ડીપસિક ચીનને ફળ્યું, ભારતીય શેરોમાં રોકાણ ચીનમાં ખેંચાઈ ગયું
- ચીનની ડીપસિક મુવમેન્ટના કારણે ભારતની વિદેશી રોકાણ ખેંચી લાવવાની વર્ષો જુની નબળાઈ છતી થઇ ગઈ છે ઃ ભારતના શેરબજારો વિદેશી ફંડ પર જ નભે છે
- ડીપસિક લોંચ કરાયું તેના પગલે વિદેશી રોકાણકારોનો પ્રવાહ ચીન તરફ વળી ગયો છે. છેલ્લા એક મહિનામાં જ ચીનના શેરબજારોના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૧.૧૩ ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે ને સામે ભારતમાં શેરબજારોમાં રોકાણકારોના ૭૨૦ અબજ ડોલર (લગભગ ૬૩ લાખ કરોડ) ડૂબી ગયા છે. ભારતીય શેરબજારોમાં વચ્ચે વચ્ચે અઠવાડિયામાં એકાદ દિવસ તેજીનો ચમકારો દેખાઈ જાય છે પણ એ સિવાય સતત ધોવાણ જ થઈ રહ્યું છે. શેરબજારો તૂટી રહ્યાં છે એટલે મ્યુચ્યુલ ફંડનું વળતર પણ ધોવાઈ રહ્યું છે તેથી ભારતીય રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યા છે. અત્યારે જે સ્થિતી છે એ જોતાં ભારતીય શેરબજારોમાં ફરી તેજી આવશે કે કેમ તેમાં શંકા છે.
ચીનાઓએ માત્ર ૬ કરોડ રૂપિયામાં માઈક્રોસોફ્ટના ચેટજીપીટી કે ગુગલના જેમિનીને ઝાંખું પાડી દે એવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) એપ્લિકેશન ડીપસિક બનાવી નાંખી તેના કારણે અમેરિકાની મોટી મોટી ટેક કંપનીઓના ભુક્કા બોલી જશે એવી આગાહીઓ થાય છે. એ આગાહી સાચી પડતાં પડશે પણ અત્યારે તો ડીપસિકના કારણે ભારતના શેરબજાર અને અર્થતંત્રના પણ ભુક્કા બોલી ગયા છે.
ડીપસિક લોંચ કરાયું તેના પગલે વિદેશી રોકાણકારોનો પ્રવાહ ચીન તરફ વળી ગયો છે. દુનિયામાં કોઈ પણ શેરબજારમાં વિદેશી રોકાણકારોનાં નાણાં ઠલવાય એટલે તેજી આવતી જ હોય છે. ડીપસિક લોંચ થયું પછી અમેરિકા સહિતના દેશોના રોકાણકારો ચીનનાં શેરબજારો તરફ વળી ગયા છે. વિદેશી હેજ ફંડ્સ ભારતીય શેરબજારોમાંથી રોકાણ પાછું ખેંચીને થોકબંધ નાણાં ચીનના શેરોમાં રોકી રહ્યા છે તેથી ચીનનાં શેરબજારો તેજીથી ફાટ ફાટ થઈ રહ્યાં છે ને ભારતમાં શેરબજાર સાવ ડબ્બો થઈ ગયાં છે.
છેલ્લા એક મહિનામાં જ ચીનના શેરબજારોના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૧.૧૩ ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે ને સામે ભારતમાં શેરબજારોમાં રોકાણકારોના ૭૨૦ અબજ ડોલર (લગભગ ૬૩ લાખ કરોડ) ડૂબી ગયા છે. ભારતીય શેરબજારોમાં વચ્ચે વચ્ચે અઠવાડિયામાં એકાદ દિવસ તેજીનો ચમકારો દેખાઈ જાય છે પણ એ સિવાય સતત ધોવાણ જ થઈ રહ્યું છે. શેરબજારો તૂટી રહ્યાં છે એટલે મ્યુચ્યુલ ફંડનું વળતર પણ ધોવાઈ રહ્યું છે તેથી ભારતીય રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યા છે. અત્યારે જે સ્થિતી છે એ જોતાં ભારતીય શેરબજારોમાં ફરી તેજી આવશે કે કેમ તેમાં જ શંકા છે.
ચીનની ડીપસિક મોમેન્ટના કારણે ભારતની વિદેશી રોકાણને ખેંચી લાવવાની વરસો જૂની નબળાઈ ફરી દુનિયા સામે છતી થઈ ગઈ છે. ભારતમાં મોટી મોટી કંપનીઓ છે પણ આ કંપનીઓમાં ભારતનાં શેરબજારોને ઉંચકવાની તાકાત નથી. ભારતનાં શેરબજારો અમેરિકા, જાપાન કે યુરોપનાં દેશોનાં ફંડ અને રોકાણકારો પર જ નભે છે. આ રોકાણકારોને જૂની ને જામી ગયેલી કંપનીઓનાં શેરોમાં રોકાણ કરવામાં રસ નથી હોતો કેમ કે તેમાં રોકાણ વધારે કરવું પડે ને સામે એવું જબરદસ્ત વળતર નથી મળતું.
બીજી તરફ પ્રમાણમાં બહુ જાણીતી નહીં એવી નાની નાની કંપનીઓના શેરોના ભાવ ઓછા હોય છે. આ શેરોમાં રોકાણ ઓછું કરવું પડે છે ને સારી કામગીરી કરે તો ભાવ ઝડપથી વધે છે તેથી વિદેશી રોકાણકારોને વધારે રસ એવા શેરોમાં હોય છે. કોઈ કંપની અત્યારે ભલે જોરદાર કામ ના કરતી હોય પણ તેની પાસે પ્રોડક્ટ કે ટેકનોલોજી એવી હોય કે જેની ભવિષ્યમાં બોલબાલા થશે એવું લાગે તો પણ વિદેશી રોકાણકારો તેમાં ઝંપલાવતા હોય છે.
ભારતની તકલીફ એ છે કે, ભારત એ પ્રકારની નવી કંપનીઓ ઉભી કરી શકતું નથી. ભારતમાં નરન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી તેમણે સ્ટાર્ટ અપ્સનું લટ્વું લોકોને પકડાવી દીધું. સ્ટાર્ટ અપ્સને સરકાર સબસિટીના રૂપમા સહાય કરે છે. ઓછા વ્યાજે લોન આપે છે વગેરે ફાયદા છે તેથી ભારતમાં બિલાડીના ટોપની જેમ સ્ટાર્ટ અપ્સ ફૂટી નિકળ્યા છે પણ આ પૈકી મોટા ભાગનાં સ્ટાર્ટ અપ્સ ડિજિટલ દુકાન જેવાં છે. તેમની પાસે પોતાની જબરદસ્ત મોનોપોલી ઉભી કરી શકે એવી પ્રોડક્ટ કે સર્વિસ જ નથી. તેમના જેવા જ કન્સેપ્ટ સાથે બીજું સ્ટાર્ટ અપ આવે ને હરીફાઈ ઉભી થાય કે તરત તેમનું ફીણ નિકળવા માંડે છે ને પછી ધબોનારાયણ થઈ જાય છે.
ભારતમાં કેટલાં સ્ટાર્ટ અપ્સ યુનિકોર્ન બન્યાં તેના આંકડા ગર્વભેર અપાય છે. ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે તેથી ખરી રીતે તો કન્ઝયુમર કે રીટેઈલ સ્ટાર્ટ અપ્સ યુનિકોર્ન બને એ સિધ્ધી જ નથી. સ્વિગી કે ઝોમેટાં જેવાં ફૂડ ડીલિવરી કરતાં સ્ટાર્ટ અપ સફળ થવાનાં જ છે કેમ કે લોકોને બહાર જઈને જમવા કરતાં ઘરે જમવાનું મંગાવી લેવું સસ્તુ પડે છે. ઓલા કે ડીલ્હીવરી પ્રકારનાં બીજાં કન્ઝયુમર કે રીટેઈલ સ્ટાર્ટ અપ પણ ચાલે છે કેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બહુ સારી નથી ને જનરલ ટ્રાન્સપોર્ટેશન ઓર્ગેનાઈઝ્ડ નથી તેથી લોકોને લૂંટાઈ જવાનો ડર લાગે છે. આ કારણે લોકો ઓર્ગેનાઈઝ્ડ રીતે ચાલતી સર્વિસ તરફ વળે છે પણ બીજા વિકલ્પ આવે એટલે વળતાં પાણી શરૂ થવા માંડે છે. પહેલાં ઝોમેટો આવ્યું એટલે તેનો જબરદસ્ત બોલબાલા થઈ ગયેલી પણ પછી તેના જેવું જ સ્વિગી આવ્યું તેમાં ઝોમેટોનું બજાર બેસી ગયું. આ જ હાલત બધાં સેક્ટરમાં છે.
ભારતીયોની એક બીજી નબળાઈ ટેકનોલોજીમાં પછાતપણું છે. અત્યારે દુનિયા ટેકનોલોજી પર ચાલે છે અને હાઈ ટેકનો જમાનો છે પણ ભારતીયો હાઈ ટેક યુનિકોર્ન સર્જી શકતા નથી. સાડા ચાર લાખ સ્ટાર્ટ અપ્સ શરૂ થયાં તેમાં ઘણાં હાઈ ટેક સ્ટાર્ટ અપ હોઈ શકે છે પણ એ સ્ટાર્ટ અપ્સની વૈશ્વિક સ્તરે કોઈ ગણતરી નથી એ સ્પષ્ટ છે.
બીજી તરફ ચીના અમેરિકાને હંફાવે તેવાં ડીપસિક જેવાં સ્ટાર્ટ અપ બનાવી નાંખે છે. ડીપસિક અત્યારે આવ્યું એટલે તેની ચર્ચા છે પણ એ પહેલાં ચીનમાં આખી દુનિયાને પાગલ કરી દેનારા ટિકટોકના સર્જક બાઈટડાન્સ કે આખી દુનિયામાં કેમેરા ડ્રોન્સનું માર્કેટકબજે કરનારાં ડીજેઆઈ જેવાં સ્ટાર્ટ અપ્સ ચીને બહુ પહેલાં આપી દીધાં છે.
ભારતે વૈશ્વિક તાકાત બનવું હોય તો ટેકનોલોજીના ખાં બનવું પડે. ચીને અમેરિકા સહિતના દેશોમાં પહેલાં જીવનજરૂરીયાતની ચીજો સસ્તા ભાવે આપીને ઘૂસણખોરી કરી ને એ દરમિયાન સાયન્સ-ટેકનોલોજીમાં રીસર્ચ શરૂ કરાવ્યું. ચીન અત્યારે અમેરિકાને કોઈ પણ સેક્ટરમાં હંફાવી શકે એવી તાકાત ધરાવતો દેશ બની ગયો છે.
ભારતે પણ પોતાની ડીપસિક કે બાઈટડાન્સ મોમેન્ટ્સ સર્જવી પડે. લોકોને ખાવાનું કે દવાઓ પહોંચાડતાં સ્ટાર્ટ અપ્સના જોરે વિદેશી રોકાણકારોને ના આકર્ષી શકાય.
- હાઈ ટેકમાં ભારત પછાત, એક પણ સ્ટાર્ટ અપ યુનિકોર્ન નથી બન્યું
ભારત સ્ટાર્ટ અપ્સનું હબ બની ગયું હોવાના મોટા મોટા દાવા થાય છે પણ વાસ્તવમાં મોટી મોટી વાતો ને ગધેડાની લાતો જેવી હાલત છે. ભારતમાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા વધારે છે પણ એક પણ સ્ટાર્ટ અપ એવું નથી કે જેણે વૈશ્વિક સ્તરે સૌને દંગ કરી દીધાં હોય.
દરેક સ્ટાર્ટ અપનું પહેલું ટાર્ગેટ યુનિકોર્ન એટલે કે ૧ અબજ ડોલરથી વધારેની કિંમત ધરાવતી કંપની બનવાનું હોય છે. યુનિકોર્નના મામલે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરે છે પણ ચીન અને ભારત વચ્ચે જ બહુ અંતર છે. ૨૦૨૫ના ફેબુ્રઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૧૮ યુનિકોર્ન સ્ટાર્ટ અપ્સ છે જ્યારે ચીનમાં ભારત કરતાં બમણાથી પણ વધારે એટલે કે ૨૪૪ સ્ટાર્ટ અપ્સ યુનિકોર્ન બન્યાં છે. અમેરિકા ૧૦૧૯ યુનિકોર્ન સાથે પહેલા નંબરે છે તેથી તેને પહોંચી વળવાનું તો આપણું ગજુ જ નથી.
ભારતમાં સ્ટાર્ટ અપ્સ અને યુનિકોર્નનો રેશિયો બહુ નબળો છે. ભારતમાં ૨૦૨૫ના ફેબુ્રઆરી સુધીમાં ૪.૩૩ લાખ સ્ટાર્ટ અપ્સ શરૂ થયાં. તેમાંથી ૧૧૮ યુનિકોર્ન બન્યાં જ્યારે ચીનમાં ૯૬ હજારમાંથી ૨૪૪ યુનિકોર્ન બન્યાં છે. ભારત અને ચીનમાં સૌથી મોટો ફર્ક હાઈ ટેકનોલોજીનો છે. ભારતનાં યુનિકોર્ન સ્ટાર્ટ અપ્સમાંથી એક પણ હાઈ ટેક સ્ટાર્ટ અપ નથી જ્યારે ચીનનાં ૨૪૪માંથી ૨૫ ટકા એટલે કે ૬૦ સ્ટાર્ટ અપ હાઈ ટેક સેક્ટરનાં છે. ભારતમાં સૌથી વધારે યુનિકોર્ન સ્ટાર્ટ અપ ૫૭ કન્ઝયુમર સેક્ટરનાં છે જ્યારે રીટેઈલ સેક્ટરનાં ૩૭ સ્ટાર્ટ અપ યુનિકોર્ન બન્યાં છે. ૩૮ યુનિકોર્ન એન્ટરપ્રાઈઝ એપ્લિકેશનનાં છે.
- ભારતીય કંપનીઓ ડ્રોન નથી બનાવી શકતી તો ડીપસિક શું બનાવવાની ?
ભારત સાયન્સ અને ટેકનોલોજીમાં કેટલું પછાત છે તેનો નાદાર નમૂનો હમણાં ચેન્નાઈની કંપનીઓએ પૂરો પાડયો. મોદી સરકારે આત્મનિર્ભર ભારત હેઠળ દેશનાં સંરક્ષણ દળોની નાની નાની જરૂરીયાતો પૂરી કરવા માટે ભારતીય કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માંડયા છે. તેના ભાગરૂપે ત્રણ ખાનગી કંપનીઓને ૨૩૨ કરોડ રૂપિયાનાં ૪૦૦ ડ્રોન બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયેલો. સરેરાશ એક ડ્રોનની કિંમત ૫૮ લાખ રૂપિયા થઈ. આ ડ્રોન પાકિસ્તાન અને ચીન સરહદે સર્વેલન્સ માટે તૈનાત કરાવાનાં છે.
ચેન્નાઈવી કંપનીઓએ શરૂઆતમાં જે ડ્રોન પૂરાં પાડયાં તેમના ટ્રાયલ લેવાયા તો બંને ડ્રોન ચીને હેક કરી લીધાં. તેના કારણે એક ડ્રોન ઉડયું જ નહીં અને બીજું ડ્રોન ભારતની સરહદમાં રહીને નજર રાખવાના બદલે પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયું. કંપનીઓએ સીધા ચીનના સ્પેરપાર્ટ્સ લગાવીને ડ્રોન બનાવી દીધેલાં. ચીનને તેના ઈલેક્ટ્રોનિક કોડ ખબર હતા તેથી તેમણે હેક કરી લીધું.
ડ્ર્રોન બહુ નાની પ્રોડક્ટ છે પણ એ બનાવવા પણ ચીનના સ્પેરપાર્ટ્સ જોઈતા હોય તો આપણે પોતાની તાકાત પર ડીપસિક તો કઈ રીતે બનાવી શકવાના ?