Get The App

મસ્કે નિકોલાને પાડવા બનાવડાવેલી હિંડનબર્ગનાં પાટિયાં પડી ગયાં

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મસ્કે નિકોલાને પાડવા બનાવડાવેલી હિંડનબર્ગનાં પાટિયાં પડી ગયાં 1 - image


- ઘણી મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે લોકોને ગેરમાર્ગે દોરે છે, હિન્ડનબર્ગે છેલ્લા 7 વર્ષમાં 16 કંપનીઓની વિગતો બહાર પાડી હતી

- અદાણી ગ્રુપ પરના રીપોર્ટ પછી નાથન એન્ડરસનને સોરોસ મદદ કરે છે એવા આક્ષેપો થયેલા. વાસ્તવમાં નાથનને મસ્કનું પીઠબળ હોવાનું કહેવાય છે. નાથનનો સૌથી મોટો શિકાર નિકોલા ગ્રુપ અને ટ્રેવર મિલ્ટન હતાં. નિકોલાએ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવવાની જાહેરાત કરી હતી તેથી મસ્કની કંપની ટેસ્લાને ભવિષ્યમાં ટક્કર આપશે એવો મસ્કને ડર હતો. નિકોલાના શેર ધડાધડ વધવા માંડેલા ને ટ્રેવર અબજોપતિ બની ગયેલો. મિલ્ટનની સંપત્તિ વધીને 34 અબજ ડોલર થઈ ગયેલી. મસ્કે દુશ્મનને ઉગતો જ ડામવા 2016માં નાથન પાસે હિંડનબર્ગ રીસર્ચ શરૂ કરાવડાવી હતી.  2020ના સપ્ટેમ્બરમાં હિંડનબર્ગનો રીપોર્ટ આવતાં જ નિકોલાનું સામ્રાજ્ય કકડભૂસ થઈ ગયું. 

એક સમયે ભારતના સૌથી વધારે ધનિક એવા ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ અને પછી ભારતમાં શેરબજારો પર નિયંત્રણનું કામ કરતી સીક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નાં ચેરમેન માધબી પુરી બુચને ટાર્ગેટ કરનારી હિંડન રીસર્ચબર્ગનાં પાટિયાં પડી ગયાં. હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક  નાથન એન્ડરસને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જાહેરાત કરી છે કે, હિંડનબર્ગ રીસર્ચ જે પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે સ્થપાઈ હતી એ પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોવાથી આ કંપની બંધ કરું છું. નાથને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પોતે ગયા વરસે જ મારા પરિવાર, મિત્રો અને અમારી ટીમને કહી દીધેલું કે, મે હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

'હિંડનબર્ગ રિસર્ચ'નું નામ છેલ્લાં બે વર્ષથી ગાજે છે પણ મોટા ભાગનાં લોકોને આ કંપની શું કામ કરતી હતી એ જ ખબર નથી. 'હિંડનબર્ગ રિસર્ચ' અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે કે જેનું કામ શેરબજાર, ઈક્વિટી, ડેરિવેટિવ્સ વગેરે પર રીસર્ચ કરવાનું હતું. કંપની દુનિયાભરનાં મોટાં શેરબજારોમાં ક્યાંય પણ કશું ખોટું તો નથી થઈ રહ્યું ને ચાલાકી કરીને નાણાંની હેરાફેરી તો નથી કરાઈ રહી ને તેના પર નજર રાખતી હતી. ઘણી મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે લોકોને ગેરમાર્ગે દોરે છે, પોતાનાં એકાઉન્ટમાં ખોટી માહિતી આપે છે, શેલ કંપનીઓ દ્વારા ગરબડ ગોટાળા કરે છે ને બીજું ઘણું કરે છે. હિંડનબર્ગ આ બધા પર નજર રાખીને રીપોર્ટ તૈયાર કરતી ને કંપનીઓને ખુલ્લી પાડતી હતી. 

હિંડનબર્ગની  સ્થાપના ૨૦૧૭માં નથાન એન્ડરસને કરી હતી અને કંપનીનું નામ હિંડનબર્ગ રાખવા પાછળનું કારણ રસપ્રદ હતું. અમરિકાના ન્યુ જર્સીનામાં ૬ મે, ૧૯૩૭ના રોજ હિંડનબર્ગ વિમાન તૂટી પડયું હતું અને ૩૬ લોકો માર્યા ગયા હતા. નાથન એન્ડરસનના મતે હિંડનબર્ગ પ્લેન તૂટી પડયું 'માનવસર્જીત' દુર્ઘટના ટાળી શકાય એવી હતી અને લોકોના જીવન બચાવી શકાતા હોત. શેરબજારોમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા કરાતી છેતરપિંડી અને ગેરરીતિને પણ ઉઘાડી પાડીને લોકોને બચાવી શકાય છે તેથી નાથને કંપનીનું નામ હિંડનબર્ગ રીસર્ચ રાખ્યું હતું. 

હિંડનબર્ગે છેલ્લાં સાત વર્ષમાં કુલ ૧૬ કંપનીને લગતી વિગતો બહાર પાડી હતી. ૨૦૨૩માં હિંડનબર્ગે ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓને લગતો રિપોર્ટ જાહેર કર્યો તેમાં દાવો કરેલો કે, વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી કરી રહ્યા છે. અદાણી પોતાના ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કરીને કૃત્રિમ ઉછાળો લાવ્યા છે અને અદાણી ગ્રુપની કંપનીઓના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતા ૮૫ ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના પરિવારનાં લોકો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે. હિંડનબર્ગના આ રીપોર્ટના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો.

અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવ એ પછી પાછા ઉંચકાયા પણ હિંડનબર્ગ રીપોર્ટના કારણે અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડયો તેમાં બેમત નથી. જો કે અદાણી ગ્રુપ માટે તો શૂળીનો ઘા સોયથી ટળ્યો જેવું થયું કેમ કે ભૂતકાળમાં હિંડનબર્ગે ટાર્ગેટ કરી હોય એવી કંપનીઓમાંથી તો મોટા ભાગની કંપનીઓનાં પાટિયાં જ પડી ગયાં છે. નિકોલા કોર્પોરેશન, આરડી લીગલ, પર્શિંગ ગોલ્ડ, ઓપ્કો હેલ્થ, રોયટ બ્લોકચેન, એફ્રિયા, બ્લૂમ એનર્જી, એચએફ ફૂડ્સ વગેરે કંપનીઓને નેથને ફટકો માર્યો છે. આ સિવાય જીયોથર્મલ પાવર પ્લાન્ટ્સ કંપની ઓરમેટ ટેકનોલોજીસ, ઈલેક્ટ્રિક કાર કંપની મૂલ્લેન ઓટોમોબાઈલ્સ, ચાઈનીઝ ક્રિપ્ટોમાઈનિંગ અને બ્લોકચેઈન એસઓએસ, જેક ડોરસીની બ્લોક, ડોઝી મબુઓસીના ટિગો ગ્રુપ, ફ્રીડમ હોલ્ડિંગ, સુપરમાઈક્રો, ઈચાન કોર્પોરેશન વગેરે પરના રીપોર્ટે પણ સનસનાટી મચાવી હતી.

અદાણી ગ્રુપ પરના રીપોર્ટ પછી નાથનને જ્યોર્જ સોરોસ મદદ કરે છે એ પ્રકારના આક્ષેપો થયેલા પણ વાસ્તવમાં નાથનને એલન મસ્કનું પીઠબળ હોવાનું કહેવાય છે. નાથનનો સૌથી મોટો શિકાર નિકોલા ગ્રુપ અને ટ્રેવર મિલ્ટન હતાં. નિકોલાએ ટ્રક સહિતનાં ભારે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવવાની જાહેરાત કરી હતી અને કેટલાંક વ્હીકલ્સના કન્સેપ્ટ પણ મૂક્યા હતા. નિકોલાની ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતી ટ્રક ગમે તેવા ઢાળ પર પણ આસાનીથી ચડી જાય છે એવા દાવા કરતા વીડિયો દ્વારા ટ્રેવર મિલ્ટને એવી હવા ઉભી કરી દીધેલી કે, જનરલ મોટર્સે તેની સાથે હાથ મિલાવી લીધા હતા. 

નિકોલાના શેર ધડાધડ વધવા માંડેલા ને ટ્રેવર અબજોપતિ બની ગયેલો. મિલ્ટનની સંપત્તિ વધીને ૩૪ અબજ ડોલર થઈ ગયેલી. ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં હિંડનબર્ગનો રીપોર્ટ આવતાં જ નિકોલાનું આખું સામ્રાજ્ય કકડભૂસ થઈ ગયું ને મિલ્ટન સામે છેતરપિંડીનો કેસ થઈ ગયો. મિલ્ટને જૂઠાણાં ચલાવીને રોકાણકારોને ભ્રમિત કરવા બદલ ૪ વર્ષની જેલની સજા ને લગભગ ૧૮ કરોડ ડોલર વળતર-દંડ થયાં તેમાં મિલ્ટન પતી ગયો. 

મિલ્ટનને પતાવવા એલન મસ્કે નેથનને ઉભો કરેલો એવું કહેવાય છે કેમ કે નિકોલા મસ્કની કંપની ટેસ્લાને ભવિષ્યમાં ટક્કર આપશે એવો મસ્કને ડર હતો.  મસ્કે પોતાની કંપનીનું નામ ટેસ્લા મોડર્ન ઈલેક્ટ્રિસિટી કરંટ સિસ્ટમના શોધક નિકોલા ટેસ્લાના નામ પરથી રાખ્યું છે. 

મિલ્ટને આ જ મહાન સંશોધકના નામ પરથી ૨૦૧૪માં નિકોલા કોર્પોરેશન સ્થાપી હતી.

 મસ્કે દુશ્મનને ઉગતો જ ડામવા ૨૦૧૬માં નાથન પાસે હિંડનબર્ગ રીસર્ચ શરૂ કરાવડાવીને નાથને તેનામાં મસ્કે મૂકેલા વિશ્વાસને સાચો ઠેરવીને નિકોલા કોર્પોરેશનનું રામ બોલો ભાઈ રામ કરાવી દીધું. મસ્ક ટ્વિટર ખરીદવાના હતા એ પહેલાં નાથને ટ્વિટર અંગે રીપોર્ટ પબ્લિશ કરીને મસ્કને મદદ કરેલી.

નાથન હવે પછી શું કરશે એ ખબર નથી પણ માત્ર ૮ વર્ષ જ કંપની ચલાવીને તેણે વૈશ્વિક કોર્પોરેટ જગતમાં જે ઉત્પાત મચાવ્યો તેના કારણે ઈતિહાસમાં અમર થઈ ગયો. 

મુઠ્ઠીભર માણસોની મદદથી નાથને દુનિયાભરના કોર્પોરેટ જગતમાં એક ધાક ઉભી કરેલી. હિંડનબર્ગ પાસે મોટો સ્ટાફ નહોતો. શરૂઆતથી લગભગ ૧૦-૧૧ લોકોના સ્ટાફ સાથે કામ કરનારા નાથન આ સ્ટાફ સાથે ગરબડ-ગોટાળા કરનારાંના મનમાં ક્યાંક પોતાનો વારો ના પાડી જાય તેનો ફફડાટ પેદા કરી દીધેલો એ જોતાં હિંડનબર્ગ રીસર્ચ અને નાથન જલદી નહીં ભૂલાય.

નાથન રહસ્યમય વ્યક્તિ, ઈઝરાયલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરમાંથી કંપનીઓનો કાળ બન્યો

છેલ્લાં ૮ વર્ષથી અમેરિકા સહિતના દેશોના શેરબજારોમાં ઉથલપાથલ કરનારો અને ઘણા ધનિકોને કંગાળ બનાવી દેનારો નાથન એન્ડરસન રહસ્યમય વ્યક્તિ મનાય છે. નાથનની અંગત જીંદગી વિશે લોકો બહુ ઓછું જાણે છે. નાથન પાસે કેટલી સંપત્તિ છે, તેના પરિવારમાં કોણ કોણ છે એ સહિતની વિગતો લોકોને ખબર જ નથી. 

નાથન વિશે જે થોડી ઘણી માહિતી ઉપલબ્ધ છે એ પ્રમાણે, નાથને ઈઝરાયલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે એક વર્ષ કામ કર્યું હતું. 

નાથને ૨૦૦૩માં પિપ સાથે લગ્ન કરેલાં પણ ૨૦૦૬માં ડિવોર્સ થઈ ગયા હતા. ૨૦૦૮માં તે સારા હજસન સાથે લગ્ન કર્યાં કે જેનાથી તેને ત્રણ સંતાનો છે. આ માહિતી પણ વિશ્વસનિય નથી મનાતી કેમ કે નાથન કદી પોતાના પરિવાર સાથે જાહેરમાં દેખાયો નથી. 

અમેરિકાની કનેક્ટિકટ યુનિવસટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતક થયા પછી નાથન એન્ડરસને એક ડેટા રિસર્ચ કંપનીમાં કામ કર્યું હતું. આ નોકરી દરમિયાન તે શેરબજારની આંટીઘૂંટીઓને સમજ્યો અને  શેરબજારનાં એવાં રહસ્યો તેને ખબર પડયાં કે જેના વિશે બહુ લોકોને જાણ નથી. 

સામાન્ય લોકો કંપનીના પરફોર્મન્સના આધારે શેરોના ભાવ વધે કે ઘટે છે એવું માને છે પણ વાસ્તવમાં એવું નથી તેનો અહેસાસ નાથનને થયો. આ સમજના આધારે નાથને રિસર્ચ કંપની શરૂ કરી એવું કહેવાય છે.

નાથનના કારણે ભારતીયોને શોર્ટ સેલિંગ કોને કહેવાય એ ખબર પડી

ભારતમાં શેરબજારમાં ખૂંપેલા લોકોને શોર્ટ સેલિંગ કોને કહેવાય તેની ખબર હતી પણ સામાન્ય માણસોને હિંડનબર્ગના કારણે શોર્ટ સેલિંગ કઈ બલાનું નામ છે તેની ખબર પડી. નાથન એન્ડરસનની હિંડનબર્ગ રીસર્ચ કંપની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કરતાં વધારે શોર્ટ સેલિંગ કંપની હતી. નાથનની સંપત્તિ કેટલી છે એ ખબર નથી પણ નાથને શોર્ટ સેલિંગ દ્વારા અબજોની કમાણી કરી હોવાનું મનાય છે.  

અમેરિકા સહિતના દેશોમાં શોર્ટ સેલિંગને રોકાણ માટેની મહત્વની વ્યૂહરચના માનવામાં આવે છે. શોર્ટ સેલર ઉંચા ભાવે ઉછીના લીધેલા સ્ટોક અથવા સિક્યોરિટીઝ વેચીને નફો રળે છે અને પછી કંપનીના શેરના ભાવ ઘટે ત્યારે બજારમાંથી ખરીદીને ઉછીના લીધેલા શેર પાછા આપી દે છે. 

હિંડનબર્ગની શોર્ટ સેલિંગમાં માસ્ટરી હતી કેમ કે એ પોતે સ્ટોક રીસર્ચ કરતો ને તેના આધારે રીપોર્ટ તૈયાર કરતો. નાણાંકીય ગરબડો કરીને પોતાના શેરના ભાવ ઉંચા કરનારી કંપનીને નાથન ટાર્ગેટ કરતો. 

આ કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે ઉંચા હોય એટલે નાથન ઉછીના લઈને આ શેર વેચી દેતો ને પછી એ જ કંપનીનો લગતો રીપોર્ટ બહાર પાડતો. હિંડનબર્ગનો રીપોર્ટ બહાર આવે એટલે કંપનીના શેરના ભાવ ગગડવા માંડે એટલે નાથન ઘટેલા ભાવે શેર ખરીદીને જેની પાસેથી ઉછીના લીધા હોય તેને પાછા આપી દેતો. નાથન પહેલાં પણ ઘણાં રોકાણકારો શોર્ટ સેલિંગ કરીને કમાયા છે પણ નાથન જેવી પ્રસિદ્ધિ બીજા કોઈને નથી મળી.

News-Focus

Google NewsGoogle News