વિજયને એક ફિલ્મના ખરેખર 275 કરોડ મળે કે પબ્લિસિટી સ્ટંટ?
- ફિલ્મ સ્ટાર્સ જેટલો ટેક્સ ભરે છે તે જોતાં એક ફિલ્મ માટે તોતિંગ ફીના દાવા શંકાસ્પદ
- રજનીકાન્ત, પ્રભાસ, અલ્લુ અર્જુન વગેરે સળંગ સુપરહીટ ફિલ્મો આપતા સ્ટાર્સને એક ફિલ્મ માટે ૧૦૦ કરોડ મળે છે કે ૨૦૦ કરોડ રૂપિયા મળે છે એ પ્રકારની વાતો આવતી નથી. ગયા વરસે અલ્લુ અર્જુને તો ૧૪ કરોડ રૂપિયા ઈન્કમટેક્સ ભર્યો છે. પ્રભાસે સાલાર ને કલ્કિ જેવી તોતિંગ કમાણી કરનારી ફિલ્મો આપી છતાં તેની કમાણી વિશે આવા આંકડા બહાર આવતા નથી. આ સંજોગોમાં ચોક્કસ ફિલ્મના સ્ટાર્સને મળતી ફીના આંકડા પબ્લિસિટી સ્ટંટ હોવાની શક્યતા વધારે છે. એ લોકો પોતાની વેલ્યુ વધારવા માટે જાતે જ આ વાતો ફેલાવતા હોય એવું બને.
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા થલપથી વિજયે ફિલ્મોને અલવિદા કહીને રાજકીય કારકીર્દિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિજયની પાર્ટી તમિલાગા વેટ્ટરી કઝગમ (ટીવીકે) તમિલનાડુમાં ૨૦૨૬ના એપ્રિલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવાની હોવાથી વિજયે પોતાની એક્ટિંગની કરીયરનો વીંટો વાળવાનું નક્કી કરી લીધું છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં વિજય તમિલનાડુમાં યાત્રા કાઢવા માગે છે તેથી વિજયે થલપથી ૬૯ પોતાની છેલ્લી ફિલ્મ હશે એવું એલાન કરી દીધું છે.
વિજયની છેલ્લી ફિલ્મ થલપથી ૬૯નું શૂટિંગ હજુ શરૂ થયું નથી છતાં આ ફિલ્મની જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેનું કારણ આ ફિલ્મ માટે વિજયને મળનારી કહેવાતી ફી છે. એચ. વિનોથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે વિજયને ૨૭૫ કરોડ રૂપિયાની તોતિંગ ફી મળશે એવું કહેવાય છે. એવો દાવો પણ કરાય છે કે, અત્યાર લગી ભારતમાં કોઈ ફિલ્મ સ્ટારને આટલી ફી મળી નથી તેથી વિજય ભારતનો હાઈએસ્ટ પેઈડ એક્ટર બની ગયો છે. શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે ૨૫૦ કરોડ રૂપિયાની ફી મળી હતી. વિજયે આ રેકોર્ડ તોડી નાંખ્યો હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
વિજયને ખરેખર કેટલી રકમ મળી એ ખબર નથી પણ આ દાવાના કારણે આપણા કહેવાતા સુપરસ્ટાર્સને મળતી ફી પાછી ચર્ચામાં છે. બલ્કે સવાલ થઈ રહ્યો છે કે, કોઈ પણ ફિલ્મ સ્ટારને એક ફિલ્મ માટે દાવા થાય છે એટલી ફી મળે છે કે પછી સ્ટારડમ બતાવવા ઠોકાઠોક જ કરાય છે ? આ સવાલ યોગ્ય પણ છે કેમ કે આ કહેવાતા સ્ટાર્સની ફી અંગેના જે દાવા થાય છે તેની રકમ અને સ્ટાર્સ દ્વારા ભરાતા ઈન્કમટેક્સની રકમ મેળ ખાતી નથી.
ભારતમાં ૨૦૨૩-૨૪ના વર્ષમાં એક પણ સેલિબ્રિટીએ ૧૦૦ કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ ભર્યો નથી. મતલબ કે, કોઈ પણ સેલિબ્રિટીની આવક ૩૦૦ કરોડ રૂપિયાથી વધારે નથી. શાહરૂખ ખાન, વિજય, સલમાન ખાન અને અમિતાભ બચ્ચન એ ચાર સેલિબ્રિટીએ ૭૦ કરોડ રૂપિયાથી વધારે ટેક્સ ભર્યો છે પણ તેમની આવકનો સ્રોત માત્ર એક્ટિંગ જ નથી.
શાહરૂખ પોતે ફિલ્મ પ્રોડયુસર છે. પઠાણ અને જવાન બંને ફિલ્મનો નિર્માતા શાહરૂખ પોતે હતો. શાહરૂખની કંપની વિદેશોમાં શો પણ કરે છે. સલમાન ખાન કપિલ શર્મા શો, બિગ બોસ સહિતના શોનો પ્રોડયુસર છે. અમિતાભ બચ્ચન અને વિજય બંને સોશિયલ મીડિયા પર ધૂમ કમાણી કરે છે. આ સિવાય બધી સેલિબ્રિટીને બીજા ધંધા, પ્રોપર્ટી, શેરો વગેરેમાંથી પણ આવક થતી હોય છે.
સલમાન ખાનની તો કોઈ ફિલ્મ જ ચાલતી નથી છતાં તેણે ૭૫ કરોડ રૂપિયા ટેક્સ ભર્યો એ બીજી બધી કમાણીમાં જ છે. આ બધું જોતાં વિજયને એક ફિલ્મ માટે ૨૭૫ કરોડ રૂપિયા કે શાહરૂખને ૨૫૦ કરોડ રૂપિયા મળતા હોય એ વાત શંકાસ્પદ છે. એક જ સ્ટારને આટલી તોતિંગ રકમ આપી દેવાય તો ફિલ્મના નિર્માણનો ખર્ચ ક્યાં જઈને પહોંચે એ પણ વિચારવા જેવું છે.
બીજી એક વાત એ વિચારવા જેવી છે કે, ચોક્કસ ફિલ્મ સ્ટાર્સની આવક વિશે જ આ પ્રકારની વાતો સમયાંતરે ફરતી થાય છે. હિન્દી સિનેમામાં અક્ષય કુમાર, રીતીક રોશન, ટાઈગર શ્રોફ સહિતના કહેવાતા સ્ટાર્સ એક ફિલ્મ માટે પચાસ કરોડ ને સો કરોડ રૂપિયાની ફી લેતા હોવાના દાવા સમયાંતરે થયા કરે છે. હવે છેલ્લા વર્ષના ઈન્કમ ટેક્સ ભરનારી ટોચની સેલિબ્રિટીમાં આ બધા તો ક્યાંય છે જ નહીં. રીષભ પંત ૧૦ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્સ ભરીને આ યાદીમાં છે પણ અક્ષય કે ટાઈગર નથી.
વિજય વિશે પણ આવી વાતો છેલ્લાં પાંચેક વરસથી નિયમિત રીતે આવ્યા જ કરે છે. વાસ્તવમાં વિજયની કોઈ પણ નવી ફિલ્મ આવે ત્યારે વિજયની ફીની ચર્ચા શરૂ થઈ જ જાય છે. વિજયે બિસ્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયા, વારીસુ માટે ૧૫૦ કરોડ રૂપિયા લીધા હોવાની વાતો પણ આવી હતી. વિજયની છેલ્લી ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (ગોટ) ગયા મહિને જ રીલીઝ થઈ છે.
આ ફિલ્મ માટે વિજયે ૨૦૦ કરોડ રૂપિયા ફી લીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ફિલ્મે ૪૦૦ કરોડની કમાણી કરી છે તેથી હીટ છે પણ ૨૦૦ કરોડ વિજયને અપાયા હોય તો ફિલ્મનું બજેટ ક્યાં પહોંચે એ વિચારવા જેવું છે. હિન્દીમાં તો અત્યારે ભાગ્યે જ કોઈ ફિલ્મ ૨૦૦ કરોડની કમાણી કરે છે એ જોતાં એક જ સ્ટારને ૧૦૦ કરોડ રૂપિયાની ફી આપી દેવાય એ વાત ગળે ઉતરતી નથી.
રસપ્રદ વાત એ છે કે, રજનીકાન્ત, પ્રભાસ, અલ્લુ અર્જુન વગેરે સળંગ સુપરહીટ ફિલ્મો આપતા સ્ટાર્સને એક ફિલ્મ માટે ૧૦૦ કરોડ મળે છે કે ૨૦૦ કરોડ રૂપિયા મળે છે એ પ્રકારની વાતો આવતી નથી. ગયા વરસે અલ્લુ અર્જુને તો ૧૪ કરોડ રૂપિયા ઈન્કમટેક્સ ભર્યો છે. પ્રભાસે સાલાર ને કલ્કિ જેવી તોતિંગ કમામી કરનારી ફિલ્મો આપી છતાં તેની કમાણી વિશે આવા આંકડા બહાર આવતા નથી. આ સંજોગોમાં ચોક્કસ ફિલ્મના સ્ટાર્સને મળતી ફીના આંકડા પબ્લિસિટી સ્ટંટ હોવાની શક્યતા વધારે છે. એ લોકો પોતાની વેલ્યુ વધારવા માટે જાતે જ આ વાતો ફેલાવતા હોય એવું બને.
આ આંકડા સાચા હોય તો ગંભીર વાત કહેવાય કેમ કે તેનો અર્થ એ થાય કે, ફિલ્મ સ્ટાર્સ મોટા પાયે કરચોરી કરે છે. આ કરચોરી કઈ રીતે કરાય છે તેની તપાસ કરવી જોઈએ. ફિલ્મોમાં બ્લેકનાં નાણાંનું મોટા પાયે રોકાણ થાય છે એવા આક્ષેપો લાંબા સમયથી થાય છે.
ફિલ્મ સ્ટાર્સને મળતી મોટા ભાગની ફી બ્લેકમાં હોય એ શક્યતા નકારી ના શકાય. આમ તો વિજયને ત્યાં ૨૦૨૦માં ઈન્કમટેક્સની રેડ પડી ત્યારે કશું વાંધાજનક નહોતું મળ્યું તેથી ઉંડાણથી તપાસ કરવી જરૂરી છે.
- શાહરૂખે સૌથી વધુ ઈન્કમટેક્સ ભર્યો વિજય બીજા, સલમાન ત્રીજા નંબરે
ભારતમાં ૨૦૨૩-૨૪માં સૌથી વધારે ઈન્કમટેક્સ ભરનારો ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન હતો. શાહરૂખ ખાને કુલ ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. ઈન્કમટેક્સનો વ્યક્તિગત હાઈએસ્ટ રેટ ૩૦ ટકાની આસપાસ છે એ જોતાં શાહરૂખની વાષક આવક ૩૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માની શકાય. શાહરૂખ ખાને છેલ્લાં બે વર્ષમાં પઠાણ અને જવાન એ બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ બંને ફિલ્મોએ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનો બોક્સ ઓફિસ પર વકરો કર્યો છે.
આ યાદીમાં થલપથી વિજય ૮૦ કરોડ રૂપિયા ટેક્સ ભરીને બીજા સ્થાને જ્યારે સલમાન ખાન ૭૫ કરોડ રૂપિયાના ટેક્સ સાથે ત્રીજા સ્થાને છે. અમિતાભ બચ્ચન ૭૧ કરોડ રૂપિયા ટેક્સ ભરીને ચોથા સ્થાને છે જ્યારે એક સમયે હાઈએસ્ટ ટેક્સપેયર તરીકે સન્માનિત થનાર અક્ષય કુમાર આ યાદીમાંથી ગાયબ છે.
અભિનેત્રીઓમાં કરીના કપુર ૨૦ કરોડનો ટેક્સ ભરીને પહેલા સ્થાને, કિયારા અડવાણી ૧૨ કરોડ રૂપિયા ટેક્સ સાથે બીજા અને કેટરીના કૈફ ૧૧ કરોડ ટેક્સ સાથે ત્રીજા સ્થાને છે.
ક્રિકેટરોમાં વિરાટ કોહલી ૬૬ કરોડના ટેક્સ સાથે ટોપ પર છે જ્યારે મહેન્દ્રસિંહ ધોની ૩૮ કરોડ ટેક્સ સાથે બીજા નંબરે અને સચિન તેંડુલકર ૨૮ કરોડ રૂપિયા ટેક્સ ચૂકવીને ત્રીજા સ્થાને છે. સૌરવ ગાંગુલી ૨૩ કરોડ રૂપિયા ટેક્સ સાથે ચોથા સ્થાને છે. સચિન અને સૌરવને નિવૃત્ત થયાને એક દાયકા કરતાં વધારે સમય થયો હોવા છતાં તેમને ધૂમ જાહેરખબરો મળે છે તેથી જંગી ટેક્સ ચૂકવે છે.
- ૧૦૦ કરોડના બજેટમાં હીરોને ૫૦ કરોડ કોણ આપે ?
સાઉથની ફિલ્મો હિંદી ફિલ્મો કરતાં વધારે ચાલે છે પણ બધી ફિલ્મો ચાલતી નથી. તેલુગુ અને તમિલ ફિલ્મોમાં સુપરહીટ ફિલ્મ સરેરાશ ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે જ્યારે કન્નડ અને મલાયલમમાં ૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન પણ ફિલ્મને સુપરહીટ બનાવી દે છે. તેનો મતલબ એ થયો કે, તમિલ અને તેલુગુમાં સારી ફિલ્મનું બજેટ ૧૦૦થી ૨૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોય છે. આ બજેટમાં કોઈ એક એક્ટરને ૨૫૦ કરોડ રૂપિયા આપવા શક્ય જ નથી એવું ફિલ્મી પંડિતો માને છે.
હિન્દીમાં તો અત્યારે મોટા ભાગની ફિલ્મો મહત્તમ ૧૦૦-૧૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બને છે એ જોતાં હીરોને મહત્તમ ૧૫-૨૦ કરોડ રૂપિયા અને હીરોઈનને ૧૦-૧૫ કરોડ રૂપિયાથી વધારે ના મળે. શાહરૂખ ખાન સહિતના એક્ટર પોતાની ફિલ્મો પોતે જ પ્રોડયુસ કરે છે તેથી પોતાને મળતી ફીના ગમે તેવા મોટા આંકડા બતાવે પણ વાસ્તવિક રીતે એટલી ફી નથી મળતી.