સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશને તિલાંજલિ આપવાના ચક્રો ગતિમાન
- આવતા જુલાઇ મહિનાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો સરકારનો નિર્ણય
- ગઇ સદીની ક્રાંતિકારી શોધ ગણાયેલું પ્લાસ્ટિક આજે દુનિયાભરના દેશો માટે માથાનો દુઃખાવો બની ગયું છે અને ધરતીને પ્રદૂષણમુક્ત બનાવવાના પ્રયાસોમાં સૌથી મોટા અવરોધસમાન બની રહ્યું છે
ભારત સરકારે આવતા વર્ષે જુલાઇ મહિનાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશો મુજબ પ્લાસ્ટિકના ચમચી, પ્લાસ્ટિક સ્ટિકવાળા ઇયરબડ અને આઇસક્રીમની પ્લાસ્ટિક સ્ટિક પણ બેન કરવામાં આવશે.
પોલિસ્ટાયરિન વપરાતું હોય એવા તમામ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના નિર્માણ, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાગુ થશે. આમ તો ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક બેગ ઉપર પહેલેથી જ પ્રતિબંધ છે. હવે સરકાર તબક્કાવાર વધારે જાડાઇવાળી પ્લાસ્ટિક બેગ અને અન્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિકના સામાનને બેન કરવાની યોજના પણ તૈયાર કરી રહી છે.
આશીર્વાદ ગણાયેલું પ્લાસ્ટિક હવે અભિશાપ
ઇસવીસન ૧૯૦૭માં બેલ્જિયમ મૂળના અમેરિકન વૈજ્ઞાાનિક લિયો બેકલેન્ડે જ્યારે પોતાના ઘરમાં બનાવેલી પ્રયોગશાળામાં દુનિયાના સૌપ્રથમ સિન્થેટિક પ્લાસ્ટિક બેકેલાઇટની શોધ કરી ત્યારે કહ્યું હતું કે તેમની આ શોધ ક્રાંતિકારી સાબિત થશે.
તેમની એ વાત ખોટી પણ નહોતી કારણ કે ત્યારપછીના વર્ષોમાં પ્લાસ્ટિકની બનેલી અવનવી પ્રોડક્ટ્સે ઘરઘરમાં સ્થાન જમાવી લીધું. એક સમયે સદીની સૌથી મોટી શોધ ગણાયેલું પ્લાસ્ટિક આજે ધરતીને પ્રદૂષણમુક્ત બનાવવાની રાહમાં સૌથી મોટો અવરોધ બની ગયું છે.
આંકડા જણાવે છે કે વર્ષ ૧૯૫૦થી અત્યાર સુધીમાં આખી દુનિયામાં ૮.૩ અબજ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે પરંતુ એમાંના ૨૦ ટકાનું જ રિસાઇકલિંગ થઇ શક્યું છે. આપણા દેશમાં એક જ દિવસમાં ૨૬ હજાર મેટ્રિક ટન કરતા વધારે પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. આમાં દેશના ૬૦ શહેરોનો આંકડો ૪૦૫૯ ટન છે.
આ પ્લાસ્ટિકનો લગભગ ૪૦ ટકા હિસ્સો તો એક વખત વપરાશમાં લઇ શકાતા એટલે કે સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકનો છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા ૭૦ વર્ષોમાં જેટલા પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે એનું અડધોઅડધ ઉત્પાદન છેલ્લા બે દાયકામાં જ થયું છે.
ભારતમાં પ્લાસ્ટિક દ્વારા થતું પ્રદૂષણ વિકરાળ સમસ્યા
ભારતમાં પ્લાસ્ટિક દ્વારા થતા પ્રદૂષણની વાત કરવામાં આવે તો આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આજે દેશની દરેક સડકો, ગલીકૂંચીઓ, ગટરો, જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકનો કચરો નજરે પડે છે. નદીઓ અને સમુદ્રોમાં પણ પાણીની અસંખ્ય બોટલો તરતી જોવા મળે છે.
પર્યટક સ્થળો પર તો જાણે પ્લાસ્ટિકના કચરાના ઢગેઢગ જામ્યા હોય એવું લાગે છે. આખી દુનિયા જાણી ગઇ છે કે પ્લાસ્ટિક ઝેર છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવાનું લોકો છોડતા નથી. દર વર્ષે પ્લાસ્ટિકનો માથાદીઠ વપરાશ જ ૧૧ કિલો જેટલો થવા જાય છે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ દુનિયાભરના દેશો માટે સૌથી મોટી સમસ્યા બની ચૂક્યું છે અને એનો નિકાલ લાવવો લોઢાના ચણા ચાવવાસમાન નીવડી રહ્યો છે.
વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિક સૌથી વધારે ખતરનાક છે. પ્લાસ્ટિક કચરામાં પણ સૌથી વધારે પ્રમાણ સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકનું જ હોય છે. દેશમાં દર વર્ષે બનતા પ્લાસ્ટિકમાંથી માત્ર વીસ ટકાનું જ રિસાઇકલિંગ થઇ શકે છે. ૩૯ ટકા પ્લાસ્ટિક કચરો જમીનની અંદર દાટીને નષ્ટ કરવામાં આવે છે.
૧૫ ટકા પ્લાસ્ટિક કચરો બાળી નાખવામાં આવે છે. જોકે પ્લાસ્ટિકને બાળવાથી પ્રદૂષણમાં ભયંકર વધારો થાય છે. પ્લાસ્ટિકના કારણે ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ત્રણ ગણો વધારો થશે જેના પરિણામે હૃદયરોગ અને ફેફસાંના રોગોમાં ભારે ઉછાળો આવવાની શક્યતા છે.
રોજબરોજની તમામ ચીજવસ્તુઓ દ્વારા પ્લાસ્ટિકનો શરીરમાં પ્રવેશ
અભ્યાસમાં બહાર આવ્યું છે કે લગભગ તમામ બ્રાન્ડેડ બોટલબંધ પાણીમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો મોજૂદ હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પીવાના પાણીના સ્ત્રોતોમાં ભળી ગયેલા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોના માધ્યમ દ્વારા લોકોના પેટમાં પહોંચે છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર શરીરમાં જતાં પ્લાસ્ટિકના કણોમાં જેમનો વ્યાસ ૧૫૦ માઇક્રોમીટરથી વધારે હોય છે તેમને તો શરીર ઉત્સર્જિત કરી દે છે પરંતુ એનાથી નાના કણ પાચનતંત્રની દીવાલ પાર કરીને શરીરના બીજા અંગોમાં પહોંચી જાય છે. પ્લાસ્ટિકના આ અતિસૂક્ષ્મ કણો જ શરીરમાં ગંભીર બીમારી પેદા કરતા હોવાનું વૈજ્ઞાાનિકોનું માનવું છે.
પીવાના પાણી ઉપરાંત અન્ય માધ્યમ દ્વારા પણ પ્લાસ્ટિક શરીરમાં પહોંચતું હોય છે. ખાસ કરીને વાતાવરણમાં જ પ્લાસ્ટિકનું એટલું પ્રદૂષણ છે કે માનવી દર અઠવાડિયે લગભગ પાંચ ગ્રામ પ્લાસ્ટિક શ્વાસ વાટે શરીરમાં લે છે. આ તો દર અઠવાડિયે એક ક્રેડિટ કાર્ડ આરોગવા જેટલું પ્લાસ્ટિક થયું.
હકીકતમાં તો સવારમાં ઉઠવાની સાથે જ આપણે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોનું સેવન શરૂ કરી દઇએ છીએ. સૌથી પહેલાં તો દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથ પેસ્ટમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિકના ગણો આપણા શરીરમાં પ્રવેશે છે. તો નિકાલ પામેલું પ્લાસ્ટિક ગટરો દ્વારા નદીઓ અને સમુદ્રોના પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે.
સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો જીવસૃષ્ટિની સાંકળને ખોરવી રહ્યાં છે
મેકઅપની તમામ પ્રકારની ચીજવસ્તુઓથી લઇને દરેક ક્રીમમાં માઇક્રોપ્લાસ્ટિક મોજૂદ હોય છે જે પણ માનવીના શરીરમાં પહોંચે છે અથવા તો નિકાલ પામીને નદીઓ અને સમુદ્રોના પાણી સુધી પહોંચે છે. પાણીમાં ભળેલું માઇક્રોપ્લાસ્ટિક માછલીઓ અને અન્ય જળચર જીવોના પેટમાં પહોંચે છે.
માછલી અને અન્ય સીફૂડ આરોગતા લોકોના પેટમાં આ માઇક્રોપ્લાસ્ટિક પહોંચે છે. વર્ષ ૨૦૧૭ના એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે ઇન્ડોનેશિયા અને કેલિફોર્નિયાની ૨૫ ટકા જેટલી દરિયાઇ માછલીઓમાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું. આહારચક્ર દ્વારા આ માઇક્રોપ્લાસ્ટિક છેવટે માણસોની હોજરીમાં પહોંચી જાય છે.
દુનિયામાં મોટા ભાગના મીઠાનો સપ્લાય દરિયાનું પાણી પૂરું પાડે છે. સમુદ્રોમાં ભારે માત્રામાં પ્લાસ્ટિક ભળી ચૂક્યું છે. દર વર્ષે લગભગ ૧.૨ કરોડ ટન પ્લાસ્ટિક મહાસાગરો સુધી પહોંચે છે જે મીઠાના માધ્યમ દ્વારા દરેક ઘરના રસોડા સુધી પહોંચી જાય છે. દુનિયાભરમાં નળ દ્વારા સપ્લાય થતા પાણીના ૮૦ ટકા નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિક મળ્યું છે જે દર્શાવે છે કે પ્લાસ્ટિક દરેક જગ્યાએ ભળી ચૂક્યું છે. આ પાણીનો ઉપયોગ પીવા ઉપરાંત રસોઇ બનાવવામાં પણ થાય છે અને ગાયભેંસ જેવા પાલતુ પ્રાણીઓ પણ આ જ પાણીનું સેવન કરે છે અને પરિણામે તેમના દૂધમાં પણ માઇક્રોપ્લાસ્ટિક ભળી જાય છે.
સંશોધન અનુસાર સિન્થેટિક ટેક્સટાઇલથી બનેલા વસ્ત્રોને જ્યારે ધોવામાં આવે છે ત્યારે તેમાંથી મોટી માત્રામાં માઇક્રોપ્લાસ્ટિક નીકળે છે. એક રિસર્ચ અનુસાર આવા છ કિલોગ્રામ વસ્ત્રો ધોવાથી સાત લાખથી વધારે માઇક્રોફાઇબર નીકળે છે. મહાસાગરોમાં ૩૫ ટકા માઇક્રોપ્લાસ્ટિક સિન્થેટિક ટેક્સટાઇલ દ્વારા જ પહોંચે છે. તાજેતરમાં જ સંશોધનમાં એવું બહાર આવ્યું કે પાણી ઉપરાંત મધ જેવા ઉત્પાદનોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક ભળી ગયું છે.
યુરોપિયન યુનિયને પ્લાસ્ટિક વિરુદ્ધ તૈયાર કરેલી નીતિમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પર્યાવરણમાં સૌથી વધારે માઇક્રોપ્લાસ્ટિક વાહનોના ટાયરો દ્વારા ભળે છે. વાહનો ચાલે ત્યારે સડકો પર ઘસાતા ટાયર ભારે માત્રામાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો છોડે છે જે પાણી અને હવાના માધ્યમ દ્વારા દરેક ઠેકાણે પહોંચી જાય છે.
પ્લાસ્ટિક ઉપર બેનના કારણે લાખો લોકો બેરોજગાર થવાની શક્યતા
પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા ઉદ્યોગોની દલીલ છે કે આ ઉદ્યોગે લાખો લોકોને રોજગારી આપી છે. પ્લાસ્ટિકના કારણે લોકોનું જીવન સરળ બન્યું છે. પ્લાસ્ટિકના ભંડારથી ધરતીને નુકસાન નથી થતું પરંતુ લોકો પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકી દે છે અથવા બાળે છે ત્યારે પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક બનાવવામાં એક પણ વૃક્ષ કાપવામાં નથી આવતું. પ્લાસ્ટિક ઉદ્યોગનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે ૧૪ હજાર ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
જો પ્લાસ્ટિક બંધ કરી દેવામાં આવે તો લગભગ બમણા કાગળની જરૂરિયાત ઊભી થશે મતલબ કે એક વર્ષમાં ૨૮ લાખ ટન કાગળની ખપત થશે. એક સામાન્ય કદના વૃક્ષમાંથી બે હજાર કિલો જેટલો કાગળ બને છે. મતલબ કે પ્લાસ્ટિકની અવેજીમાં કાગળ વાપરવાનો થતાં દર વર્ષે ૧૪ લાખ વૃક્ષો વધારે કાપવાના થશે.
ખરેખર તો પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમોએ ગુણવત્તાયુક્ત અને સરળતાથી રિસાઇકલ થઇ શકે એવા પ્લાસ્ટિકના ઉત્પાદનો બનાવવાની જરૂર છે. એ સાથે જ લોકોએ પ્લાસ્ટિકનો વપરાશ સમજદારીપૂર્વક કરવાની જરૂર છે. સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકને સદંતર ત્યાગવાની જરૂર છે. એ સાથે જ પ્લાસ્ટિકના સસ્તા વિકલ્પ શોધવા પડશે. લોકોને પ્લાસ્ટિકના જોખમો વિશે જાગૃત કરવા માટે ખાસ અભિયાનો ચલાવવાની જરૂર છે અને ખાસ તો લોકોએ પોતાની આદતો બદલવાની તાતી આવશ્યકતા છે.