Get The App

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાના કોઇ અણસાર નથી

Updated: Aug 18th, 2021


Google NewsGoogle News
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાના કોઇ અણસાર નથી 1 - image


- પેટ્રોપેદાશો ઉપરની એક્સાઇઝ ડયૂટી ઘટાડવાનો નાણા મંત્રીનો ઇન્કાર

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે નાણામંત્રીએ અગાઉની યૂપીએ સરકારને જવાબદાર ઠરાવતા કહ્યું કે એ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવ મૂળ કિંમત કરતાં ઘણી ઓછા રાખ્યા હતાં એને એ માટે ઓઇલ બોન્ડ જારી કર્યાં હતાં અને એના પરિણામે વર્તમાન સરકાર ઉપર આર્થિક બોજ પડી રહ્યો છે

છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી થયો પરંતુ એમાં ખુશ થવા જેવી કોઇ વાત નથી કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ચૂક્યાં છે અને લોકોને હવે એમાં ઘટાડો થાય એવી અપેક્ષા છે. પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમને લોકોની આ અપેક્ષા ઉપર પાણી ફેરવતા કહ્યું છે કે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઇ શક્યતા નથી. 

નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલના હાલમાં વધી રહેલા ભાવ માટે પણ સાત વર્ષ અગાઉની યૂપીએ સરકારને જવાબદાર ઠરાવી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે યૂપીએ જવાબદાર!

પેટ્રો પેદાશોના ભાવ ઘટાડવા શક્ય ન હોવા પાછળ નાણા મંત્રીએ કારણ આપતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્ત્વવાની યૂપીએ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનનું વેચાણ વાસ્તવિક કિંમત કરતા ઘણા ઓછા ભાવે કર્યું હતું. એ વખતે યૂપીએ સરકારે પેટ્રોપેદાશોને સસ્તા ભાવે વેચવા માટે ઓઇલ કંપનીઓને સીધી સબસિડી આપવાના બદલે ૧.૩૪ લાખ કરોડના ઓઇલ બોન્ડ જારી કર્યાં હતાં.  એ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ કરતા પણ વધી ગયાં હતાં . એ ઓઇલ બોન્ડ હવે પાકી ગયાં છે અને સરકારે એ બોન્ડ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે.  સીતારમને કહ્યું કે છેલ્લા સાત વર્ષ દરમિયાન ઓઇલ બોન્ડ ઉપર સરકારે ૭૦,૧૯૫.૭૨ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વળી, ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ સામે માત્ર ૩૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી થઇ છે અને બાકી રહેલા ૧.૩૦ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી કરવાની છે. હકીકતમાં સરકારે આ વ્યાજની ચૂકવણી માટે એક્સાઇઝ ડયૂટીમાં જંગી વધારો કર્યો છે. છેલ્લા એક જ વર્ષમાં સરકારે એક્સાઇઝ ડયૂટીમાં ૧૯.૯૮ રૂપિયાથી ૩૨.૯ રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરીને પેટ્રોપેદાશોના ભાવ ઘટાડી શકાય એમ છે પરંતુ સરકાર એમ કરવા તૈયાર નથી. 

મોંઘવારીના કારણે લોકોની હાલાકીમાં વધારો

કોરોના કાળમાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ખાસ કરીને આર્થિક મુસીબતોનો પાર નથી. એવામાં અસહ્ય મોંઘવારી પડતાને માથે પાટા સમાન છે. દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે સો રૂપિયાને વટાવી ગયા છે, તો ડીઝલ પણ મોંઘું બન્યું છે. 

ડીઝલ મોંઘુ થવાના કારણે માલસામાનનું પરિવહન મોંઘું થાય છે અને પરિણામે રોજબરોજના ઉપયોગની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ જાય છે. પરંતુ સરકાર મોંઘવારી પર ચર્ચા કરવાથી જ ભાગતી હોય તો પ્રજા ક્યાં જાય? રોકેટ ગતિએ ભાવ વધી રહ્યાં હોય તો સરકારે એ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. પરંતુ લાગે છે કે સરકાર માટે ભાવવધારો અને પ્રજાની થતી હાલાકી કોઇ મુદ્દો જ નથી રહ્યાં, એટલા માટે તેને આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી નથી લાગતી. 

પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવને લઇને લોકોમાં નિરાશાનો માહોલ છે. બળતણની કિંમત વધે છે તો એની સીધી અસર રોજબરોજની ચીજવસ્તુઓ પર થાય છે. કોરોના મહામારીના આ દોરમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે ત્યારે રાંધણ ગેસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભડકાએ લોકોની હાલાકીમાં ભારે વધારો કર્યો છે. 

એક જમાનામાં ડીઝલ પેટ્રોલ કરતા ઘણું સસ્તું હતું પરંતુ આજકાલ ડીઝલના ભાવ પણ પેટ્રોલના ભાવ સાથે રેસ કરી રહ્યાં છે. આમ પણ પેટ્રોલિયમે હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ક્યારેક તેના ભાવ આભને આંબે છે અને લોકો ત્રાહિમામ પોકારી જાય છે તો ક્યારેક પાણી જેટલું સસ્તું થઇ જાય છે. પેટ્રોલિયમના ભાવ વધે તો અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ જાય છે અને સસ્તુ થાય તો આવા દેશો રાહતનો શ્વાસ લે છે. 

અર્થવ્યવસ્થા ચલાવવા માટે પણ પેટ્રોપેદાશો અનિવાર્ય

પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહનવ્યવહારમાં જ નથી વપરાતાં, દેશનો બહુધા વ્યાપાર પણ પેટ્રોલિયમ બળતણ પર આધારિત છે. 

રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં પણ પેટ્રોલિયમ પેદાશો જ કામ લાગે છે. એટલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે શરૂ થતું દુષ્ચક્ર સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવવધારા માટે કારણભૂત બને છે. ખેતીવાડીમાં તો ડગલે ને પગલે ડીઝલની જરૂર પડે છે એવામાં ડીઝલમાં થતા ભાવવધારાના કારણે ખેડૂતોનો ઉત્પાદનખર્ચ વધે છે. 

આ વધેલા ખર્ચની સરખામણી મુજબનો બજારભાવ ન મળે તો ખેડૂતોને ભારે નુકસાન જાય છે અને તેમના દેવામાં પણ વધારો થાય છે. ડીઝલના વધેલા ભાવોની સીધી અસર દેશના ખેડૂતો ઉપર થાય છે.  ખેતીવાડીમાં તો ડીઝલની બચત કરવાનો સવાલ જ પેદા થતો નથી. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોની સીધી અસર માલસામાનના પરિવહન ઉપર પડી રહી છે.  જેના કારણે ખેતપેદાશો તેમજ અન્ય ઉત્પાદનો ઉપરનો ખર્ચ વધી રહ્યો છે. અમદાવાદ, મુંબઇ, દિલ્હી કે કોલકાતા જેવા મોટા શહેરોમાં નોકરી કરતા કે સામાન્ય વ્યવસાય કરતા લોકોની પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ લોકોને રોજિંદી અવરજવરમાં જ મોટો ખર્ચો થઇ જાય છે.  મહિનાના અંતે જોતા ખ્યાલ આવે કે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવનો તેમની બચત ઉપર સીધો પ્રહાર થાય છે.

ડાઇનેમિક પ્રાઇસિંગનો પ્રજાને લાભ જ ન મળ્યો

ગયા વર્ષે કોરોના વાઇરસની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ થઇ અને આખી દુનિયામાં ઓઇલની ખપત ઘટી ગઇ. પરંતુ ભારતની કમનસીબ પ્રજાને આ ઘટાડાનો જરાય લાભ ન મળ્યો. જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમના ભાવ ઘટયાં તેમ તેમ સરકાર તેના પરની એક્સાઇઝ ડયૂટી વધારતી રહી. 

પરિણામ એ આવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કીંમત તળિયે હતાં ત્યારે પણ દેશની જનતા પેટ્રોલ-ડીઝલ માટે આસમાની ભાવ ચૂકવી રહી હતી.  લૉકડાઉન દરમિયાન પેટ્રોલિયમના ભાવ ઘટતા રહ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવની રોજિંદી સમીક્ષા કરવાનો બંધ કરી દીધી. લૉકડાઉન દૂર થતાં પેટ્રોલિયમના ભાવ પાછા વધવા લાગ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પાછા ભાવ વધારવાના શરૂ કર્યાં.

ચાર વર્ષ પહેલાં પેટ્રોલિયમની કીંમતોમાં રોજિંદી સમીક્ષા કરવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. 

આ રીતની ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા અમલમાં મૂકતી વખતે સરકારનો દાવો હતો કે આ વ્યવસ્થા પ્રજાના ભલા માટે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતી પેટ્રોલિયમની વધઘટનો સીધો લાભ લોકોને મળશે.  આ નિયમ કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓની પરસ્પરની સહમતિ બાદ અમલી બનાવવામાં આવ્યો હતો.   કારણ એ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોપેદાશોના ભાવ રોજેરોજ વધઘટ થયા કરે છે એ સંજોગોમાં જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો જનતાને એનો સીધા લાભ મળી શકે.  જોકે ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજબરોજ વધારો થવા લાગ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રોજિંદી વધઘટ કરવા માટેની ડાયનેમિક પ્રાઇઝની નીતિ અમલમાં મૂકીને સરકારે દેશની જનતા સાથે છેતરપિંડી જ કરી છે. 

ખરેખર તો પેટ્રોલ અને ડીઝલની કીંમતોનો ગ્રાફ જે રીતે ઊઁચે જઇ રહ્યો છે એ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે આ નિયમે લોકોના ખિસ્સા ખાલી કરવાથી વિશેષ કશું કર્યું નથી. 

કેન્દ્ર કે રાજ્ય સરકારો ટેક્સ ઘટાડવા તૈયાર નથી

સાચી વાત તો એ છે કે પેટ્રોલ-ડીઝલ એ સરકાર માટે સોનાના ઇંડા આપતી મરઘી સમાન છે. પેટ્રોપેદાશોને જીએસટી અંતર્ગત લાવી દેવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એમાં મનમરજી મુજબનો ટેક્સ નહીં લગાવી શકે અને દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો એકસમાન થઇ જશે.  હકીકતમાં પેટ્રોલ-ડીઝલ ઉપરના ટેક્સના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને એટલી તગડી આવક થાય છે કે એ આવક ગુમાવવી તેમને પોષાય એમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પેટ્રોલ ઉપર લગભગ ૯૦ ટકા અને ડીઝલ ઉપર ૬૦ ટકા જેટલો ટેક્સ વસૂલી રહી છે. સરકાર બેફિકર છે અને પ્રજા પાસે લાચાર મને મૂક થઇને મોંઘવારીમાં થઇ રહેલા અસહ્ય વધારાનો ભાર સહ્યા વિના છૂટકો નથી.

News-Focus

Google NewsGoogle News