સાત વર્ષની સજા સાથે આઝમનો પરિવાર જેલભેગો : રાજકીય ઈનિંગ્સનો અંત
- આઝમ ખાનને સજા થતા મુસ્લિમોને સમાજવાદી પાર્ટી સાથે ખેંચી રાખનાર કોઈ નથી જેથી લોકસભાને સપાને ફટકો પડી શકે છે
- મુખ્તાર અંસારી કે અતિક અહમદની જેમ આઝમખાન સામે હત્યા, ધાડ સહિતના ગુના નથી નોંધાયેલા. આઝમ ખાન રાજકારણમાં આવ્યા પહેલા વકીલાત કરતા હતા ને સામાન્ય કામદારોના અધિકારો માટે લડવાના નામે યુનિયનો બનાવ્યાં હતાં. આ યુનિયનોના કારણે આઝમ તાકાતવર બન્યા. આ કારણે જ આઝમનું રાજકારણ બહુ લાંબું ચાલ્યું. અતિક અહમદ અને મુખ્તાર અંસારીનું રાજકારણ પોતપોતાના વિસ્તાર પૂરતું મર્યાદિત રહ્યું જ્યારે આઝમખાન રાજ્ય કક્ષાના નેતા બની શક્યા. બલ્કે યુપીમાં મુસ્લિમોના સૌથી મોટા નેતા તરીકે સ્થાપિત થયા એમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી.
ઉત્તર પ્રદેશના ધુરંધર મુસ્લિમ નેતા મનાતા આઝમ ખાનને તેમનાં પત્ની તંજીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને ફેક બર્થ સર્ટિફિકેટના કેસમાં સાત-સાત વર્ષની સજા થતાં સોપો પડી ગયો છે. આઝમખાનના પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત બે દીકરા છે ને રામપુરની એમપી-એમએલએ કોર્ટે ચારમાંથી ત્રણ લોકોને દોષિત ઠેરવી દેતાં આઝમનો લગભગ આખો પરિવાર જેલભેગો થઈ ગયો છે. આ સજા આઝમ ખાનની રાજકીય કારકિર્દીના કોફિનમાં છેલ્લો ખિલો છે.
આઝમખાન લાંબા સમયથી યોગી આદિત્યનાથ સરકારની ઝપટે ચડેલા છે. આઝમ સામે એક પછી એક કેસો ઠોકાઈ રહ્યા હતા એ જોતાં રામપુર વિસ્તારમાં છેલ્લા ચાર દાયકા કરતાં વધારે સમયથી બેતાજ બાદશાહ એવા આઝમખાનનનું બોર્ડ પતી જશે એવું લાગતું જ હતું. એમપી-એમએલએ કોર્ટે સાત વર્ષની સજા ફટકારતાં આ વાત સાચી પડી છે અને હવે આઝમ ફરી બેઠા થઈ શકે એવી શક્યતા લગભગ પતી ગઇ છે.
આઝમ, તંજિન અને અબ્દુલ્લાને સજા થઈ છે એ કેસ અબ્દુલ્લાની ઉંમર વધારે બતાવવા માટે બનાવાયેલા નકલી જન્મ પ્રમાણપત્રનો છે. આઝમ અબ્દુલ્લા રામપુર જિલ્લાની સ્વાર વિધાનસભા બેઠક પરથી ૨૦૧૭માં જીતીને ધારાસભ્ય બનેલો. એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાનિક નેતા અને હવે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ ફરિયાદ કરેલી કે, વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી ૨૫ વર્ષની ઉંમર જોઈએ પણ અબ્દુલ્લાને ૨૫ વર્ષ થયાં નથી. અબ્દુલ્લા ચૂંટણી લડવા માટે ઉંમરની લાયકાત ધરાવે છે એવું બતાવવા ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કરાયેલું. સક્સેનાનો દાવો છે કે, અબ્દુલ્લા પાસે એકથી વધારે જન્મ પ્રમાણપત્રો છે.
આ ફરિયાદના પગલે ચૂંટણી પંચે તપાસનો આદેશ આપેલો. રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ કરીને પંચને રીપોર્ટ આપ્યો તેમાં અબ્દુલ્લાએ જન્મતારીખમાં ગરબડ કરી હોવાનું તારણ કાઢેલું. તેના આધારે સક્સેનાએ રામપુરમાં આઝમખાન, તેમનાં પત્ની તંજિન અને અબ્દુલ્લા સામે ફોર્જરી એટલે કે બનાવટી દસ્તાવેજો ઉભો કરવાની ફરિયાદ નોંધાવેલી. આ કેસમાં પોલીસ તપાસ કરાઈ તેમાં આઝમે પોતાની વગનો ઉપયોગ કરીને ખોટું સર્ટિફિકેટ બનાવડાવ્યું હોવાનો ને તંજિને તેમાં સાથ આપ્યો હોવાનો દાવો પોલીસે કરેલો.
અબ્દુલ્લાનો જન્મ લખનઉની ક્વીન મેરી હોસ્પિટલમાં થયેલો. ચૂંટણી પંચે અબ્દુલ્લાને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યો તેની સામે આઝમખાને હાઈકોર્ટમાં અપીલ કરેલી. આઝમનો પરિવાર હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવનાર મહિલા ડોક્ટરને સાક્ષી તરીકે લાવેલો પણ હાઈકોર્ટે ડોક્ટરની જુબાની માન્ય નહોતી રાખી. હવે આ કેસમાં જ આઝમનો પરિવાર દોષિત ઠર્યો છે.
આઝમખાન પાસે આ સજા સામે હાઈકોર્ટ ને હાઈકોર્ટમાંથી પણ રાહત ના મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જવાનો વિકલ્પ છે પણ આઝમ અને તેમના પરિવારની પાછળ યોગી આદિત્યનાથ હાથ ધોઈને પડેલા છે એ જોતાં આઝમના પરિવારનો કોઈ રાહત મળવાની શક્યતા નથી. બહુ બહુ તો આઝમ જામીન મેળવીને જેલની બહાર આવી જશે પણ તેનાથી વધારે કશું થવાની શક્યતા નથી. ફેક બર્થ સર્ટિફિકેટ કેસમાં સજા સાથે આઝમની રાજકીય ઈનિંગ્સ પતી ગયેલી મનાય છે.
આઝમ ફરી બેઠા થશે કે નહીં એ ખબર નથી પણ આઝમે જેવી બાદશાહત બહુ ઓછા નેતાઓએ ભોગવી હશે. ઉત્તર પ્રદેશમાં બીજા પણ ઘણા મુસ્લિમ નેતા આવ્યા પણ આઝમ ખાન જેવો દબદબો બહુ ઓછા નેતાઓનો રહ્યો. આ દબદબાના જોરે યુપીમાં સમાજવાદી પાર્ટી તાકાતવર બની અને મુલાયમસિંહ યાદવ તથા અખિલેશ બંને મુખ્યમંત્રી બન્યા. યુપીના મુસ્લિમોને સાગમટે સપા તરફ વાળવામાં આઝમનું યોગદાન મોટું છે.
યુપીમાં મોટા ભાગના મુસ્લિમ નેતા ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. અતિક અહમદ અને મુખ્તાર અંસારી જેવા નેતા ગેંગસ્ટરમાંથી રાજકારણી બન્યા અને મસલ પાવરના જોરે રાજકારણમાં આગળ આવ્યા. આઝમ ખાનનું રાજકારણ તેમનાથી અલગ રહ્યું. તેમની સામે દાદાગીરીના ને બીજા આક્ષેપો થયા પણ આઝમ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં ખરડાયેલા નથી એ વાસ્તવિકતા છે.
મુખ્તાર અંસારી કે અતિક અહમદની જેમ આઝમખાન સામે હત્યા, ધાડ સહિતના ગુના નથી નોંધાયેલા. આઝમ ખાન રાજકારણમાં આવ્યા પહેલા વકીલાત કરતા હતા ને સામાન્ય કામદારોના અધિકારો માટે લડવાના નામે યુનિયનો બનાવ્યાં હતાં. આ યુનિયનોના કારણે આઝમ તાકાતવર બન્યા. આ કારણે જ આઝમનું રાજકારણ બહુ લાંબું ચાલ્યું. અતિક અહમદ અને મુખ્તાર અંસારીનું રાજકારણ પોતપોતાના વિસ્તાર પૂરતું મર્યાદિત રહ્યું જ્યારે આઝમખાન રાજ્ય કક્ષાના નેતા બની શક્યા. બલ્કે યુપીમાં મુસ્લિમોના સૌથી મોટા નેતા તરીકે સ્થાપિત થયા એમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી.
આઝમખાન સામેના મોટા ભાગના કેસો રાજકીય કિન્નાખોરીના કારણે નોંધાયા હોવાના આક્ષેપો તેમના સમર્થકો કરે છે. રાજકારણમાં કોઈ પણ નેતા ફસાય એટલે એવો બચાવ કરતો જ હોય છે. આ બચાવ સાચો છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે તેથી આઝમ ખાનના કિસ્સામાં પણ કોર્ટ નક્કી કરશે પણ આઝમની રાજકીય તખ્તેથી વિદાયથી યુપીના રાજકારણમાં મોટો ફરક પડી જશે.
યોગી આદિત્યનાથ સરકારે ભાજપ વિરોધી પક્ષોના મુસ્લિમ નેતાઓને એક પછી એક નિશાન બનાવીને પતાવવા માંડયા છે. તેના કારણે મુસ્લિમ નેતાઓમાં ફફડાટ છે. યુપીમાં ભાજપને પડકારી શકે એવો પક્ષ સમાજવાદી પાર્ટી જ છે. માયાવતીની બસપા અને કોંગ્રેસ જનાધાર વિનાની પાર્ટીઓ બની ગઈ છે. તેના કારણે બહુમતી મુસ્લિમો સપા સાથે છે પણ આઝમને સજા થતાં મુસ્લિમોને સાચવીને સપા સાથે રાખી શકે એવો સમાજવાદી પાર્ટી પાસે બીજો મુસ્લિમ નેતા નથી. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં સપાને ફટકો પડી શકે.
આઝમે યુનિયન બનાવીને રામપુરના નવાબનો દબદબો ખતમ કરેલો
રામપુરમાં એક સમયે નવાબ પરિવારનો દબદબો હતો પણ સાવ સામાન્ય પરિવારમાંથી આવેલા આઝમખાને આ દબદબો ખતમ કરી નાંખ્યો. રામપુરની તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં નવાબ પરિવાર કહે તેમ જ થતું. ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી ઉભા રહેતા નવાબ પરિવારના સભ્યો જ લોકસભા અને વિધાનસભામાં ચૂંટાતા. અસલમ ખાનથી શરૂ કરીને સૈયદ મુર્તઝા અલી ખાન સુધીના નવાબ પરિવાર સાથે
સંકળાયેલાં લોકો જ ૧૯૮૦ પહેલાં સુધી રામપુરના ધારાસભ્ય રહ્યા. લોકસભામાં પણ ઝુલ્ફીકાર અલી ખાન તો પાંચ વાર ચૂંટાયેલા.
આઝમખાનના પિતા બીડી બનાવવાનું કામ કરતા પણ આઝમ ખાનને ભણાવીને વકીલ બનાવ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યા પછી આઝમખાને વકીલાત શરૂ કરી. આઝમે બીડી બનાવનારા કામદારો, રીક્ષા ચલાવનારાં, હાથશાળ ચલાવનારા વગેરે કામદારોનું યુનિયન બનાવીને નવાબ પરિવારની સર્વોપરિતા સામે પડકાર ફેંક્યો.
આઝમખાની લોકપ્રિયતા વધી તેથી ૧૯૭૭માં જનતા પાર્ટીએ તેમને પહેલી વાર નવાબ પરિવારના મુર્તઝા અલી ખાન સામે મેદાનમાં ઉતારેલા પણ આઝમ હારી ગયેલા. ૧૯૮૦માં આઝમ રાજનારાયણની જનતા પાર્ટી સેક્યુલરમાંથી ઉભા રહ્યા ને જીત્યા પછી પાછા વળીને જોયું નથી. આઝમ ખાન પોતે દસ વાર જીત્યા છે જ્યારે તેમનાં પત્ની અને પુત્ર અબ્દુલ્લા પણ આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બની ચૂક્યાં છે. આઝમ ખાન તો લોકસભામાં પણ જીતી ચૂક્યા છે.
આઝમના પ્રભાવ વચ્ચે નવાબ પરિવારના ઝુલ્ફીકાર અને પછી તેમનાં પત્ની નૂરબાનો સાંસદ બન્યાં પણ રામપુર આઝમનો જ ગઢ રહ્યો છે.
આઝમ સામે બે વર્ષમાં 84 કેસ, બકરી-ભેંસ ચોરીની પણ ફરિયાદો
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ૨૦૧૭ના માર્ચમાં મુખ્યમંત્રી બન્યા પછી આઝમખાન સામે ધડાધડ એફઆઈઆર નોંધવાની શરૂઆત થઈ ગયેલી. યોગીની મુખ્યમંત્રીપદે તાજપોશીથી શરૂ કરીને ૨૦૧૯માં માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીના બે વર્ષના ગાળામાં આઝમ ખાન સામે ૮૪ એફઆઈઆર નોંદાઈ હતી. અત્યારે તો આઝમખાન સામેની એફઆઈઆરનો આંકડો સદીને પાર કરીને સો કરતાં પણ વધારે થઈ ગયો છે તેથી આઝમ માટે બહાર આવવું મુશ્કેલ છે.
આઝમ ખાન સામેની ફરિયાદમાં સૌથી ગંભીર ફરિયાદ મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની સ્થાપના માટે ખેડૂતો પાસેથી બળજબરીથી જમીનો પચાવી પાડવાની છે. બીજી પણ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીની ફરિયાદો છે તો સામે કેટલીક અત્યંત બાલિશ લાગે એવી એફઆઈઆર પણ છે.
આઝમ સામે બકરી ચોરીની, ભેંસ ચોરીની, વૃધ્ધાને લૂંટીને તેનાં ઘરેણાં લૂંટવાની, એક વ્યક્તિને ધોલધપાટ કરીને તેની પાસેથી ૧૬,૫૦૦ રૂપિયા પડાવી લેવા જેવી પણ ફરિયાદો નોંધાયેલી છે.