ગડકરીનું સંઘના ઈશારે પરફેક્ટ ટાઈમિંગ સાથે ટાઢા પહોરનું ગપ્પું

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ગડકરીનું સંઘના ઈશારે પરફેક્ટ ટાઈમિંગ સાથે ટાઢા પહોરનું ગપ્પું 1 - image


- ગડકરીએ વિપક્ષના ક્યા નેતાએ વડાપ્રધાનપદની ઓફર કરી તેમનું નામ કે બીજી વિગતો આપી નથી પણ આ નેતા શરદ પવાર હોવાની ચર્ચા છે

- મોદી પાસે સ્પષ્ટ બહુમતી નથી અને સંઘ પણ મોદીથી નારાજ હોવાની વાતો ચાલી રહી છે ત્યારે જ ગડકરીએ પાસો ફેંક્યો તેનું ગડકરી વિપક્ષોને નરેન્દ્ર મોદીને ઉથલાવવા નિમંત્રણ આપી રહ્યા છે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે. વિશ્લેષકોના મતે, ગડકરી સંઘના ઈશારે આ દાવ રમ્યો છે. મોદીએ સંઘને હાંસિયામાં ધકેલી દીધા છે. હિંદુત્વના એજન્ડા અને સંઘનાં સૂચનોને મોદી ઘોળીને પી જાય છે. તેનું તાજું ઉદાહરણ મણિપુરની હિંસા છે. સંઘ મોદીના અહંકારી વલણથી પહેલેથી ખુશ નથી પણ પહેલાં સ્પષ્ટ બહુમતી હતી તેથી સંઘ કશું બોલી શકે તેમ નહોતો. હવે મોદી પાસે સ્પષ્ટ બહુમતી નથી તેથી સંઘની હિંમત પણ ખૂલી ગઈ છે. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીએ વિપક્ષના ટોચના નેતાએ વડાપ્રધાનપદની ઓફર કરી હોવાનો ધડાકો કર્યો છે. ગડકરીનો દાવો છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષના એક દિગ્ગજ નેતાએ વિપક્ષના ટેકાથી વડાપ્રધાનપદે બેસાડવાની ઓફર કરી હતી પણ પોતે આ ઓફરને નકારી કાઢી હતી કેમ કે પોતાને વડાપ્રધાનપદની કોઈ લાલચ નથી. ગડકરીના કહેવા પ્રમાણે, પોતે વિચારધારા અને આદર્શોને વરેલા માણસ છે, સત્તાની પાછળ કદી ભાગ્યા નથી. ભાજપે પોતાને બહુ બધું આપ્યું છે તેથી સત્તા માટે પોતે ભાજપને કદી દગો નહીં આપે. 

ગડકરીએ વિપક્ષના ક્યા નેતાએ તેમને વડાપ્રધાનપદની ઓફર કરી તેનું નામ કે બીજી વિગતો આપી નછી પણ આ નેતા શરદ પવાર હોવાની ચર્ચા છે પણ મોટા ભાગનાં લોકો માને છે કે, ગડકરી ટાઢા પહોરનું ગપ્પુ હાંકી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં નરેન્દ્ર મોદીના નામનો કૃત્રિમ જુવાળ ઉભો કરાયેલો. 

મોદીના કરિશ્માના કારણે ભાજપ ૩૭૦ પ્લસ અને એનડીએ ૪૦૦ પ્લસ બેઠકો જીતશે એવી હવા જમાવી દેવાયેલી. મોદી હારી જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. ભાજપના નેતા મોદીથી એટલા ડરેલા હતા કે તેમની સામે ચૂં કે ચાં કરવાની હિંમત નહોતી. મોદી સામે પડો એટલે લોકો જ તમારી રાજકીય કારકિર્દી પતાવી દે એવી જબરદસ્ત મોદીની લોકપ્રિયતા હોવાનો ભ્રમ ઉભો કરાયેલો. 

આ સંજોગોમાં ભાજપમાં મોદી સામે બગાવત થાય ને સાંસદો ગડકરીની પંગતમાં બેસી જાય તેના કરતાં વધારે હાસ્યાસ્પદ વાત બીજી કોઈ નહોતી. વિપક્ષો તો ક્યાંય ચિત્રમાં જ દેખાતા નહોતા. વિપક્ષો પાસે  માંડ ૨૦૦ સાંસદો નહોતા થતા તેથી વિપક્ષોની તો મોદીના સ્થાને ગડકરીને વડાપ્રધાન બનાવવાની તાકાત જ નહોતી.

આ બધું જોતાં ગડકરી ફેંકાફેક કરી રહ્યા હોવાની શક્યતા વધારે છે પણ ગડકરીએ ફેંકવા માટે પસંદ કરેલો સમય મહત્વનો છે. મોદી પાસે સ્પષ્ટ બહુમતી નથી અને સંઘ પણ મોદીથી નારાજ હોવાની વાતો ચાલી રહી છે ત્યારે જ ગડકરીએ પાસો ફેંક્યો તેનું ગડકરી વિપક્ષોને નિમંત્રણ આપી રહ્યા છે એવું અર્થઘટન કઢાઈ રહ્યું છે. વિશ્લેષકોના મતે, ગડકરીએ વિપક્ષોને મેસેજ મોકલ્યો છે કે, નરેન્દ્ર મોદીને ઉથલાવવા હોય તો પોતે સાથ આપવા તૈયાર છે, માત્ર પોતાને વડાપ્રધાનપદ જોઈએ. 

વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, ગડકરીએ સંઘના ઈશારે આ દાવ રમ્યો છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ સંઘને હાંસિયામાં ધકેલી દીધા છે. મોદીને સંઘ સાથે સારા સંબંધો રાખવાની પણ તમા નથી.  વર્ષોની પરંપરા છે કે,  કેન્દ્રના નેતા નાગપુરની મુલાકાત લે એટલે સંઘના હેડક્વાર્ટર ખાતે નેતાઓને મળવા જાય છે. મોદી કદી સંઘના હેડક્વાર્ટર ગયા નથી. ઉલટાનું મોદીએ સંઘના નેતાઓને પોતાની સેવામાં હાજર થવાની ફરજ પાડી છે.

 હિંદુત્વના એજન્ડા અને બીજા મુદ્દે પણ મોદી સંઘને ગણકારતા નથી.  સંઘ દ્વારા કરાતાં સૂચનોને મોદી ઘોળીને પી જાય છે. તેનું તાજું ઉદાહરણ મણિપુરની હિંસા છે. સંઘના વડા મોહન ભાગવતે બે વાર મણિપુરની હિંસાને રોકવા નક્કર પગલાં લેવા કહ્યું પણ મોદીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી વાતને કાઢી નાંખી. 

સંઘ મોદીના આ અહંકારી વલણથી પહેલેથી ખુશ નથી પણ પહેલાં મોદી પાસે સ્પષ્ટ બહુમતી હતી તેથી સંઘ કશું બોલી શકે તેમ નહોતો. હવે મોદી પાસે સ્પષ્ટ બહુમતી નથી તેથી સંઘની હિંમત પણ ખૂલી ગઈ છે. 

મોદીએ ભાજપ અને સંઘ પરિવારનાં બીજાં સંગઠનોનું કોઈ વજૂદ જ ના હોય એ રીતે વર્તીને ભાજપનો બેડો ગર્ક કરી નાંખ્યો એવું પણ સંઘ માને છે. મોદી અને તેમના માણસો સતત રાહુલ ગાંધી પર પ્રહારો કરતા રહ્યા તેના કારણે રાહુલનું કદ વધતું ગયું અને અત્યારે રાહુલ દેશમાં સૌથી લોકપ્રિય નેતાઓમાં એક બની ગયા છે. 

રાહુલને રોકવામાં નહીં આવે તો ધીરે ધીરે ભાજપનું પતન થશે એવું સંઘને લાગે છે, મોદી હજુય આત્મશ્લાઘા અને અહંકારમાંથી બહાર આવતા નથી, મતદારો પોતાની તરફ વળે એવી નક્કર કામગીરી કરવાના બદલે વાતોનાં વડાં કર્યા કરે છે. સંઘ મોદીની સ્ટાઈલ બદલી શકે તેમ નથી તેથી મોદીને જ બદલી નાંખવાનો રસ્તો તેને વધારે યોગ્ય લાગે છે. આ કારણે સંઘે જ ગડકરીને આગળ કરી દીધા છે. 

ગડકરી ભલે સત્તામાં રસ નથી એવી વાતો કરે પણ એ પણ વડાપ્રધાન બનવા તો થનગની જ રહ્યા છે. ગડકરી લાંબા સમયથી મોદીને નિશાન બનાવીને કટાક્ષો પણ કર્યા કરે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ગડકરીએ કહેલું કે, લોકોને સપનાં બતાવનારા નેતા સારા લાગે છે પણ એ જ સપનાં પૂરાં ના થાય તો લોકો ધોલાઈ પણ કરે છે. એટલા માટે એવાં જ સપનાં બતાવવાં જોઈએ કે જે પૂરાં કરી શકાય.

ગડકરીએ એવું કહેલું કે, ભાજપમાં કેટલાક લોકોએ બોલવાનું ઓછું કરીને વધારે કામ કરવાની જરૂર છે. રાજકારણીઓએ સામાન્ય સંજોગોમાં ઓછું બોલવું જોઈએ, ભાજપના કેટલાક નેતાઓને તો આ વાત વધારે લાગુ પડે છે. ગડકરીએ એવું પણ કહેલું કે, ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે વચનો આપવામાં પાછું વળીને જોયું નહોતું. અમને ગળા લગી ભરોસો હતો કે, અમે કદી સત્તામાં આવી શકીએ તેમ નથી એટલે મોટાં મોટાં વચનો આપવાની સલાહ અપાયેલી તેથી અમે ઈરાદાપૂર્વક ખોટાં વચનોની લહાણી કરેલી. હવે લોકો અમને એ વચનો પૂરાં કરવાનું યાદ કરાવે છે ત્યારે અમારા નેતાઓને મરચાં લાગે છે  પણ એ દેખાય ના એટલે અમે હસતો ચહેરો રાખીને જવાબ આપ્યા વિના નિકળી જઈએ છીએ.

ગડકરીનાં આ નિવેદનો મોદીને અનુલક્ષીને કરાયેલાં છે એ નાનું છોકરું પણ સમજે એવી વાત છે.

- રાજનાથ-શિવરાજની શરણાગતિ પછી ભાજપમાં ગડકરી જ મોદી સામે પડકારરૂપ

ભાજપમાં નીતિન ગડકરી વાજપેયી-અડવાણી યુગના નેતા મનાય છે. ભાજપમાં નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ અને નીતિન ગડકરી એમ અડવાણી યુગના ચાર જ અવશેષ બચ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોત તો શિવકરાજસિંહ ચૌહાણ, રાજનાથસિંહ અને નીતિન ગડકરીને રવાના કરી દેવાયા હોત એ નક્કી હતું પણ મોદીની ગેરંટી ના ચાલી તેમાં ત્રણેય નેતા બચી ગયા. 

ભાજપ પર મોદીનું સંપૂર્ણ પ્રભુત્વ સ્થપાયું અને મોદી ૨૦૧૯માં ફરી વડાપ્રધાન બન્યા પછી ભાજપમાં સર્વોચ્ચ મનાતા પાર્લામેન્ટરી બોર્ડમાંથી અટલ-અડવાણી યુગના નેતાઓને રવાના કરીને પોતાના માણસોને ગોઠવી દીધા છે.  

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના ૧૧ સભ્યો હોય છે. ૨૦૨૨માં મોદીએ નવા બનાવેલા બોર્ડમાં છ એવા ચહેરા છે કે જેમને ભાજપના કાર્યકરો જ ઓળખતા નથી. રાજનાથસિંહ આ સાફસૂફીમાં ટકી ગયેલા કેમ કે રાજનાથ બહુ પહેલાં મોદી સામે શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે પણ  અટલ-અડવાણી યુગના બે ધુરંધરો  શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને રવાના દેવામાં આવ્યા હતા. 

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી શિવરાજસિંહને પણ કટ ટુ સાઈઝ કરીને ફરી મુખ્યમંત્રીપદ ના અપાતાં શિવરાજે પણ શરણાગતિ સ્વીકારી લેતાં હવે માત્ર નીતિન ગડકરી જ બચ્યા છે કે જે મોદી માટે પડકારરૂપ છે. સંઘ અને કોર્પોરેટ કંપનીઓ બંને સાથે સારા સંબંધો ધરાવતા હોય એવા એક માત્ર નેતા પણ ગડકરી જ છે.

- સંઘે ૨૦૧૯માં જ ગડકરીને બેસાડવાનો તખ્તો ઘડી કાઢેલો

ગડકરીને ભાજપના પિતૃ સંગઠન સંઘનું પીઠબળ પહેલેથી છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે જ સંઘ ગડકરીને વડાપ્રધાનપદે બેસાડવા થનગનવા માંડેલો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાંના સર્વેમાં દાવો કરાયેલો કે લોકસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે અને  ત્રિશંકુ સંસદ રચાશે.  સંઘનું વલણ એવું હતું કે, ભાજપને ૨૦૧૪ની માફક સરકાર રચવા માટે જરૂરી બહુમતી ન  મળે તો અને ભાજપ વડપણ હેઠળના એનડીને પાતળી બહુમતી મળે એ મોદીની નિષ્ફળતા ગણાય. આ સંજોગોમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદે રહેવાનો અધિકાર નથી. . 

સંઘ મોદીને બદલે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની હિલચાલ શરૂ કરી દીધી હતી.  ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં સંઘ મોદી સામે કંઈ બોલી શકે તેમ નહોતો તેથી ગડકરીની મનની મનમાં રહી ગયેલી. ૨૦૧૯માં જે સ્થિતી પેદા થવાની શક્યતા હતી એ અત્યારે પેદા થઈ છે તેથી હવે સંઘ મોદીને ખસેડીને ગડકરીને વડાપ્રધાન બનાવવા માગે છે એવું કહેવાય છે. 

મોદીને ગડકરી ધોળે ધરમેય ખપતા નથી. મોદી અમિત શાહને આગળ કરી રહ્યા છે પણ સંઘને શાહ પસંદ નથી. સંઘની પહેલી પસંદ ગડકરી અને ભવિષ્યની પસંદ યોગી આદિત્યનાથ છે. મોદીને યોગી આદિત્યનાથ પણ પસંદ નથી. આ ખેંચતાણમાં રાજનાથસિંહનો ચાન્સ લાગી જાય એવું બને કેમ કે રાજનાથ મોદી અને સંઘ બંને વચ્ચે સંતુલન સાધીને ચાલે છે.

News-Focus

Google NewsGoogle News