કોંગ્રેસના ગોગોઈ પાકિસ્તાની એજન્ટ હોય તો ભાજપ સરકાર જેલમાં કેમ નથી નાંખતી ?
- એલિઝાબેથે પોતાના પતિના પ્રચાર માટે નીકળે છે અને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ પણ લે છે પણ ભારતના નાગરિક બનતા નથી તેવી દલીલ ભાજપની છે
- મુખ્ય પ્રધાન હેમંત સરમાને એલિઝાબેથ અને ગૌરવ ગોગોઈ આઈએસઆઈનાં એજન્ટ હોવાની શંકા હોવા છતાં તેમની સામે તો કોઈ પગલાં લેવાની જાહેરાત નથી કરાઈ. સરમાએ શેખ સામે તપાસની જાહેરાત કરી છે. શેખ પાકિસ્તાનમાં રહે છે ત્યારે આસામની પોલીસ તેમની સામે શું તપાસ કરશે ? શેખ આઈએસઆઈ સાથે જોડાયેલા હોય તો એ તેમની દેશભક્તિ કહેવાય પણ તેના કારણે એલિઝાબેથ પણ પાકિસ્તાની એજન્ટ સાબિત થતાં નથી. હિંમત બિસ્વ સરમા ગૌરવ ગોગોઈને ટાર્ગેટ કરીને વેરની વસૂલાત કરી રહ્યા હોવાનું મનાય છે. સરમા પહેલાં કોંગ્રેસમાં હતા અને એક જમાનામાં તરૂણ ગોગોઈના ખાસ માણસ મનાતા હતા. તરૂણ ગોગોઈ સરમાને પોતાના દીકરા જેવો જ માનતા પણ ગોગોઈ પોતાને નહીં પણ પોતાના દીકરાને રાજકીય વારસ બનાવશે એવું લાગતાં ૨૦૧૫માં સરમા ભાજપની પંગતમાં બેસી ગયા તેથી તરૂણ ગોગોઈને આઘાત લાગી ગયેલો.
આસામમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી છે ને એ પહેલાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગૌરવ ગોગોઈની પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સાંઠગાંઠનો મુદ્દો ઉભો કરીને સનસનાટી મચાવી છે. સરમાનો આક્ષેપ છે કે, ગોગોઈનાં પત્ની એલાઝિબેથ કોલબર્ન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ક્લાઈમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (સીડીકેએન) સાથે કામ કરતાં હતાં ત્યારે આઈએસઆઈ સાથે સંકળાયેલા અલી તૌકીર શેખ તેમના બોસ હતા તેથી એલિઝાબેથ આઈએસઆઈનાં એજન્ટ હોવાની શક્યતા છે.
સરમાએ તો એલિઝાબેથના પતિ ગૌરવને આઈએસઆઈ દ્વારા બ્લેકમેઈલ કરાતા હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ગૌરવ ગોગોઈ ૨૦૧૫માં દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનરને મળ્યા હતા એ વાત ઉખેળીને સરમાએ આડકતરી રીતે ગોગોઈ પાકિસ્તાનના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કરી નાંખ્યો છે. સરમાએ અલી તૌકીર શેખ સામે કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.
એલિઝાબેથ અને ગૌરવનાં લગ્નને ૧૨ વર્ષ થઈ ગયાં છતાં એલિઝાબેથે હજુ સુધી ભારતનું નાગરિકત્વ કેમ લીધું નથી એ સવાલ પણ ઉઠાવ્યો છે. એલિઝાબેથ પોતાના પતિના પ્રચાર માટે નિકળે છે અને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે પણ ભારતનાં નાગરિક નથી બનતાં તેથી દાળમાં કંઈક કાળું હોવાની ભાજપની દલીલ છે. ગોગોઈ અને કોંગ્રેસે આ આક્ષેપોને બકવાસ ગણાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી તેથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા વાહિયાત આક્ષેપો કરે છે.
ભાજપના આક્ષેપોના કારણે એલિઝાબેથ કોલબર્ન આખા દેશમાં જાણીતાં થઈ ગયાં છે. જેમણે તેમનું નામ પણ સાંભળ્યું નહોતું એવાં લોકોને પણ આ ગોરી મેડમમાં રસ પડી ગયો છે. ગૌરવ ગોગોઈનાં પત્ની એલિઝાબેથ કોલબર્ન યુકેમાં જન્મ્યાં છે અને હજુ યુકેનાં નાગરિક છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઈન્ટરનેશનલ પોલીટિકલ ઈકોનોમીમાં માસ્ટર્સ ડીગ્રી કરનારાં એલિઝાબેથ ક્લાઈમેટ પોલિસીનાં નિષ્ણાત છે. હાલમાં ઓક્સફર્ટ પોલિસી મેનેજમેન્ટ સાથે કામ કરતાં એલિઝાબેથ પોતાનાં બંને સંતાનો સાથે દિલ્હીમાં રહે છે. એલિઝાબેથે ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન ક્લાઈમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (સીડીકેએન) સાથે કામ કરેલું. એ વખતની તેમની કામગીરીને શંકાના દાયરામાં લાવવા ભાજપ મથી રહ્યો છે.
એલિઝાબેથ આઈએસઆઈનાં એજન્ટ હોવાની વાત કેટલી સાચી એ રામ જાણે પણ ભાજપે અત્યારે આ મુદ્દો ઉઠાવ્યો તેથી ભાજપના ઈરાદા ચોક્કસ શંકાસ્પદ છે. કેન્દ્રમાં ૨૦૧૪થી ભાજપની સરકાર છે અને આસામમાં ૨૦૧૬થી ભાજપ સત્તામાં છે. સરમા પોતે ૨૦૨૧થી આસામના મુખ્યમંત્રી હોવા છતાં તેમને આટલાં વરસો લગી એલિઝાબેથની ભારત તરફની વફાદારી તરફ કદી શંકા ના ગઈ. હવે તેમને અચાનક એલિઝાબેથ-ગૌરવ આઈએસઆઈનાં એજન્ટ લાગવા માંડયાં છે એ શંકા પ્રેરે જ છે.
બીજી વાત એ કે, સરમાને એલિઝાબેથ અને ગૌરવ ગોગોઈ આઈએસઆઈનાં એજન્ટ હોવાની શંકા હોવા છતાં તેમની સામે તો કોઈ પગલાં લેવાની જાહેરાત નથી કરાઈ. સરમાએ શેખ સામે તપાસની જાહેરાત કરી છે. શેખ પાકિસ્તાનમાં રહે છે અને પાકિસ્તાન સરકારના સલાહકાર પણ રહી ચૂક્યા છે. આસામની પોલીસ તેમની સામે શું તપાસ કરશે ? શેખ પાકિસ્તાની છે તેથી આઈએસઆઈ સાથે જોડાયેલા હોય તો એ તેમની દેશભક્તિ કહેવાય પણ તેના કારણે એલિઝાબેથ પણ પાકિસ્તાની એજન્ટ સાબિત થતાં નથી.
હિંમત બિસ્વ સરમા ગૌરવ ગોગોઈને ટાર્ગેટ કરીને વેરની વસૂલાત કરી રહ્યા હોવાનું મનાય છે. સરમા અને ગૌરવના સંબંધો બહુ જૂના છે. સરમા પહેલાં કોંગ્રેસમાં હતા અને એક જમાનામાં તરૂણ ગોગોઈના ખાસ માણસ મનાતા હતા. તરૂણ સરમાને રાજકારણમાં લાવ્યા, ધારાસભ્ય અને મંત્રી પણ બનાવ્યા. તરૂણ ગોગોઈ સરમાને પોતાના દીકરા જેવો જ માનતા તેથી ગૌરવ માટે સરમા મોટા ભાઈ જેવા હતા પણ ગોગોઈ પોતાને નહીં પણ પોતાના દીકરાને રાજકીય વારસ બનાવશે એવું લાગતાં ૨૦૧૫માં સરમા ભાજપની પંગતમાં બેસી ગયા તેથી તરૂણ ગોગોઈને આઘાત લાગી ગયેલો. તરૂણ ગોગોઈએ સરમાને કદી માફ ના કર્યા અને ગોગોઈ પરિવાર પણ સરમાને માફ કરવાના મૂડમાં નથી.
અત્યારે સરમા મુખ્યમંત્રી છે ને ગોગોઈ કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદાર છે. આ કારણે બંને વચ્ચે લાંબા સમયથી રાજકીય જંગ ચાલે છે. ગૌરવ ગોગોઈએ ૨૦૨૩માં સરમાનાં પત્ની રિનિકી ભુયાન સરમાને ટાર્ગેટ કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો. ગૌરવનો આક્ષેપ હતો કે, રિનિકી દ્વારા ચલાવાતી મીડિયા કંપનીને કેન્દ્રની મોદી સરકારે ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. સરમાએ પોતાની વગ વાપરીને રીનીકિની કંપનીને ગ્રાન્ટ અપાવી હોવાનો ગૌરવનો આક્ષેપ હતો.
રીનીકિની કંપનીએ આરોગ્યને લગતા પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા માટે ગ્રાન્ટ લીધી હતી. એ પહેલાં કોરોના કાળમાં રીનિકી ભુયાનની કંપનીને આસામ સરકારને માસ્ક અને ઓક્સિજન પૂરાં પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયેલો. ઉંચા ભાવે આ ચીજોની ખરીદી કરીને રીનિકિની કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવાયો હોવાનો આક્ષેપ ગૌરવે કરેલો. આ અંગેના પુરાવા પણ ગૌરવે આપેલા ને તેના કારણે સરમાના માથે બરાબર માછલાં ધોવાયેલાં. સરમાને પોતાની પત્નીની કંપનીઓને સરકારી કામથી દૂર રાખવાની ફરજ પડી હતી.
રીનીકીએ પોતે કશું ખોટું કર્યું નથી એવું બતાવવા માટે ગોગોઈ સામે ૧૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ દાખલ કરેલો પણ પછી કદી કોઈ કાર્યવાહી ના કરી તેથી સરમાનાં પત્નીએ ગરબડો કરી હોવાનું મનાય છે. ગૌરવે પોતાની પત્નીને ટાર્ગેટ કરેલી તેથી સરમાએ બદલો લેવા માટે ગૌરવની પત્નીને ટાર્ગેટ કરી હોવાનું મનાય છે.
અમેરિકામાં ભણેલા ગૌરવ ગોગોઈના પિતા સળંગ 15 વર્ષ આસામના મુખ્યમંત્રી હતા
આસામની જોરહટ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ગૌરવ ગોગોઈની ગણના રાહુલ ગાંધીની નજીકના માણસોમાં થાય છે. ૪૨ વર્ષના ગૌરવ કોંગ્રેસના યુવા આક્રમક નેતા તરીકે જાણીતા છે.
આસામમાં ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવની લોકસભામાં આ ત્રીજી ટર્મ છે. તરૂણ ગોગોઈ ૨૦૦૧થી ૨૦૧૬ સુધી એટલે કે સળંગ ૩ ટર્મ માટે મુખ્યમંત્રી હતા. આસામમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ ગોગોઈના નામે છે. આસામમાં ગોગોઈ પરિવારનો દબદબો છે. ગૌરવ ગોગોઈના દાદા ગણેશ ગણેશ ગોગોઈ જાણીતા કવિ હતા જ્યારે મામા પારન બારબારૂપ ફિલ્મ નિર્માતા છે.
તેમની દીકરી પ્રેરાણ પણ ફિલ્મ ડિરેક્ટર છે જ્યારે કાકા દીપ ગોગોઈ ધારાસભ્ય છે. આસામમાં ભાજપના વધતા પ્રભાવ વચ્ચે પણ કોગ્રેસના જે નેતાઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું તેમાં ગૌરવ ગોગોઈ એક છે.
ગૌરવ ગોગોઈ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં બી.ટેક. છે. બી.ટેક. કર્યા પછી એરટેલમાં કામ કરનારા ગૌરવે એ પછી અમેરિકામાં જઈને ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી. ગૌરવ લાંબો સમય અમેરિકામાં રહ્યા ને નોકરી કરી. એ દરમિયાન જ તેમનો પરિચય એલિઝાબેથ સાથે થયો. બંનેએ ૨૦૧૩માં લગ્ન કર્યાં. આ લગ્નથી તેમને એક દીકરો અને એક દીકરી છે.
ગૌરવે ૨૦૧૩માં લગ્ન પછી ભારત પાછા આવીને રાજકીય કારકિર્દી શરૂ કરી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગૌરવ કાલિયાબોર બેઠક પરથી અને ૨૦૧૯માં ફરી એ જ બેઠક પરથી જીત્યા હતા.
એલિઝાબેથની સંસ્થાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મદદ લીધેલી
ભાજપના નેતા એલિઝાબેથ કોલબર્નની સંસ્થા ક્લાઈમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (સીડીકેએન)ને ટાર્ગેટ કરી રહ્યા છે. ભાજપના નેતાઓનો આક્ષેપ છે કે, સીડીકેએન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું મહોરું છે અને ક્લાઈમેટ ચેન્જની આડમાં આઈએસઆઈ વતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે સીડીકેએન સંસ્થાની મદદ લીધી હતી. ભાજપ એ વિશે શું કહેશે ?
૨૦૧૦ના મે મહિનામાં કાળઝાળ ગરમીના મોજાને કારણે ૧૦૦૦થી વધારે લોકો લોકો માર્યા ગયા હતાં. એ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને અતિશય ગરમીના કારણે જેમને સૌથી વધારે ખતરો છે એવા શહેરની ઝૂંપડપટ્ટીઓ સહિતના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોનું મેપિંગ કરાવીને એક્સ્ટ્રીમ હીટ એક્શન પ્લાન બનાવેલો.
આ એક્શન પ્લાન બનાવવામાં સીડીકેએને મદદ કરી હતી. સીડીકેએનના પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં અતિશય ગરમી પડે છે એવાં સ્થાનોથી લોકોને દૂર રહેવા માટે ચેતવણી આપતું અભિયાન ચલાવાયું હતું. ઉનાળાના મહિનાઓમાં મંદિરો, જાહેર ઇમારતો અને મોલમાં કૂલિંગ સ્પેસીસ સ્થાપવામાં પણ મદદ કરી હતી. આ સિવાય અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરાઈ છે કે જે અતિશય ગરમી પડશે તેની સાત દિવસ પહેલાં ચેતવણી આપી દે છે. અતિશય ગરમી પડે તેનો ભોગ બનતાં લોકોને તાત્કાલિક સારવાર મળે એ માટે મેડિકલ પ્રોફેશનલની મદદથી એક સિસ્ટમ તૈયાર કરાઈ છે. સીડીકેએનના એક્શન પ્લાનનો ૨૦૧૩થી અમલ કરાયો પછી અમદાવાદમાં ગરમીના કારણે થતાં મોતના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે.