની ધમકીની ઐસીતૈસી કરીને યુક્રેનને લોંગ રેંજ મિસાઈલ વાપરવાની છૂટ આપી દીધી એ પાછળનું કારણ રશિયા-યુક્રેન વોરમાં કિમ ઉન જોંગની એન્ટ્રી છે. યુક્રેન સામેના યુધ્ધમાં ઉત્તર કોરીયા રશિયાની વહારે આવ્યું છે. 

ઉત્તર કોરીયાના છટકેલ સરમુખત્યાર કિમ ઉન જોંગે કોરીયાથી ૧૦ હજાર સૈનિકો રશિયાના લશ્કરની મદદ મોકલવાનું એલાન કર્યુ છે. અમેરિકામાં એવી વાત ચાલી રહી છે કે, કિમે ભલે સત્તાવાર રીતે ૧૦ હજાર કોરીયનોને મોકલવાની વાત કરી પણ ખરેખર ૧ લાખ સૈનિકોને મોકલવાનો છે. 

યુક્રેને રશિયાના સરહદી પ્રાંત કુર્સ્કમાં કેટલોક પ્રદેશ કબજે કર્યો છે. રશિયા કુર્સ્કનો ગુમાવેલો પ્રદેશ પાછો મેળવવા માટે જોરદાર આક્રમણની તૈયારીમાં લાગેલું છે. 

 ઉત્તર કોરિયાના સૈનિકો આ આક્રમણમાં રશિયાને મદદ કરવાના છે. અમેરિકાને ડર છે કે, કોરીયનો અને રશિયનો ભેગા મળીને માત્ર કુર્સ્ક પ્રદેશ પાછો નહીં લઈ લે પણ યુક્રેનમાં ઘૂસીને યુક્રેનનો પ્રદેશ પણ કબજે કરી લેશે. 

રશિયનો ફાવી ના જાય એટલે બાઈડેને યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીને લોંગ રેન્જ મિસાઈલો વાપરવાની છૂટ આપી દીધી. આ મિસાઈલોથી યુક્રેન રશિયાની તોપો, ફાઈટર જેટ અને બીજા શસ્ત્ર સરંજામનો ખાતમો બોલાવીને રશિયાની કમર તોડી નાંખે તો રશિયા પછી આક્રમણ કરવાની સ્થિતીમાં જ ના રહે એવી બાઈડેનની ગણતરી હોવાનું કહેવાય છે. જો કે પુતિન પણ કાચા ખેલાડી નથી. રશિયાએ આવા નિર્ણયની અપેક્ષાએ પહેલાથી જ પોતાના લશ્કરી સાધનોને રશિયાની અંદરના એરફિલ્ડમાં ખસેડી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ તો અમેરિકાના ફરી પ્રમુખ બની જશે તેથી બાઈડેન માંડ બે મહિનાના ઘરાક છે. ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે, હવે પછી યુક્રેનને રશિયા સામે લડવા માટે અમેરિકા યુક્રેનને કોઈ મદદ નહી કરે.

 અમેરિકાની મદદ ના મળે એ સંજોગોમાં યુક્રેનની તાકાત નથી કે રશિયા સામે ઝીંક ઝીલી શકે. પુતિન ટ્રમ્પ ગાદી પર બેસે ને યુક્રેનને મદદ બંધ કરે તેની જ રાહ જોઈને બેઠા છે. ટ્રમ્પ પ્રમુખ બનતાં જ રશિયા પૂરી તાકાતથી યુક્રેનનો ખુરદો બોલાવવા તૂટી પડશે. રશિયા તૂટી પડે એ પહેલાં યુક્રેન તેના પર તૂટી પડે એવો દાવ બાઈડેન ખેલવા ગયા છે. 

બાઈડેનનો દાવ કેટલો સફળ થશે એ સમય કહેશે પણ અત્યારે આ નિર્ણયના કારણે  અમેરિકનો જ બાઈડેન પર ભડકેલા છે. અમેરિકનોને લાગે છે કે, બાઈડેન ડોહાનું સાવ ફટકી ગયું છે. પુતિનને બતાવી દેવાના ને ડોનાલ્ડ ટ્રમ્પને ભેરવી દેવાના ઓરતામાં ડોહા અમેરિકનોને બરબાદી તરફ ધકેલી રહ્યા છે. યુક્રેન રશિયામાં મિસાઈલો છોડે ને પુતિન કશું કર્યા વિના બેસી રહે એ વાતમાં માલ નથી. પુતિન યુક્રેનમાં તો તબાહી વેરે જ પણ અમેરિકા તથા તેના સાથી દેશોને પણ ના છોડે. 

પુતિને તો સીધી ત્રીજા વિશ્વ યુધ્ધની જ ધમકી આપી છે પણ આ ધમકી પ્રમાણે અમેરિકા કે તેના સાથી દેશો પર સીધું આક્રમણ ના કરે પણ અમેરિકામાં બોમ્બ બ્લાસ્ટ કે બીજા પ્રકારના આતંકવાદી હુમલા કરાવી શકે. પુતિન વરસો સુધી કેજીબીમાં રહ્યા છે તેથી આ પ્રકારનાં ઓપરેશનો તેમના માટે નવી વાત નથી. 

બીજું એ કે, ચીન, પાકિસ્તાન સહિતના દેશો અત્યારે રશિયાની પડખે છે તેથી અમેરિકાને પાઠ ભણાવવાના પુતિનના મિશનમાં તેમનો સાથ મળે જ. આ સંજોગોમાં ત્રીજું વિશ્વ યુધ્ધ ભલે ના છેડાય તો પણ અમેરિકા પરનો ખતરો તો વધી જ જાય. યુક્રેનને મદદ કરવા માટે થઈને અમેરિકનોના જીવ જોખમમાં મૂકવાનું બાઈડેનનું વલણ અમેરિકનોને ગાંડપણ લાગી રહ્યું છે.

અમેરિકાએ ATACMSનો ઉપયોગ ઈરાક સામે કરેલો, 300 કિમી સુધી પ્રહાર કરી શકે

જો બાઈડેને યુક્રેનને રશિયા સામે જેને વાપરવાની છૂટ આપી એ એટીએસીએમએસ મિસાઈલનું આખું નામ આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (ATACMS) છે. 

આ મિસાઈલ મૂળ તો અમેરિકાની ડિફેન્સ કંપની લિંગ-ટેમ્કો-વોટ (LTV) દ્વારા વિકસાવાઈ હતી. તેનું ઉત્પાદન પણ ૨૦૦૧ સુધી એલટીવી કરતી હતી પણ લોકહીડ માર્ટિને એલટીવીને ટેકઓવર કરી પછી લોકહીડ માર્ટિન આ મિસાઈલ બનાવે છે. 

સોલિડ રોકેટ ટેકનોલોજી આધારિત એટીએસીએમએસ સુપરસોનિક ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલ છે કે જે ૧૯૦ માઇલ (૩૦૦ કિમી) સુધી પ્રહાર કરી શકે છે. ૧૩ ફીટ (૪.૦ મીટર) લાંબી અને ૨૪ ઇંચ (૬૧૦ મીમી) વ્યાસ ધરાવતી આ મિસાઈલ હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ (HIMARS)થી ફાયર કરી શકાય છે. આ ઉપરાંત હિમાર્સ મોબાઇલ લૉન્ચર્સથી પણ ફાયર કરી શકાય છે. 

લગભગ ૩૭૫ પાઉન્ડ વિસ્ફોટક ધરાવતાં વોરહેડ સાથે આ મિસાઇલ સામાન્ય આટલરી રોકેટ કરતાં ઘણી ઊંચી ઉડીને પ્રહાર કરી શકે છે. અમેરિકા ૨૦૧૬થી આ મિસાઈલ વાપરતું નથી પણ એ પહેલાં તેનો વ્યાપક ઉપયોગ થયો છે. યુ.એસ. આર્મીએ ૧૯૯૧માં ઇરાકને કુવૈતમાંથી ખદેડવા માટે હાથ ધરેલા ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ દરમિયાન ૩૦ મિસાઈલ છોડયાં હતાં. ૨૦૦૩માં  યુએસ આર્મીએ ઓપરેશન ઇરાકી ફ્રીડમ વખતે પણ  ૪૦૦થી વધુ મિસાઈલ છોડયાં હતાં. 

અમેરિકાએ ૨૦૧૬થી લોંગ-રેન્જ પ્રિસિઝન ફાયર્સ વિકસાવવા માંડયાં. તેનું પછીથી નામ બદલીને પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલ (PrSM) રાખવામાં આવ્યું. ૨૦૨૩ના અંતમાં યુએસ આર્મીમાં એટીએસીએમએસના સ્થાને આ નવાં મિસાઈલ વપરાય છે. 

ટ્રમ્પના ઈશારે જર્મનીના ચાન્સેલરે પુતિનને ફોન કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીત્યા પછી રશિયા અને યુક્રેનના યુધ્ધનો અંત લાવવાના પ્રયત્નો શરૃ કરી જ દીધા છે.  તેના ભાગરૃપે જ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિન સાથે વાતચીત કરી હોવાનું કહેવાય છે. 

યુક્રેન-રશિયાના યુધ્ધને બે વર્ષ થયાં. આ દરમિયાન જર્મનીના ચાન્સેલરે કદી પુતિન સાથે વાત કરવાની તસદી નહોતી લીધી ને અચાનક પુતિનને ફોન કર્યો એ અકારણ નથી. ટ્રમ્પના કહેવાથી સ્કોલ્ઝે પુતિન સાથે વાત કરીને યુધ્ધ સમાપ્ત કરવાનો તખ્તો તૈયાર કરવા માંડયો છે. 

સ્કોલ્ફ સાથેની વાતચીતમાં પુતિને મંત્રાણાની તૈયારી બતાવી છે એ જોતાં ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ પ્રમુખ બને એ પહેલાં મંત્રણાનો તખ્તો તૈયાર થઈ જશે. 

બ્રિટન અને ફ્રાન્સનું વલણ પણ ટ્રમ્પની સ્ટ્રેટેજીનો ભાગ હોવાનું મનાય છે. અમેરિકા મંજૂરી આપે તો બ્રિટન અને ફ્રાન્સ યુક્રેનને રશિયા પર પ્રહાર કરવા માટે લાંબા અંતરની સ્ટોર્મ શેડો મિસાઇલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાની તૈયારી બતાવેલી પણ બાઈડેને નિર્ણય લીધો પછી યુકે કે ફ્રાન્સે બાઈડેનના નિર્ણય પર પ્રતિક્રિયા આપી નથી એ સૂચક છે. 

ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે સોશિયલ મીડિયા પર કરેલી ટીપ્પણી પણ સૂચક છે. ટ્રમ્પ જુનિયરે લખ્યું છે કે,  મારા પિતાને શાંતિ સ્થાપવાની અને લોકોનાં જીવન બચાવવાની તક મળે તે પહેલા બાઈડેન ત્રીજું વિશ્વયુદ્ધ શરૃ કરાવી દેવા માંગે છે. ટ્રમ્પના વાઇસ-પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ કહ્યું છે કે અમેરિકાએ યુક્રેનને વધુ સૈન્ય સહાય ન આપવી જોઈએ.

યુક્રેનના ઘણા અધિકારીઓને ડર છે કે જ્યારે ટ્રમ્પ જાન્યુઆરીમાં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે ત્યારે શસ્ત્રોનો પુરવઠો બંધ કરી દેશે.

News-Focus

Google NewsGoogle News