Get The App

ફૂલનનો ખૌફનાક બદલો, લાઈનમાં ઉભા રાખીને 20 પુરૂષોની હત્યા કરેલી

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ફૂલનનો ખૌફનાક બદલો, લાઈનમાં ઉભા રાખીને 20 પુરૂષોની હત્યા કરેલી 1 - image


- ફૂલને આત્મસમર્પણ કર્યું ત્યારે તેની સામે ૪૮ કેસો હતા, ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના બેહમઈ ગામમાં ૧૯૮૧માં થયેલા હત્યાકાંડમાં ૪૩ વર્ષ પછી ચૂકાદો આવ્યો

- બહેમાઈ હત્યાકાંડના ચુકાદાએ ડાકુ રાણી ફૂલનદેવીના ખૌફની યાદોને તાજી કરી દીધી. ફૂલને પોતાના પર થયેલા ગેંગ રેપનો બદલે લેવા બહેમાઈ હત્યાંકાંડ સર્જેલો. ફૂલનને બહેમાઈમાં એક રૂમમાં નગ્નાવસ્થામાં રખાઈ હતી અને પુરૂષો મનફાવે ત્યારે આવીને તેના પર બળાત્કાર ગુજારતા. આ અત્યાચાર ઓછો હોય તેમ આખા ગામને ભેગું કરીને ફૂલનને નગ્નાવસ્થામાં ગામની વચ્ચેથી નિકળીને ગામની બહાર આવેલા દલિતો માટેના કૂવામાંથી પાણી ભરીને લઈ આવવાની ફરજ પાડીને અપમાનિત કરાતી હતી. આ અત્યાચાર મહિનાઓ લગી ચાલ્યો હતો. 

ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના બેહમાઈ ગામમાં ૧૯૮૧માં થયેલા હત્યાકાંડમાં ૪૩ વર્ષ પછી ચુકાદો આવ્યો એ તરફ બહુ લોકોનું ધ્યાન ગયું નથી પણ આ ચુકાદાએ ડાકુ રાણી ફૂલન દેવીના ખૌફની યાદો તાજી કરી દીધી, ફૂલનની બદલાની કથાની યાદ અપાવી દીધી. ફૂલન દેવીએ પોતાના પર થયેલા સામૂહિક બળાત્કાર સહિતના અત્યાચારોનો બદલે લેવા માટે કોઈ ફિલ્મમાં જ જોવા મળે એ રીતે બહેમાઈ ગામના ઠાકુર જ્ઞાાતિના ૨૦ પુરૂષોને લાઈનમાં ઉભા રાખીને ગોળીઓ મારીને મારી નાંખ્યા હતા. ૧૪ ફેબુ્રઆરી, ૧૯૮૧ના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે ફૂલને આચરેલા આ હત્યાકાંડે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. પછીથી સ્પષ્ટતા કરાયેલી કે, ફૂલને ૧૭ ઠાકુરોને મારેલા. બાકીના ત્રણમાં એક દલિત, એક મુસ્લિમ અને એક ઓબીસી હતો. જો કે તેનાથી શો ફરક પડે છે ? 

ઉત્તર પ્રદેશમાં એ વખતે કોંગ્રેસના વિશ્વનાથ પ્રતાપસિંહ મુખ્યમંત્રી હતા. બહેમાઈ હત્યાકાંડના પગલે વી.પી. સિંહે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડેલું. બહેમાઈ હત્યાકાંડમાં ફૂલન દેવી સહિત ૩૬ આરોપી હતા. તેમાંથી ૩૪ આરોપી મરી ગયા છે. બચી ગયેલા બે આરોપીઓમાંથી શ્યામબાબુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જ્યારે વિશ્વનાથને પુરાવાના અભાવે છોડી મૂકાયો છે.  

ફૂલને બહેમાઈમાં કાળો કેર વર્તાવ્યો તેનું કારણ શ્રી રામસિંહ અને તેનો ભાઈ લલ્લા રામસિંહ હતા.  બંને ડાકુ હતા ને ફૂલન પર સાંભળીને પણ થથરી જવાય એવા અત્યાચાર તેમણે કરેલા. બહેમાઈ હત્યાકાંડ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલી ચંબલની ડાકુ ટોળીઓએ આચરેલો સૌથી મોટો હત્યાકાંડ છે. આ હત્યાકાંડે ફૂલનદેવીને માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં જાણીતી કરી દીધેલી. યુપીના જાલૌન જિલ્લાના ગોરહા કા પુરવા ગામમાં પછાત ગણાતી મલ્લાહ જ્ઞાાતિમાં જન્મેલી ફૂલન પોતાની ઈચ્છાથી ડાકુ નહોતી બની પણ ડાકુ બાબુ ગુજ્જરની હવસનો શિકાર બની તેમાં ડાકુ બનવું પડેલું. 

ફૂલન અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી. તેના કાકાએ તેના બાપની જમીન બથાવી પાડી તેથી ચાર બહેનો અને એક ભાઈ એમ પાંચ જણાએ મા-બાપ સાથે મળીને મજૂરી કરીને બે છેડા ભેગા કરવા પડતા. ફૂલન ૧૩ વર્ષની થઈ ત્યારે તેના પિતાએ ૧૦૦ રૂપિયા, એક ગાય અને સાયકલના બદલામાં ૪૦ વર્ષના પુત્તીલાલ સાથે તેને પરણાવી દીધેલી. એ વખતે નક્કી થયેલું કે ફૂલન ૧૬ વર્ષની થાય ત્યારે તેને લઈ જશે પણ ત્રણ મહિના પછી પુત્તીલાલ તેને લઈ ગયો. 

ફૂલન ત્યારે માત્ર ૧૩ વર્ષની હતી. આટલી નાની છોકરી સાથે પુત્તીલાલ પરાણે સંબંધ બાંધતો તેમાં મહિનામાં તો બિમાર પડી જતાં પુત્તીલાલ તેને પિતાના ઘરે મૂકી ગયેલો. ફૂલન સાજી થઈ પછી તેની ફોઈના દીકરા કૈલાશને ત્યાં કામ કરવા મોકલાયેલી. ફૂલનને કૈલાશ સાથે સંબંધો બંધાયા. કૈલાશની પત્નીને આ વાતની ખબર પડતાં ફૂલને પાછા ઘરે આવવું પડેલું. ફૂલનનો પરિવાર તેને પાછી પુત્તીલાલ પાસે મૂકી આવ્યો. પુત્તીલાલે બીજાં લગ્ન કરી લીધેલાં તેથી રોજ ઝગડા થતા તેમાં છેવટે પુત્તિલાલ તેને પાછો પિયર મૂકી ગયો. 

પિયરમાં ફૂલનને તેના કાકાના દીકરા સાથે ઝગડો થતાં કેસ થઈ ગયો તેમાં પોલીસ ફૂલનને પકડીને લઈ ગયેલી. પોલીસ લોક-અપમાં તેના પર રોજ ગેંગ રેપ થતો. પોલીસ સ્ટેશનમાં જ ફૂલનને ડાકુ બાબુ ગુજ્જરે જોઈ અને પોલીસ પર દબાણ લાવીને તેને છોડાવી. થોડા દિવસ પછી ડાકુ બાબુ ગુજ્જર તેને ઉઠાવી ગયો. બાબુ ૧૯૭૯માં ફૂલનને ઉઠાવી ગયો ત્યારે તેની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. ગુજ્જરે ફૂલનને પોતાની રખાત બનાવીને રાખી હતી અને તેના પર રોજ બળાત્કાર ગુજારતો. મહિનાઓ સુધી ગુજ્જરે ફૂલન પર અત્યાચાર ગુજારીને તેને હવસનો શિકાર બનાવી હતી. 

આ સમયગાળામાં ગુજ્જરની ટોળીના ડાકુ વિક્રમ મલ્લાહ સાથે ફૂલનની આંખો મળી ગઈ. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો પછી વિક્રમ મલ્લાહે બાબુ ગુજ્જરને મારીને ફૂલનને તેની ચુંગાલમાંથી છોડાવી. મલ્લાહે ફૂલનને બંદૂક ચલાવતાં શીખવ્યું અને તેને ટોળીની સભ્ય બનાવી. ફૂલન પોતાના પ્રેમી વિક્રમ મલ્લાહ સાથે ખુશ હતી. ફૂલનના કહેવાથી મલ્લાહે તેના પતિ પુત્તીલાલને પણ ફટકારેલો. 

વિક્રમ-ફૂલનની જોડીનો ચંબલમાં દબદબો વધતો જતો હતો ત્યારે જ શ્રી રામસિંહ જેલમાંથી છૂટીને બહાર આવ્યો. આ ગેંગ મૂળ રામસિંહે બનાવેલી તેથી તેને ફરી સરદાર બનવું હતું. તેના કારણે ટોળીમાં લડાઈ શરૂ થઈ ને રામસિંહે મલ્લાહને મારી નાંખ્યો. મલ્લાહની હત્યા પછી શ્રી રામસિંહ અને તેનો ભાઈ ફૂલનને ઉઠાવીને બહેમાઈ લઈ ગયેલા. બહેમાઈમાં ફૂલનદેવી પર દિવસો સુધી ગેંગ રેપ થયો. 

શ્રી રામસિંહ અને તેના ભાઈ લલ્લાએ તો ફૂલનને હવસનો શિકાર બનાવી જ પણ ગામના બીજા પુરૂષોએ પણ બળાત્કાર કર્યો કે જેમાં ઠાકુર જ્ઞાાતિના પુરૂષો વધારે હતા. ફૂલનને એક રૂમમાં નગ્નાવસ્થામાં જ રખાતી અને પુરૂષો મનફાવે ત્યારે આવીને તેના પર બળાત્કાર ગુજારતા. આ અત્યાચાર ઓછો હોય તેમ આખા ગામને ભેગું કરીને ફૂલનને નગ્નાવસ્થામાં ગામની વચ્ચેથી નિકળીને ગામની બહાર આવેલા દલિતો માટેના કૂવામાંથી પાણી ભરીને લઈ આવવાની ફરજ પાડીને અપમાનિત કરાતી હતી.

આ અત્યાચાર મહિનાઓ લગી ચાલ્યો. એક દિવસ તક મળતાં ફૂલન ગામમાંથી ભાગી નિકળી અને પાછી ચંબલની બિહડોમાં પહોંચી ગઈ. ચંબલમાં ફૂલનને ડાકુ માનસિંહે આશ્રય આપ્યો. માનસિંહ ફૂલન સાથે સારી રીતે વર્તતો તેથી ફૂલન તેના પ્રેમમાં પડી ગઈ. બંને પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યાં અને નવી ગેંગ બનાવીને લૂંટફાટ શરૂ કરી. 

ફૂલન ફરી ડાકુ રાણી તરીકેની જીંદગી જીવવા માંડેલી પણ બહેમાઈમાં થયેલા અત્યાચારોના બદલાની આગ દિલમાં સળગતી હતી. આ આગને બુઝાવવા ફૂલન અને માનસિંહ પોતાની ટોળી સાથે બહેમાઈ પર ત્રાટક્યાં. ફૂલને ગામનાં લોકોને શ્રી રામસિંહ અને લલ્લારામને પોતાને સોંપી દેવા કહ્યું પણ બંનેનો પત્તો નહોતો તેથી ડાકુઓએ ઘરે ઘરે ફરીને બંનેને શોધવા માંડયા. આ દરમિયાન ઘરોમાંથી પુરૂષોને કાઢી કાઢીને ચોકમાં ભેગા કરાયા. ફૂલન 

પોતાને હવસનો શિકાર બનાવનારા ૨૨ પૂરૂષોને યમુના નદીના કિનારે લઈ ગઈ ને લાઈનમાં ઉભા રાખીને પાછળથી ગોળીઓ છોડીને તેમનાં ઢીમ ઢાળી દીધાં. તેમાંથી ૨૦ જણા મોતને ભેટયા ને ૨ જણા બચી ગયા. 

આ હત્યાકાંડ પછી ફૂલનને પકડવા માટે પોલીસ દોડતી થઈ ગયેલી. ફૂલનની માને પાંચ મહિના સુધી તો જેલમાં ગોંધી રાખેલી કે જેથી તેને ખાતર ફૂલનદેવી શરણાગતિ સ્વીકારે. ફૂલને તેના બદલે ડાકુગીરી ચાલુ રાખી. ફૂલનને પકડી નહીં શકાય એવું લાગતાં છેવટે પોલીસ ઓફિસર રાજેન્દ્ર ચતુર્વેદીએ ફૂલનને શરણાગતિ માટે સમજાવવા મંત્રણા શરૂ કરવી પડેલી. આ મંત્રણા ફળી ને ફૂલને મધ્ય પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે શરણાગતિ સ્વીકારી ત્યારે તેને જોવા હજારોની ભીડ ઉમટી હતી. 

ફૂલને આત્મસમર્પણ કર્યું ત્યારે તેની સામે ૪૮ કેસ હતા. મોટા ભાગના કેસ યુપીમાં હતા પણ ફૂલન પોતાની હત્યા થઈ જશે એ ડરે યુપીની જેલમાં જવા તૈયાર નહોતી. છેવટે ૧૯૯૪માં મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ફૂલન સામેના બધા કેસો પાછા ખેંચ્યા ત્યારે ફૂલન જેલમાંથી બહાર આવી. એ પછી તો ફૂલન સાંસદ બની ને તેની હત્યા પણ થઈ ગઈ.

- ફૂલન સેલિબ્રિટી દસ્યુ સુંદરી, બેન્ડિટ ક્વિન કેસમાં ૪૦ હજાર પાઉન્ડ મળેલા

ફૂલનદેવી જેટલી પબ્લિસિટી બીજા કોઈ ડાકુને નથી મળી. શેખર કપૂરે ફૂલનદેવી પર ધ બેન્ટિડ ક્વિન ફિલ્મ બનાવી એ તો બહુ જાણીતી થઈ જ પણ ફૂલન પર કહાની ફૂલવતી કી, ફૂલન દેવી સહિતની બીજી ફિલ્મો પણ બની છે. માલા સેને લખેલી તેની આત્મકથા બહુ જાણીતી થઈ પણ સંખ્યાબંધ પુસ્તકો તેના પર લખાયાં છે. ડ્રામા, ઓપેરા, વેબ સીરિઝ વગેરે પણ બન્યાં છે. 

ફૂલને બેન્ડિટ ક્વિન સામે ભારે વાંધો લીધેલો અને કેસ પણ કરેલો. ફૂલન દેવીને ચેનલ ફોર દ્વારા બેન્ડિટ ક્વિન સામેનો કેસ પાછો ખેંચી લેવા માટે ૪૦ હજાર પાઉન્ડ અપાયેલા. એ જમાનામાં પાઉન્ડનો ભાવ ૫૦ રૂપિયાની આસપાસ હતો એ જોતાં ફૂલનને ૨૦ લાખ રૂપિયા મળ્યા હતા. આ વાત એ જમાનાની છે કે જ્યારે પાંચ હજાર રૂપિયાનો પગાર પણ બહુ મોટો ગણાતો હતો. એ જમાનામાં ફૂલન દેવીને ૨૦ લાખ રૂપિયાની જંગી રકમ મળી હતી. 

- ફૂલન બે વાર સાંસદ બની, ૩૮ વર્ષની ઉંમરે હત્યા થઈ ગઈ

ફૂલન દેવીને મુલાયમસિંહ યાદવ રાજકારણમાં લઈ આવેલા. ફૂલન ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી ૩૭ હજાર મતની જંગી સરસાઈથી જીતીને સાંસદ બનેલી. ૧૯૯૮ની ચૂંટણીમાં ભાજપના વિરેન્દ્રસિંહ સામે ફૂલન હારી ગયેલી પણ ૧૯૯૯માં ફરી જીતીને લોકસભાની સભ્ય બની હતી. 

ફૂલન લોકસભાની સભ્ય હતી ત્યારે જ ૨૫ જુલાઈ, ૨૦૦૧ના રોજ ઉત્તરાખંડના શેરસિંહ રાણા નામના યુવકે તેની હત્યા કરી નાંખી ત્યારે ફૂલન માત્ર ૩૮ વર્ષની હતી.  હત્યા કરીને ભાગી ગયેલા શેરસિંહે બે દિવસ પછી આત્મસમર્પણ કર્યું ત્યારે બહેમાઈ હત્યાકાંડનો બદલો લેવા હત્યા કરી હોવાનો દાવો કરેલો. ફૂલનના પતિ ઉમેદસિંહે આ હત્યાને જ્ઞાાતિવાદનું પરિણામ ગણાવી હતી. શેરસિંહને પછીથી ૧૦ વર્ષની સજા થયેલી. આ સજા ભોગવીને છૂટી ગયેલો શેરસિંહ અત્યારે રાજકારણી છે.


News-Focus

Google NewsGoogle News