એલન મસ્કનું વધુ એક અફેર : 4 સ્ત્રીઓ સાથે સંબધોથી 13 સંતાન
- સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને લેખિકા તરીકે જાણીતા એસ્લે સેન્ટ કલેરે મસ્ક સાથે સેક્સ સંબંધોનો દાવો કરીને ધડાકો કર્યો છે
- મસ્ક સમયાંતરે પત્ની અને પ્રેમિકાઓ બદલવા માટે વગોવાયેલો છે. મસ્કનાં જાહેર અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગી અફેર્સ વિશે તો મસ્ક અને જેની સાથે અફેર હોય તેને જ ખબર. મસ્ક લગ્ને લગ્ને કુંવારા પણ છે ને લગ્નેતર સંબંધો માટે પણ જાણીતા છે. હોલીવુડની ટોચની એક્ટ્રેસીસથી માંડીને ધનિકોની પત્નીઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો સતત ગાજતા રહ્યા છે. મસ્કે ત્રણ વાર લગ્ન કર્યાં છે ને તેમાં બે વાર તો એક જ યુવતી સાથે લગ્ન કર્યાં છે. આ પૈકી ત્રણ પાર્ટનરથી મસ્કને કુલ ડઝન સંતાનો છે ને એશ્લેની વાત સાચી હોય તો સ્કોર ૧૩ પર પહોંચ્યો છે.
દુનિયાના સૌથી ધનિક એલન મસ્ક ફરી પોતાની અંગત જીંદગીના કારણે ચર્ચામાં છે. અમેરિકામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને લેખિકા તરીકે જાણીતી એશ્લે સેંટ કલેરે મસ્ક સાથે સેક્સ સંબંધોનો દાવો કરીને ધડાકો કર્યો છે કે, પોતાના પાંચ મહિનાના બાળકના પિતા એલન મસ્ક છે. એશ્લેએ મસ્કના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી છે કે, પાંચ મહિના પહેલાં મેં નવજાત બાળકનું દુનિયામાં સ્વાગત કર્યું હતું અને એલન મસ્ક તેના પિતા છે.
એશ્લેએ લખ્યું છે કે, મેં અમારા સંતાનની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વાત પહેલાં જાહેર નહોતી કરી પણ હવે ટેબ્લોઈડ મીડિયા અમારા સંતાનની પ્રાઈવસીનો ભંગ કરવાથી ભોગવનારાં પરિણામોની ચિંતા કર્યા વિના બધું બહાર પાડી જ રહ્યું છે એટલે મારે આ વાત બહાર પાડવી પડી છે.
હું અમારા સંતાનનો ઉછેર સામાન્ય અને સલામત માહોલમાં કરવા માગું છું તેથી મીડિયાને અમારા સંતાનની પ્રાઈવસી જાવવા અને અમારી જીંદગીમાં ચંચૂપાત થાય એવું રીપોર્ટિંગ કરવાથી દૂર રહેવા કહું છું.
એશ્લેએ પોતે થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહેશે એવી જાહેરાત પણ કરી છે. મસ્કે એશ્લેની પોસ્ટ પર કોઈ કોમેન્ટ કરવાનું ટાળ્યું છે પણ એક્સ પર લોકોએ સવાલ કર્યા ત્યાર મસ્કે સ્વીકાર પણ કર્યો નથી તો ઈન્કાર પણ કર્યો નથી. બલ્કે મસ્કે ક્રાઈંગ લાફિંગ ઈમોજી મૂક્યું છે. તેના પરથી સ્પષ્ટ છે કે, એશ્લેની વાત સાવ સાચી છે અને મસ્ક તેના સંતાનનો પિતા છે.
એશ્લેએ કરેલા ધડાકાએ ચકચાર જગાવી છે પણ કોઈને આંચકો નથી લાગ્યો કેમ કે એલન મસ્ક લફરાંબાજી માટે જાણીતા છે અને ઢગલાબંધ સંતાનો હોવાં જોઈએ એવી માન્યતા ધરાવે છે. મસ્કનું દર ચાર-છ મહિને કોઈ ને કોઈની સાથે અફેર બહાર આવે જ છે ને તેમના સંબંધો ચર્ચામાં રહે જ છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીના સમારોહમાં એલન મસ્કે શિવોન ઝિલિસ સાથે દેખા દીધી હતી. મસ્ક અને શિવોન વચ્ચે છેલ્લાં ૧૦ વર્ષથી સંબંધો હોવાનું કહેવાય છે પણ મસ્ક શિવોન ઝિલિસ સાથે પહેલાં કદી જાહેરમાં દેખાયો નહોતો તેથી આ યુવતી કોણ છે એ મુદ્દો ચર્ચામાં આવી ગયેલો.
આ યુવતી શિવોન ઝિલીસ હોવાની ખબર પડી પછી લોકોને રસ ઉડી ગયેલો કેમ કે શિવોન સાથે મસ્કનું અફેર પહેલાં જ ચર્ચાઈ ચૂક્યું છે.
શિવોન સાથે દેખાયો એ પહેલાં મસ્કનું ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે અફેર હોવાની વાતો જોરશોરથી ચાલી હતી.
મેલોનીએ આ વાત નકારી કાઢી હતી. જો કે મસ્કના ભવ્ય ભૂતકાળને કારણે કોઈ આ વાત માનવા આજેય માનવા તૈયાર નથી કેમ કે મસ્ક સમયાંતરે પત્ની અને પ્રેમિકાઓ બદલવા માટે વગોવાયેલો છે. મસ્કનાં જાહેર અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગી અફેર્સ વિશે તો મસ્ક અને જેની સાથે અફેર હોય તેને જ ખબર.
મસ્ક લગ્ને લગ્ને કુંવારા પણ છે ને લગ્નેતર સંબંધો માટે પણ જાણીતા છે. હોલીવુડની ટોચની એક્ટ્રેસીસથી માંડીને ધનિકોની પત્નીઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો સતત ગાજતા રહ્યા છે. મસ્કે ત્રણ વાર લગ્ન કર્યાં છે ને તેમાં બે વાર તો એક જ યુવતી સાથે લગ્ન કર્યાં છે. આ પૈકી ત્રણ પાર્ટનરથી મસ્કને કુલ ડઝન સંતાનો છે ને એશ્લેની વાત સાચી હોય તો સ્કોર ૧૩ પર પહોંચ્યો છે.
મસ્કની પહેલી પત્ની જેનિફર જસ્ટિન વિલસન કેનેડિયન લેખિકા છે. એલને જસ્ટિન સાથે ૨૦૦૦માં લગ્ન કર્યાં. ૨૦૦૨માં તેમનું પહેલું સંતાન જન્મ્યું પણ બે મહિનામાં ગુજરી ગયું હતું. જસ્ટિન પછી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) માતા બની અને ૨૦૦૪માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો. બે દીકરામાંથી એક ઝેવિયર સેક્સ ચેન્જ કરીને છોકરી બનીને ઝેવિયર વિવિયન નામે રહે છે. ૨૦૦૬માં જસ્ટિને ટ્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.
જસ્ટિન એલન મસ્ક સાથેના લગ્નજીવનથી છ સંતાનોની માતા બની કે જેમાંથી કે જેમાંથી ૫ સંતાનો જીવે છે.
૨૦૦૮માં બંનેના ડિવોર્સ થયા કેમ કે મસ્કનું બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલી સાથે અફેર થઈ ગયેલું. જસ્ટિનથી ડિવોર્સ મળતાં મસ્ક ૨૦૦૮માં વિધિવત રીતે રીલીને પરણી ગયો હતો પણ બે વર્ષમાં ધરાઈ જતાં ૨૦૧૦માં ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ લીધા પછી તેના વિના ના રહેવાયું એટલે ૨૦૧૧માં ફરી બંનેએ લગ્ન કર્યાં.
રીલી સાથેના લગ્નથી મસ્કને કોઈ સંતાન ના થયું પણ રીલી સાથેના લગ્ન દરમિયાન જ ૨૦૧૨માં મસ્કનું એક્ટ્રેસ અંબર હર્ડ સાથે અફેર ચાલુ થઈ ગયું.
આ મુદ્દે બબાલો થતાં ૨૦૧૪માં મસ્કે રીલીથી ડિવોર્સ લેવા અરજી કરવી પડી. આ દરમિયાન મસ્કનું અંબેર હર્ડ ઉપરાંત ઓસ્ટ્રેેલિયન એક્ેટ્રેસ નતાશા બેસ્સેટ્ટ અને શિવોન ઝિલિસ સાથે પણ અફેર ચાલુ થઈ ગયેલું. ૨૦૧૬માં રીલી સાથે ડિવોર્સ પછી મસ્ક અંબર હર્ડ સાથે જાહેરમાં દેખાવા માંડયો પણ ૨૦૧૭માં અંબરને પણ છોડી દીધી. દરમિયાનમાં મસ્કનું કેનેડિયન મ્યુઝિશીયન ગ્રાઈમ્સ સાથે અફેર શરૂ થયું. ૨૦૧૮માં ગ્રાઈમ્સે મસ્ક સાથેના સંબંધોની જાહેરાત કરી. ૨૦૨૦ના મેમાં ગ્રાઈમ્સ-મસ્કના પહેલા દીકરાનો જન્મ થયો. ૨૦૨૧ના ડીસેમ્બરમાં મસ્ક અને ગ્રાઈમ્સ સરોગસીથી દીકરીનાં માતા-પિતા બન્યાં. દીકરીના જન્મ પછી મસ્કે ગ્રાઈમ્સ સાથે બ્રેક-અપની જાહેરાત કરી પણ ત્રણ મહિના પછી બંને વચ્ચે સંબધો બંધાયા.
ગ્રાઈમ્સે ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો ત્યારે મસ્કે તેના પિતા હોવાનો ઈન્કાર કરતાં ગ્રાઈમ્સે કેસ કરતાં મસ્કે કોર્ટ બહાર સમાધાન કરવું પડેલું. આ બધાં અફેર વચ્ચે મસ્કના ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિન્સની પત્ની નિકોલ શાનહાન સાથેના અફેરે પણ ચકચાર જગાવી હતી.
શિવોન સાથેનું મસ્કનું અફેર લાંબા સમયથી છે. શિવોનથી મસ્ક ત્રણ સંતાનોનો -પિતા બન્યો છે. ૨૦૨૨ના જુલાઈમાં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો. ૨૦૨૪માં શિવોન મસ્કના ત્રીજા સંતાન એવી દીકરીની માતા બની હતી. મસ્કે ગયા મહિને જ શિવોન સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરેલો ત્યાં હવે નવું અફેર બહાર આવી ગયું છે.
મસ્કનો સ્વભાવ જોતાં આ તેનું છેલ્લું અફેર નહીં જ હોય એ કહેવાની જરૂર નથી.
- એશ્લેને ટેસ્લાની કરોડ રૂપિયાની સાયબરટ્રક સૌથી પહેલાં મળેલી, ફ્લેટનું ભાડું ૧૩ લાખ
એશ્લે સેંટ ક્લેઈર લગભગ એક વર્ષ પહેલાં ન્યુ યોર્કના અત્યંત પોશ મનાતા મેનહટ્ટન વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેવા ગઈ હતી. એપાર્ટમેન્ટમાં મહિનાનું ભાડું ૧૫ હજાર ડોલર (લગભગ રૂપિયા ૧૩ લાખ)ની આસપાસ છે. એશ્લે સેલિબ્રિટી છે પણ તેની કમાણી એટલી પણ નથી કે મહિને ૧૫ હજાર ડોલરના એપાર્ટમેન્ટમાં રહી શકે. સિટી હોલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ધનિકો જ રહે છે. એલન મસ્કની કંપની ટેસ્લાએ ગયા વરસે સાયબરટ્રક કાર બજારમાં મૂકી હતી. આ કારનું નીચામાં નીચું મોડલ ૮૨ હજાર ડોલરનું છે જ્યારે હાઈએસ્ટ મોડલની કિંમત ૧.૦૨ લાખ ડોલર (લગભગ એક કરોડ રૂપિયા) છે. આખા એપાર્ટમેન્ટમાં સાયબરટ્રેક કાર ધરાવનારી એશ્લે પહેલી વ્યક્તિ હતી. એપાર્ટમેન્ટમાં હાઈ-ફાઈ સીક્યુરિટી અને સર્વેલન્સ સિસ્ટમ છે છતાં એશ્લેએ રિંગ ડોરબેલ કેમેરા નંખાવેલા. કોઈ પણ વ્યક્તિ ડોરબેલ વગાડે કે તરત જ એશ્લેના મોબાઈલ ફોનમાં ફોટો દેખાય એવી સિસ્ટમ તેણે નંખાવી હતી.
એશ્લે બહુ ઓછો સમય એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને એપાર્ટમેન્ટમાં રહેતાં લોકો સાથે તો કોઈ સંપર્ક નહોતો જ પણ બિલ્ડિંગના સ્ટાફ સાથે પણ ભાગ્યે જ વાત કરતી હતી. એશ્લે માટે રોજ કોઈ ને કોઈ શોપિંગ બેગ આવતી. બિલ્ડિંગ સ્ટાફ પાસે બેગ્સ અને બીજી ચીજોનો ઢગલો થઈ જતો. એશ્લે અઠવાડિયામાં એકાદ દિવસ આવીને આ બધી ચીજો મૂકાવી દેતી અથવા પોતાના એપાર્ટમેન્ટની બહાર બધી ચીજો મૂકી દેવાની સૂચના આપી દેતી હતી.
- સ્પોર્ટ્સ ચિરોપ્રેક્ટર ડો. જોની સાથેના સંબંધથી એશ્લેને ત્રણ વર્ષનો દીકરો
એશ્લે સેંટ ક્લેઈર માત્ર ૨૬ વર્ષની છે પણ પોતાની રૂઢિચુસ્ત વિચારસરણી માટે જાણીતી છે. બોસ્ટનમાં જન્મેલી એશ્લેની અંગત જીંદગી વિશે બહુ વિગતો બહાર આવી નથી પણ છેલ્લાં લગભગ સાતેક વર્ષથી સોશિયલ મીડિયાની ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ છે. એશ્લે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મથી તેમની સમર્થક છે.
અમેરિકામાં રૂઢિચુસ્તો દ્વારા બેબીલોન બી નામની વ્યંગ અંગેની વેબસાઈટ ચાલે છે કે જેના પર કહેવાતા સુધારાવાદીઓની મજાક ઉડાવાય છે. એશ્લે આ સાઈટ પર નિયમિત રીતે લખે છે. એશ્લેએ બાળકો માટે એલીફન્ટ્સ આર નોટ બર્ડ્સ નામે બુક પણ લખી છે. આ પુસ્તકે પણ ભારે ચર્ચા જગાવી હતી. એશ્લે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં અત્યંત સક્રિય હતી. ટ્રમ્પના નિવાસસ્થાન માર-એ-લાગો રીસોર્ટની બેઠકોમાં પણ એશ્લે નિયમિત રીતે જોવા મળતી હતી. મસ્ક સાથે તેનું ૨૦૨૩માં અફેર શરૂ થયાનું મનાય છે. આ અફેર છૂપાવવા એશ્લેએ પોતાના ફ્રેન્ડ્સ સાથે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (એનડીએ) કર્યા હતા. પ્રેગનન્સી છૂપાવવા એશ્લે સોશિયલ મીડિયા વીડિયોમાં દેખાતી બંધ થઈ ગઈ હતી.
એશ્લેને પહેલાં જાણીતા ચિરોપ્રેક્ટર ડો. જોની એલેક્ઝાન્ડર સાથ સંબંધ હતા. એલોપથીના બદલે વૈકલ્પિક સારવાર પધ્ધતિ અપનાવનારને ચિરોપ્રેક્ટર કહે છે. જોની અમેરિકામાં ખ્યાતનામ સ્પોર્ટ્સ ચિરોપ્રેક્ટર છે. વોરીયર એનવાયસીના માલિક જોની પાસે સારવાર માટે અમેરિકાના ટોચના સ્પોર્ટ્સપર્સન્સ આવે છે. જોની તેમની તકલીફોનો ઝટથી ઉકેલ લાવી દે છે. જોની પોડકાસ્ટર તરીકે પણ જાણીતો છે. જોની સાથેના સંબંધથી એશ્લેને એક દીકરો છે કે જે છ વર્ષનો છે. એશ્લેએ પોતાનાં બંને સંતાનો માટે ફુલ ટાઈમ નેની એટલે કે આયા રાખી છે.