'લીક' થયેલું આઈએસએસ તૂટી પડે તો પૃથ્વી પર ભારે તબાહી થાય
- એક તરફ આ ખતરાને ટાળવા શું કરવું તેની મથામણમાં સ્પેસ એજન્સીઓના વિજ્ઞાનીઓ લાગેલા છે તો બીજી તરફ સામસામી આક્ષેપબાજી પણ ચાલી રહી છે
- આઈએસએસમાં ૫૦ જેટલી તિરાડોના કારણે ધીરે ધીરે હવા ઓછી થઈ રહી છે અને દબાણ ઘટી રહ્યું છે. 'લીક'ના કારણે હવા બહાર નિકળ્યા કરે તો દબાણ ઘટી જાય તો આઈએસએસ પૃથ્વીની આસપાસની ભ્રમણ કક્ષામાં રહેવાના બદલે પૃથ્વી તરફ ધકેલાય, બેકાબૂ બનીને અવકાશમાં ફરી રહેલા ભંગાર સાથે અથડાઈને વિસ્ફોટ સાથે તૂટી પડે એવું પણ બને. આઈએસએસના ભંગારના ટુકડા બેકાબૂ બનીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે સળગી ઉઠે ને અગનગોળા બનીને પૃથ્વીમાં ગમે તે વિસ્તાર પર ઝીંકાય એવો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કલાકના હજારો કિલોમીટરની ઝડપે આવી રહેલો એક જ ગોળો કોઈ મોટી ઈમારતને ધરાશાયી કરવા માટે પૂરતો હોય છે એ જોતાં જબરદસ્ત તબાહી થાય એવો ખતરો અત્યારે તો તોળાઈ રહ્યો છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાઈ ગયેલાં ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની તબિયત સતત બગડી રહી છે તેના કારણે ચિંતાનો માહોલ છે જ ત્યાં હવે આઈએસએસ 'લીક' થઈ રહ્યું હોવાના સમાચાર આવતાં નાસા સહિતની સ્પેસ એજન્સીઓના સંશોધકો હાંફળાફાંફળા થઈ ગયા છે. હાલમાં આઈએસએસ પર ૭ અવકાશયાત્રી છે ને તેમના જીવ પર જ નહીં પણ પૃથ્વી પર પણ જોખમ ઉભું થઈ ગયું છે. આઈએસએસ 'લીક' થયું તેનો મતલબ એ કે, આઈએસઆઈમાંથી હવા નિકળી રહી છે. આઈએસએસમાં નાઈટ્રોજન અને ઓક્સિજન સહિતના ગેસ ભરીને પૃથ્વી જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે પણ આઈએસએસમાં પડેલી ૫૦ જેટલી તિરાડોના કારણે ધીરે ધીરે હવા ઓછી થઈ રહી છે. તેના કારણે સ્પેસ સ્ટેશનની અંદરની દબાણ ઘટી રહ્યું છે. સ્પેસ સ્ટેશનને સલામત રાખવું હોય તો ૧ એટીએણ દબાણ જાળવવું જરૂરી છે. અત્યારે આ દબાણ જળવાયેલું છે પણ 'લીક'ના કારણે હવા બહાર નિકળ્યા કરે તો દબાણ ઘટતું જાય. તેના કારણે આઈએસએસ પૃથ્વીની આસપાસની પોતાની ભ્રમણ કક્ષામાં રહેવાના બદલે પૃથ્વી તરફ ધકેલાય અને બેકાબૂ બનીને અવકાશમાં ફરી રહેલા ભંગાર સાથે અથડાઈને વિસ્ફોટ સાથે તૂટી પડે એવું પણ બને.
આઈએસએસના ભંગાર બનેલા ટુકડા બેકાબૂ બનીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે સળગી ઉઠે ને પછી અગનગોળા બનીને પૃથ્વીમાં ગમે તે વિસ્તાર પર ઝીંકાય એવો મોટો ખતરો અત્યારે તો તોળાઈ રહ્યો છે. કલાકના હજારો કિલોમીટરની ઝડપે આવી રહેલા ભંગારના ટુકડા બોમ્બ કરતાં વધારે વિનાશક હોય છે. એક જ ગોળો કોઈ મોટી ઈમારતને ધરાશાયી કરવા માટે પૂરતો હોય છે એ જોતાં જબરદસ્ત તબાહી થાય એવો ખતરો અત્યારે તો તોળાઈ રહ્યો છે.
એક તરફ આ ખતરાને ટાળવા શું કરવું તેની મથામણમાં સ્પેસ એજન્સીઓના વિજ્ઞાનીઓ લાગેલા છે તો બીજી તરફ સામસામી આક્ષેપબાજી પણ ચાલી રહી છે. સ્પેસ સ્ટેશનમાં દુનિયાભરની મહાસત્તાઓ ભાગીદાર છે પણ બે મુખ્ય ભાગીદાર અમેરિકા અને રશિયા છે. આ કારણે ઓપરેશનલી સ્ટેશનને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ પૈકી રશિયન ઓર્બિટલ સેગમેન્ટ (ROS)ને રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ દ્વારા એસેમ્બલ કરવામાં આવ્યું છે જ્યારે યુએસ ઓર્બિટલ સેગમેન્ટ (USOS)માં અમેરિકાની નાસા, જાપાનની જાક્સા, યુરોપીયન સ્પેસ એજન્સી અને કેનેડાની સ્પેસ એજન્સી દ્વારા એસેમ્બલ કરવામાં આવ્યું છે. અમેરિકાનો આક્ષેપ છે કે, રશિયાના નિયંત્રણવાળા વિસ્તારમાં 'લીક' થયું છે પણ તેની ગંભીરતાને સ્વીકારવા રશિયનો તૈયાર જ નથી. ફૂટબોલના મેદાન જેવટી સ્પેસ લેબોરેટરીમાં અવકાશયાત્રીઓ રહી શકે એ માટે ચોક્કસ દબાણ અને શ્વાસ લેવા યોગ્ય વાયુઓ જરૂરી છે. આઈએસએસ લોંચ કરાયું તેનાં ઘણાં વરસો સુધી કોઈ જ સમસ્યા નહોતી પણ ૨૦૧૯માં પહેલી વાર લીકની ખબર પડી.
ઝવેઝદા નામના રશિયન મોડયુલને ડોકીંગ પોર્ટ સાથે જોડતી ટનલમાંથી સ્પેસ સ્ટેશન માટેનો કાર્ગો અને પુરવઠો લવાય છે. આ ટનલમાં લીક હોવાની ખબર ૫ વર્ષ પહેલાં પડી ત્યારે જ અમેરિકાએ રશિયનોને ચેતવેલા પણ રશિયનો માનવા જ તૈયાર નહોતા. શંકાસ્પદ તિરાડો ખૂબ જ નાની છે, નરી આંખે દેખાતી નથી, આ ઉપરાંત પાઇપલાઇન્સથી ઢંકાયેલી છે તેથી રશિયાએ તિરાડની વાત સ્વીકારી જ નહીં. અમેરિકા રશિયાના નિયંત્રણવાળા વિસ્તારમાં ઘૂસી ના શકે તેથી આ સમસ્યા ના ઉકેલાઈ અને ધીરે ધીરે તિરાડોની સંખ્યા વધીને ૫૦ પર પહોંચી ગઈ છે. તેના કારણે હવાનુ દબાણ ઘટી રહ્યું છે તેથી સ્ટેશનની અંદર રહેલા અવકાશયાત્રીઓના જીવને તો ખતરો છે જ પણ સ્પેસ સ્ટેશન તૂટી પડે તો અકલ્પનિય તબાહી વેરે તેનો પણ ખતરો છે.
અમેરિકામાં એક વર્ગ માને છે કે, રશિયા જાણી જોઈને લુચ્ચાઈ કરી રહ્યું છે. રશિયા ૨૦૨૪ના અંતમાં આઈએસએસમાંથી નિકળી જવાની ને ૨૦૨૮ સુધીમાં પોતાનું અલગ સ્પેસ સ્ટેશન ઉભું કરવાની જાહેરાત પહેલાં જ કરી ચૂક્યું છે તેથી સ્પેસ સ્ટેશનની સલામતીમાં તેને કોઈ રસ નથી. અમેરિકા સહિતના દેશો યુક્રેનને પોતાની સામેના યુધ્ધમાં મદદ કરી રહ્યા છે તેથી ફૂંગરાયેલું રશિયા આ મુદ્દાનો ઉપયોગ સ્કોર સેટલ કરવા કરી રહ્યું છે એવું પણ ઘણા અમેરિકનો માને છે. સ્પેસ સ્ટેશન તૂટી પડે ને તેના ટુકડા બોમ્બ કે અગનગોળા બનીને તૂટે તો સૌથી વધારે તબાહી અમેરિકા અને યુરોપના દેશોમાં થશે એવું રશિયાને લાગે છે. રશિયાના વ્લાદિમિર પુતિન આ કારણે જ કોઈ રસ નથી બતાવી રહ્યા ને સ્પેસ સ્ટેશન તૂટતું હોય તો તૂટે, આપણે કેટલા ટકા એવું વલણ અપનાવીને બેઠા છે.
અમેરિકા પાસે એક વિકલ્પ આઈએસએસનો વહેલો નાશ કરવાનો પણ છે. ૨૦૩૦માં આઈએસએસને ખતમ કરવાનું નક્કી થયેલું પણ સંજોગો બદલાતાં છ વર્ષ વહેલો નિકાલ કરવો પડે. અલબત્ત એ પણ તાત્કાલિક કરી ના શકાય. સુનિતા વિલિયમ્સ સહિતનાં અમેરિકન અવકાશયાત્રીઓ અને સંશોધનનો ડેટા બચાવવા માટે અમેરિકાને સમય જોઈએ જ. સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય ૨૦૨૫ના ફેબ્રુઆરીનો છે તેથી તેમાં જ હજુ બે મહિના બાકી છે. એ પછી બીજા ચારેક મહિના બધું સંકેલવા જોઈએ એ જોતાં અમેરિકાને ઓછામાં ઓછા છ મહિના જોઈએ. આઈએસએસને ત્યાં સુધીમાં કંઈ ના થાય એવી પ્રાર્થના અત્યારે અમેરિકા કરતું હશે.
- આઈએસએસનો ૨૦૨૩ પછી પેસિફિક મહાસાગરમાં નાશ કરવાનું નક્કી થયેલું
આઈએસએસ લોંચ કરાયું ત્યારે તેનું આયુષ્ય ૩૦ વર્ષની આસપાસ રાખવાનું નક્કી થયેલું. અમેરિકા અને રશિયા સહિતના દેશો ૨૦૩૦ની આસપાસ આઈએસએસ પ્રોજેક્ટનો અંત લાવવા સફળ થયા હતા. એ વખતે જ આઈએસએસનો નિકાલ કઈ રીતે કરવો તેની યોજના ઘડાઈ ગઈ હતી. પૃથ્વીથી લગભગ ૪૦૦ કિલોમીટર ઉપર ફરી રહેલા આઈએસએસના તેની ભ્રમણકક્ષામાં જ ટુકડા કરીને પછી પેસેફિક મહાસાગરમાં આ ટુકડા પડે એવી યોજના હતી. આઈએસએસ તૂટી પડતાં પહેલાં વાતાવરણમાંથી પસાર થાય ત્યારે બળીને એક હજાર ટુકડાઓમાં વિભાજીત થઈ જાય અને આ ટુકડા સમુદ્રમાં ગરકાવ થઈ જાય એવું નક્કી થયું હતું.
અમેરિકા તથા રશિયા બંને ભૂતકાળમાં પોતાનાં સ્પેસ સ્ટેશનનો આ રીતે નિકાલ કરી ચૂક્યાં છે. અમેરિકાના સ્કાયલેબ સ્પેસ સ્ટેશનને ૧૧ જુલાઈ, ૧૯૭૯ના રોજ પૃથ્વીના વાતાવરણમાં ધકેલાયું ત્યારે નાસાની અપેક્ષા મુજબ સ્ટેશન ઝડપથી બળી શક્યું નહોતું. નાસાના વિજ્ઞાનીઓએ ગણતરીમાં કરેલી ભૂલને કારણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પર્થથી લગભગ ૩૦૦ માઇલ (૪૮૦ કિમી) દૂર તેનો કાટમાળ પડયો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. રશિયાનું મીર સ્પેસ સ્ટેશન પણ ૧૯૮૬માં લોંચ કરાયું અને ૨૩ માર્ચ ૨૦૦૧ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને નાશ કરાયો ત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન નહોતાં થયાં. આ અનુભવોના આધારે આઈએસએસનો નાશ કરવામાં પણ કોઈ તકલીફ નહીં પડે એવું તેની સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓનું માનવું છે પણ અત્યારે સ્થિતી બિલકુલ અલગ છે.
- ૧૫૦ અબજ ડોલરના ખર્ચે ૨૫ વર્ષ પહેલાં બનેલા આઈએસએસ પાછળ વરસે ૩ અબજ ડોલરનો ખર્ચ
પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં આવેલું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દુનિયાની પાંચ મોટી અવકાશ એજન્સીઓએ નાસા (યુનાઈટેડ સ્ટેટ્સ), રોસકોસમોસ (રશિયા), ઈએસએ (યુરોપ), જાક્સા (જાપાન) અને સીએસએ (કેનેડા) ઉભું કર્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું સ્પેસ સ્ટેશન એવું આઈએસએસ ૪.૫૦ લાખ કિલો વજન ધરાવે છે અને ૧૦૯ મીટર લાંબું (૩૫૮ ફૂટ), ૯૪ મીટર (૩૧૦ ફૂટ પહોળું) અને ૭૩ મીટર (૨૩૯ ફૂટ) ઉંચું છે. ૨૫ વર્ષ પહેલાં એટલે કે ૨૦ નવેમ્બર ૧૯૯૮ના રોજ કાર્યરત થયેલું આઈએસએસ બનાવવા પાછળ એ જમાનામાં ૧૫૦ અબજ ડોલરનો ખર્ચ થયો હતો.
સોવિયેત રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોરના સમયમાં અમેરિકાએ ૨.૨ અબજ ડોલરના ખર્ચે સ્કાયલેબ અને રશિયાએ ૪.૨ અબજ ડોલર ખર્ચીને મીર સ્પેસ સ્ટેશન બનાવેલાં. આઈએસએસ પાછળ તેના કરતાં અનેક ગણો વધારે ખર્ચ થયો કેમ કે માઇક્રોગ્રેવિટી અને સ્પેસ એન્વાયર્નમેન્ટ પ્રયોગો કરવા બનાવાયેલા આઈએસએસમાં અત્યાધુનિક ટેકનોલોજી છે.
આઈએસએસના નિભાવનો વરસનો ખર્ચ ૩ અબજ ડોલર (લગભગ રૂપિયા ૨૬,૦૦૦ કરોડ) છે. અત્યારે આ ખર્ચ ૧૫ દેશો વચ્ચે વહેંચાય છે પણ અમેરિકા એકલું પણ આ ખર્ચ ઉઠાવી શકે એટલું ધનિક છે. આઈએસએસ દરરોજ ૧૫.૫ ભ્રમણકક્ષા પૂર્ણ કરીને આશરે ૯૩ મિનિટમાં પૃથ્વીની પરિક્રમા કરે છે.
રશિયાએ ૨૦૨૪ પછી આઈએસએસમાંથી ખસી જઈને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. બીજા દેશો રશિયાની ગેરહાજરીમાં ૨૦૩૦ સુધી આઈએસએસ ચાલુ રાખવા સંમત છે પણ ૨૦૩૦ સુધી સ્પેસ સ્ટેશન ટકશે કે કેમ એ સવાલ છે.