સીબીઆઈની આબરૂ તળિયે, ભાજપ સરકારને પણ ભરોસો નહીં
- પશ્ચિમ બંગાળના પગલે રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ અને છેલ્લે ઝારખંડે સીબીઆઈને પોતાના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી વિવાદ સર્જ્યો હતો
- 2019-20માં પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ રાજસ્થાન, રાજસ્થાન, છત્તીસગઢ. કેરળ અને ઝારખંડ એમ સાત રાજ્યોમાં સીબીઆઈ માટે દરવાજા બંધ કરી દેવાયેલા પણ શાસક પક્ષ નિયંત્રણ મૂકે એવું ભાગ્યે જ બને છે. મોહન યાદવ સરકારના નિર્ણયના કારણે એવી અટકળ છે કે, મધ્ય પ્રદેશમાં કોઈ મોટું કૌભાંડ થયું છે અને તેમાં ભાજપના મળતિયા અધિકારીઓ સંડોવાયેલા છે. યાદવ સરકાર એ રીતે ભ્રષ્ટ અધિકારીઓને તો છાવરી જ રહી છે પણ પોતાના પાપ પર પણ ઢાંકપિછોડો કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપ વિપક્ષોને કોઈ મુદ્દો ના આપવા માગતો હોય તેના કારણે આ નિર્ણયલેવાયો હોય એ પણ શક્ય છે.
મધ્ય પ્રદેશની ભાજપની ડો. મોહન યાદવ સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કરેલા ફરમાને ચકચાર જગાવી છે. યાદવ સરકારે કહ્યું છે કે, સીબીઆઈએ રાજ્ય સરકારના કોઈ પણ અધિકારી કે જાહેર સેવક સામે તપાસ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારની લેખિતમાં મંજૂરી લેવી પડશે.
સીબીઆઈએ દેશનાં અન્ય રાજ્યોમાં તપાસ માટે જવા માટે જે તે રાજ્ય સરકારની સરકારની ઔપચારિક મંજૂરી લેવી પડે છે. સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ થયેલી છે. આ એક્ટ હેઠળ સીબીઆઈને પોતાના રાજ્યમાં તપાસની મંજૂરી આપવા રાજ્ય સરકાર દર વરસે જનરલ કન્સેન્ટ આપે છે. આ એક્ટની કલમ ૬ હેઠળ કોઈ પણ રાજ્યને સીબીઆઈને આપેલી જનરલ કન્સેન્ટ એટલે કે સામાન્ય મંજૂરી રદ કરવાનો પણ હક છે.
મોહન યાદવ સરકારે જનરલ કન્સેન્ટ પાછી નથી ખેંચી પણ સરકારી અધિકારીઓની તપાસ પહેલાં તેની મંજૂરી લેવાનું ફરમાન કર્યું છે તેનો અર્થ જનરલ કન્સેન્ટ પાછી ખેંચવા જેવો જ થાય કેમ કે સીબીઆઈ પાસેના મોટા ભાગના કેસો કર્મચારીઓ અને નેતાઓના ભ્રષ્ટાચારને લગતા હોય છે. થોડાક કેસ રાજ્ય સરકાર સોંપે એ હોય છે.
યાદવ સરકારના આદેશનો અર્થ એ થાય કે, સીબીઆઈ કેન્દ્રની ભાજપની સરકારના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે પણ સીબીઆઈ પોતાની રીતે કશું કરે તેમાં ભાજપ સરકારને જ ભરોસો નથી. અત્યાર સુધી ભાજપ વિરોધી પક્ષોની સરકારો સીબીઆઈ કેન્દ્ર સરકારના ઈશારે કનડગત કરતી હોવાનો આક્ષેપ કરતી. હવે ભાજપની સરકારે આડકતરી રીતે સીબીઆઈ સંપૂર્ણ તટસ્થ નથી એવું કહી દીધું છે.
બીજી એવી પણ અટકળ છે કે, મધ્ય પ્રદેશમાં કોઈ મોટું કૌભાંડ થયું છે અને તેમાં ભાજપના મળતિયા અધિકારીઓ સંડોવાયેલા છે. સીબીઆઈ ભાજપના ઈશારે કામ કરે છે તેથી તપાસમાં તેમને કંઈ ના થાય પણ સીબીઆઈ તપાસ શરૂ કરે તો પણ મળનારી નેગેટિવ પબ્લિસિટીના કારણે ભાજપ સરકારની આબરૂનું ધોવાણ થાય. આ ધોવાણ અટકાવવા યાદવ સરકારે પાણી પહેલાં પાળ બાંધીને સીબીઆઈને આ ફરમાન કરી દીધું છે. યાદવ સરકાર એ રીતે ભ્રષ્ટ અધિકારીઓને તો છાવરી જ રહી છે પણ પોતાના પાપ પર પણ ઢાંકપિછોડો કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપ વિપક્ષોને કોઈ મુદ્દો ના આપવા માગતો હોય તેના કારણે આ નિર્ણય લેવાયો હોય એ પણ શક્ય છે.
મોહન યાદવ સરકારે દાવો કર્યો છે કે, કેન્દ્રે બનાવેલા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) અમલમાં આવ્યા તેથી એક ઔપચારિકતા ખાતર આ આદેશ બહાર પડાયો છે. આ વાત ગળે ઉતરે એવી નથી કેમ કે બીજા કોઈ રાજ્યે આવો આદેશ આપ્યો નથી. બીજાંની વાત છોડો પણ બીજા કોઈ ભાજપ શાસિત રાજ્યે પણ આવો આદેશ આપ્યો નથી.
ડો. યાદવ સરકારના આદેશથી સીબીઆઈની વિશ્વસનિયતા અને આબરૂ સાવ તળિયે પહોંચી ગઈ છે. ભૂતકાળમાં વિપક્ષી સરકારોએ સીબીઆઈની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકેલાં છે પણ દેશના ઈતિહાસમાં બહુ ઓછી વાર એવું બન્યું કે, કેન્દ્રના શાસક પક્ષની રાજ્ય સરકારે સીબીઆઈ પર નિયંત્રણ મૂક્યાં હોય. ૨૦૧૨માં મધ્ય પ્રદેશમાં જ કોલસા કૌભાંડ વખતે શિવરાજસિંહની સરકારે આવો જ પ્રતિબંધ મૂકીને ભ્રષ્ટાચાર અધિકારીઓને છાવરેલા.
૨૦૧૯-૨૦૨૦માં દેશનાં સાત રાજ્યોમાં સીબીઆઈની એન્ટ્રી નહોતી પણ ભાજપ શાસિત રાજ્યોમાં સીબીઆઈ પર કોઈ નિયંત્રણ નહોતું. ચંદ્રાબાબુ નાયડુ ૨૦૧૮માં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે ઈન્કમટેક્સ વિભાગે આંધ્ર પ્રદેશમાં વિજયવાડા, ગંતુર, વિશાખાપટ્ટનમ, શ્રીકાકકુલમ સહિતનાં મોટાં શહેરોમા સધર્ન ડેવલપર્સ અને વી.એસ. લોજિસ્ટિક ગુ્રપ તથા ટીડીપીના ટોચના નેતા બી. મસ્તાનરાવને ત્યાં રેડ પાડી હતી. ભડકેલા ચંદ્રાબાબુએ પરિપત્ર બહાર પાડીને સીબીઆઈના આંધ્રમાં ઘૂસવા પર પાબંદી લગાવી દીધી હતી.
એ પછી પછી મમતા બેનરજીએ પણ એવો પરિપત્ર બહાર પાડતાં વિપક્ષી રાજ્યોની લાઈન લાગી ગઈ હતી. પશ્ચિમ બંગાળના પગલે રાજસ્થાન, રાજસ્થાન, છત્તીસગઢ. કેરળ અને છેલ્લે ઝારખંડે સીબીઆઇના પોતાના રાજ્યમાં પ્રવેશ પર પાબંદી મૂકતાં સાત રાજ્યોમાં સીબીઆઈ માટે દરવાજા બંધ થઈ ગયેલા. આ પૈકી અડધાં રાજ્યોમાં હવે ભાજપ કે તેના સાથી પક્ષોની સરકાર હોવાથી સીબીઆઈને એન્ટ્રી છે.
આમ તો સીબીઆઈની આબરૂનું પહેલાં જ ધોવાણ થઈ ચૂક્યું છે. એક સમયે દેશની સૌથી ભરોસાપાત્ર તપાસ એજન્સી ગણાતી સીબીઆઈની ઈમેજ કામ સત્તામાં બેઠેલા લોકો આપે તેની સોપારી લેનીરી એજન્સી તરીકેની પડી ગઈ છે. સ્વાયત્ત સંસ્થા તરીકે તેનું કામ કોઈ પણ કેસની તટસ્થ ને ન્યાયી તપાસ કરવાનું છે. તેના બદલે સીબીઆઈના અધિકારી કેન્દ્રના શાસક પક્ષના રાજકારણીઓ સામે પૂંછડી પટપટાવીને તેમનાં તળવાં ચાટે છે એવી છાપ પડી ગઈ છે.
સાવ કરોડરજ્જુ વિનાના ને નૈતિકતા વિનાના સીબીઆઈના અધિકારીઓને ભાજપ તરફ વફાદારી બતાવવામં કોઈ વાતની શરમ નથી. સત્તામાં બેઠેલા લોકોના ઈશારે ગમે તેને ફસાવી પણ શકે છે ને ગમે તેને જવા પણ દઈ શકે છે એ આપણે જોઈએ છીએ. આ વફાદારી બતાવ્યા પછી પણ ભાજપને તેમના પર ભરોસો નથી કેમ કે સીબીઆઈ જેની સત્તા હોય તેના પગમાં આળોટે છે.
મોહન યાદવ સરકારના નિર્ણયે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારોનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો છે. રાજ્યની પોલીસ શું કરે અને કેન્દ્રીય એજન્સીઓ શું કરે તેની લક્ષ્મણરેખા નક્કી થયેલી છે અને એક સિસ્ટમ ગોઠવાયેલી છે. સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓની વિશ્વસનિયતાનું ધોવાણ થયું તેના કારણે આ સિસ્ટમ સામે મોટો ખતરો છે.
આ રીતે બધાં રાજ્યો કેન્દ્રીય એજન્સીઓ પર નિયંત્રણો મૂકીને ભ્રષ્ટ અધિકારીઓને છાવરે તો ભ્રષ્ટાચાર ક્યાં પહોંચે એ પણ વિચારવા જેવું છે.
સીબીઆઈ ગેરકાનૂની, ગેરબંધારણીય સંસ્થા, સરદારે રજવાડાં સામે ઉપયોગ કરેલો
સીબીઆઈને દેશમાં ટોચની એજન્સી માનવામાં આવે છે પણ વાસ્તવમાં સીબીઆઈ ગેરકાનૂની અને ગેરબંધારણીય એજન્સી છે. સીબીઆઈને બંધારણીય રીતે કે કાયદેસર રીતે કોઈ દરજ્જો મળેલો નથી. દેશમાં કોઈ પણ સરકારી એજન્સી સ્ટેચ્યુટરી બોડી ( કાયદેસરની સંસ્થા) અથવા તો કન્સ્ટિટયુશનલ બોડી (બંધારણીય સંસ્થા) હોય. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સંસદ કે વિધાસભામાં કાયદો પસાર કરીને બનાવે એ એજન્સી કે સંસ્થા સ્ટેચ્યુટરી બોડી કહેવાય જ્યારે બંધારણમાં જેની જોગવાઈ છે એ કન્સ્ટિટયુશનલ બોડી કહેવાય.
સીબીઆઈ કેન્દ્રના ગૃહ વિભાગના એક પરિપત્રના આધારે અસ્તિત્વમાં આવેલી છે. સીબીઆઈની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે ૧૯૪૧માં અંગ્રેજોએ બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતીય લશ્કરને અપાતા સામાન અને શસ્ત્રોના સોદામાં મોટા પાયે થયેલા ભ્રષ્ટાચાર માટે કરેલી. દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ ભારત સરકારના બધા વિભાગોને વિભાગોને તેની હેઠળ આવરી લેવાયેલા.
દેશ આઝાદ થયો પછી પણ આ વિભાગ કામ કરતો હતો. દેશ આઝાદ થયો ત્યારે કરમચંદ જૈન તેના વડા હતા. દેશી રજવાડાંમાં ભારત માટે સમસ્યારૂપ દીવાનોના ભ્રષ્ટાચારને જૈનની મદદથી સરદાર વલ્લભભાઈ પટેલે ખુલ્લા પાડીને તેમને ભારત સાથે જોડાણની ફરજ પાડી હતી. ૧૯૬૩માં જવાહરલાલ નહેરૂ સરકારના ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને તેને સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (સીબીઆઈ) નામ આપ્યું. રાજ્યોની પોલીસ ભ્રષ્ટ હતી ને સ્થાનિક રાજકારણીઓના દબાણ હેઠળ કામ કરતી તેથી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટો સીબીઆઈને તપાસ સોંપવા માંડી. તેનાં પરિણામ સારાં મળ્યા તેથી તેની આબરૂ બંધાઈ પણ પછી સીબીઆઈ પણ તેના ભૂતપૂર્વ વડા જોગિન્દરસિંબના શબ્દોમાં કેન્દ્ર સરકારનો પાળેલો પોપટ બની ગઈ.
હાઈકોર્ટે સીબીઆઈને વિખેરી નાંખવા કહેલું
ગુવાહાટી હાઈકોર્ટે ૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ નવેન્દ્ર કુમાર વર્સીસ ભારત સરકારના કેસમાં સીબીઆઈને ગેરબંધારણીય ગણાવીને તેને વિખેરી નાંખવા ફરમાન પણ કરેલું. જસ્ટિસ ઈકબાલ અહમદ અંસારી અને ઈન્દિરા શાહની બેંચે ચુકાદો આપેલો કે, ૧ એપ્રિલ, ૧૯૬૩ના રોજ કેન્દ્ર સરકારનાગૃહ સચિવે મોકલેલા પરિપત્રને આધારે બનેલી સીબીઆઈએ લીધેલા તમામ નિર્ણયો પણ ગેરબંધારણીય છે. હાઇકોર્ટે ઠરાવેલું કે, આ એજન્સીની રચના પછી તેના માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવી નથી તેથી તેને માન્ય સરકારી એજન્સી ગણી જ ના શકાય. આ સંજોગોમાં તેને કોઈની ધરપકડ કે કેસ કરવાનો કોઈ અધિકાર નથી.
આ ચુકાદાથી દોડતી થયેલી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે આપી દેતાં સીબીઆઈ બચી ગઈ પણ તેની કાયદેસરતા સામે સવાલ છે જ. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટ જેવું વલણ અપનાવે તો સીબીઆઈનું પડીકું થઈ જાય અને તેને સંકેલી લેવી પડે એવું બને.