Get The App

હેકર શુજાની ઓફરઃ 53 કરોડ ફેંકો, 63 બેઠકોનાં ઈવીએમ હેક કરાવો

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
હેકર શુજાની ઓફરઃ 53 કરોડ ફેંકો, 63 બેઠકોનાં ઈવીએમ હેક કરાવો 1 - image


- સુજાની આ પહેલાં પણ ઇવીએમ હેક કરવાનો દાવો કરી ચૂક્યો છે પણ છેલ્લા પાણી બેઠો હતો તેમ છતાં કોંગ્રેસે તેને ચકાસવો જોઈએ

- શુજાનો દાવો છે કે, તેની પાસે મહારાષ્ટ્રની 281 બેઠકોનાં ઈવીએમનું એક્સેસ છે. કોંગ્રેસને ફાળવાયેલી 102 બેઠકો માટે ગ્રાઉન્ડ પર 65 માણસો અપાય ને પોતે કહે એ રીતે કામ કરાય તો ઈવીએમ હેક કરીને ધાર્યાં પરિણામ આપી શકે છે. કોંગ્રેસે શુજાને ચકાસવા ખાતર સેમ્પલ તરીકે પાંચેક બેઠકોનાં ઈવીએ હેક કરવાનું કામ સોંપીને પાંચેક કરોડ રૂપિયા ખર્ચી નાંખવા જોઈએ કેમ કે તેના કારણે સત્યનાં પારખાં થઈ જશે. ઈવીએમ હેક થઈ જાય તો અત્યાર સુધી જે પણ આક્ષેપો થયા છે એ સાચા ઠરશે ને કોંગ્રેસના હાથમાં મોટો મુદ્દો આવી જશે. ઈવીએમ હેક ના થાય તો તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા સમજીને કોંગ્રેસે ૫ કરોડ રૂપિયા અને શુજા બંનેને ભૂલી જવાનાં.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને ૪ દિવસ જ બચ્યા છે ત્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનો મુદ્દો પાછો ગાજ્યો છે. અમેરિકામાં ડીફેન્સ ડીપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાનો દાવો કરનારા સૈયદ શુજા નામના હેકરે મહા વિકાસ અઘાડી (એમવીએ)ના સીનિયર સાંસદને ફોન કરીને ઈવીએમ હેક કરવવા માટે પૈસા ફેંકો અને ચૂંટણી જીતોની ઓફર કરી છે. શુજાની વાત કોંગ્રેસના સીનિયર નેતા સાથે થયાનું સ્પષ્ટ છે કેમ કે, શુજા સાથેની વાતચીતમાં પાર્ટી ૧૦૨ બેઠકો પર લડી રહી હોવાનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રમાં બીજી કોઈ પાર્ટી ૧૦૨ બેઠકો પર નથી લડી રહી. 

શુજાએ પોતાને ૫૩ કરોડ રૂપિયા અપાય તો પોતે ૬૩ વિધાનસભા બેઠકોનાં ઈવીએમ હેક કરીને પોતે જીતાડી આપશે એવો દાવો કર્યો છે. શુજાના કહેવા પ્રમાણે, ગ્રાઉન્ડ પર ૬૫ માણસો અપાય ને પોતે કહે એ રીતે કામ કરાય તો પોતે ઈવીએમ હેક કરીને ધાર્યાં પરિણામ આપી શકે છે. પોતાને વ્હીસલબ્લોઅર ગણાવતા શુજાએ મહારાષ્ટ્રના ઘણા નેતાને ફોન કરેલા પણ કોઈએ તેને ભાવ નહોતો આપ્યો. કોંગ્રેસના આ સાંસદે શુજાની ઓફર વિશે એક ટોચની ટીવી ચેનલને વાત કરી. આ ટીવી ચેનલે પોતાના બે પત્રકારોને સાંસદના સહાયક તરીકે રજૂ કરીને તેની સાથે વાત કરી તેમાં શુજાની ઓફર આખી દુનિયા સુધી પહોંચી ગઈ. 

શુજાએ ચેનલના રીપોર્ટર સાથેની વાતચીતમાં પોતે કઈ રીતે ઈવીએમ હેક કરી બતાવશે તેની વિગતો પણ આપી છે. શુજાનો દાવો છે કે, કોઈ એક ફોનમાં વિશેષ એપ્લિકેશન સાથેની વ્યક્તિ બૂથની નજીક જાય અને આખા વિસ્તારને સ્કેન કરે તો પોતે ઈવીએમ હેક કરી શકે છે. શુજાના કહેવા પ્રમાણે, અત્યારે ભારતમાં ૪જી અને ૫જી નેટવર્ક ચાલે છે જ્યારે ઈવીએમ ૨જી નેટવર્ક પર ચાલે છે તેથી ઈવીએમ હેક કરવા માટે પોતાને ફ્રીક્વન્સીને આઈસોલેટ કરવાની જરૂર પડશે. ફ્રીક્વન્સી આઈસોલેટ કરાશે તો કોઈ તેને પકડી નહીં શકે. શુજાએ પોતાને ઈવીએમનાં કંટ્રોલ યુનિટ, વીવીપેટ મશીન અને બેલેટ યુનિટની માહિતી આપવી પડશે એવું પણ કહ્યું છે. 

શુજાના દાવા પ્રમાણે, ઈવીએમમાં સૌથી મોટી ચેલેન્જ સીક્વન્સ કોડ છે. દરેક બુથમાં મુખ્ય પાર્ટીઓના સીક્વન્સ કોડ અલગ અલગ હોય છે. આ સંજોગોમાં યોગ્ય સીક્વન્સ કોડ જાણી લેવા જરૂરી છે કે જેથી આપણે ધારીએ એ ઉમેદવારને મત અપાવી શકીએ. શુજાએ એવી ચેતવણી પણ આપી છે કે, ખોટો સીક્વન્સ કોડ આવી જાય તો કોંગ્રેસને જીતાડવા બેઠા હોઈએ ને ભાજપને જીતાડી દઈએ એવું પણ બને તેથી રીટર્નિંગ ઓફિસરને પૂછીને સીક્વન્સ કોડ જાણવા પડે. વીવીપેટની માહિતી હોય તો પણ સીક્વન્સ કોડ જાણી શકાય. ઈવીએમને પહેલાંથી ભાજપને મત મળે એ રીતે સીક્વન્સમાં ગોઠવાયાં હોય તો પોતે તેને બદલી નાંખશે અને ચૂંટણી પંચને એવી ફાઈલ મોકલશે કે જેમાં કોંગ્રેસને વધારે મત મળ્યા હોય. 

શુજાએ બીજી ઢગલાબંધ વાતો કરી છે ને તેમાંથી મોટા ભાગની ટેકનિકલ છે પણ તેની બધી વાતોનો સાર એ છે કે, ઈવીએમ હેક કરી શકાય છે, મતદાન પત્યા પછી પણ ઈવીએમમાં ટ્રાન્સમિશન ચાલુ રહે છે તેથી મતદાનના દિવસે પણ ગરબડ કરી શકાય છે તેથી મારે સતર્ક રહેવું પડશે. 

શુજાનો દાવો ચોંકાવનારો છે પણ આ દાવાને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તેનું કારણ એ કે, શુજાએ આ પહેલાં પણ ઈવીએમ હેક કરી બતાવવાનો દાવો કરેલો પણ છેલ્લી ઘડીએ પાણીમાં બેઠો હતો. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં સઈદ શુજાએ  ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના બેનર હેઠળ લંડનમાં પત્રકાર પરિષદ કરીને દાવો કરેલો કે, ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ઈવીએમમાં ગરબડો કરીને જીતી હતી. શુજાએ દાવો કરેલો કે, ઈવીએમની હેકેથ્લોનમાં પોતે ઈવીએમ હેક કરી બતાવેલું. ૨૦૧૯ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો ત્યારે પોતે ભાજપે  મોકલેલાં સિગ્નલને રોકીને પોતાનાં સિગ્નલ મોકલતાં આમ આદમી પાર્ટી જીતી હતી એવો પણ શુજાનો દાવો હતો. 

શુજાએ ઓનલાઈન ઈવીએમ હેકિંગનો ડેમો બતાવવાની ડંફાશ મારેલી. તેના કારણે ભારે ઉત્તેજના સર્જાઈ હતી પણ શુજા ડેમો બતાવવા આવ્યો જ નહીં. શુજાએ એ વખતે દાવો કરેલો કે મિલિટરી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ઈવીએમ હેક કરી શકાય છે. અત્યારે શુજાનો દાવો છે કે, પોલીસ વોકીટોકીમાં જે ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે એ ફ્રીક્વન્સી પર ઈવીએમ કામ કરે છે. 

શુજાનો દાવો કેટલો સાચો છે એ ખબર નથી પણ કોંગ્રેસે શુજાને ચકાસવા ખાતર પણ થોડુંક જોખમ ઉઠાવવું જોઈએ. શુજા તો પોતાની પાસે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮માંથી ૨૮૧ બેઠકોનાં ઈવીએમનાં એક્સેસ હોવાનું કહે છે પણ તેમાંથી ઘણાંને હેક કરી શકાય તેમ નથી એવું પણ કહે છે. અલબત્ત કોંગ્રેસના ભાગે આવેલી ૧૦૨ બેઠકોમાંથી ૬૩ બેઠકો હેક કરવાની તેનામાં તાકાત હોવાનો શુજાનો દાવો છે. 

કોંગ્રેસે શુજાને સેમ્પલ તરીકે પાંચેક બેઠકોનાં ઈવીએ હેક કરવાનું કામ સોંપવું જોઈએ. તેના માટે પાંચેક કરોડ રૂપિયા ખર્ચવા પડે તો એ ખર્ચી નાંખવા જોઈએ કેમ કે તેના કારણે સત્યનાં પારખાં થઈ જશે. ઈવીએમ હેક થઈ જાય તો અત્યાર સુધી જે પણ આક્ષેપો થયા છે એ સાચા ઠરશે ને કોંગ્રેસના હાથમાં મોટો મુદ્દો આવી જશે. 

ઈવીએમ હેક ના થાય તો તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા સમજીને કોંગ્રેસે ૫ કરોડ રૂપિયા અને શુજા બંનેને ભૂલી જવાનાં. કોંગ્રેસનું આ પગલું દેશના ફાયદામાં પણ છે કેમ કે દેશની ચૂંટણી પધ્ધતિ સામેની તમામ શંકાઓના તેમાં જવાબ મળી જશે.

શુજાના શિક્ષણ-નોકરી અંગેના દાવા શંકાસ્પદ, અમેરિકાએ રાજ્યાશ્રય આપ્યો

સૈયદ શુજાનો દાવો છે કે, પોતે મૂળ હૈદરાબાદનો છે અને પહેલાં ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ઈસીઆઈએલ)માં એન્જિનિયર હતો. 

૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન લોકસભાની ચૂંટણી માટેનાં ઈવીએમ ઈસીઆઈએલે બનાવ્યાં હતાં. 

શુજાએ પોતે હૈદરાબાદની જવાહરલાલ નહેરૂ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચડી માઈનોર કર્યું હોવાનો તથા હૈદરાબાદની શાદાન કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. કર્યું હોવાનો દાવો કરેલો પણ આ બંને સંસ્થામાં શુજા ભણતો હતો એવા કોઈ પુરાવા મળ્યા નથી. એ જ રીતે ઈસીઆઈએલ દ્વારા પણ શુજા પોતાને ત્યાં નોકરી કરતો હોવાની વાતને જૂઠાણું ગણાવેલી તેથી શુજાની વિશ્વસનિયતા અંગે સવાલ છે. 

શુજાનો દાવો હતો કે, પોતે ૨૦૧૪ની ચૂંટણી ભાજપ ઈવીએમ હેક કરીને જીત્યો હોવાનો ભાંડો ફોડયો પછી પોતાના પર હુમલો થયો હતો. પોતાના જીવને ખતરો હોવાનો દાવો કરીને શુજાએ અમેરિકામાં રાજ્યાશ્રય માંગ્યો હતો. અમેરિકાએ રાજ્યાશ્રમ આપતાં શુજા ૨૦૧૮થી અમેરિકાના શિકાગોમાં રહે છે. કેટલાક રીપોર્ટ એવા છે કે, શુજા કેનેડામાં રહે છે અને ભારત સામે નિરાધાર આક્ષેપો કરે છે. ભારતમાં ચૂંટણી પંચની ફરિયાદના આધારે શુજા સામે કેસ નોંધાયેલો છે તેથી  શુજા ભારત પાછો આવી શકે તેમ નથી.

ઈવીએમ હેકિંગના ચક્કરમાં ભાજપના મંત્રી ગોપીનાથ મુંડેની હત્યા થયેલી ? 

શુજાએ ૨૦૧૯માં સનસનાટીભર્યો દાવો કરેલો કે, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેને ઈવીએમમાં ગરબડના ખેલની ખબર પડી ગયેલી તેથી તેમની હત્યા કરી દેવાઈ હતી અને પછી  હત્યાને એક્સિડંટમાં ખપાવી દેવાઈ હતી. ૨૦૧૪ની મોદી સરકારમાં મંત્રી મુંડેનું સરકાર રચાયાના ત્રણ મહિનામાં જ દિલ્હીમાં મોત થયેલું. શુજાની આ વાત ગળે ઉતરે એવી નહોતી કેમ કે મુંડે પોતે ભાજપના નેતા હતા. ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને જીત્યો હોય તો પણ મુંડેને જીત સામે કોઈ વાંધો ના હોય કેમ કે તેમની પાર્ટી સત્તામાં આવી હતી અને તેમને પોતાને કેબિનટમાં મંત્રી બનાવાયા હતા. 

શુજાના બીજા દાવા પણ ખોટા પડયા છે. શુજાનો મિલિટરી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ઈવીએમ હેક કરી શકાય એવો દાવો પણ ટેકનિકલી સાબિત થયો નથી.  નિષ્ણાતોના મતે, મિલિટરી રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને ઈવીએમ સાથે કોમ્યુનિકેટ કરવા અમુક કિલોમીટરની રેન્જ ધરાવતા એન્ટેના જોઈએ. કોઈ પણ ચૂંટણીમાં આ એન્ટેના ઈવીએમની નજીક નહોતા. ઈવીએમ હેક કરવા ૧૦૦ બિટ્સ પર સેકન્ડ ડેટા ટ્રાન્સમિટ કરાયાનો દાવો પણ ખોટો હતો કેમ કે આઈ સ્પીડે ૧૧ લાખ ઈવીએમને હેર કરવામાં દાયકાઓ નિકળી જાય તેથી શુજાનો દાવો ખોટો સાબિત થયેલો.

News-Focus

Google NewsGoogle News