Get The App

UKમાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં હસીનાની ભત્રીજીનું મંત્રીપદ છિનવાઈ ગયું

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
UKમાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં હસીનાની ભત્રીજીનું મંત્રીપદ છિનવાઈ ગયું 1 - image


- તુલિપના રાજીનામાંએ ભારત અને યુકેમાં નૈતિકતાનાં ધારાધોરણોમાં કેટલો મોટો ફરક છે એ છતું કર્યું છે. ભારતમાં મંત્રી સામે અબજોના ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તોય કોઈના પેટનું પાણી પણ નથી હાલતું. બલ્કે ભ્રષ્ટાચાર કરનારા લાજવાના બગલે ગાજતા હોય છે ને સત્તાધારી પાર્ટીના નેતાઓ પણ બેશરમ બનીને તેનો બચાવ કરવા મેદાનમાં આવી જાય છે. યુકેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય કે મંત્રીપદની ગરિમા નથી જાળવી એવું સાબિત થાય તો પણ રાજીનામું ધરી દેવું પડે છે. ભૂતકાળમાં ભારતીય મૂળના પ્રીતિ પટેલ યુકેમાં વિદેશ મંત્રી હતાં ત્યારે વડાપ્રધાનને જાણ કર્યા વિના યુગાન્ડામાં ઈઝરાયલના રાજદ્વારીઓને મળ્યાં તેમાં તો રાજીનામું આપી દેવું પડેલું.

બાંગ્લાદેશમાં થયેલા બળવાના પગલે શેખ હસીનાએ ભાગવું પડયું અને રાજીનામું આપવું પડયું પછી બાંગ્લાદેશની સરકાર ખણખોદ કરી કરીને શેખ હસીનાના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે એક પછી એક કેસ કરી રહી છે. તેમાં એક કેસ બાંગ્લાદેશમાં ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે રશિયા સાથે ૨૦૧૩માં કરેલો કરારનો છે. આ કરારમાં આખા શેખ પરિવારે કટકી ખાધી હોવાનો કેસ કરાયો તેમાં યુકેમાં એન્ટિ કરપ્શન મિનિસ્ટર તુલિપ સિદ્દીક પણ વધેરાઈ ગયાં છે.

તુલિપ સિદ્દીક શેખ હસીનાની ભાણી એટલે કે બહેન રેહાનાનાં દીકરી છે. બાંગ્લાદેશની મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે કરેલા કેસમાં શેખ હસીનાના પરિવારના બીજા સભ્યો સાથે તુલિપને પણ આરોપી બનાવ્યાં છે પણ તુલિપના રાજીનામાનું કારણ બાંગ્લાદેશમાં થયેલા કેસ નથી. બાંગ્લાદેશમાં થયેલા ભ્રષ્ટાચારના કેસના પગલે યુકેમાં મીડિયાએ ખણખોદ શરૂ કરી. આ ખણખોદના પગલે તુલિપે બાંગ્લાદેશના ઘણા રાજકારણીઓ અને બિઝનેસમેન સાથે ગેરકાયદેસર લેવડદેવડ કરીને કરોડોની સંપત્તિ વસાવી હોવાના આક્ષેપો થયા છે. 

તુલિપ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે સત્તાધારી પાર્ટીના સાંસદો તૂટી પડયા એટલે વડાપ્રધાન કેર સ્ટેમરે સ્વતંત્ર વ્યક્તિ એવા લોર્ડ લૌરીને તપાસ સોંપેલી. લોર્ડ લૌરીએ તુલિપ સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નહીં હોવાનું કહ્યું છે પણ સાથે સાથે એ પણ કહ્યું કે, ભ્રષ્ટાચાર બદલ આંદળી ચીંધાય એટલે ચોખ્ખા સાબિત થવું જરૂરી છે. સ્ટેમરે આ વાત સ્વીકારીને તુલિપ પાસેથી રાજીનામું લઈ લીધું છે. તુલિપ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા સાબિત થાય તો તુલિપની પાછી કેબિનેટમાં વાપસી થશે પણ અત્યાર પૂરતું તો તુલિપનું પડીકું થઈ ગયું છે. 

તુલિપ સિદ્દીકીએ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા લોકો પાસેથી ત્રણ મોટી પ્રોપર્ટી સીધી હોવાના આક્ષેપ મીડિયામાં થયા છે. પહેલી પ્રોપર્ટી લંડનનો એક ફ્લેટ છે કે જેની કિંમત ૧ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૧૧૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફ્લેટ બાંગાલાદેશ સરકારના એક ટોચના હોદ્દેદારે તુલિપને ગિફ્ટમાં આપ્યો હોવાનું કહેવાય છે. ફાયનાન્સિયલ ટાઈમ્સમાં ૨૦૨૦માં આ અંગે પહેલો રીપોર્ટ છપાયો ત્યારે તુલિપે દાવો કરેલો કે, આ ફ્લેટ તાં માતા-પિતાએ ખરીદેલો અને પોતાને આપ્યો છે. તુલિપે ફાયનાન્સિયલ ટાઈમ્સને લીગલ નોટિસ આપેલી પણ પછી કશું કર્યું નહીં એટલે આ મામલો પાછો ચગ્યો છે. 

બીજી પ્રોપર્ટી નોર્થ લંડનનું મકાન છે કે જેની કિંમત ૨૧ લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૨૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સંપત્તિ બાંગ્લાદેશી બિઝનેસમેન અબ્દુલ કરીમ નાઝીમની છે. તુલિપ અત્યારે આ મકાનમાં ભાડે રહે છે જ્યારે માલિક નાઝીમ છે. તુલિપ ભાડે રહેવાનું નાટક કરે છે પણ વાસ્તવમાં સંપત્તિ તુલિપની જ છે અને તુલિપે હસીનાના શાસન વખતે નાઝિમને બાંગ્લાદેશમાં કરાવેલા ફાયદાના બદલામાં પ્રોપર્ટી આપી હોવાનો મીડિયાનો દાવો છે. 

નાઝિમ યુકેમાં બાંગ્લાદેશ અવામી લીગ પાર્ટીના એક્ઝીક્યુટિવ મેમ્બર છે. એ જ રીતે હેમ્પસ્ટીડમાં હસીનાની સરકારમાં વકીલ રહી ચૂકેલા મોઈન ઘનીએ એક પ્રોપર્ટી તુલિપની બહેનને નામે ટ્રાન્સફર કરી તેનો પણ વિવાદ છે. ૨૦૦૯માં આ સંપત્તિ ટ્રાન્સફર કરાઈ ત્યારે તુલિપની બહેન સગીર હોવાના આક્ષેપો થયા છે.  

તુલિપ સામે બાંગ્લાદેશમાં મૂકાયેલા આરોપો પર પણ નજર નાંખી લઈએ. બાંગ્લાદેશની સરકારનો આરોપ છે કે, હસીનાના પરિવારે રશિયા સાથેના બાંગ્લાદેશના કરારમાંથી ૩.૯ અબજ પાઉન્ડ (લગભગ ૪૧૦ કરોડ રૂપિયા)ની કટકી ખાધી હતી. એ વખતે લંડન બરો ઓફ કેમડેનનાં કાઉન્સિલર તુલિપને પણ તેમાંથી ભાગ મળ્યો હતો. મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને બાંગ્લાદેશમાં તત્કાલિન વડાપ્રધાન શેખ હસીના વચ્ચે ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ થયેલા કરાર વખતે લાલ રંગની અસલ બાંગ્લાદેશી સ્ટાઈલની સાડી પહેરીને તુલિપ પણ હાજર હતાં.

બાંગ્વાદેશના એન્ટિ કરપ્શન કમિશને બીજા કેસમાં  આરોપ મૂક્યો છે કે, ઢાકાની નજીક ડિપ્લોમેટિક ઝોનમાં તુપિલની માતા, બહેન અને ભાઈને સોનાની લગડી જેવી જમીન સાવ પાણીના ભાવે ફાળવાઈ હતી. તુલિપે યુકેનાં સાંસદ તરીકે પોતાનાં માસી અને બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને આપેલા પત્રના આધારે આ ફાળવણી કરાઈ હતી. 

તુલિપ સામે બાંગ્લાદેશમાં મૂકાયેલા ભ્રષ્ટાચારના આરોપોનું બહુ મહત્વ નથી કેમ કે ત્યાં તો કાલે સત્તાપરિવર્તન થાય એટલે આ આક્ષેપો બાજુ પર મૂકાઈ જશે ને તુલિપને ક્લીન ચીટ મળી જશે પણ યુકેમાં મૂકાયેલા આક્ષેપો ગંભીર છે. તેના કારણે તુલિપની રાજકીય કારકિર્દીને ગ્રહણ લાગી શકે છે. 

તુલિપના રાજીનામાંએ ભારત અને યુકેમાં નૈતિકતાનાં ધારાધોરણોમાં કેટલો મોટો ફરક છે એ છતું કર્યું છે. ભારતમાં કોઈ મંત્રી સામે અબજોના ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તોય કોઈના પેટનું પાણી પણ નથી હાલતું, બલ્કે ભ્રષ્ટાચાર કરનારા લાજવાના બગલે ગાજતા હોય છે ને સત્તાધારી પાર્ટીના નેતાઓ પણ બેશરમ બનીને તેનો બચાવ કરવા મેદાનમાં આવી જાય છે. 

યુકેમાં સ્થિતી અલગ છે ને ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય કે મંત્રીપદની ગરિમા નથી જાળવી એવું સાબિત થાય તો પણ રાજીનામું ધરી દેવું પડે છે. ભૂતકાળમાં ભારતીય મૂળના પ્રીતિ પટેલ યુકેમાં વિદેશ મંત્રી હતાં ત્યારે વડાપ્રધાનને જાણ કર્યા વિના યુગાન્ડામાં ઈઝરાયલના રાજદ્વારીઓને મળ્યાં તેમાં તો રાજીનામું આપી દેવું પડેલું. પ્રીતિ પટેલે ભ્રષ્ટાચાર નહોતો કર્યો કે કશું ખોટું નહોતું કર્યું પણ નક્કી કરેલો પ્રોટોકલ નહોતો પાળ્યો તેમાં તો મંત્રીપદ છિનવાઈ ગયેલું.

 તુલિપના કિસ્સામાં પણ હજુ ભ્રષ્ટાચારના આક્ષેપો જ થયા છે, ભ્રષ્ટાચાર સાબિત થયો નથી છતાં રાજીનામું ધરી દેવું પડયું છે.

તુલિપની મા રેહાના જર્મનીમાં વેકેશન માણવા ગયાં તેમાં બાંગ્લાદેશની કત્લેઆમમાં બચી ગયેલાં

તુલિપની માતા શેખ રેહાનાને હસીનાને બાંગ્લાદેશમાં પાછા ફરવા મળ્યું એ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત દબાણ ઉભું કરવાનો યશ અપાય છે. તુલિપના નાના શેખ મુજીબુર રહેમાનની ૧૫ ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ હત્યા કરાઈ ત્યારે તેમની દીકરીઓ હસીના અને રેહાના જર્મનીમાં વેકેશન મનાવતાં હતાં. હસીનાના પતિ વાજિદ મિયાં, દીકરો સાજીબ અને દીકરી સાઈમા પણ સાથે હતાં તેથી બચી ગયેલાં. બાકી બાંગ્લાદેશના લશ્કરી અધિકારીઓએ મુજીબુરના પરિવારના સભ્યો તથા વફાદારો મળીને ૪૦થી વધારે લોકોની એક સાથે હત્યા કરી નાંખી હતી. 

હસીના ત્યારે ૨૮ વર્ષમાં અને રેહાના ૨૦ વર્ષનાં હતાં. હસીના-રેહાનાએ પરિવાર સાથે પહેલાં બાંગ્લાદેશમાં આશ્રય લીધેલો અને પછી યુ.કે.માં રાજ્યાશ્રય લીધો હતો. યુકેમાં રેહાનાનો પરિચય શફીક અહમદ સિદ્દીકી સાથે થયો. સિદ્દીકી લંડનમાં પીએચ.ડી. કરી રહ્યા હતા અને રેહાનાથી પાંચ વર્ષ મોટા હતા પણ બંને પ્રેમમાં પડયાં અને ૧૯૮૦માં પરણી ગયાં. ૧૯૮૧માં પહેલો દીકરા રાદવન જન્મ્યો અને ૧૯૮૨માં તુલીપ જન્મી. બીજી દીકરી અઝમીના ક્યારે જન્મી એ વિશે સ્પષ્ટતા નથી પણ એ તુલિપ કરતાં દસેક વર્ષ નાની હોવાનું કહેવાય છે.  

રેહાના યુકેમાં રહીને બાંગ્લાદેશના શાસકો દ્વારા કરાઈ રહેલા અત્યાચારો અને માનવાધિકારોના ભંગ માટે લડતાં હતાં. મુજીબુર રહેમાનના હત્યારાઓને સજા અપાવવા માટે તેમણે સ્વીડનમાં બોલાવેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સને વિશ્વવ્યાપી પબ્લિસિટી મળી હતી.  બાંગ્લાદેશમાં થયેલા સત્તાપરિવર્તનને પગલે ૧૯૮૨માં હસીના પાછાં ફર્યાં પછી શફીક ઢાકા યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા પણ રેહાના સંતાનોને ઉછેરવા લંડનમાં જ રહ્યાં.  તુલિપ લંડનની યુનિવસટી કોલેજમાંથી માસ્ટર્સ ડીગ્રી ધરાવે છે.

તુલિપે મહાન એક્ટ્રેસ ગ્લેન્ડા જેક્સનને હરાવીને સનસનાટી મચાવી દીધેલી 

તુલિપ સિદ્દીક ૧૬ વર્ષની ઉંમરથી લેબર પાર્ટીમાં સક્રિય છે અને અત્યંત ઉજ્જળ રાજકીય કારકિર્દી ધરાવે છે.  ૨૦૦૬માં તુલિપ ૨૪ વર્ષની ઉંમરે પહેલી વાર કેમડેન કાઉન્સિલની પેટા ચૂંટણીમાં ઉભાં રહેલા પણ હારી ગયેલાં. ૨૦૧૦માં કેમડેન કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળવીને તુલિપે રાજકીય કારકિર્દી શરૂ કરેલી. તુલિપ કેમડેન કાઉન્સિલમાં જીતનારાં પહેલાં બાંગ્લાદેશી હતાં. 

તુલિપ ૨૦૧૫થી યુકેમાં સાંસદ છે અને સાંસદ તરીકે આ તેમની ચોથી ટર્મ છે. યુકેની સંસદમાં માત્ર ૪૨ વર્ષની ઉંમરે ચોથી ટર્મ માટે સાંસદ હોય એવા બીજા કોઈ સાંસદ નથી. તુલિપે ૨૦૧૫માં યુકેનાં મહાનતમ એક્ટ્રેસ ગ્લેન્ડા જેક્સનને ૧૧૩૮ મતે હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. મતવિસ્તારનું સીમાંકન બદલાયું તેના કારણે ગ્લેન્ડાને નુકસાન થયેલું. બે વાર ઓસ્કાર એવોર્ડ જીતનારાં ગ્લેન્ડા જેક્સન ૧૯૯૨થી એટલે કે ૨૩ વર્ષથી સંસદસભ્ય હતાં. તુલિપ જીત્યાં યહૂદીઓની બહુમતીવાળા વિસ્તારમાંથી ઉભાં રહ્યાં હોવાથી મુસ્લિમ ઉમેદવાર જીતે એવી કોઈને આશા જ નહોતી પણ તુલિપે અસરકારક મુદ્દા ઉઠાવીને જીત મેળવી હતી. 

તુલિપની જીતમાં કટ્ટરવાદી મુસ્લિમ નહીં હોવાની ઈમેજે મહત્વની ભૂમિકા ભજવી હતી. તુલિપે ૨૦૧૩માં ક્રિશ્ચિયન પરસી સાથે લગ્ન કર્યાં. ક્રિશ્ચિયન ખ્રિસ્તી હોવાથી તુલિપ તમામ વર્ગમાં સ્વીકૃત બની છે. તુલિપે ૨૦૧૬માં દીકરીને અને ૨૦૧૯માં દીકરાને જન્મ આપ્યો. બંને સંતાનોનો ઉછેર તુલિપે મુસ્લિમ તરીકે નથી કર્યો. તુલિપ પોતાને મુસ્લિમ નહીં પણ બ્રિટિશ ગણાવે છે તેથી પણ લોકપ્રિય છે.

News-Focus

Google NewsGoogle News