USમાં કમલ પછી આનંદ, ધનિક ભારતીયોએ કેમ પરિવારની કરી હત્યા ?
- માનસશાસ્ત્રીઓ રાકેશ અને આનંદના પરિવારના મોત માટે અમેરિકાની લાઈફસ્ટાઈલના કારણે ઊભું થયેલું ટેન્શન અને આર્થિક મોરચે વળતાં પાણીને જવાબદાર માને છે
- રાકેશ કમલ અને આનંદના પરિવાર વચ્ચે ભારે સામ્યતા છે. રાકેશ કમલ ઉર્ફે રિક અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણેલા હતા જ્યારે તેમનાં પત્ની ટીના હાર્વર્ડમાં ભણેલાં હતાં. બંનેએ અમેરિકાની ટોચની કંપનીઓમાં નોકરી કર્યા પછી એડયુનોવા નામે એડ-ટેક કંપની શરૂ કરી હતી. આનંદ સુજીત હેન્રી પણ આઈટી પ્રોફેશનલ હતો અને તેની પત્ની એલિસ પ્રિયંકા ઝીલો કંપનીમાં ડેટા એનાલિસ્ટ હતી. રાકેશ અને ટીના ભારતમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી અમેરિકા ગયેલાં એ રીતે આનંદ અને એલિસ પણ ભારતથી અમેરિકા ગયેલાં. આનંદ-એલિસ કેરળના કોલ્લમનાં હતાં અને નવ વર્ષ પહેલાં અમેરિકા ગયાં હતાં. બંને આઈટી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હતાં અને સફળ કારકિર્દી ધરાવતાં હતાં.
અમેરિકામાં રાકેશ કમલ નામના મૂળ ભારતીય ધનિક રાકેશ કમલ અને તેના પરિવારના મોતનું રહસ્ય ઉકેલાયું નથી ત્યાં વધુ એક ધનિક ભારતીય આનંદ સુજીત હેન્રીના પરિવારનું રહસ્યમય રીતે મોત થયું. ૪૨ વર્ષનો આનંદ તેની ૪૦ વર્ષીય પત્ની એલિસ બેન્ઝીગર અને જોડિયા દીકરા નોઆહ અને નેથન સાથે કેલિફોર્નિયાના સાન માતેયોમાં આલિશાન ઘરમાં રહેતો હતો અને લોજિટ્સ નામની કંપનીનો માલિક હતો. આનંદ નિયમિત રીતે પોતાના પરિવાર સાથે વાત કરતો હતો પણ છેલ્લા કેટલાક દિવસોથી વાત નહોતી કરી તેથી ચિંતામાં પડેલી તેની મમ્મીએ પોલીસને જાણ કરતાં પોલીસ વેલફેર ચેક માટે તેના ઘરે ગઈ ત્યારે ચારેયની લાશો મળી.
આનંદ અને એલિસ બાથરૂમમાં જ્યારે નોઆહ અને નેથન બેડરૂમમાં મૃત હાલતમાં પડયાં હતાં. આનંદ અને એલિસનું મોત ગોળી વાગવાથી થયું છે જ્યારે ટ્વિન દીકરાઓને ગળુ દબાવીને મારી નંખાયા હોવાનું પ્રાથમિક તારણ છે.
પોલીસને આનંદ-એલિસના મૃતદેહો પાસેથી ૯ એમએમની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન પણ મળી આવતાં પોલીસે એવું તારણ કાઢયું છે કે, આનંદે પહેલાં બંને દીકરાને મારી નાંખ્યા ને પછી ગોળી મારીને એલિસની હત્યા કરી નાંખી. એ પછી તેણે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો. ગયા વરસના ડીસેમ્બરમાં રાકેશ કમલ, ટીના અને અરિઆન્નાની લાશ મળી ત્યાર પોલીસે આ જ થીયરી રજૂ કરેલી. હવે આનંદના પરિવારની હત્યાના કેસમાં પણ પોલીસે એ જ થીયરી આપી છે.
રસપ્રદ વાત એ છે કે, રાકેશ કમલ અને આનંદના પરિવાર વચ્ચે ભારે સામ્યતા છે. રાકેશ કમલ ઉર્ફે રિક બોસ્ટન યુનિવર્સિટી, મેશેશ્યુએટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) સ્લોઅન સ્કૂલ ઓફ મેનેટમેન્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા જ્યારે તેમનાં પત્ની ટીના દિલ્હી યુનિવર્સિટીમાં અને પછી હાર્વર્ડમાં ભણેલાં હતાં. બંનેએ અમેરિકાની ટોચની કંપનીઓમાં નોકરી કર્યા પછી એડયુનોવા નામે એડ-ટેક કંપની શરૂ કરી હતી.
રાકેશ અને આનંદની સ્ટોરી અહીં સુધી સરખી છે કેમ કે આનંદ સુજીત હેન્રી પણ આઈટી પ્રોફેશનલ હતો અને તેની પત્ની એલિસ પ્રિયંકા ઝીલો કંપનીમાં ડેટા એનાલિસ્ટ હતી.
રાકેશ અને ટીના ભારતમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી અમેરિકા ગયેલાં એ રીતે આનંદ અને એલિસ પણ ભારતથી અમેરિકા ગયેલાં. આનંદ-એલિસ કેરળના કોલ્લમનાં હતાં અને નવ વર્ષ પહેલાં અમેરિકા ગયાં હતાં. બંને આઈટી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હતાં અને સફળ કારકિર્દી ધરાવતાં હતાં.
ગુગલમાં સોફ્ટવેર એન્જીનિયરિંગ મેનેજર તરીકે ૭ વર્ષ સુધી કામ કર્યા પછી ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં આનંદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ્સ અને વોટ્સએપ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિક મેટામાં જોડાયો હતો. મેટામાં દોઢેક વર્ષ સુધી કામ કર્યા પછી ૨૦૨૩ના જૂનમાં એટલે કે લગભગ ૮ મહિના પહેલાં તેણે મેટા પણ છોડી દીધી હતી. આનંદે લોગિટ્સ નામે પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું.
આનંદનું સ્ટાર્ટ અપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સાથે જોડાયેલું છે તેથી તેના વિશે બહુ વિગતો ઉપલબ્ધ નથી પણ હજુ તેને સાત-આઠ મહિના જ થયા હોવાથી રાકેશ કમલના પરિવાર જેવી કોઈ સમસ્યા તેને નડી હોવાની શક્યતા ઓછી છે.
રાકેશ કમલે ૨૦૧૬માં સ્થપાયેલી એડયુનોવા કંપની ચાલી નહોતી અને ૨૦૨૧ના ડીસેમ્બરમાં તેનો સંકેલો કરી લેવો પડયો હતો.
રાકેશ કમલ ધનિક હતા પણ તેમના માથે ભારે દેવું હતું. તેમણે દેવામાંથી બહાર આવવા માટે વરસ પહેલાં પોતાનું આલિશાન મકાન ૨૪ લાખ ડોલરની ખોટ ખાઈને વેચી દેવું પડેલું. રાકેશે ૨૦૧૯માં ૫૪.૫ લાખ ડોલરમાં ૧૧ બેડરૂમનું આલિશાન ઘર ખરીદ્યું ત્યારે તેની ભારે ચર્ચા થયેલી પણ ૨૦૨૨માં આ ઘર વિલસનડેલ એસોસિએટ્સ એલએલસીને ૩૦ લાખ ડોલરમાં વેચી દેવું પડેલું. રાકેશે રાકેશનાં પત્ની ટીનાએ પણ દેવું ના ભરી શકતાં નાદાર નોંધાવવા માટે કોર્ટમાં અરજી કરેલી. ટીના કમલે પોતાના માથે ૧૦ લાખ ડોલરથી માંડીને ૧ કરોડ ડોલર સુધીનું દેવું હોવાનો દાવો નાદારીની અરજીમાં કરેલો. કોર્ટે આ અરજી ફગાવી દેતાં રાકેશ કમલનો પરિવાર આર્થિક સંકડામણમાં હતો. આ કારણે તેમણે આપઘાત કરી લીધો એવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
રાકેશના પરિવારના મોતના સંજોગો જોતાં આ વાત ગળે ઉતરે એવી નહોતી. રાકેશ પોતે જાણીતા એજ્યુ-ટેક કન્સલ્ટન્ટ હતા ને તેમનાં પત્નીની પણ સફળ કારકિર્દી હતી. તેમની દીકરી મેડિકલમાં ભણતી હતી અને બહુ હોંશિયાર હતી. કમલ પરિવારના માથેનું દેવું એટલું બધું નહોતું કે એ લોકો ભરી ના શકે. ટીનાના માથે જે દેવું હતું એટલી રકમના મકાનમાં એ લોકો રહેતાં હતાં. આ સંજોગોમાં થોડાંક વરસોની મહેનત પછી એ લોકો આર્થિક સંકડામણમાંથી બહાર આવી શકે એવી સ્થિતીમાં હતા જ.
આનંદના કિસ્સામાં તો આર્થિક સંકડામણ કે બીજી કોઈ મુશ્કેલી નથી તેથી આનંદના પરિવારના મોતે અમેરિકામા રહેતા ભારતીયોને ચોંકાવી દીધા છે. આનંદ અને એલિસે ૨૦૧૬માં ડિવોર્સ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરેલી એવું કહેવાય છે પણ ડિવોર્સ લીધા નહોતા. એલિસ ૨૦૧૯મા પ્રેગનન્ટ હતી ત્યારે તો આનંદ સતત તેની કાળજી લેતો અને બંને દરરોજ સાથે ચાલવા જતાં અને જોડિયાં બાળકોના જન્મ પછી બંને દીકરાઓને લઈને સાથે ફરવા નિકળતાં એવું પાડોશીઓનું કહેવું છે. આનંદ-એલિસે ૨૦૨૦માં જ ૨૧ લાખ ડોલરનું ઘર ખરીદેલું.
આ સંજોગોમાં બંનેના લગ્નજીવનમાં કોઈ ખટરાગ હોવાની શક્યતા પણ લાગતી નથી તેથી આનંદના પરિવારનું મોત રહસ્યમય લાગે છે.
પોલીસ આ કેસમાં તપાસ કરીને કશું શોધે એવી શક્યતા દેખાતી નથી તેથી રાકેશ કમલની જેમ આનંદના પરિવારનું મોત પણ રહસ્ય બનીને રહી જશે એવું લાગે છે.
માનસશાસ્ત્રીઓ રાકેશ અને આનંદના પરિવારના મોત માટે અમેરિન લાઈફસ્ટાઈલના કારણે પેદા થયેલા તણાવ અને આર્થિક મોરચે અમેરિકાનાં વળતાં પાણી થઈ રહ્યાં છે તેને જવાબદાર માને છે.
અત્યંત સફળ કારકિર્દી પછી વધારે સફળ બનવા સાહસ કરાય પણ તેમાં સફળતા ના મળે કે શંકા જાગે ત્યારે એ તણાવ સહન કરવાની તાકાત અમેરિકન લાઈફસ્ટાઈલમાં નથી. અમેરિકામાં પહેલાંની જેમ નવાં સાહસો સફળ નથી થતાં કેમ કે અમેરિકાનું અર્થતંત્ર પહેલાં જેવું નથી કે જ્યાં ગમે તે કરો, સફળ જ થવાય. પરિણામે લોકો રાકેશ કમલ કે આનંદ હેન્રી જેવો રસ્તો અપનાવે છે.
કમલ પરિવારના મોતમાં પોલીસની તપાસ શંકાસ્પદ
રાકેશ કમલના પરિવારના રહસ્યમય મોત અને આનંદના પરિવારના રહસ્યમય મોત વચ્ચે બહુ સામ્યતા છે.
બલ્કે પોલીસની થીયરી પ્રમાણે તો રાકેશની જેમ જ આનંદે પણ પહેલાં પોતાના પરિવારની હત્યા કર્યા પછી પોતે આપઘાત કરી લીધો છે.
રાકેશ કમલ મેશેશ્યુએટ્સના ડોવરમાં આલિશાન મહેલ જેવા મકાનમાં પોતાનાં ૫૪ વર્ષીય પત્ની ટીના અને ૧૮ વર્ષની દીકરી અરીઅન્ના સાથે રહેતા હતા. રાકેશના મકાનની કિંમત ૫૦ લાખ ડોલર (લગભગ ૪૨ કરોડ રૂપિયા)ની આસપાસ છે. પોલીસે સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે, રાકેશે પહેલાં પોતાની દીકરી અને પત્નીની હત્યા કરી હતી અને પછી પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
પોલીસે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં આ વાતને સમર્થન મળ્યું હોવાનો દાવો કરેલો પણ પોલીસની તપાસ એ રીતે શંકાસ્પદ હતી કે, રાકેશના પરિવારના મૃતદેહો પાસેથી મળેલી પોઈન્ટ ૪૦ કેલિબરની ગ્લોક ૨૨ પિસ્તોલ રાકેશના નામે નોંધાયેલી નહોતી.
ઓસ્ટ્રિયન બનાવટની આ પિસ્તોલ રાકેશ પાસેથી ક્યાંથી આવી તેનો પોલીસે ખુલાસો નથી કર્યો.
અમેરિકામાં પિસ્તોલ સહિતનાં હથિયારો છૂટથી વેચાય છે તેથી રાકેશે આ પિસ્તોલ ખરીદી હોઈ શકે પણ ક્યાંથી ખરીદી એ દિશામાં તપાસ જરૂરી હતી. પોલીસે એવી કોઈ વિગતો આપી નથી. તેના કારણે રાકેશે પોતે જ પરિવારની હત્યા કરી હોવાનો પોલીસનો દાવો સરળતાથી ગળે ઉતરે એવો નથી..
લગ્નેતર સંબંધોના વિખવાદના કારણે પોલીસ બોલાવવી પડેલી ?
સાન માતેયો પોલીસનો દાવો છે કે, આનંદ અને એલિસના જીવનમાં ખટરાગ હોવાથી ઘણી વાર પોલીસે તેમને ત્યાં જવું પડયું હતું. પોલીસે આનંદ અને એલિસ વચ્ચે ક્યા પ્રકારના મતભેદ હતા તેની વિગતો જાહેર કરી નથી તેના કારણે પરિવારના મોતનું રહસ્ય ઘેરૃં બન્યું છે. બંનેએ ૨૦૧૬માં ડિવોર્સ માટેની પ્રોસેસ કરેલી તેની સાથે આ વાતને સંબંધ હોવાની અટકળો ચાલી રહી છે. એક શક્યતા એલિસ કે આનંદના લગ્નેતર સંબધોના કારણે વિખવાદ થતો હોવાની પણ છે પણ તેના કોઈ પુરાવા નથી.