Get The App

ઈરાનનું પાકિસ્તાન પર આક્રમણ, ચીનનાં બે બગલબચ્ચાં ઝગડયાં

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ઈરાનનું પાકિસ્તાન પર આક્રમણ, ચીનનાં બે બગલબચ્ચાં ઝગડયાં 1 - image


- પાકિસ્તાન ભારતમાં ગંદો ખેલ ખેલે છે અને ઈરાનમાં પણ તે આવી જ રમત રમે છે : ઈરાનને પાકિસ્તાન પર હલ્લાબોલનો પૂરો અધિકાર છે

- પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંઘર્ષનું કારણ ઈરાનના ભાગલા કરવા માગતાં સુન્ની મુસ્લિમ સંગઠનો છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક સમયે ગાઢ સંબંધો હતા. ઈરાનમાં શાહના સમયમાં ને પછી આયાતોલ્લાહ ખોમૈનીના સમયમાં પણ આ સંબંધો જળવાયેલા. ઈરાક અને ઈરાન વચ્ચેના યુધ્ધ સમયે પણ પાકિસ્તાને ઈરાનને મદદ કરેલી. પાકિસ્તાનમાંથી અલગ બલુચિસ્તાન દેશની રચના માટેની ચળવળ શરૂ થઈ ત્યારે ઈરાન અને પાકિસ્તાને સાથે મળીને તેમનો સફાયો કરવાનાં મિલિટરી ઓપરેશન્સ કરેલાં છે.

એક તરફ રશિયા અને યુક્રેનનું યુધ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ લડી રહ્યાં છે ત્યાં હવે ઈરાને પાકિસ્તાન પર હુમલો કરી નાખતાં ત્રીજો મોરચો ખૂલી ગયો છે. ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બલુચિસ્તાનના કોહ-એ-સબ્ઝ એરીયામાં મિસાઈલમારો કરતાં ભડકેલા પાકિસ્તાને એ જ ભાષામાં જવાબ આપવાની ધમકી આપતાં તણાવ થઈ ગયો છે. ઈરાને સોમવારે નોર્ધર્ન ઈરાક અને સીરિયામાં મિસાઈલમારો કરેલો. હવે પાકિસ્તાનમાં પણ ધડબડાટી બોલાવતાં શિયા વર્સીસ સુન્નીનો મુદ્દો પણ ચગ્યો છે. 

પાકિસ્તાનનો દાવો છે કે, ઈરાને કોઈ પણ ઉશ્કેરણી વિના પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘૂસણખોરી કરીને અને પાકિસ્તાનની હવાઈ સીમાનો ભંગ કરીને છોડેલાં મિસાઈલના કારણે બે બાળકો સહિત ઘણાં લોકોનાં મોત થયાં છે. ઈરાનનું કહેવું છે કે, પાકિસ્તાન ઠોકાઠોક કરે છે કેમ કે પોતે પાકિસ્તાનના વિસ્તારોમાં ના તો ઘૂસણખોરી કરી છે કે ના નાગરિક વિસ્તારોમાં મિસાઈલ છોડયાં છે. ઈરાને તો આતંકવાદી સંગઠન જૈશ અલ-અદ્લના આતંકવાદી કેમ્પોને ટાર્ગેટ કરીને પ્રિસિઝન મિસાઈલ અને ડ્રોન એટેક કરેલો. 

જૈશ અલ-અદ્લ આતંકવાદી સંગઠને કરેલા દાવા પ્રમાણે, ઈરાને જૈશ અલ-અદ્લના લડવૈયાઓના પરિવારો રહે છે એ ગામને ટાર્ગેટ કરીને હુમલો કરેલો. ઈરાનની રીવોલ્યુશનરી ગાર્ડ્સે છ એટેક ડ્રોન્સ તથા સંખ્યાબંધ રોકેટ વડે કરેલા હુમલામાં એક ૮ વર્ષની અને એક ૧૨ વર્ષની છોકરીનાં મોત થયાં છે જ્યારે એક મસ્જિદને નુકસાન થયું છે.

ઈરાને આ વાતોને પણ ખોટી ગણાવીને કહ્યું છે કે, પાકિસ્તાન આતંકીઓને પોષે છે તેથી પોતે હુમલો કરવો પડયો, બાકી પોતાને કોઈ દેશ પર હુમલો કરવાનો શોખ નથી થતો. ઈરાનના કહેવા પ્રમાણે, ગયા મહિને જૈશ અલ-અદ્લ સંગઠને ઈરાનના સિસતાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશનમા કરેલા હુમલામાં ૧૧ પોલીસોનાં મોત થયેલાં. આ હુમલો કર્યા પછી જૈશ અલ-અદ્લના આતંકી પાકિસ્તાન ભાગી આવેલા અને પોતાના કેમ્પમાં સલામત રીતે રહેતા હતા. પાકિસ્તાનને જાણ કરાઈ છતાં તેમણે કોઈ પગલાં ના ભરતાં ઈરાને પોતાની રીતે આતંકવાદી કેમ્પોને ટાર્ગેટ કરીને રોકેટ છોડવાં પડયાં.

પાકિસ્તાન હવે ઈરાન સામે શું કરે છે તેના પર આખી દુનિયાની નજર છે પણ આ હુમલાએ ભારતીયોને ચોક્કસ ચોંકાવી દીધા છે. તેનું કારણ એ કે, મોટા ભાગના ભારતીયો એવું જ માને છે દુનિયામાં મુસ્લિમ રાષ્ટ્રો એક છે અને તેમના વચ્ચે ઝગડા થતા જ નથી. બીજું એ કે, ઈરાન અને પાકિસ્તાન બંને ભારતની નજીક છે પણ બંને વચ્ચે કઈ મતભેદો છે કે ઝગડા છે તેની પણ મોટા ભાગના ભારતીયોને ખબર નથી. ત્રીજું એ કે, ઈરાન અને પાકિસ્તાન બંને અત્યારે ચીનના ખોળામાં બેઠેલાં છે તેથી આખી દુનિયા તેમને મિત્રો જ માને છે. હવે અચાનક જ બંને સામસામે આવી ગયાં તેના કારણે આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંઘર્ષનું કારણ ઈરાનના ભાગલા કરવા માગતાં સુન્ની મુસ્લિમ સંગઠનો છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક સમયે ગાઢ સંબંધો હતા. ઈરાનમાં શાહના સમયમાં ને પછી આયાતોલ્લાહ ખોમૈનીના સમયમાં પણ આ સંબંધો જળવાયેલા. ઈરાક અને ઈરાન વચ્ચેના યુધ્ધ સમયે પણ પાકિસ્તાને ઈરાનને મદદ કરેલી. પાકિસ્તાનમાંથી અલગ બલુચિસ્તાન દેશની રચના માટેની ચળવળ શરૂ થઈ ત્યારે ઈરાન અને પાકિસ્તાને સાથે મળીને તેમનો સફાયો કરવાનાં મિલિટરી ઓપરેશન્સ કરેલાં છે. 

ઈરાન અને પાકિસ્તાનના સંબંધો બગડવાની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં સદ્દામ હુસૈને ઈરાનમાં સતત અશાંતિ ઉભી થયા કરે એ માટે જુનદુલ્લાહ નામનું સુન્ની બલુચ સંગઠન ઉભું કરાવ્યું એ સાથે થઈ. આ સંગઠન ઈરાનના સુન્ની બલુચ મુસ્લિમોનો અલગ દેશ બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલું. આ સંગઠનને અમેરિકા મદદ કરે છે અને પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ તેના માટે થાય છે એવી ઈરાનને શંકા હતી. 

ઈરાને પાકિસ્તાનને જુનદુલ્લાહનો સફાયો કરવા કહ્યું પણ અમેરિકા સામે પડીને તેનો સફાયો કરવાની પાકિસ્તાનની તાકાત નહોતી તેથી તણાવ શરૂ થયો. જુનદુલ્લાહના આતંકવાદીઓ ઈરાનમાં હુમલા કરીને પાકિસ્તાનમાં ઘૂસી જતા ને અમેરિકાની છત્રછાયામાં પહોંચી જતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી તો અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધામા જ નાંખી દીધેલા. તેના કારણે જુનદુલ્લાહને ભરપૂર મદદ મળવા માંડી ને ઈરાનમાં હુમલા વધ્યા. તેના કારણે પાકિસ્તાન સાથેના સંબંધો વધારે બગડયા. 

જુનદુલ્લાહે પછી અલ કાયદા સાથે હાથ મિલાવ્યા તેથી અમેરિકાને પણ એ અળખામણું લાગવા માંડયું. જુનદુલ્લાહની સ્થાપના અબ્દુલમલેક રીગીએ કરેલી. અમેરિકાએ ટીપ આપીને તેને પકડાવી દીધો પછી ઈરાને તેને ફાંસી આપેલી. એ વખતે જુનદુલ્લાહ નબળું પડેલું. તેના હજાર જેટલા આતંકવાદીઓ ધણીધોરી વિનાના થઈ ગયેલા. સલાહુદ્દીન ફારૂકીએ તેમને પોતાના પડખામાં લઈને જૈશ અલ-અદ્લ નામનું નવું સંગઠન બનાવી દીધું તેથી ઈરાન સામે પાછો જંગ શરૂ થઈ ગયો.  

કોઈ પણ દેશ પોતાના ભાગલા પાડવાનાં સપનાં જોનારાં સંગઠનોને સહન ના જ કરે એ જોતાં ઈરાન પણ જૈશ અલ-અદ્લને સાફ કરવા મથે તેમાં કશું ખોટું નથી. પાકિસ્તાન ભારતમાં જે ગંદો ખેલ ખેલે છે એ ખેલ ઈરાનમાં પણ ખેલે છે તેથી ઈરાનને પાકિસ્તાન પર હલ્લાબોલ કરવાનો પૂરો અધિકાર છે.

પાકિસ્તાને ઈરાનમાં પણ આતંકવાદ ભડકાવ્યો, બલુચ અલગતાવાદીઓને પોષ્યા

ઈરાને જેના કારણે પાકિસ્તાન પર મિસાઈલમારો કર્યો એ જૈશ અલ-અદ્લ સુન્ની સલાફી સંગઠન છે. ઈસ્લામમાં મોહમ્મદ પયગંબર સાહેબ સહિતની ત્રણ પેઢીના મુસલમાનોને સૌથી પવિત્ર માનીને તેમને સલાફ કહેવામાં આવે છે. ઓગણીસમી સદીમાં આ સલાફ વિચારધારા પ્રમાણે વિશ્વમાં ઈસ્લામનું શાસન સ્થાપવાની ચળવળ શરૂ થઈ તેને શલાફી ચળવળ કહે છે. 

જૈશ અલ-અદ્લ આ વિચારાધારેન વરેલું સંગઠન છે કે જે પાકિસ્તાન અને ઈરાનના સુન્ની બલુચી મુસ્લિમોનું અલગ રાષ્ટ્ર બનાવવા માગે છે. ઈરાન અને અમેરિકાને બનતું નથી પણ આ સંગઠનને બંનેએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. સલાહુદ્દીન ફારૂકી સંગઠનનો વડો છે.

ઈરાનમાં બહુમતી શિયા મુસ્લિમો છે પણ થોડા પ્રમાણમાં સુન્ની મુસ્લિમો પણ છે. આ પૈકીના મોટા ભાગના પાકિસ્તાન સાથેની સરહદ પરના દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સિસતાન અને બલોચેસ્તાન પ્રાંતમાં રહે છે. જૈશ અલ-અદ્લ આ વિસ્તારોને ઈરાનથી અલગ કરીને નવું મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે. ૨૦૧૨માં સ્થપાયેલા આ સંગઠનમાં ૫૦૦ જેટલા આતંકવાદી જ છે પણ આ આતંકવાદીઓ ઈરાનમાં હુમલા કર્યા પછી પાકિસ્તાનમાં ઘૂસી જાય છે તેથી ઈરાન તેમનો સફાયો કરી શકતું નથી.

પાકિસ્તાનમાં સુન્ની મુસલમાનોની બહુમતી હોવાથી પાકિસ્તાનની સરકાર, લશ્કર, આઈએસઆઈ અને આતંકી સંગઠનો પણ તેને મદદ કરે છે. ઈરાનમાં આતંક ફેલાવતાં કુર્દિશ અને બીજાં સુન્ની સંગઠનો પણ તેને મદદ કરે છે જ્યારે તાલિબાન તેની વિરૂધ્ધ છે. તાલિબાને ફારૂકીના ભાઈ અમીર નારોયુઈની હત્યા કરી હતી.

પાકિસ્તાન-ઈરાન બંને પાસે પરમાણુ શસ્ત્રો પણ ઈરાન વધુ તાકાતવર

પાકિસ્તાન અને ઈરાનનો જંગ લશ્કરી રીતે બે બળિયાનો જંગ છે એવું કહી શકાય કેમ કે બંને પાસે પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાન સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો ધરાવે છે જ્યારે ઈરાને ખાનગીમાં પરમાણુ બોમ્બ વિકસાવી દીધો છે. ઈરાને ખાનગીમાં ચલાવેલા પરમાણુ કાર્યક્રમની વાતો બહાર આવતાં અમેરિકાએ આકરા પ્રતિબંધો લાદીને રોકવાની કોશિશ કરી પણ ઈરાને અમેરિકાની ઐસીતૈસી કરીને પણ ધરાર પરમાણુ બોમ્બ બનાવ્યો છે. આ સંજોગોમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનાં છમકલાં બહુ મોટા યુધ્ધનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા ઓછી છે. 

જો કે આર્થિક રીતે ઈરાન વધારે તાકાતવર છે અને યુદ્ધો લડવાના મામલે પણ પાકિસ્તાન કરતાં વધારે સારો રેકોર્ડ ધરાવે છે. પાકિસ્તાને પોતાની ધાક ઉભી કરવા ભારત પર ચાર વાર આક્રમણ કર્યાં પણ ચારેય વાર ભૂંડી રીતે હાર્યું છે. તેની સામે ઈરાન અમેરિકા જેવા દુનિયાના દાદા સામે છેલ્લા લગભગ પાંચ દાયકાથી ઝીંક ઝીલે છે. 

અમેરિકાએ સદ્દામ હુસૈનના ઈરાકને તમામ પ્રકારની કરીને ઈરાન સામે લાંબો જંગ કરાવ્યો પણ ઈરાન નમ્યું નહીં. સદ્દામ પણ પતી ગયા ને ઈરાક ફનાફાતિયા થઈ ગયું પણ ઈરાન અડીખમ છે. છેલ્લાં કેટલાંક વરસોથી ઈસ્લામિક સ્ટેટ સહિતનાં આતંકવાદી સંગઠનો અને ઈઝરાયલ પણ ઈરાનને પછાડવા મથે છે પણ ઈરાન હારતું નથી. ઉલટાનું ઈરાને સીરિયા, યમન, લેબેનોન સહિતના બધા દેશોમાં શિયા મુસ્લિમોનાં સંગઠનો ઉભા કરાવીને પોતાની સ્થિતી મજબૂત કરી છે.

News-Focus

Google NewsGoogle News