બાયજુસનું 1 લાખ કરોડનું કૌભાંડ કેટલી બેંકોને ડૂબાડશે
- રવિન્દ્ર બાયજુસ પોતાના ધબડકા માટે રોકાણકારો ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે : 2021માં કંપની મુશ્કેલીમાં આવી પછી રોકાણકારો મોં ફેરવીને બેસી ગયા હતાં
- એક સમયે 22 અબજ ડોલરની વેલ્યુ ધરાવતી બાયજુસની વેલ્યુ અત્યારે શૂન્ય મનાય છે ત્યારે રવિન્દ્રન લાંબા સમયથી ફરાર હતા ને હવે અચાનક તેમણે દુબઈમાં દેખા દીધી છે. રવિન્દ્રને દુબઈથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં દાવો કર્યો કે, પોતે દેશ છોડીને ભાગી ગયા નથી ને બહુ જલદી ભારત પાછા આવવાના છે. રવિન્દ્રનની આ વાત પર ભરોસો કરી શકાય તેમ નથી કેમ કે બાયજુસ તથા તેના હજારો કર્મચારીઓને રઝળતાં મૂકીને છેલ્લાં એક વર્ષથી રવિન્દ્રન દુબઈ જ રહે છે. બાયજુસના માથે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની લોન બોલે છે એ જોતાં રવિન્દ્રને દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ કર્યું હોવાનું કહેવાય છે. આ દેવું ભરવાના મુદ્દે રવિન્દ્રન મગનું નામ મરી નથી પાડી રહ્યા પણ પરિવાર સાથે દુબઈમાં જલસા કરે છે એ જોતાં રવિન્દ્રનના પાપે દેશની ઘણી બેંકો ડૂબશે એવું લાગી રહ્યું છે.
ભારતમાં એક સમયે સૌથી સફળ સ્ટાર્ટ અપ્સમાંથી એક બાયજુસના મુખ્ય પ્રમોટર બાયજુ રવિન્દ્રન વિદેશ ભાગી જતાં ખળભળાટ મચ્યો છે.
એક સમયે ૨૨ અબજ ડોલરની વેલ્યુ ધરાવતી બાયજુસની વેલ્યુ અત્યારે શૂન્ય મનાય છે ત્યારે રવિન્દ્રન લાંબા સમયથી ફરાર હતા ને હવે અચાનક તેમણે દુબઈમાં દેખા દીધી છે.
રવિન્દ્રને દુબઈથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં દાવો કર્યો કે, પોતે દેશ છોડીને ભાગી ગયા નથી ને બહુ જલદી ભારત પાછા આવવાના છે.
રવિન્દ્રનની આ વાત પર ભરોસો કરી શકાય તેમ નથી કેમ કે બાયજુસ તથા તેના હજારો કર્મચારીઓને રઝળતાં મૂકીને છેલ્લાં એક વર્ષથી રવિન્દ્રન દુબઈ જ રહે છે. બાયજુસના માથે લગભગ ૧ લાખ કરોડ રૂપિયાની લોન બોલે છે એ જોતાં રવિન્દ્રને દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ કર્યું હોવાનું કહેવાય છે. આ દેવું ભરવાના મુદ્દે રવિન્દ્રન મગનું નામ મરી નથી પાડી રહ્યા પણ પરિવાર સાથે દુબઈમાં જલસા કરે છે એ જોતાં રવિન્દ્રનના પાપે દેશની ઘણી બેંકો ડૂબશે એવું લાગી રહ્યું છે.
રવિન્દ્રન બાયજુસનો ધબડકો થઈ ગયો તેના માટે રોકાણકારો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. રવિન્દ્રનના કહેવા પ્રમાણે, બાયજુસ સારી કામગીરી કરી રહી હતી ત્યારે રોકાણકારો રોકાણ કરતા હતા પણ ૨૦૨૧માં કંપની મુશ્કેલીમાં આવી પછી રોકાણકારો મોં ફેરવીને બેસી ગયા. છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ રોકાણકારે એક રૂપિયાનું રોકાણ કર્યું નથી.
રવિન્દ્રને દોષારોપણ તો કરી દીધું પણ કંપની મુશ્કેલીમાં કેમ આવી તેની વાત નથી કરતા. બાયજુસ મુશ્કેલીમાં આવી તેનું કારણ રવિન્દ્રનનો ગેરવહીવટ છે. રવિન્દ્ર પોતે કરેલાં કોઠાંકબાડાં અને બાયજુસના રૂપિયા ઉડાડયા તેની તો વાત જ કરતા નથી.
બાયજુ રવિન્દ્રનની કહાની પણ બીજા કરૂબાજ પ્રમોટરો જેવી જ છે. રવિન્દ્રન સહિતના પ્રમોટરોએ વિજય માલયા અને મેહુલ ચોકસીના જેમ લેવિશ લાઈફસ્ટાઈલમાં પૈસા ઉડાડયા, કંપનીના પૈસા પોતાના માટે મોંઘી કારો અને વિદેશમાં પ્રોપર્ટી વસાવી ને પછી છૂ થઈ ગયા. રવિન્દ્રન અણઘડ મેનેજમેન્ટની સાથે ગુનાઈત પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે તેમાં કંપની પતી ગઈ.
કોરોના કાળ વખતે વિદ્યાર્થીઓ ઘરે રહીને ભણતા એ વખતે બાયજુસનો સુવર્ણકાળ હતો. લોકો ધડાધડ બાયજુસના સબસ્ક્રીપ્શન લેતાં હતાં તેમાં રવિન્દ્રન હવામાં ઉડવા લાગેલો. બાયજુ રવિન્દ્રને કોરોના કાળ દરમિયાન મળેલી સફળતાને કાયમી માનીને કંપનીને વિસ્તરણ પાછળ આડેધડ ખર્ચ કર્યો પણ કોરોના ગયો એ સાથે જ ઓનલાઈન એજ્યુકેશનનો ટાઈમ પણ પતી ગયો ને કંપની પણ પતી ગઈ.
બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રન અને તેની પત્ની દિવ્યા ગોકુલનાથે ચોક્કસ પ્લાન સાથે બાયજુસનાં નાણા વિદેશમાં સગેવગે કર્યાં છે. રવિન્દ્રન કરતાં ૭ વર્ષ નાની દિવ્યા રવિન્દ્રનની સ્ટુડન્ટ હતી. દિવ્યાએ બાયોટેકનોલોજીમાં બી.ટેક. કર્યા પછી વિદેશ ભણવા જવા જીઆરઈ એક્ઝામ આપવા માગતી હતી તેથી ૨૦૦૭માં જીઆરઈ એક્ઝામ માટે કોચિંગ લેવા રવિન્દ્રન પાસે જતી હતી.
રવિન્દ્રને ૨૦૦૭માં જ બાયજુસ કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને દિવ્યા બાયજુ રવિન્દ્રનની પહેલી બેચની વિદ્યાર્થીની હતી. કોચિંગ લેતાં લેતાં જ દિવ્યા રવિન્દ્રનના પ્રેમમાં પડી અને ૨૦૦૯માં દિવ્યા અને રવિન્દ્રને લગ્ન કરી લીધાં. અત્યારે બંનેને બે સંતાન છે. બાયજુ અને દિવ્યાએ ૨૦૧૨માં બાયજુસ કંપનીની સ્થાપના કરી હતી.
બાયજુ રવિન્દ્રને એન્જીનિયરિંગ કર્યું છે અને આઈઆઈએમમાં પ્રવેશ માટે લેવાતી કેટની પરીક્ષામાં સળંગ બે વાર ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. બાયજુએ આઈઆઈએમમાં એડમિશન લેવાના બદલે કોચિંગ આપવાનું શરૂ કરીને બાયજુસનો પાયો નાંખ્યો હતો. બાયજુસના ભૂતપૂર્વ ૮ વિદ્યાર્થીએ રવિન્દ્રનને સ્ટાર્ટ અપ શરૂ કરવામાં મદદ કરી હતી.
રવિન્દ્રન અને દિવ્યા ઉપરાંત પ્રવિણ પ્રકાશ, અર્જુન મોહન, મૃણાલ મોહિત, વિનય એમઆર, મોહનિશ જયસ્વાલ, અનિતા કિશોર અને પી.એન. સંતોષ એ આઠ જૂના વિદ્યાર્થીને બાયજુસે પોતાની કંપનીઓમાં મહત્વની જવાબદારીઓ સોંપી હતી. પછીથી બાયજુનો ભાઈ રીજુ રવિન્દ્રન પણ કંપનીમાં જોડાયો અને ત્રણેયે મળીને કંપનીને જાણીતું નામ બનાવી દીધું પણ કંપનીનાં નાણાં પણ ઉડાવ્યાં.
રવિન્દ્રનની કાળી બાજુ કાળાં નાણાંને ધોળાં કરવાના કે હવાલાના ગંદા કારોબારમાં સંડોવણી છે. ઈડીએ તેની સામે કેસ કર્યો પછી રવિન્દ્રન ભારતમાંથી છૂ થઈ ગયો. એન્ફોર્સેમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિદેશી હૂંડિયામણને લગતા કાયદાના ભંગ માટે બાયજુસને નોટિસ ફટકારી તેમાં આક્ષેપ મૂક્યો છે કે, બાયજુસે ૨૦૧૧થી ૨૦૨૨ દરમિયાન વિદેશથી મળેલા રોકાણમાં ૯,૩૬૨ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. બાયજુસે આ રકમ વિદેશ મોકલેલી. એ જ રકમમાંથી ત્યારે દુબઈમાં જલસા કરી રહ્યો હોવાનું મનાય છે.
બાયજુસે વિદેશ મોકલેલી રકમ સામે શું આયાત કર્યું તેને લગતા દસ્તાવેજો રજૂ કરવા માટે ઈડીએ નોટિસ આપેલી પણ બાયજુસ બ્રાન્ડની રજિસ્ટર્ડ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
કંપનીએ વિદેશમાં કરેલી નિકાસ અંગેના દસ્તાવેજો, તેને મળેલા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને લગતા દસ્તાવેજો રજૂ કર્યા નથી તેથી બાયજુસમાં આવતાં નાણાંનો સ્રોત અત્યંત શંકાસ્પદ છે. કાળાં નાણાંને ધોળાં કરવા માટે રોકાણ આવતું હતું ને રોકાણકારોનો સ્વાર્થ સર્યો એટલે એ ખસી ગયા એવું ચિત્ર ઉપસે છે.
બાયજુસને ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન એફડીઆઈ તરીકે ૨૮ હજાર કરોડ રૂપિયા મળ્યા હતા પણ કંપનીએ તેનો કોઈ હિસાબ જ નથી આપ્યો. કંપનીએ નાણાંકીય રીપોર્ટ રજૂ કર્યો નહોતો.
સાથે સાથે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની સંખ્યાબંધ જોગવાઈઓનો ભંગ કર્યો છે. કંપનીએ જુદી જુદી વિદેશી સંસ્થાઓને ૯૭૫૪ કરોડ રૂપિયા ઓવરસીઝ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ તરીકે મોકલ્યા હોવાનો દાવો કરાયેલો પણ ક્યાં રોકાણ કરાયું તેની કોઈ વિગતો નથી અપાઈ.
ભારતની કોઈ કંપની વિદેશની કંપની સાથે સંયુક્ત સાહસ કરે કે પોતાની ફુલ્લી સબસિડરી કંપની બનાવે ત્યારે તેમાં કરાતું રોકાણ ઓવરસીઝ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ કહેવાય. બાયજુસે વિદેશમાં વિસ્તરણના નામે ઓવરસીઝ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ જાહેર કર્યું પણ હિસાબ આપ્યો નથી. વિદેશમાં જાહેરખબરો અને માર્કેટિંગ ખર્ચના નામે ૯૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું બતાવાયેલું પણ પુરાવા કે દસ્તાવેજ રજૂ કર્યા નથી. રવિન્દ્રને લોલેલોલ ચલાવીને આ રકમ પોતાનાં ખાતામાં મોકલી દીધી હોવાનું મનાય છે.
રવિન્દ્રને મોટા પાયે ગરબડો કરી છે તેમાં શંકા નથી. બાયજુ રવિન્દ્રને વિદેશી હૂંડિયામણને લગતા તમામ વિયમો પાળવાની ખાતરી આપેલી પણ તેના બદલે એ વિદેશ ભાગી જતાં બાયજુસ પણ પતી જ ગયેલી મનાય છે.
રવિન્દ્રનની સંપત્તિ 25 હજાર કરોડ હતી પણ હવે કંપનીની નેટવર્થ ઝીરો
બાયજુસ રવિન્દ્રન બહુ ઝડપથી ભારતના અબજોપતિઓની યાદીમાં આવી ગયો હતો. એક સમયે બાયજુ રવિન્દ્રનના પરિવારની કુલ સંપત્તિ લગભગ ૩.૩ બિલિયન ડૉલર એટલે કે લગભગ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા હતી પણ અત્યારે તેની પાસે કેટલી સંપત્તિ છે એ ખબર નથી. બાયજુસના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાયજુ રવીન્દ્રને જાહેર કર્યું છે કે હાલમાં કંપનીની વર્તમાન નેટવર્થ ઝીરો છે.
રવિન્દ્રને ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં ઘટસ્ફોટ કર્યો કે ૨૦૨૩માં ત્રણ મુખ્ય રોકાણકારો પ્રોસસ, પીક એક્સવી પાર્ટનર્સ અને ચેન ઝુકરબર્ગ ઈનિશિએટિવના રાજીનામાથી ભંડોળ ઊભું કરવું મુશ્કેલ સાબિત થયું છે. રવીન્દ્રને સ્વીકાર્યું કે, બાયજુસે ૧.૫ બિલિયન લોન ડિફોલ્ટ કર્યા પછી ડેલવેર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રોકાણકારોએ તેમને તરછોડી દીધા હતા. રવિન્દ્રનના કહેવા પ્રમાણે અમે ટર્મ લોન લીધી ત્યારે વિશ્વનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો પણ આ નિર્ણય ભારે પડી ગયો.
બાયજુસે વારંવાર નોટિસો છતાં રીઝલ્ટ્સ જાહેર ના કર્યાં
બાયજુસને વારંવાર નોટિસ અપાઈ છતાં કંપની રીઝલ્ટ્સ જ જાહેર કરતી નહોતી.
ભારે દબાણ પછી ૨૦૨૩ના નવેમ્બરમાં કંપનીએ ૨૦૨૧-૨૨ના રીઝલ્ટ્સ જાહેર કર્યાં તેમાં પણ હિસાબ મળતો નહોતો. કંપનીએ ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષનાં રીઝલ્ટ્સ તો જાહેર કર્યાં જ નથી. બાયજુસમાં અત્યારે ૧૩ હજારની આસપાસ કર્મચારી છે પણ એક સમયે ૨૦ હજાર કર્મચારી હતી. કોરોના કાળ પછી કંપનીએ ૭૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. જે કર્મચારીઓ નોકરી કરે છે તેમને પણ પગાર નિયમિત રીતે મળતા નથી.
કંપનીની નાણાંકીય તકલીફો એટલી વધી છે કે કંપની ધડાધડ કર્મચારીઓને છૂટા કરી રહી છે. છૂટા કરાયેલા કર્મચારીઓને તેમના પગાર, ઈપીએફ, ગ્રેચ્યુઈટી સહિતના ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટનાં નાણાં પણ અપાઈ રહ્યાં નથી.