UKથી માલ્યા-મોદી સહિતના અપરાધીઓને લાવવા સરળ નથી
- અમેરિકા કે યુકેના નજીકના એવા કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને બાદ કરતાં ભાગીને યુકે ગયેલા અપરાધીને પાછો લાવવો કોઈ પણ દેશ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. માત્ર યુકેની વાત નથી પણ બધા દેશોમાં આવી હાલત છે. ભારતથી ભાગીને ગયેલા મોટા ભાગના અપરાધીઓ અમેરિકા, કેનેડા, યુએસ અને યુએઈ જતા રહે છે. બેંકોનું કરી નાંખનારા કે બીજા આર્થિક અપરાધો કરનારા માટે આ ચાર દેશો સૌથી સલામત છે કેમ કે આ દેશોમાંથી આરોપીઓને લાવવા ભારત માટે મુશ્કેલ છે.
ભારતમાં અબજો રૂપિયાનાં કૌભાંડો કરીને ભાગી ગયેલા અપરાધીઓને ભારતમાં ઢસડી લાવવાની પ્રક્રિયા ઝડપથી કરાય એ માટે ભારતીય એજન્સીઓની એક ટીમ યુનાઈટેડ કિંગડમ (યુકે) જવાની છે.આ ટીમમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના ટોચના અધિકારીઓ હશે. આ ટીમ ભારતમાંથી ફરાર થયેલા ટોચના અપરાધીઓને પાછા ભારતમાં લાવવાનો છે કે જેથી તેમની સામે કેસ ચલાવી શકાય, તેમના કરતૂતોની સજા આપી શકાય.
કિંગફિશર એરલાઈન્સના વિજય માલ્યા, આર્મ્સ ડીલર સંજય ભંડારી, ડાયમંડના વેપારી નિરવ મોદી આ લિસ્ટમાં ટોપ પર છે પણ એ સિવાય બીજા ઘણા ભારતીય ભાગેડુઓ યુકેમાં રહે છે. જેમને પાછા ભારત લાવવા પર ભાર મૂકાવાનો છે એ યાદીમાં કોણ કોણ છે તેનો ફોડ પડાયો નથી પણ એનઆઈએના અધિકારીઓ પણ ટીમમાં છે તેથી ભારતમાં આતંકવાદ ફેલાવીને ભાગી ગયેલા ટાઈગર હનિફ જેવા ટેરરિસ્ટ પણ આ યાદીમાં હશે જ.
ઈડી, સીબીઆઈ અને એનઆઈએને જેમની તલાશ છે એવા યુકેમાં રહેતા આરોપીઓની યાદી બનાવો તો પંદરથી વીસ જેટલાં નામ સહેજે જીભે ચડી જાય. આ બધાંને કેન્દ્ર સરકારની એજન્સીઓ પાછી ભારત લાવવા માગે છે કે પછી તેમની મહેરબાનીથી ભાગેલા લલિત મોદી જેવા માનીતાઓને છોડી દેવાશે એ ખબર નથી પણ આ આખી ક્વાયત કેટલી ફળશે એ વિશે જ પહેલાં તો શંકા છે. તેનું કારણ યુકેની કાનૂની પ્રક્રિયા અને વિશેષ તો માનવાધિકારોના નામે અપરાધીઓને છાવરવાની યુકેની નીતિ છે.
અમેરિકા કે યુકેના નજીકના એવા કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને બાદ કરતાં ભાગીને યુકે ગયેલા અપરાધીને પાછો લાવવો કોઈ પણ દેશ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. માત્ર યુકેની વાત નથી પણ બધા દેશોમાં આવી હાલત છે. ભારતથી ભાગીને ગયેલા મોટા ભાગના અપરાધીઓ અમેરિકા, કેનેડા, યુએસ અને યુએઈ જતા રહે છે. બેંકોનું કરી નાંખનારા કે બીજા આર્થિક અપરાધો કરનારા માટે આ ચાર દેશો સૌથી સલામત છે કેમ કે આ દેશોમાંથી આરોપીઓને લાવવા ભારત માટે મુશ્કેલ છે.
આપણે બીજાં બધાંની વાત ના કરીએ ને વિજય માલ્યા અને નિરવ મોદીની વાત કરીએ તો પણ આ મુદ્દો સમજાશે. માલ્યા ૨૦૧૬માં ભારતથી ભાગીને બ્રિટન જતો રહ્યો ત્યારથી આપણે તેને ભારતને સોંપવાની કાનૂની લડાઈ લડયા કરીએ છીએ પણ મેળ જ પડતો નથી. એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં માલ્યા અપીલો કર્યા કરે છે તેમાં આપણે અટવાઈ ગયા છીએ.
માલ્યા સામે ૮ વર્ષની કાનૂની લડાઈ પછી પણ માલ્યાને ભારત લાવવા વિશે શંકા જ છે. એ જ હાલત નિરવ મોદી કેસમાં છે. મોદી પણ ૨૦૧૮માં ભારતથી ભાગીને યુકે જતો રહ્યો પછી તારીખ પર તારીખ પડયા કરે છે પણ કશું થતું નથી. આઈપીએલવાળો લલિત મોદી તો ૨૦૧૩માં ભાગીને યુકે જતો રહેલો. લલિત મોદીએ યુકે નિવાસનો એક દાયકો સફળતાપૂર્વક પૂરો કરી નાંખ્યો પણ લલિત મોદીને ભારત લાવવા વિશે જરા સરખી આશા દેખાતી નથી. યુકે અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે છતાં આ હાલત છે.
યુકે સરળતાથી કોઈ પણ દેશના અપરાધીઓને કેમ સોંપતું નથી એ સમજવા જેવું છે. આ બધા અપરાધીઓ યુકે માટે દૂઝણી ગાય જેવા છે. ભારત કે બીજા કોઈ દેશમાં અબજોનું કરી નાંખીને ભાગી આવેલા માલ્યા કે મોદી જેવા અપરાધીઓ યુકેમાં લેવિશ લાઈફસ્ટાઈલ સાથે રહે છે તેથી યુકેના અર્થતંત્રને ફાયદો થાય છે.
યુકેમાં રહેવા માટે તેમણે લાખો પાઉન્ડનાં રોકાણ કરેલાં છે. આ લોકો કશું કર્યા વિના ઘેર બેઠાં બેઠાં લેવિશ લાઈફસ્ટાઈલથી જીવે છે તેનું કારણ યુકેમાં તેમણે બિઝનેસ તથા બીજી રીતે કરેલાં આર્થિક રોકાણો છે. યુકેને તેમાંથી ટેક્સની જંગી કમાણી થાય છે.
જે દેશમાં અપરાધ કરીને આવ્યા હોય એ દેશે તેમને પાછા લઈ જવા હોય તો યુકેની કોર્ટમાં કેસ લડવો પડે. કેસ લડવા વકીલ રોકવો પડે. માલ્યા કે મોદી જેવા આરોપીઓએ પણ વકીલ રોકવા પડે. આ વકીલો મોંઘીદાટ ફી લેતા હોય છે ને એ બધું સરવાળે તો યુકે પાસે જ જાય છે તેથી યુકેને કોઈ પણ દેશના અપરાધીને સોંપવામાં રસ હોતો નથી. કોઈ પણ દેશને થકવી નાંખે એવી કાનૂની પ્રક્રિયા દ્વારા યુકે તેમને થકવી નાંખીને કમાણી કર્યા કરે છે.
ભારતની એજન્સીઓની ટીમ અપરાધીઓને પાછા લાવવાન પ્રક્રિયા ઝડપી કરવાના ઉદ્દેશથી ગઈ છે પણ આ પ્રક્રિયા કઈ રીતે ઝડપી કરાશે એ સમજાતું નથી. ઋષિ સુનકની સરકાર સહન ના કરી શકે એવું દબાણ લવાય કે યુકેનાં આર્થિક હિતોને ફટકો વાગે એવું કંઈ થાય તો જ આ પ્રક્રિયા ઝડપી થાય. એ સિવાય બીજી કોઈ રીતે અપરાધીઓને પાછા ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી ના બને.
અત્યારે જે સ્થિતી છે તેમાં ભારત સુનકની સરકારને કોઈ રીતે ફરજ પાડી શકે તેમ નથી. ભારત ગમે તે કહે પણ સુનકની સરકાર ન્યાયતંત્ર સ્વતંત્ર છે ને તેના કામગીરીમાં દખલ ના કરી શકીએ એમ કહીને હાથ અધ્ધર કરી દેશે તેથી આપણી ટીમ ત્યાં જઈને પણ કશું કરી શકશે એવી આશા રાખવા જેવી નથી. સરકારી ખર્ચે અધિકારીઓની યુકેની ટ્રીપ થઈ જશે ને ચૂંટણીમાં સરકારને પોતે ભાગેડુ અપરાધીઓને પાછા લાવવા કરેલા પ્રયત્નોના રૂપમાં એક મુદ્દો મળી જશે.
નદીમથી નિરવ મોદી, ભારતીય અપરાધીઓ માટે યુકે સેફ હેવન
એનઆઈએ, સીબીઆઈ અને ઈડીની ટીમ કોને કોને ભારતનેં સોંપવા માટે દબાણ કરવાની છે એ સ્પષ્ટ નથી પણ ભારતથી અપરાધ કરીને ભાગેલા સંખ્યાબંધ મોટા અપરાધીઓ યુકેમાં રહે છે. સંજય ભંડારી, નિરવ મોદી અને વિજય માલ્યા છીંડે ચડેલા ચોર છે તેથી મીડિયામાં તેમનાં નામ તરત આવી ગયાં પણ એ સિવાય પણ બીજા ઘણા કરૂબાજ ભારતથી ભાગીને યુકે જતા રહ્યા છે અને જલસા કરે છે.
આ લોકોમાં એક નામ જતિન મહેતાનું છે કે જેમની સામે બેંકોનું ૬૮૦૦ કરોડ રૂપિયાનું કરી નાંખવાનો આરોપ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પહેલા કમિશ્નર લલિત મોદી પણ ભાગીને યુકે જતા રહ્યા છે. મોદી સામે બીસીસીઆઈમાં નાણાંકીય ગરબડો કરવાનો આરોપ છે. થોડા સમય પહેલાં મોદી સુસ્મિતા સેન સાથેનાં અફેકરના કારણે ચર્ચામાં આવેલા પણ પાછા ભૂલાઈ ગયા છે.
આ સિવાય ગુલશનકુમાર હત્યા કેસમાં આરોપી સંગીતકાર નદીમ સૈફી પણ યુકેમાં રહે છે. સંગીતકાર જોડી નદીમ શ્રવણા નદીમને ભારતની નીચલી કોર્ટે પણ નિર્દોષ જાહેર કરેલો પણ નદીમ ભારત પાછો આવ્યો નથી. ૧૯૯૦ના દાયકામાં ગાજેલા ક્રિકેટમાં સટ્ટાખોરીના કૌભાંડનો સૂત્રધાર બુકી સંજીવ ચાવલા પણ યુકેમાં જ રહે છે. ગુજરાતમાં ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ટાઈગર હનિફ, ઈકબાલ મિર્ચી અને હનિ પટેલ જેવા ડ્રગ્સ ડીલર ઉપરાંત નેવી વોર રૂમ લીક કેસના આરોપી લેફ્ટનન્ટ કમાન્ટર રવિ શંકરન સહિતના ઘણા અપરાધીઓ યુકે ભાગી ગયા પછી ભારત તેમને પાછા લાવવામાં સફળ થયું નથી.
બ્રિટને 30 વર્ષમાં એક જ આરોપી ભારતને સોંપ્યો
ભારત અને યુકે વચ્ચે ૨૦૧૩માં પ્રત્યાર્પણ સંધિ થયેલી તેથી એકબીજાના દેશમાં અપરાધ કરનારા લોકોને સોંપવાનો માર્ગ મોકળો થઈ ગયેલો પણ યુકેની અદાલતો માનવાધિકારોના નામે ધરાર ભારત વિરોધી વલણ અપનાવે છે. તેના કારણે ૩૦ વર્ષથી અસ્તિત્વમાં હોવા છતાં અત્યાર સુધીમાં યુકેએ માત્ર એક ભારતીય આરોપીને ભારતને સોંપ્યો છે. યુકેએ ૨૦૧૬માં સમીર વિનુભાઈ પટેલને ભારતને સોંપેલો. સમીર પટેલ યુકેથી ભારતને સોંપાયેલો પહેલો અને છેલ્લો આરોપી છે.
સમીર પટેલને ભારતને સોંપવા પાછળ પણ યુકેનો પોતાનો એજન્ડા હતો. સમીર પટેલ ગુજરાતનાં ૨૦૦૨ના રમખાણોનો આરોપી હતો. યુકેનું ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે શું વલણ છે એ કહેવાની જરૂર નથી. ગયા વરસે જ યુકેની સરકારી ટીવી સંસ્થા બીબીસીએ ગુજરાતનાં રમખાણો પર ડોક્યુમેન્ટરી પ્રસારિત કરેલી. આ ડોક્યુમેન્ટરીમાં શું દર્શાવાયેલું એ કહેવાની જરૂર નથી.
આણંદ જિલ્લાના ઓડમાં થયેલા હત્યાકાંડનો આરોપી સમીર પટેલ પછી યુકે જતો રહેલો. ઓડમાં ૨૩ મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હોવાની ઘટનામાં સંડોવાયેલો હોવાથી સમીર પટેલને ભારતનેં સોંપાયો હતો.
યુકેનું આ વલણ જોતાં આપણી ટીમ મોટા ઉપાડે જઈ તો રહી છે પણ ખરેખર કેટલી સફળતા મળશે તેમાં શંકા છે. મોટા ભાગે તો ખાઈ, પીને જલસા કરીને પાછા આવવા જેવું થશે.