ભારતીય મૂળનાં કમલાને પછાડવા ટ્રમ્પ હિંદુવાદી તુલસી ગેબાર્ડના શરણે
- તુલસી ટ્રમ્પ કે આંગન કી...૧૦ સપ્ટેમ્બરની ડીબેટ પર સૌની નજર, ૨૦૧૯માં કમલા સાથે ડીબેટમાં તુલસી છવાઈ ગયા હતા
- ટ્રમ્પે કમલા હેરિસને મદદ કરી એ પાછળનું કારણ તુલસીની ઈલેક્શન સ્ટ્રેટેજીમાં માસ્ટરી હોવાનું કહેવાય છે. ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે તેમની સામે તુલસીનાં કટ્ટર હરીફ હિલેરી ક્લિન્ટન મેદાનમાં હતાં. તુલસીએ ટ્રમ્પને હિલેરીને હરાવવામાં પાછલા બારણે મદદ કરી હતી એવું કહેવાય છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે પણ પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે. આ પ્રક્રિયા ભલભલાનું માથું ચકરાઈ જાય એવી છે પણ બાળપણથી રાજકારણના રંગે રંગાયેલાં તુલસી આ પ્રક્રિયાનાં મહારથી ગણાય છે.
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસના જંગમાં તુલસી ગેબાર્ડની એન્ટ્રી થઈ છે. એક સમયે રીપબ્લિકન પાર્ટીમાંથી પ્રમુખપદનાં ઉમેદવાર બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને પડકારનારાં તુલસી ગેબાર્ડને ટ્રમ્પે કમલા હેરિસ સામેના ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ કાર્ડ બનાવવાનું નક્કી કરતાં તુલસી ચર્ચામાં આવી ગયાં છે. ટ્રમ્પે કમલા હેરિસ સામેના પ્રચાર અને ખાસ તો જાહેર ચર્ચા માટે તૈયારી કરવા તુલસી ગેબાર્ડની મદદ લીધી છે.
અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવારો વચ્ચે ટીવી ચેનલોના મંચ પર થતી જાહેર ચર્ચા બહુ મહત્વની હોય છે. આ ચર્ચામાં પોતાની વાત ભારપૂર્વક મૂકી શકે તેના પ્રમુખપદની ચૂંટણી જીતવાના ચાન્સ વધી જતા હોય છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથેની ચર્ચામાં હાવી થઈ ગયા તેના કારણે ડેમોક્રેટિક પાર્ટીએ બાઈડનને પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસેડીને કમલા હેરિસને ઉમેદવાર બનાવવાં પડયાં તેના પરથી જ આ ચર્ચા કેટલી મહત્વની હોય છે તેનો અંદાજ આવી જાય.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પહેલી ડીબેટ ૧૦ સપ્ટેમ્બરે થવાની છે. ટ્રમ્પ પહેલો ઘા રાણાનો કરીને આ ડીબેટમાં કોઈ પણ રીતે છવાઈ જવા માગે છે તેથી જબરદસ્ત તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ માટે પહેલી ડીબેટ જીતવી જરૂરી છે કેમ કે ડેમાક્રેટિક પાર્ટીએ બિડેનને હટાવીને ભારતીય મૂળનાં કમલા હેરિસને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવ્યાં પછી ડેમોક્રેટિક પાર્ટીની જીતના ચાન્સ વધી ગયા હોવાનું ઓપિનિયન પોલ કહે છે. કમલા હેરિસ આફ્રિકન-અમેરિકન હોવાથી ટ્રમ્પ પર ભારે પડી રહ્યાં છે. આ કારણે ટ્રમ્પે ડીબેટમાં કમલાને હરાવવા માટે અમેરિકાના રાજકારણના અનુભવી ખેલાડીઓની મદદ લીધી છે ને તેમાં તુલસી પણ છે. તુલસી ટ્રમ્પની લક્ઝુરીયસ માર-અ-લાગો ક્લબમાં ટ્રમ્પને પ્રેક્ટિસ કરાવી રહ્યાં છે.
તુલસી ગેબાર્ડ એક સમયે કમલા હેરિસની ડેમોક્રેટિક પાર્ટીનાં જ સાંસદ હતાં. ગેબાર્ડ બે વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી પ્રમુખપદનાં ઉમેદવાર બનવા પ્રયત્ન કરી ચૂક્યાં છે પણ બંને વાર પછડાટ મળી હતી. ૨૦૧૬માં પહેલી વાર હિલેરી ક્લિન્ટન સામે એ મેદાનમાં ઉતરેલાં પણ પછી બર્ની સેન્ડર્સની તરફેણમાં ખસી ગયાં હતાં. ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે પ્રમુખપદની ચૂંટણી વખતે તુલસીએ ડેમોક્રેટિક પાર્ટીમાંથી પ્રમુખપદનાં ઉમેદવાર બનવાની રેસમાં જો બિડેન સામે ઝંપલાવેલું.
કમલા હેરિસ પણ એ વખતે મેદાનમાં હતાં. તુલસી અને કમલા વચ્ચે ૨૦૧૯ના ડીસેમ્બરમાં થયેલી જાહેર ચર્ચામાં તુલસીએ કમલાનાં છોતરાં કાઢી નાંખેલાં ને છવાઈ ગયેલાં. ટ્રમ્પે તુલસીને પસંદ કર્યાં તેનું કારણ આ ડીબેટ છે કમલા એ પછી બિડેનની તરફેણમાં ખસી ગયેલાં. તુલસીએ બિડેનને ટક્કર આપેલી પણ છેવટે બિડેન પ્રમુખપદના ઉમેદવાર બનવાની રેસમાં મેદાન મારી ગયા હતા. તુલસીએ બે વાર હાર્યા પછી પ્રમુખ બનવાનું સપનું અને ડેમોક્રેટિક પાર્ટી બંને છોડી દીધાં. છેલ્લા કેટલાક સમયથી એ ટ્રમ્પની તરફેણમાં છે અને ટ્રમ્પને જીતાડવા માટે મથી રહ્યાં છે.
ટ્રમ્પે કમલા હેરિસને મદદ કરી એ પાછળનું કારણ તુલસીની ઈલેક્શન સ્ટ્રેટેજીમાં માસ્ટરી હોવાનું કહેવાય છે. ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે તેમની સામે તુલસીનાં કટ્ટર હરીફ હિલેરી ક્લિન્ટન મેદાનમાં હતાં. તુલસીએ ટ્રમ્પને હિલેરીને હરાવવામાં પાછલા બારણે મદદ કરી હતી એવું કહેવાય છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે પણ પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે. આ પ્રક્રિયા ભલભલાનું માથું ચકરાઈ જાય એવી છે પણ બાળપણથી રાજકારણના રંગે રંગાયેલાં તુલસી આ પ્રક્રિયાનાં મહારથી ગણાય છે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેની ઈલેક્ટોરલ કોલેજમાં કુલ ૫૩૮ મત છે. જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી એટલે કે ૨૭૦ મત મળે તે પ્રમુખ તરીકે જીતે. અમેરિકાનાં ૫૦ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા (ડીસી)માં આ ૫૩૮ ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. અમેરિકાની રાજધાનીને વોશિંગ્ટન ડી.સી. કહેવાય છે તેમાં ડી.સી. ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા છે. વોશિંગ્ટન સ્ટેટને સમકક્ષ ખાસ દરજ્જો ધરાવે છે. દરેક સ્ટેટને ૨૦૨૦ની વસતી ગણતરીના આધારે વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે. દરેક દાયકાની શરૂઆતમાં અમેરિકામાં વસતી ગણતરી થાય છે ને તેના આધારે પ્રમુખપદની ચૂંટણી માટે દરેક સ્ટેટના ઈલેક્ટોરલ મત નક્કી થાય છે.
અમેરિકામાં પચાસમાંથી માંડ અગિયાર સ્ટેટમાં જેનો ડંકો વાગે એ પ્રમુખ બની જાય છે. કેલિફોર્નિયા (૫૪ ઈલેક્ટોરલ મત), ટેક્સાસ (૪૦), ફ્લોરિડા (૩૦), ન્યુ યોર્ક (૨૮), ઈલિનોય(૧૯), પેન્સિલ્વાનિયા (૧૯), ઓહાયો (૧૭), જ્યોર્જિયા (૧૬), મિશિગન (૧૫), નોર્થ કેરોલિના (૧૬) અને ન્યુ જર્સી (૧૪)એ ૧૦ સ્ટેટના જ મળીને કુલ ૨૬૮ ઈલેક્ટોરલ મત થઈ જાય છે.
આ અગિયારમાંથી પણ કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા અને ન્યુ યોર્ક એ ૪ સ્ટેટ સૌથી વધારે મહત્વનાં છે કેમ કે આ ૪ સ્ટેટના જ કુલ મળીને ૧૫૨ ઈલેક્ટોરલ મત છે. આ ચાર રાજ્યો કબજે કરો પછી બાકીનાં ૪૬ સ્ટેટમાંથી ૧૨૦ મત મેળવવાના રહે એવી સ્થિતી છે. બંને પક્ષના ઉમેદવારોમાંથી જે આ રાજ્યોમાં વધારે જોર કરી જાય તેના જીતવાના ચાન્સ વધારે હોય છે.
તુલસી ગેબાર્ડ નાનકડા સ્ટેટ હવાઈમાંથી આવે છે કે જ્યાં ૪ ઈલેક્ટોરલ મત જ છે તેથી વ્યક્તિગત રીતે તુલસીનો કોઈ પ્રભાવ નથી પણ તુલસી રાજકારણનાં અઠંગ ખેલાડી હોવાથી ક્યા સ્ટેટમાં કઈ સ્ટ્રેટેજી કામ કરશે અને કઈ વ્યક્તિ મદદરૂપ થશે તેનાં મહારથી ગણાય છે. ભૂતકાળમાં બરાક ઓબામાને જીતાડવામાં મદદ કરી ચૂકેલાં તુલસીને ટ્રમ્પે એટલે જ પસંદ કર્યાં હોવાનું મનાય છે.
- તુલસીને ભારત સાથે લેવાદેવા નથી છતાં સૌથી મોટાં હિંદુવાદી નેતા
તુલસી ગેબાર્ડને અમેરિકાનાં હિંદુવાદી નેતા કહેવામાં આવે છે. તુલસીને ભારત સાથે કંઈ લેવાદેવા નથી પણ તેમનાં માતા કેરોલે હિંદુત્વ અપનાવ્યું તેથી તુલસીનો ઉછેર હિંદુત્વના સંસ્કાર સાથે થયો. તુલસીએ આ સંસ્કારો જાળવ્યા ને પોતાને ગર્વથી હિંદુ ગણાવે છે. તુલસી ચૈતન્ય મહાપ્રભુએ સ્થાપેલા ગૌંદિયા વૈષ્ણવ સંપ્રદાયનાં અનુયાયી છે.
અમેરિકન સમોઆમાં ૧૨ એપ્રિલ, ૧૯૮૧ના રોજ જન્મેલાં તુલસીના પિતા માઈક ગેબાર્ડ હવાઈમાં ૨૦૦૬થી સ્ટેટ સેનેટર છે જ્યારે માતા કેરોલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં હતાં. કેરોલ હિંદુ વિચારધારાથી આકર્ષાઈને હિંદુ બન્યાં એટલે પોતાનાં સંતાનોને હિંદુ ધર્મના સંસ્કાર આપ્યા. પિતા માઈકે તેની સામે કદી વાંધો ના લીધો. કેરોલે પોતાના પાંચેય સંતાનોનાં નામ હિંદુ સંસ્કૃતિ પ્રમાણે તુલસી, ભક્તિ, જય, આર્યન અને વૃંદાવન રાખ્યાં છે.
તુલસી ગેબાર્ડ અમેરિકાની લોકસભા એટલે કે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાનારાં પહેલાં હિંદુ કોંગ્રેસવુમન એટલે કે સાંસદ છે. અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાનારાં પહેલાં હિંદુ સભ્ય તુલસી માત્ર ૪૩ વર્ષનાં છે. તુલસી કમલા હેરિસ કરતાં રાજકારણમાં સીનિયર છે. કમલા ૨૦૧૭માં સેનેટર બન્યાં જ્યારે તુલસી ૨૦૧૩માં કોંગ્રેસમાં ચૂંટાયાં હતાં. તુલસી ૨૦૧૩થી ૨૦૧૮ સુધી એટલે કે ૮ વર્ષ માટે સાંસદ રહી ચૂક્યાં છે.
તુલસી નાનપણથી પિતાની રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થતાં હતાં તેથી કદી સ્કૂલે ગયાં નથી. ઘરે રહીને જ સ્કૂલ એજ્યુકેશન પૂરું કરનારાં તુલસીએ હવાઈ પેસિફિક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
અમેરિકાના લશ્કરમાં કામ કરનારાં તુલસી ૨૦૦૨માં એડવર્ડો તામાયોને પરણેલાં પણ ૨૦૦૬માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. ૨૦૧૫મા તુલસીએ હોલીવુડમાં સિનેમેટોગ્રાફર અને એડિટર અબ્રાહમ વિલિયમ્સ સાથે વૈદિક વિધીથી લગ્ન કર્યાં હતાં.
- તુલસી ગેબાર્ડ રશિયન એજન્ટ હોવાના આક્ષેપ
તુલસી ગેબાર્ડે ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી વખતે હિલેરી ક્લિન્ટન સામે મોરચો માંડેલા. બરાક ઓબામાની પ્રમુખપદે બીજી ટર્મ પૂરી થતી હોવાથી ડેમોક્રેટિક પાર્ટીએ નવા ઉમેદવારની શોધ કરવાની હતી. હિલેરી ક્લિન્ટન અને બર્ની સેન્ડર્સ બંને પ્રબળ દાવેદાર હતાં. તુલસી ગેબાર્ડનો ડેમોક્રેટિક પાર્ટીમાં દબદબો હતો અને ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વાઈસ ચેરપર્સન હતાં તેથી તેમની વાતનું વજન પડતું. તુલસીએ વાઈસ ચેરપર્સનપદેથી રાજીનામું આપીને બર્ની સેન્ડર્સને ટેકો આપતાં હિલેરી અને તુલસી વચ્ચે જંગ જામી ગયો હતો. હિલેરીએ તુલસીને 'રશિયન એસે'ટ ગણાવ્યાં હતાં.
તુલસી ૨૦૧૯માં પ્રમુખપદનાં ઉમેદવાર બનવાની રેસમાં ઉતર્યાં ત્યારે હિલેરી ક્લિન્ટને તુલસીનું નામ લીધા વિના આક્ષેપ કરેલો કે, ટ્રમ્પને ફરી જીતાડવા માટે રશિયા ત્રીજા પક્ષમાંથી કોઈ મહિલાને પ્રમુખપદની ચૂંટણીમાં ઉતારી શકે છે. અમેરિકાના મીડિયામાં પણ તુલસીએ ૨૦૧૬ની ચૂંટણીમાં હિલેરીને હરાવવા માટે રશિયાને મદદ કરી હોવાના આક્ષેપો સાથેના રીપોર્ટ છપાયા હતા. તુલસીએ તેનો જવાબ આપતાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર જંગ જામ્યો હતો.