બિહારમાં લાલુ કિડનેપિંગના કિંગપિન : 15 વર્ષમાં 32 હજાર અપહરણ
- પટણા હાઈકોર્ટે બિહારમાં જંગલ રાજ ચાલે છે એવી ટીપ્પણી કરી હતી પણ મીડિયા લાલુની ગુંડાગીરીથી ડરતું હતું એટલે કિડનેપિંગના કેસો વિશે લખવાની હિંમત જ નહોતી ચાલતી
- લાલુએ બિહારના ઉભરતા અપરાધીઓને રાજકારણમાં લાવીને ધારાસભ્યો અને સાંસદો બનાવી દીધા હતા. આ ગેંગસ્ટર્સે રાજકારણમાં આવ્યા પછી લાલુના ઈશારે કિડનેપિંગનો ધંધો અપનાવીને લાલુને માલદાર બનાવી દીધા હોય એ વાત ગળે ઉતરી જાય એવી છે. ૧૯૯૨થી ૨૦૦૫ દરમિયાન બિહારમાં કુલ ૩૨,૦૮૫ અપહરણ થયેલાં એવું પોલીસના આંકડા કહે છે. મતલબ કે, દરરોજનાં છ અપહરણ થતાં હતાં. ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઝવેરીઓ, નાના બિઝનેસમેન, કોન્ટ્રાક્ટરો વગેરેનાં અપહરણ કરાવાતાં. તેમની પાસેથી દસ-વીસ લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવાતી. આટલા મોટા પ્રમાણમાં અપહરણો થતાં હોય છતાં પોલીસ કશું ન કરે, સરકાર ચૂપચાપ તમાશો જોયા કરે એ ત્યારે જ શક્ય બને કે જ્યારે સત્તામાં બેઠેલા લોકોના અપહરણકારોને આશિર્વાદ હોય.
બિહારમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેડીયુ-ભાજપ અને આરજેડી-કોંગ્રેસ ચૂંટણીની તૈયારીમાં લાગેલાં છે ત્યારે જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના સાળા અને રબડીદેવીના ભાઈ સુભાષ યાદવે ધડાકો કર્યો છે. સુભાષનો દાવો છે કે, બિહારમાં ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં ફૂલેલા ફાલેલા કિડનેપ બિઝનેસના સૂત્રધાર લાલુ પ્રસાદ યાદવ પોતે હતા. સુભાષના કહેવા પ્રમાણે, બિહારના મુખ્યમંત્રી આવાસમાંથી અપહરણના કેસોનું સંચાલન થતું. લાલુ પોતે જ અપહરણકારોને ફોન કરતા અને અપહરણની રકમ નક્કી કરીને નિવેડો પણ લાવતા હતા. સુભાષના કહેવા પ્રમાણે, વિપક્ષો અપહરણના કેસોમાં પોતે ડીલ કરતો હોવાના આક્ષેપો કરતા હતા પણ હું અપહરણો કરાવવામાં સંડાવાયેલો હોત તો લાલુની જેમ જેલમાં હોત.
સુભાષના આક્ષેપે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ-જેડીયુને રાષ્ટ્રીય જનતા દળ સામે નક્કર મુદ્દો આપી દીધો છે તો બીજી તરફ યાદવ પરિવારના કમઠાણને પણ લોકો સામે ખુલ્લુ મૂકી દીધું છે. લાલુનો પરિવાર તો સુભાષના આક્ષેપો સામે ચૂપ છે પણ સુભાષનો મોટો ભાઈ સાધુ યાદવ લાલુના બચાવમાં મેદાનમાં આવ્યો છે.
સાધુ યાદવને પણ લાલુના પરિવાર સાથે બારમો ચંદ્રમા છે. બંને પરિવારોના સંબંધો એટલા ખરાબ છે કે, ત્રણ વર્ષ પહેલાં તેજસ્વી યાદવનાં લગ્ન વખતે પણ સઋાધુ ને સુભાષના પરિવારમાંથી કોઈ નહોતું આવ્યું. સાધુ લાલુની વિરોધી છાવણીમાં છે પણ સુભાષના આક્ષેપો સાંભળીને તેને લાલુ પર હેત ઉભરાયું છે. સાધુનું કહેવું છે કે, સુભાષ પોતે જ ગુંડો છે અને લાલુના શાસન વખતે તેણે ઓછી લીલાઓ નહોતી કરી. અત્યારે સુભાષ લાલુ વિરોધીઓનો હાથો બનીને બકવાસ આક્ષેપો કરી રહ્યો છે.
સાધુની વાત ખોટી નથી કેમ કે સુભાષ પર એજન્સીઓની તવાઈ તો છે જ. ૨૦૨૨માં સુભાષ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધીને તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયેલું. ગયા વરસે મની લોન્ડરિંગનો કેસ કરીને જેલભેગો કરી દેવાયેલો ને માંડ માંડ જેલની બહાર આવ્યો છે તેથી સુભાષના મનમાં સત્યનો ઉજાસ પથરાઈ ગયો છે એવું જરાય નથી. સામે બિહારમાં લાલુના શાસન વખતે બિહારમાં ગુનાખોરી બેફામ વધી હતી તેમાં પણ મીનમેખ નથી.
લાલુ પ્રસાદ ૧૯૯૦થી ૧૯૯૭ અને એ પછી તેમનાં પત્ની રબડીદેવી ૨૦૦૫ સુધી બિહારનાં મુખ્યમંત્રી હતાં. એ દરમિયાન બિહારમાં ગુનાખોરી બેફામ વધી હતી ને તેમાં સૌથી ધિકતો ધંધો કિડનેપિંગનો હતો. લાલુએ બિહારના ઉભરતા અપરાધીઓને રાજકારણમાં લાવીને ધારાસભ્યો અને સાંસદો બનાવી દીધા હતા. આ ગેંગસ્ટર્સે રાજકારણમાં આવ્યા પછી લાલુના ઈશારે કિડનેપિંગનો ધંધો અપનાવીને લાલુને માલદાર બનાવી દીધા હોય એ વાત ગળે ઉતરી જાય એવી છે. કમ સે કમ કિડનેપિંગના આંકડા જોયા પછી તો એવું જ લાગે.
લાલુ ૧૯૯૦માં મુખ્યમંત્રી બન્યા તેના બે વર્ષ પછીથી એટલે કે ૧૯૯૨થી ૨૦૦૫ દરમિયાન બિહારમાં કુલ ૩૨,૦૮૫ અપહરણ થયેલાં એવું પોલીસના આંકડા કહે છે. મતલબ કે, દરરોજનાં છ અપહરણ થતાં હતાં. આ પૈકી મોટા ભાગના કેસોમાં ખંડણી માટે જ અપહરણ થતાં તેથી રૂપિયા આપી દેવાય એટલે અપહૃતોને છોડી દેવાતા હતા. રાજકારણીઓ ડોક્ટરો, ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ્સ, ઝવેરીઓ, નાના બિઝનેસમેન, કોન્ટ્રાક્ટરો વગેરેને ટાર્ગેટ કરીને તેમનાં અપહરણ કરાવતા. તેમની પાસેથી દસ-વીસ લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવાતી. આટલા મોટા પ્રમાણમાં અપહરણો થતાં હોય છતાં પોલીસ કશું ન કરે, સરકાર ચૂપચાપ તમાશો જોયા કરે એ ત્યારે જ શક્ય બને કે જ્યારે સત્તામાં બેઠેલા લોકોના અપહરણકારોને આશિર્વાદ હોય.
બિહારમાં કિડનેપિંગના ધંધા વિશે વરસો સુધી તો લોકોને ખબર જ નહોતી. પોલીસ કેસ નોંધતી પણ કશું કરતી નહીં. પોલીસ અપહરણકારો અને અપહૃતોના પરિવારો વચ્ચે દલાલી કરીને કમિશન ખાતી. ખંડણીની રકમ મળી જાય એટલે અપહૃતોને છોડી દેવાતા. પોલીસ પોતે અપહૃતોને છોડાવી લાવી ને અપહરણકારો ભાગી ગયા એવું લખીને કેસ બંધ કરી દેતી. ધીરે ધીરે સ્થિતી એ થઈ ગઈ કે, અપહરણ થાય એટલે લોકો પોલીસ કે પોલીટિશિયન પાસે જઈને પૈસા આપીને સ્વજનને છોડાવી લાવતા.
બિહારમાં ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં લાલુ પ્રસાદનું એકચક્રી શાસન હતું ને નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન સહિતના નેતા લાલુની સાથે જનતા દળમાં હતા તેથી આ મુદ્દા ઉઠાવનારું કોઈ નહોતું. ૧૯૯૪માં નીતિશ અને ફર્નાન્ડિઝે અલગ થઈને સમતા પાર્ટી બનાવી પછી તેમણે આ મુદ્દા ઉઠાવ્યા પણ કોઈ તેમને સાંભળનારું નહોતું. લાલુ-રબડી એ હદે બેફામ હતાં કે, ૧૯૯૭ના ઓગસ્ટમાં પટણા હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં બિહારમાં જંગલ રાજ ચાલે છે એવી ટીપ્પણી કરી હતી પણ તેનાથી લાલુ-રબડીને કોઈ ફરક જ નહોતો પડતો. મીડિયા લાલુની ગુંડાગીરીથી એ હદે ડરતું કે, કિડનેપિંગના કેસો વિશે લખવાની હિંમત જ નહોતી ચાલતી.
કેન્દ્રમાં ૧૯૯૮માં ભાજપની સરકાર આવી ને નીતિશ તથા જ્યોજ ફર્નાન્ડિઝ કેન્દ્રમાં મંત્રી બન્યા પછી તેમનો પ્રભાવ વધતાં તેમણે લાલુ પ્રસાદના વર્ચસ્વને તોડવા કમર કસી. તેના કારણે અપહરણના કેસોમાં હોહા શરૂ થઈ. ૨૦૦૨માં પટણાના ત્રણ ડોક્ટરોનાં અપહરણ થયેલાં. આ પૈકી ડો. ભરતસિંહ નામના ઓર્થોપેડિક ડોક્ટરના અપહરણના મુદ્દાને વિપક્ષોએ જબરદસ્ત ચગાવેલો. લોકો રસ્તા પર ઉતરી આવેલાં ને છેવટે ડો. ભરતસિંહને કશું લીધા વિના છોડી દેવા પડેલા.
આ કિસ્સો લાલુના ઈશારે કિડનેપ થતાં એ સાબિત કરે છે કેમ કે તેમના પર તવાઈ આવતાં જ ડોક્ટરને છોડી દેવાયેલા. એવા જ બીજા કેસમાં હિંદુસ્તાન ટાઈમ્સના ફોટોગ્રાફર અશોક કર્ણનું અપહરણ થયેલું. પત્રકારોએ હોહા કરતાં લાલુએ ખાતરી આપેલી કે, બે કલાકમાં કર્ણ છૂટી જશે ને ખરેખર બે કલાકમાં અશોક કર્ણ ઘેર આવી ગયેલા.
આ બધા કાંડના કારણે કિડનેપિંગ બિહારમાં મોટો મુદ્દો બની ગયેલો. ૨૦૦૫ની વિધાનસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીએ પટણામાં સવાલ કરેલો કે, મેરા કિસલય કહાં હૈ ? કિસલય નામના છોકરાનું અપહરણ થયેલું ને એ મુદ્દો વાજપેયીએ ઉઠાવેલો. થોડા કલાકોમાં કિસલયને સમસ્તીપુરમાંથી પોલીસ છોડાવી લાવેલી. ૨૦૦૫ની ચૂંટણી વખતે જ બિહારના પોલીસ વડા ડી.પી. ઓઝાએ ધડાકો કરેલો કે, લાલુ સરકારના મંત્રી રાઘવેન્દ્ર પ્રતાપ સિંહના સગાનું અપહરણ થયેલું ત્યારે તેમણે પોતે ૩૦ લાખ ખંડણી આપી પછી છોકરાને છોડયો હતો. આ બધી વાતોના કારણે લાલુ ૨૦૦૫માં હારી ગયા ને નીતિશ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે સપાટો બોલાવીને કિડનેપિંગનો ધંધો બંધ કરાવી દીધો છે.
સુભાષની વાતમાં એ રીતે દમ છે પણ સુભાષ પોતે એ વખતે લાલુની સાથે જ હતો. એ વખતે સુભાષ જ કિડનેપિંગના બિઝનેસનો સૂત્રધાર કહેવાતો એ જોતાં સુભાષના આક્ષેપો સાંભળ્યા પછી કુડું કથરોટને હસતંમ હોય એવું લાગે.
- રબડીની બહેનોનાં નામઃ જલેબી, રસગુલ્લા, પાન... એસ-વન અને એસ-ટુ ભ્રષ્ટાચારના સૂત્રધાર
સુભાષ યાદવ બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રબડી દેવીનો સૌથી નાનો ભાઈ છે. રબડીને સુભાષ ઉપરાંત પ્રભુનાથ અને અનિરૂદ્ધ પ્રસાદ ઉર્ફે સાધુ યાદવ એમ બીજા બે ભાઈ છે અને જલેબી, રસગુલ્લા અને પાન એમ ત્રણ બહેનો છે. રબડીના પિતાએ ચારેય બહેનોનાં નામ મીઠાઈ પરથી રાખ્યાં હતાં.
સુભાષ યાદવ બિહાર સચિવાલયમાં લાલુ પ્રસાદની મહેરબાનીથી ક્લાર્ક બન્યો હતો. લાલુએ ઘાસચારા કૌભાંડમાં ભ્રષ્ટાચારના કારણે ૧૯૯૭ના જુલાઈમાં બિહારના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડયું પછી રબડી દેવીને મુખ્યમંત્રી બનાવેલાં. બહેન મુખ્યમંત્રી બનતાં જ સુભાષ સરકારી નોકરી છોડીને બહેન-બનેવીની સેવામાં હાજર થઈ ગયો. સુભાષ અને તેના ભાઈ સાધુ યાદવ રબડીના શાસનમાં બિહારના બેતાજ બાદશાહ હતા. બિહારમાં એ વખતે કહેવાતું કે લાલુ હંમેશાં એસ-વન અને એસ-વનથી જ ઘેરાયેલા હોય છે. એસ-૧ એટલે સાળા નંબર વન સાધુ અને એસ-૨ એટલે સાળા નંબર ટુ સુભાષ. સુભાષ લાલુ-રબડીનો વિશ્વાસપાત્ર હોવાથી ૧૯૯૮માં બિહાર વિધાન પરિષદનો સભ્ય અને પછી ૨૦૦૪માં બિહારમાંથી રાજ્યસભાનો સભ્ય પણ બન્યો હતો.
સુભાષ સામે નાના-નાના કેસો છે પણ તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી પણ સુભાષનું નામ ૧૯૯૯માં લાલુ-રબડીની દીકરી મિસા ભારતીનાં લગ્ન વખતે આરજેડીના ધારાસભ્યો બચ્ચા રાય અને આઝાદ ગાંધીએ પટણાના દરેક શોરૂમમાંથી કારો ઉઠાવી હતી એ વિવાદમાં તેનું નામ ચગ્યું હતું. સુભાષના ઈશારે આ કાંડ કરાયો હોવાનું કહેવાય છે. ૨૦૧૦માં લાલુ-રબડીએ પોતાના દીકરાઓને આગળ કરવાની શરૂઆત કરી પછી સુભાષના ભાવ ગગડવા માંડયા હતા. જો કે સુભાષને હમણાં સુધી આરજેડીએ ટિકિટ આપી પણ એ જીતી શક્યો નથી.
- શાહબુદ્દીન-તસલીમુદ્દીન કિડનેપિંગ નેટવર્કના સૂત્રધારો
બિહારમાં અપહરણના ધંધામાં રાજકારણીઓ સંડોવાયેલા હતા એ હકીકત છે. શિવાનનો બેતાજ બાજશાહ કહેવાતો મોહમ્મદ શાહબુદ્દીન અને મોહમ્મદ તસલીમુદ્દીન બિહારમાં અપહરણના રેકેટના સૂત્રધારો મનાતા હતા. બંને લાલુ પ્રસાદ યાદવના ખાસ માણસો હતા. શાહબુદ્દીન બિહાર વિધાનસભામાં બે વાર અને લોકસભામાં ચાર વાર ચૂંટાયો હતો. તસલીમુદ્દીન બિહાર વિધાનસભામાં ૮ વાર અને લોકસભામાં પાંચ વાર ચૂંટાયા હતા.
બિહારી નિર્દેશક પ્રકાશ ઝાએ બિહારના અપહરણના ધંધા પર અપહરણ નામે ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નાના પાટેકરે કિડનેપિંગ નેટવર્કના સૂત્રધાર ધારાસભ્ય તબરેઝ આલમની ભૂમિકા ભજવી હતી જ્યારે અજય દેવગન તેના ઈશારે અપહરણ કરતા ગેંગસ્ટર અજય શાસ્ત્રીની ભૂમિકામાં હતો. તબરેઝ આલમનો રોલ મોહમ્મદ શાહબુદ્દીનથી પ્રેરિત હતો એવું કહેવાય છે.