Get The App

પૂજા ખેડકરના કારણે સિવિલ સર્વિસીસ શંકાના દાયરામાં

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરના કારણે સિવિલ સર્વિસીસ શંકાના દાયરામાં 1 - image


- આ કિસ્સાએ યુનિયન પબ્લિક કમિશનને શંકાના દાયરામાં લાવી દીધું છે. યુપીએસસીએ મોડે મોડે જાગીને પૂજાના સર્ટિફિકેટની તપાસ શરૂ કરી દીધી છે 

- સિવિલ સર્વિસીસ આ દેશની સૌથી અઘરી સ્પર્ધા મનાય છે. દેશનું શાસન ચલાવાવા માટે અધિકારીઓની પસંદગી કરવા માટે લેવાતી આ પરીક્ષામાં દેશભરમાંથી સૌથી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ બેસે છે. આ પરીક્ષા શંકાથી પર હોવી જોઈએ પણ તેના બદલે આ પરીક્ષા શંકાના દાયરામાં આવી ગઈ છે. મીડિયા કે સોશિયલ મીડિયામાં ગાજી રહેલા 8-10 કિસ્સા તો એવા લોકોના છે કે ધ્યાનમાં આવ્યા. બાકી જે લોકો કોઈની નજરે ચડયા વિના ગોટાળા કરીને અધિકારી બની ગયા એવા તો કેટલા હશે એ રામ જાણે.

મહારાષ્ટ્રની ટ્રેઈની આઈએએસ અધિકારી પૂજા ખેડકરનો કેસ બહુ ગાજ્યો છે અને આખું ખેડકર ખાનદાન કાનૂની કેસોના લપેટામાં આવી ગયું છે. એક તરફ પૂજાએ ખોટી રીતે ઓબીસી અનામત અને દિવ્યાંગો માટેની અનામતનો લાભ લીધો હોવાનો આરોપ મૂકીને તેની ટ્રેઈનિંગ રદ કરીને પાછી મસૂરીના આઈએએસ સેન્ટરમાં હાજર થવા ફરમાન કરાયું છે. બીજી તરફ પૂજા ખેડકરની મા મનોરમા ખેડકરની પિસ્તોલ બતાવીને ખેડૂતોને ધમકાવવાના કેસમાં ધરપકડ કરાઈ છે. 

પૂજાના પિતા દિલીપ ખેડકર સામે પણ એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ તપાસ શરૂ કરી છે. દિલીપ ખેડકરે ક્લાસ વન ઓફિસર તરીકે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી હોવાનો એસીબીનો દાવો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં દિલીપ ખેડકર પણ રફુચક્કર થઈ ગયા છે પણ એ બહુ ભાગી નહીં શકે ને ગમે ત્યારે જેલની હવા ખાતા થઈ જ જશે.

પૂજા સામેના આક્ષેપોની તપાસ માટે કેન્દ્ર સરકારે એક વ્યક્તિનું પંચ બનાવ્યું છે. આ પંચ બે સપ્તાહમાં રીપોર્ટ આપશે તેથી પૂજા સામેના આક્ષેપોમાં આગળ શું થાય છે તેની ખબર પડી જશે પણ આ કિસ્સાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ને શંકાના દાયરામાં લાવી દીધું છે. યુપીએસસીએ મોડે મોડે જાગીને પૂજાનાં સર્ટિફિકેટની તપાસ શરૂ કરી છે પણ અત્યાર સુધી યુપીએસસી કેમ ઘોરતું રહ્યું એ મોટો સવાલ છે. 

પૂજા છેક ૨૦૨૩માં સિવિલ સર્વિસીસ પાસ કરીને આઈએએસ બની હતી. તેને મસૂરીમાં ટ્રેઈનિંગ પછી મહારાષ્ટ્ર બેચમાં મોકલાઈ ત્યાં સુધી તેનાં સર્ટિફિકેટની તપાસ કેમ ના કરાઈ એ મહત્વનો મુદ્દો છે. પૂજાએ દિવ્યાંગતા સાબિત કરવા ત્રણ અલગ અલગ સરનામા સાથેનાં સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં એ તરફ યુપીએસસીનું ધ્યાન ના ગયું.

પૂજાના પિતા ક્લાસ વન ઓફિસર તરીકે નિવૃત્ત થયા હોવા છતાં તેણે પોતાના પરિવારની આવક ૮ લાખ રૂપિયાથી ઓછી હોવાનું બતાવીને ઓબીસી અનામતનો લાભ લીધો એ તરફ પણ યુપીએસસીનું ધ્યાન કેમ ના ગયું તેનો પણ જવાબ નથી મળતો. આ સવાલનો સરળ જવાબ એ છે કે, યુપીએસસીમાં ભ્રષ્ટાચાર ચાલે છે. યુપીએસસી એમ કહીને છટકી શકે કે, આ સર્ટિફિકેટની તપાસ ઉમેદવાર જે તાલુકાનો હોય તેના મામલતદાર પાસે કરાવાય છે. મામલતદાર ભ્રષ્ટાચાર કરીને ખોટો રીપોર્ટ આપે તો પોતે કશું ના કરી શકે. આ દલીલ માન્ય રાખી શકાય તેમ નથી કેમ કે યુપીએસસી ઉમેદવારના પરિવારનાં રીટર્ન તપાસી શકે છે. 

નિયમ પ્રમાણે સળંગ ત્રણ વર્ષ સુધી ૮ લાખ રૂપિયાથી વધારેનું રીટર્ન ભરનારને ક્રીમી લેયરનો લાભ ના મળે. નોન ક્રીમી લેયરનો લાભ લેનારા ઓબીસી ઉમેદવારોની સંખ્યા બહુ મોટી ના હોય એ જોતાં સીબીડીટી પાસેથી પણ તેમનો રેકોર્ડ મંગાવી શકાય. યુપીએસસીએ આ રેકોર્ડ કેમ ન મંગાવ્યો ?  આ વાતને સમર્થન આપે એવા બીજા કિસ્સા પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં ગાજી રહ્યા છે. યુપીની ૨૦૧૦ બેચના આઈએએસ અભિષેકેનો કિસ્સો તો જાણીતો છે. પૂજાની જેમ અભિષેક પણ લોકોમોટર ડિસએબિલિટીના સર્ટિફિકેટના આધારે પર્સન્સ વિથ ડિસએબિલિટી  (પીડબલ્યુડી) માટે અનામતનો લાભ લઈને આઈએએસ બન્યો હતો પણ ૨૦૨૩માં એક્ટિંગ કરવા રાજીનામું આપી દીધું. લોકોમોટર ડિસએબિલિટીમાં સાંધાની તકલીફના કારણે વ્યક્તિને હલનચલનમાં પણ તકલીફ પડતી હોય છે. 

અભિષેક તો સોશિયલ મીડિયા પર જીમ અને વર્કઆઉટના વીડિયો મૂકે છે એ જોયા પછી એ કઈ રીતે દિવ્યાંગ છે એ સવાલ ઉઠે છે.

ઉત્તર પ્રદેશના ૨૦૧૬ બેચના આઈએએસ અધિકારી આસિફ કે. યુસુફ પણ ક્રીમી લેયરમાં આવતા હોવા છતાં ખોટું ઓબીસી નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ આપીને આઈએએસ અધિકારી બન્યાનો દાવો સંઘના મુખપત્ર ધ ઓર્ગેનાઈઝરમાં કરાયો છે. મૂળ કેરળના આઈપીએસ અધિકારી સામેની તપાસમાં આ વાત સાચી સાબિત પણ થઈ છે. બીજો કિસ્સો ૨૦૨૧ની બેચના આઈએએસ હિમાંશુ ખટીનો છે કે જે ઓર્થોપેડિકલી હેન્ડિકેપ્ડ માટે અનામતનો લાભ લઈને આઈએએસ બન્યા છે. સોશિયલ મીડિયા પર હિમાંશુ ખટી જે પોસ્ટ મૂકે છે તેમાં એ સંપૂર્ણ ફિટ લાગે છે અને કોઈ રીતે દિવ્યાંગ લાગતા નથી. 

આ સિવાય પ્રફુલ્લ દેસાઈ, મોહિત કાસનિયા, રવિ કુમાર સુહાગ સિવિલ સર્વિસીસ આ દેશની સૌથી અઘરી સ્પર્ધા મનાય છે. દેશનું શાસન ચલાવાવા માટે અધિકારીઓની પસંદગી કરવા માટે લેવાતી આ પરીક્ષામાં દેશભરમાંથી સૌથી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ બેસે છે. 

આ પરીક્ષા શંકાથી પર હોવી જોઈએ પણ તેના બદલે આ પરીક્ષા શંકાના દાયરામાં આવી ગઈ છે. 

મીડિયા કે સોશિયલ મીડિયામાં ગાજી રહેલા ૮-૧૦ કિસ્સા તો એવા લોકોના છે કે ધ્યાનમાં આવ્યા. બાકી જે લોકો કોઈની નજરે ચડયા વિના ગોટાળા કરીને અધિકારી બની ગયા એવા તો કેટલા હશે એ રામ જાણે. 

યુપીએસસીના ડેટા પ્રમાણે, ૨૦૧૮માં ૨૧, ૨૦૧૯માં ૨૭, ૨૦૨૦માં ૧૮, ૨૦૨૧માં ૧૪ અને ૨૦૨૨માં ૨૮ લોકોને દિવ્યાંગો માટેની અલગ અલગ કેટેગરીમાં સિવિલ સર્વિસીસ માટે પસંદ કરાયા હતા. આ બધા કિસ્સા જોયા પછી તો આ બધા લોકો શંકાસ્પદ લાગી રહ્યા છે. ઓબીસી નોન ક્રિમી લેયર કે ઈડબલ્યુએસ કે બીજી અનામત કેટેગરીમાં થયેલી ગરબડની તો આપણે વાત જ નથી કરતા. સિવિલ સર્વિસીસમાંથી ૨૧ પ્રકારની સેવાઓ માટે અધિકારીઓ નિમાય છે એ જોતાં કેટલા અધિકારીઓ આ રીતે ગરબડ કરીને ઘૂસી ગયા હશે એ રામ જાણે.

ભાજપના દિગ્ગજના પૌત્રને હારમાં નિમિત્તના કારણે ખેડકર પર તવાઈ ?

પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરને ૨૦૨૦માં મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડિરેક્ટરપદેથી ફરજિયાત નિવૃત્ત કરાયા એ પહેલાં સંખ્યાબંધ વિવાદોમાં ફસાયા હતા. 

ખેડકરને બે વાર સસ્પેન્ડ કરાયા હતા પણ પાછા નોકરીમાં લઈ લેવાયા તેના કારણે ખેડકરને મજબૂત રાજકીય પીઠબળ હોવાનું મનાય છે.

ખેડકર ૨૦૧૫માં મુંબઈ રીજિયોનલ ઓફિસમાં રીજિયોનલ ડિરેક્ટર હતા ત્યારે ૪૦૦ જેટલા ફેક્ટરી માલિકોએ ખેડેકર તેમની પાસેથી હપ્તો વસૂલતા હોવાની ફરિયાદ કરી હતી. ૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને કરાયેલી ફરિયાદ નોંધી લેવાઈ હતી પણ ખેડકર સામે કોઈ પગલાં નહોતાં લેવાયાં. ૨૦૧૮માં કોલ્હાપુર મિલ એન્ડ ટીમ્બર મર્ચન્ટ એસોસિએશને ખેડેકર સામે લાંચ માગવાની ફરિયાદ કરી હતી.  

આ મુદ્દે વેપારીઓએ ઉગ્ર આંદોલન કરતાં ખેડકરને સસ્પેડ કરાયા હતા પણ પછી સસ્પેન્શન કદ કરી દેવાયું હતું. 

૨૦૧૯માં પૂણેની એક પોલીમર કંપનીએ ખેડેકરે ૨૦ લાખ રૂપિયાની લાંચ માગી હોવાની ફરિયાદ કરી હતી ને છેવટે ૧૩ લાખ રૂપિયામાં પતાવટની તૈયારી બતાવી હતી. ૨૦૨૦માં ખેડકર ફરી લાંચના કેસમાં ફસાતાં ફરી સસ્પેન્ડ કરાયા પણ કશું નહોતું થયું. 

દિલીપ ખેડકર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બહુજન વંચિત અઘાડીના ઉમેદવાર તરીકે અહમદનગર લોકસભા બેઠક પરથી લડયા હતા. 

ખેડકર વણઝારા સમાજના મતો ખેંચી જતાં ૧૩,૭૪૯ મત મળ્યા હતા. ભાજપના ધુરંધર બાલાસાહેબ વિખે પાટિલનો ગઢ મનાતી બેઠક પર બાલાસાહેબનો પૌત્ર સુજય વિખે પાટિલ શરદ પવારની એનસીપીના નિલેશ લાંકે જીતી ગયા હતા. ખેડકર અને ગોરખ અલેકર દશરથ મળીને ૫૮ હજાર મત લઈ ગયા તેમાં સુજય ૨૮ હજાર મતે હારી ગયો તેથી ખેડકર પરિવારનો વારો પડી ગયાનું મનાય છે.

પૂજાએ પોલ ખોલનારા કલેક્ટર સામે જ કેસ કરી દીધો

પૂજા ખેડકર સામે ગંભીર પ્રકારના આરોપો છે. પૂજાએ સિવિલ સર્વિસિસ માટે ત્રણ અલગ અલગ દિવ્યાંગતા સર્ટિફિકેટ આપ્યાં તેમાં ત્રણ અલગ અલગ સરનામાં દર્શાવ્યાં છે. આ ઉપરાંત ક્રિમી લેયરમાં આવતી હોવા છતાં ઓબીસી અનામતનો લાભ લીધો. પૂજાએ પૂણેમાં પોતાની ટ્રેઈનિંગ દરમિયાન ઘણા અધિકારીઓને હેરાન કર્યા હોવાનો પણ આરોપ છે. પૂજાએ પોતાની લક્ઝુરીયસ ઔડી કાર પર લાલ બત્તી લગાવી હતી અને મહારાષ્ટ્ર શાસન પણ લખ્યું હતું કે જેના માટે તે લાયક નથી. પૂજાનાં કરતૂતો વિશે પૂણેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસ સુહાસ દિકસેએ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો હતો. પૂજાએ સુહાસ સામે પોતાને હેરાન કરી હોવાનો કેસ મૂકી દીધો છે. 

પૂજાની માતા મનોરમા ગામની સરપંચ છે. ખેડકર પરિવારે ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિમાંથી ખરીદેલી ૧૧૦ એકર જમીનમાં ખેડૂતો સાથે વિવાદ થતાં મનોરમાએ ખેડૂતો સામે દાદાગીરી કરતાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. કેસ નોંધાયા પછી મનોરમા ફરાર હતી અને ઈન્દુબાઈના નામે હોટલમાં છૂપાઈને રહેતી હતી. પોલીસને બાતમી મળતાં તેને ઝડપી લીધી.

મનોરમાના પિતા જગન્નાથ આઈપીએસ અધિકારી હતા. વણઝારા સમાજમાંથી પહેલા આઈપીએસ બન્યા હોવાથી તેમનો ભારે દબદબો હતો અને સમાજ પર વર્ચસ્વ હતું. આ કારણે નેતાઓ પણ તેમને લાભ આપતા. મનોરમાના પરિવારે તેનો ભરપૂર ફાયદો લીધો છે.

News-Focus

Google NewsGoogle News