Get The App

સુપરસ્ટાર પેરીના મોતમાં ભારતીય મૂળની કેટામાઈન ક્વીન જેલભેગી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
સુપરસ્ટાર પેરીના મોતમાં ભારતીય મૂળની કેટામાઈન ક્વીન જેલભેગી 1 - image


- જસવીન ડ્રગ્સની કમાણીમાંથી મોટા ભાગની રકમ યંગ અને બ્યુટીફુલ રહેવા કરતી : પુરાવા જોતાં તેને આજીવન કેદની સજા થશેએ નક્કી મનાય છે

- ભારતીય મૂળની જસવીનના લોસ એન્જલસના  ઘરે રેડ પાડી ત્યારે લિક્વિડ કેટામાઈનની 79 બોટલો અને 2000 કરતાં વધારે મેથ પિલ્સ તથા મોટા પ્રમાણમાં કોકેઈન મળી આવેલું.  તમામ પ્રકારનાં ડ્રગ્સ તેના ઘરમાંથી મળી આવેલાં એ જોતાં જસવીનનું ઘર ડ્રગ્સનું એમ્પોરીયમ હોય એવું લાગતું હતું. જસવીનનો ભવ્ય ભૂતકાળ જોઈને અધિકારીઓ પણ ચકરાઈ ગયા છે. જસવીન ૨૦૧૯થી કેટામાઈન સપ્લાયના બિઝનેસમાં છે અને લોસ એન્જલસની દરેક પાર્ટીમાં કેટામાઈન સપ્લાય કરે છે. હોલીવુડની મોટા ભાગની સેલિબ્રિટી અને ધનિકો જસવીન પાસેથી ડ્રગ્સ લે છે. જસવીનના તેમની સાથે એ હદે ગાઢ સંબધો છે કે, ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ્સ જેવા હોલીવુડના સૌથી મોટા કાર્યક્રમોમાં જવા જસવીનને નિયમિત રીતે નિમંત્રણ મળે છે. 

અમેરિકામાં અત્યારે સુપરસ્ટાર મેથ્યુ પેરીના મોતનો મામલો ચગ્યો છે. 'ફ્રેન્ડ્સ' સીરિયલ દ્વારા સ્ટારડમ મેળવનારા મેથ્યુ પેરીનું કેટામાઈનના ઓવરડોઝના કારણે ૨૮ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ મોત થઈ ગયેલું. મેથ્યુના કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમાં સૌથી વધારે ચર્ચા 'કેટામાઈન ક્વીન' જસવીન સાંઘાની છે. ભારતીય મૂળની જસવીને મેથ્યુને કેટામાઈન સપ્લાય કર્યું હોવાનું કહેવાય છે.

કેટામાઈનનો ઉપયોગ મેડિકલમાં એનેસ્થેશિયા તરીકે થાય છે પણ ડ્રગ્સના બંધાણી તેનો ઉપયોગ નશા માટે કરે છે. કેટામાઈન લેવાથી મદહોશીની સ્થિતીમાં પહોંચી જવાય છે, બધું ભૂલીને મસ્ત થઈ જવાય છે તેથી તેની લત લાગી જાય છે.  કેટામાઈન સામાન્ય માણસને મળતું નથી પણ ડોક્ટર્સ એનેસ્થેશિયા તરીકે ઉપયોગના બહાને કેટામાઈન મેળવી શકે છે. નશાના બંધાણીઓને ઉંધાડવા માટે ડોક્ટરો હળવા પ્રમાણમાં ડોઝ આપે છે. 

મેથ્યુ પેરીને કેટામાઈનની લત લાગી ગયેલી પણ ડોક્ટરો પાસેથી મળતું નહોતું તેથી જસવીન પાસેથી લેતો. જસવીન તેને નિયમિત રીતે કેટામાઈન સપ્લાય કરતી. ગયા વરસે પેરી જેના ઓવરડોઝના કારણે પેરી ગુજરી ગયો એ કેટામાઈન પણ જસવીને જ પૂરું પાડેલું તેથી તેને ઉઠાવીને જેલમાં ધકેલી દેવાઈ છે. જસવીન અંગે તપાસમાં બબાહર આવેલી વિગતો જોઈને પોલીસ પણ દંગ થઈ ગઈ છે. 

મેથ્યુનું મોત કેટામાઈનના ઓવરડોઝના કારણે થયાનું બહાર આવ્યું પછી પોલીસને સૌથી પહેલાં શંકા તેના ડોક્ટરો પર ગયેલી. મેથ્યુના ડોક્ટરો ડો. સાલ્વાડોર. ડો. પ્લેસેન્સિયા અને ડો. માર્ક શાવેઝને પોલીસે પકડયા હતા. આ ત્રણેય ડોક્ટરે મેથ્યુને નશા માટે કેટામાઈન પ્રીસ્ક્રાઈબ કર્યાનું કબૂલ્યું પણ અસલી ખેલાડી જસવીન સાંઘા હોવાની વિગતો આપતાં પોલીસ પણ ચોંકી ઉઠેલી. પોલીસે જસવીનના ઘરે રેડ પાડી ત્યારે લિક્વિડ કેટામાઈનની ૭૯ બોટલો અને ૨૦૦૦ કરતાં વધારે મેથ પિલ્સ મળી આવેલી. મોટા પ્રમાણમાં કોકેઈન પણ મળી આવેલું. 

પોલીસના કહેવા પ્રમાણે, જસવીનનું ઘર ડ્રગ્સનું એમ્પોરીયમ હોય એવું લાગતું હતું. તમામ પ્રકારનાં ડ્રગ્સ તેના ઘરમાંથી મળી આવેલાં. જસવીનની ધરપકડ કરાઈ પછી એ કોર્ટમાંથી ૧ લાખ ડોલરના બોન્ડ પર છૂટી ગયેલી પણ મેથ્યુના મોત માટે જવાબદાર કેટામાઈન જસવીને આપેલું એવું સાબિત થતાં તેને ફરી જેલમાં ધકેલી દેવાઈ છે. હલે આ કેસમાં ઓક્ટોબરમાં સુનાવણી થવાની છે તેથી જસવીને ત્યાં લગી જેલની હવા ખાવી પડશે. 

જસવીન અંગે જે વિગતો બહાર આવી છે એ સાંભળીને અધિકારીઓ પણ ચકરાઈ ગયા છે. આ વિગતો પ્રમાણે, જસવીન ૨૦૧૯થી કેટામાઈન સપ્લાયના બિઝનેસમાં છે અને લોસ એન્જલસની દરેક પાર્ટીમાં કેટામાઈન સપ્લાય કરે છે. હોલીવુડની મોટા ભાગની સેલિબ્રિટી જસવીન પાસેથી ડ્રગ્સ લે છે. જસવીનના આ સેલિબ્રિટી સાથે એ હદે ગાઢ સંબધો છે કે, ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ્સ જેવા હોલીવુડના સૌથી મોટા કાર્યક્રમોમાં જવા જસવીનને નિયમિત રીતે નિમંત્રણ મળે છે. 

જસવીન પોતે લોસ એન્જલસમાં ૩૦૦૦ ડોલર મહિનાના ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે પણ મોટા ભાગનો સમય વિદેશમાં ફરવામાં ગાળે છે. લેવિશ લાઈફસ્ટાઈલ સાથે જીવતી જસવીન સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. જસવીને પોતાને ડોક્ટર ગણાવીને લોકોને હેલ્થ ટીપ્સ આપે છે. જસવીન સમાજસેવાના નામે નિયમિત રીતે ડ્રગ્સ રીહેબિલિટેશન સેન્ટર્સમાં જાય છે. વાસ્તવમાં તેની સમાજસેવા નવા ગ્રાહકો શોધવાની સ્ટ્રેટેજી છે. 

રીહેબિલિટેશન સેન્ટરમાં સારવાર લેનારી સેલિબ્રિટી કે ધનિકો સાથે જસવીન સંપર્ક કરતી. તેમના પર વોચ રાખતી અને બહાર આવે ત્યારે તેમને ડ્રગ્સ સપ્લાય કરતી. મેથ્યુ પેરી સાથે જસવીનનો સંપર્ક રીહેબિલિટેશન સેન્ટરમાં જ થયેલો. મેથ્યુ ડ્રગ્સની લતમાંથી કદી બહાર ના આવી શકે એવો બંધાણી છે તેની જસવીનને ખબર પડી ગયેલી તેથી મેથ્યુ તેના માટે એટીએમ બની ગયેલો.  

જસવીન ડ્રગ્સની કમાણીમાંથી મોટા ભાગની રકમ યંગ અને બ્યુટીફુલ રહેવા કરતી. વારંવાર બોટોક્સ થેરાપી લેતી જસવીનના હોલીવુડના કેટલાક લોકો સાથે સંબંધો પણ છે. આ સંબંધો જસવીનના અંગત હતા અને જસવીન સેક્સ રેકેટમાં સામેલ હોવાનું બહાર આવ્યું નથી. ડ્રગ્સમાં  ધીકતી કમાણી હોવાથી જસવીન એ બધાથી દૂર હોવાનું કહેવાય છે.  જસવીન સામા પુરાવા જોતાં તેને આજીવન કેદની સજા થશેએ નક્કી મનાય છે. 

જસવીનને તેનાં પાપની સજા મળશે પણ મેથ્યુના મોતે ડ્રગ્સ કઈ રીતે ટેલેન્ટેડ લોકોને બરબાદ કરી નાંખે છે એ ફરી લોકો સામે મૂક્યું છે. મેથ્યુનો મૃતદેહ બાથ ટબમાં તરતો મળેલો. મેથ્યુના મોતથી હોલીવુડમાં આઘાતનું મોજું ફરી વળેલું કેમ કે મેથ્યુ ખરેખર સારો એક્ટર હતો.  મેથ્યુ 'ફ્રેન્ડ્સ' સીરિયલના ચેન્ડલર બિંગના રોલ માટે અત્યંત લોકપ્રિય થયો પણ મેથ્યુએ સ્ટુડિયો ૬૦ ઓન ધ સનસેટ સ્ટ્રીપ અને વેસ્ટ વિંગ જેવી અત્યંત સફળ સીરિયલો કરેલી. ઓલમોસ્ટ હીરોઝ, થ્રી ટુ ટેંગોઝ, સર્વિંગ સારા, ધ હોલ ટેન યાર્ડ્સ, ૧૭ અગેઈન સહિતની સફળ ફિલ્મો કરનારા મેથ્યુ પર હોલીવુડની હીરોઈનો ફિદા હતી. જુલિયા રોબર્ટ્સ. યાસ્મિન બ્લિથ, લઝી કેપલાન સહિતન હોલીવુડની સફળ એક્ટ્રેસ સાથેનાં અફેરના કારણે મેથ્યુ સતત લાઈમલાઈટમાં રહેતો. 

મેથ્યુ ૧૯૯૦ના દાયકામાં સફળતાની સીડીઓ સર કરતો હતો ત્યારે તેને હોલીવુડનો નેક્સ્ટ સુપરસ્ટાર ગણવામાં આવતો હતો પણ ડ્રગ્સની લતના કારણે તેની કરીયરની ગાડી ખોટકાઈ ગઈ. 'ફ્રેન્ડ્સ' સીરિયલના સેટ પર દારૂ પીને નહીં જવાનો મેથ્યુએ નિયમ બનાવેલો પણ એ કસર પૂરી કરવા રાત્રે પીતો તેથી સવારે તેની અસર વર્તાતી. આ કારણે એક વાર 'ફ્રેન્ડ્સ'નું શૂટિંગ બે મહિના માટે બંધ રાખવું પડેલું. 

મેથ્યુના કિસ્સામાં કમનસીબી એ કહેવાય કે, મેથ્યુને પોતાને ડ્રગ્સની લત ખતમ કરી રહી હોવાનો અહેસાસ હતો. આ લતથી છૂટવા પોતાની જીંદગીમાં એ ૩૦ વાર રીહેબિલિટેશન સેન્ટરમાં ગયેલો, દર વરસે બે વાર ડ્રગ્સ છોડવાના કાર્યક્રમોમાં જતો પણ છતાં ડ્રગ્સની ચુંગાલમાંથી છૂટી ના શક્યો ને અંતે ડ્રગ્સે જ મોત આપ્યું.

ધનિક પરિવારની જસવીનનો નેઈલ સ્ટુડિયો સેલિબ્રિટી માટે ડ્રગ્સનો અડ્ડો

જસવીન સાંઘા ભેદી વ્યક્તિત્વ ધરાવે છે. ભારતીય મૂળની જસવિનનાં માતા-પિતા બ્રિટિશ નાગરિક છે. પંજાબથી યુકે ગયેલા જસવીનના પિતા ડોક્ટર હોવાનું કહેવાય છે જ્યારે માતા ગૃહિણી છે. અત્યંત ધનિક પરિવારની જસવીન ટીનેજર હતી ત્યારથી જ પાર્ટીઓના રવાડે ચડી ગયેલી તેથી બહુ ભણી નથી. 

બ્રિટનમાં એક પાર્ટી દરમિયાન તેનો પરિચય હોલીવુડના એક્ટર ચાર્લી શીન સાથે થયો. ચાર્લી શીને તેની પાસે ડ્રગ્સ માગ્યું એ સાથે જસવીનને સેલિબ્રિટીઝને ડ્રગ્સની જરૂરીયાત હોવાનું સમજાયું. જસવીને યુકેની પાર્ટીઓમાં નાના પાયે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું. ડ્રગ્સમાં પણ કેટામાઈનની બહુ ડીમાન્ડ હતી. જસવીનના પિતા ડોક્ટર હોવાથી જસવીન કેટામાઈન કઈ રીતે મેળવવું એ જાણતી હતી તેથી તેણે કેટામાઈન સપ્લાય કરવા માંડયું તેમાં સેલિબ્રિટીઝ સાથે તેનો ગાઢ પરિચય થઈ ગયો. 

જસવીન ૨૪ વર્ષની વયે અમેરિકા આવી ગયેલી. હાલમાં અમેરિકા અને બ્રિટનની ડયુઅલ સિટિઝનશીપ ધરાવતી જસવીને અમેરિકામાં દેખાવ ખાતર નેઈલ આર્ટિસ્ટ તરીકેની નોકરી શરૂ કરી પણ મુખ્ય કામ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું.

 જસવીને ૨૦૧૫માં લોસ એન્જલસમાં નેઈલ આર્ટ સ્ટુડિયો ખોલ્યો હતો. હોલીવુડની સેલિબ્રિટીઝ જસવીનના સ્ટુડિયોમાં નેઈલ આર્ટના બહાને આવતી અને ડ્રગ્સના નશામાં મસ્ત થઈ જતી. જસવીનની ખ્યાતિ એ હદે થઈ કે લોસ એન્જલસની સેલિબ્રિટીઝની કોઈ પણ પાર્ટી જસવીન વિના અધૂરી ગણાતી હતી. 

ધનિક પરિવારનો મેથ્યુ 14 વર્ષની ઉંમરે આલ્કોહોલિક બની ગયેલો

મેથ્યુ પેરી ધનિક પરિવારનો નબિરો હતો પણ બહુ નાની ઉંમરે જ દારૂ, ડ્રગ્સ વગેરેની લતે ચડીને જીંદગી બરબાદ કરી નાંખી. અમેરિકાના મેશેશ્યુએટ્સમાં જન્મેલા મેથ્યુની માતા સુઝેન મેરી મોરિસને ૧૯ વર્ષની હોલીવુડના જાણીતા એક્ટર અને સફળ મોડલ જોન બેનેટ પેરીના પ્રેમમાં પડીને લગ્ન કર્યાં પણ આ લગ્નજીવન લાંબું ના ટક્યું. ૧૯૬૯માં મેથ્યુના જન્મના વરસ પછી સુઝેન અને પેરી અલગ થયાં પછી સુઝેને કેનેડાના જાણીતા પત્રકાર કેઈથ મોરીસન સાથે લગ્ન કર્યાં. 

કેઈથના કારણે સુઝેનની પત્રકારત્વમાં કારકિર્દી ઘડાઈ અને સુઝેન કેનેડાનાં સેલિબ્રિટી જર્નાલિસ્ટ બન્યાં.  હાલના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા પીયર ટ્રુડો વડાપ્રધાન હતા ત્યારે સુઝેન તેમનાં પ્રેસ સેક્રેટરી હતાં. સુઝેનના મોરીસન સાથેના લગ્નથી ચાર સંતાન જન્મ્યાં જ્યારે પેરીના બીજાં લગ્નથી દીકરી મારીયા જન્મી. 

મેથ્યુ શરૂઆતમાં માતા સાથે રહેતો પણ પછી બોર્ડિંગ સ્કૂલમાં રહીને ભણ્યો તેથી એકલતા સતત કોરી ખાતી. આ કારણે નાની ઉંમરે દારૂની લત લાગી ગયેલો. ૧૪ વર્ષની ઉંમરે તો મેથ્યુને દારૂની લત છોડાવવા રીહેબિલિટેશન સેન્ટરમાં મૂકવો પડેલો. એ પછી વિકોડિન નામના ડ્રગ્સની લત લાગી. મેથ્યુ રોજની વિકોડિનની ૫૫ ટેબ્લેટ ખાઈ જતો. મેથ્યુને ફરી ડ્રગ્સની સારવાર માટે મૂકાયો ને ત્યાંથી એ નવી લત લઈને આવી ગયો. આલ્કોહોલ સિવાય અનેક પ્રકારનાં ડ્રગ્સની આદતો પણ પડી. આ આદતો કદી છૂટી નહીં ને તેનો અંત મોતમાં આવ્યો.

News-Focus

Google NewsGoogle News