મણિપુર ફરી ભડકે બળ્યુ : બિરેનસિંહની ભાજપ સરકારની ઘોર નિષ્ફળતા
- મણિપુરમાં દોઢ વર્ષ જેટલા લાંબા સમયથી રાજ્ય સરકાર હિંસા રોકી શકી નથી અને ભાજપ હાઇકમાન્ડ ધૃતરાષ્ટ્રની જેમ જોયા કરે છે
- બિરેનસિંહ મણિપુરની હિંસાને રોકી નથી શક્યા એ હકીકત છે. તેનું કારણ કદાચ એ છે કે, બિરેનસિંહ દિલ્હીની કઠપૂતળી છે. દિલ્હીમાં બેઠાં બેઠાં અમિત શાહ કે નરેન્દ્ર મોદી કહે એ રીતે પગલાં લીધા કરતા બિરેનસિંહે મણિપુરને હિંસાની આગમાં ફેંકી દીધું છે. તેના કારણે મણિપુરમાં સ્થિતી એ હદે વિસ્ફોટક છે કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ સલામત નથી. ખુદ મુખ્યમંત્રી એન. બિરેનસિંહના અંગત નિવાસસ્થાન પર હુમલો કરાયો છે અને બિરેનસિંહના જમાઈ અને ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહનું ઘર પણ સળગાવી દીધું
છેલ્લાં દોઢ વર્ષથી સળગી રહેલા મણિપુરમાં થોડા સમયની શાંતિ પછી ફરી ભડકો થયો છે. મણિપુરની હિંસામાં બેઘર બનેલા મેઈતેઈ સમુદાયનાં લોકો જિરિબામમાં રાહત છાવણીઓમાં રહે છે. આતંકવાદીઓ એ હદે છાકટા થયા છે કે, પોલીસ સ્ટેશનમાં બનાવાયેલી છાવણી પર હુમલો કરી દીધો. છાવણીની સુરક્ષા માટે સીઆરપીએફ તૈનાત છે તેથી તેમણે જવાબ આપ્યો તેમાં ૧૦ આતંકી માર્યા ગયા પણ બીજા આતંકવાદી ૮ લોકોને ઉઠાવી ગયા.
મેઈતેઈ સમુદાયનાં ૮ લોકોની લાશો બે દિવસ પછી આસામની નદીમાં તરતી મળી તેથી ભડકેલા મેઈતેઈ સમુદાયનાં લોકોએ ઈમ્ફાલમાં હિંસા અને તોડફોડ શરૂ કરી દીધી. તેના પ્રત્યાઘાત બીજે પડયા તેમાં મણિપુર પાછું સળગ્યું છે. ઈમ્ફાલમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યાં છે. તેમને શાંત પાડવા ઈન્ડિયન આર્મી અને આસામ રાઈફલ્સની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે પણ લોકો રસ્તા પરથી હટી રહ્યાં નથી અને જવાનો સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે.
મેઈતેઈ સમુદાયનાં બહુમતી લોકો મણિપુરમાં ખીણ વિસ્તારમાં રહે છે. તેમનાં સંગઠનોએ કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, કુકી આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન હાથ નહીં ધરાય તો મેઈતેઈ લોકોએ પણ હથિયારો ઉઠાવવાં પડશે. બીજી તરફ મેઈતેઈ સમુદાયની ચીમકીના પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પહાડી વિસ્તારોમાં રહેતા કુકી આદિવાસીઓના ૬ જિલ્લામાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) લગાડીને આર્મીને હિંસાને રોકવા અમર્યાદિત સત્તાઓ આપી તેમાં કુકી સમુદાય બગડયો છે. કુકી-ઝો સમુદાયે પોતાના વિસ્તારોમાંથી આફ્સ્પા હટાવીને ખીણમાં લગાવવા અપીલ કરી છે ને ચીમકી પણ આપી છે કે, આદિવાસી વિસ્તારોમાં જ આફસ્પા લગાવાશે તો તેનાં માઠાં પરિણામો ભોગવવાં પડશે.
મણિપુરની એન. બિરેનસિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મણિપુરની સ્થિતીને કાબૂમા લેવા ફાંફાં મારી રહી છે ત્યાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લેતાં રાજકીય ઉત્તેજના છે.
સંગમાનો આક્ષેપ છે કે, બિરેનસિંહ સરકાર હિંસાને રોકી શકતી નથી ને ભાજપ હાઈકમાન્ડ ધૃતરાષ્ટ્ર બનીને જોયા કરે છે. ૬૦ ધારાસભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે ૩૭ ધારાસભ્યો છે તેથી સંગમાની પાર્ટીના ખસી જવાથી ભાજપની સરકાર ગબડવાની નથી પણ સંગમાનો નિર્ણય સંકેત આપે છે કે, મણિપુરની હિંસાની અસર બીજાં રાજ્યોમાં પણ પડવા માંડી છે.
બિરેનસિંહ મણિપુરની હિંસાને રોકી નથી શક્યા એ હકીકત છે. તેનું કારણ કદાચ એ છે કે, બિરેનસિંહ દિલ્હીની કઠપૂતળી છે. દિલ્હીમાં બેઠાં બેઠાં અમિત શાહ કે નરેન્દ્ર મોદી કહે એ રીતે પગલાં લીધા કરતા બિરેનસિંહે મણિપુરને હિંસાની આગમાં ફેંકી દીધું છે. તેના કારણે મણિપુરમાં સ્થિતી એ હદે વિસ્ફોટક છે કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ સલામત નથી. છેલ્લા ત્રણ દિવસમાં જ લોકોનાં ટોળાંએ ૩ મંત્રીઓ અને ૬ ધારાસભ્યોનાં ઘર સળગાવી દીધાં છે. જેમનાં ઘર સળગાવી દેવાયાં તેમાં ૫ ધારાસભ્ય ભાજપના છે જ્યારે એક અપક્ષ ધારાસભ્ય છે.
ખુદ મુખ્યમંત્રી એન. બિરેનસિંહના અંગત નિવાસસ્થાન પર હુમલો કર્યો છે અને બિરેનસિંહના જમાઈ અને ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહનું ઘર પણ સળગાવી દીધું. મંત્રીઓ અને ધારાસભ્યોનાં તો સંખ્યાબંધ વાહનો લોકોએ સળગાવી દીધાં છે.
બિરેનસિંહના રાજધાની ઈમ્ફાલના હેઈનગેંગમાં આવેલા અંગત નિવાસસ્થાનમાં પણ ટોળું મશાલો લઈને ઘૂસી ગયું હતું. સીક્યુરિટીના જવાનોએ તેમને અંદર ના ઘૂસવા દીધા તેથી ઘર બચી ગયું પણ આ ઘટનાએ ભાજપની નેતાગીરી સામે લોકોમાં કેવો જબરદસ્ત આક્રોશ છે એ છતું કરી દીધું છે.
મણિપુરની જનતા આક્રોશમાં છે કેમ કે રાજ્ય સરકાર કંઈ કરતી જ નથી. ગયા વરસના મે મહિનાથી શરૂ થયેલી હિંસામાં સત્તાવાર રીતે જ ૬૦ હજાર લોકો વિસ્થાપિત થયાં છે અને બેઘર બનીને રાહત છાવણીઓમાં રહે છે.
બિનસત્તાવાર રીતે તો દોઢ લાખથી વધારે લોકો બેઘર બની ગયાં હોવાનું મનાય છે. આ લોકો પોતાનાં ઘરોમાં પાછાં જઈ શકે એવી સ્થિતી પેદા કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. હવે આતંકવાદીઓ રાહત છાવણીઓ પર હુમલા કરી રહ્યા છે તો પણ સરકાર તમાશો જોયા વિના કંઈ નથી કરી રહી.
મણિપુરમાં સ્થિતી એ રીતે પણ બેકાબૂ છે કે, હવે કુકી સમુદાયનાં આદિવાસીઓ પોતાના માટે અલગ રાજ્ય કુકીલેન્ડની માગ કરી રહ્યા છે. કુકીલેન્ડની માગણી વરસો જૂની છે પણ વચ્ચેનાં વરસોમાં દબાઈ ગયેલી. નવેસરથી હિંસા ભડકી પછી આ માગણી ફરી શરૂ થઈ અને ઓગસ્ટ મહિનાથી આ માગણીએ જોર પકડયું છે.
કુકી આદિવાસીએની બહુમતી ધરાવતા પહાડી વિસ્તારોમાં તેના સમર્થનમં દેખાવો થઈ રહ્યા છે અને આતંકવાદ પણ શરૂ થયો છે. મિઝોરમ, મેઘાલય સહિતનાં રાજ્યોના આદિવાસીઓ પણ આ માગણીને સમર્થન આપી રહ્યા છે તેથી ભવિષ્યમાં મણિપુરની હિંસાની ઝાળ બીજાં રાજ્યોને લપેટમાં લે એવી શક્યતા પણ નકારી ના શકાય.
ઉત્તર-પૂર્વમાં વરસોની હિંસા પછી માંડ માંડ શાંતિ સ્થપાઈ હતી પણ મણિપુરના કારણે આ શાંતિ ડહોળાઈ ગઈ છે. કુકીલેન્ડની માગણીના સમર્થનમાં બીજાં રાજ્યોમાં પણ હિંસા શરૂ થાય એ પહેલાં મોદી સરકાર જાગે તો સારું.
આતંકવાદીઓ ડરતા હોવાની મોદીની ફિશિયારીની મણિપુરમાં હવા નિકળી ગઈ
મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા ભારતના ઈતિહાસનાં સૌથી શરમજનક પ્રકરણોમાંથી એક છે. ભાજપની ઘોર નિષ્ફળતાનું મણિપુર શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતનાં રાજ્યોમાં વસતી અને વિસ્તાર બંનેની રીતે સાવ જ નાનું રાજ્ય હોવ છતાં ભાજપની સરકાર દોઢ વર્ષથી મણિપુરની હિંસાને કાબૂમાં લઈ શકતી નથી. મણિપુરનો કુલ વિસ્તાર ૨૨,૩૨૭ ચોરસ કિલોમીટર છે. ગુજરાત ૧.૯૬ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે એ જોતાં મણિપુરનો વિસ્તાર ગુજરાતથી લગભગ દસમા ભાગ જેટલો છે. મણિપુરની વસતી પણ ગુજરાતના વીસમા ભાગ જેટલી છે. ગુજરાતની વસતી ૭ કરોડની આસપાસ છે જ્યારે મણિપુરની વસતી ૩૦ લાખ પૂરી પણ નથી. વસતીની રીતે તો આ દેશનાં ટોચનાં ૧૦૦ શહેરોમાં મણિપુર કરતાં વધારે વસતી હશે.
આટલી ઓછી વસતી અને વિસ્તાર ધરાવતા મણિપુરમાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને ભાજપ સરકાર કાબૂમાં નથી લઈ શકતી. ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે મણિપુરમાં અલગ રાજ્યની માગણી બુલંદ બની છે અને આતંકવાદ પણ શરૂ થઈ ગયો છે.
નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની ચૂંટણી સભાઓમાં ફિશિયારીઓ મારે છે કે, હવે આતંકવાદીઓ પોતાના ઘરમાં બેઠા હોય તો પણ ભારત સામે નજર ઉઠાવતાં ડરે છે. બીજી તરફ મણિપુરમાં આતંકવાદીઓએ સીઆરપીએફની સુરક્ષામાં રહેતાં લોકોને કેમ્પમાંથી ઉઠાવી જઈને હત્યા કરી નાંખી તેથી મોદીની ફિશિયારીની હવા નિકળી ગઈ. મોદી સરકારે ખાલી વાતો કરવાના બદલે આતંકવાદને ખરેખર નાથવા માટે કામ કરવાની જરૂર છે.
મેઈતેઈ રાહત છાવણી પર હુમલો કરનારા ખ્રિસ્તી હમાર આતંકીઓ હોવાનો દાવો
મણિપુરની હિંસા મેઈતેઈ વર્સીસ કુકી સમુદાયની દુશ્મનાવટના કારણે હોવાનું મનાતું હતું પણ હવે હમાર સમુદાયની પણ એન્ટ્રી થઈ છે. જિરિબામમાં મેઈતેઈ રાહત છાવણીમં હુમલો કરનારા પૈકી ૧૦ને સીઆરપીએફ અને પોલીસે મારી નાંખ્યા. આ તમામ હમાર સમુદાયના આતંકી હતા એવો સરકારનો દાવો છે. આ જ લોકો મેઈતેઈ સમુદાયનાં ૮ લોકોને ઉઠાવી ગયા હોવાનું પણ પોલીસે કહ્યું તેથી મેઈતેઈ સમુદાયે હમાર લોકો પર હુમલા શરૂ કરીને તેમનાં ઘરો સળગાવવા માંડયાં તેમાં નવી મોંકાણ મંડાઈ છે.
હમાર સમુદાયનાં લોકોનું કહેવું છે કે, રાહત છાવણી પર હુમલો કરનારા તો ૮ લોકોને ઉઠાવીને ભાગી ગયેલા તેથી પોલીસે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે હમાર સમુદાયના યુવકોને ઉઠાવીને ગોળીએ મારીને આતંકીમાં ખપાવી દીધા છે. કુકી આદિવાસીઓને મારે તો એ છોડે નહીં તેથી હમાર આદિવાસીઓને બલિના બકરા બનાવીને પોલીસ વાહવાહી લૂંટી રહી છે.
હમાર એસટી એટલે કે આદિવાસી કેટેગરીમાં આવે છે પણ મોટા ભાગનાં લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. ૧૯૧૦ના દાયકામાં વેલ્શ મિશનરીઝે મોટા પાયે ધર્માંંતરણ કરાવીને આ સમુદાયનાં તમામ લોકોને ખ્રિસ્તી બનાવી દીધાં હતાં. મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલયમાં મુખ્યત્વે તેમની વસતી છે. ઉત્તર-પૂર્વનાં બીજાં રાજ્યોમાં પણ હમાર રહે છે પણ કુલ મળીને હમાર આદિવાસીઓની વસતી ૧ લાખ લોકોથી વધારે નથી. હમાર પ્રજા હમાર ભાષા બોલે છે કે જેની લિપિ અંગ્રેજીમાં છે. જેમ્સ હર્બર્ટ લોરેઈને આ લિપી બનાવી હતી.