લાલુના દીકરાને ઘરેલુ હિંસાના કેસમાં સજાની શક્યતા
- તેજપ્રતાપને ઐશ્વર્યા સાથે ના ફાવ્યું, હવે બંને અલગ રહે છે : તેજપ્રતાપને ઘરેલુ હિંસાનો દોષિત ગણાવાયો છે, તેને પૈસા ચૂકવવામાં નહીં પણ જેલની સજાનો વાંધો છે
- લાલુ યાદવના પરિવારે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે તેથી તેજપ્રતાપે ઐશ્વર્યા માટે આલિશના ઘરની વ્યવસ્થા કરવી પડે ને તેમાં બે-ચાર કરોડ રૂપિયા ઓછા થાય કે દર મહિને એક-બે લાખ રૂપિયા ભરણપોષણ માટે આપવા પડે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લાલુના પરિવાર માટે આ બધું ચણામમરા જેવું છે પણ ઘરેલુ હિંસાના કેસમાં તેજપ્રતાપને સજા થાય તો હાહાકાર મચી જાય. ભારતમાં સામાન્ય પુરૂષોને પણ ઘરેલુ હિંસાના કેસમાં સજા થઈ હોય એવું બહુ ઓછા કેસોમાં બને છે ત્યારે યાદવ પરિવારના નબિરાને સજા થઈ જાય એ બહુ મોટી વાત કહેવાય. ભારતમાં ઘરેલુ હિંસાના કેસમાં ત્રણ વર્ષ સુધી સજાની જોગવાઈ છે એ જોતાં તેજપ્રતાપને ત્રણ વર્ષ સુધીની સજા થવાની શક્યતા છે.
બિહારમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીના પોષક પરિવાર તરીકે પંકાયેલા લાલુપ્રસાદ યાદવનો પરિવાર સતત ચર્ચામાં રહે છે. લાલુ પ્રસાદ અને તેમનાં પત્ની રાબડી દેવીએ બિહારમાં ૧૫ વર્ષના શાસન અને પછી લાલુના કેન્દ્રીય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કરેલા બેફામ ભ્રષ્ટાચારના કેસોના કારણે લાલુના પરિવાર પર કેસોનો ઢગ ખડકાયેલો છે.
લાલુના પરિવાર સામે ભ્રષ્ટાચારના કેસોમાં ક્યાંક ને ક્યાંક કાનૂની કાર્યવાહી ચાલુ જ હોય છે તેથી તો લાલુનો પરિવાર સતત ચર્ચામાં રહે જ છે પણ લાલુના પરિવારના ડખા પણ ઓછા નથી. લાલુના બે દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ વચ્ચે ચાલતી કોલ્ડ વોરથી માંડીને બીજા કઠલા ચાલ્યા જ કરે છે તેથી લાલુનો પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે.
લાલુના પરિવારને લગતો આવો જ એક વિષય લાલુના મોટા દીકરા તેજપ્રતાપનાં ઐશ્વર્યા રાય સાથેનાં લગ્નનો છે. ઐશ્વર્યા રાય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી છે અને તેના પિતા પણ રાજકારણી છે. લાલુ પ્રસાદે દીકરાનાં લગ્ન બિહારના મોટા ગજાના પરિવારમાં કરાવેલાં પણ તેજપ્રતાપને ઐશ્વર્યા સાથે ના ફાવ્યું. એક વરસમાં ડખો થઈ ગયો ને બંને હવે અલગ રહે છે.
ઐશ્વર્યાને તેજપ્રતાપ ને લાલુના પરિવારે ભારે કનડગત કરેલી તેથી ઐશ્વર્યાએ તેજપ્રતાપ સામે ઘરેલુ હિંસાનો આક્ષેપ કરીને પોલીસ કેસ કરી દીધો છે. સામે તેજપ્રતાપે ઐશ્વર્યા રાયથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે. પટણાની ફેમિલી કોર્ટે આ કેસમાં તેજપ્રતાપને ઘરેલુ હિંસાનો દોષિત ગણાવીને એક મહિનામાં ઐશ્વર્યા માટે ઘરની વ્યવસ્થા કરવા કહ્યું છે.
ફેમિલી કોર્ટે ફરમાન કર્યું છે કે, રાબડીદેવી માટે જે સુખ-સુવિધા સાથેનું ઘર છે એવી જ સુખ-સુવિધા સાથેનું ઘર તેજપ્રતાપે પત્ની ઐશ્વર્યા માટે બનાવવું પડશે અથવા ભાડે લઈ આપવું પડશે. ઘરનું ભાડું, લાઈટ બિલ, મેન્ટેનન્સ વગેરે તેજપ્રતાપે ભરવું પડશે. કોર્ટે ઐશ્વર્યાને સુરક્ષા આપવા માટે પણ તેજપ્રતાપને આદેશ આપ્યો છે અને ક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે.
આ ચુકાદામાં સૌથી મોટી વાત એ છે કે, કોર્ટે સ્વીકાર્યું છે કે, તેજપ્રતાપે ઐશ્વર્યાને માનસિક અને શારિરિક યાતનાઓ આપીને પરેશાન કરે છે. આ બહુ મોટી વાત છે ને તેના કારણે ઐશ્વર્યા અને તેજપ્રતાપની બિલકુલ ફિલ્મી સ્ટાઈલની સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે.
ઐશ્વર્યા અને તેજપ્રતાપના લગ્નની સ્ટોરી ટીવી સીરિયોલમાં જોવા મળે એવી છે. બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા બે વગદાર પરિવારો સામાજિક સંબંધથી તો જોડાયા પણ તેજપ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચે મનમેળ ના થયો તેમાં લગ્નના થોડા દિવસ પછી જ ઝગડા શરૂ થઈ ગયેલા. તેજપ્રતાપનું કહેવું છે કે, પોતે એકદમ સીધોસાદો માણસ છે જ્યારે ઐશ્વર્યા એકદમ મોડર્ન અને આધુનિક વિચારો ધરાવતી યુવતી હોવાથી બંનેનો મેળ ના પડયો.
તેજપ્રતાપની આ વાત ગળે ઉતરે એવી નથી કેમ કે ઐશ્વર્યાની લાઈફસ્ટાઈલ એવી હાઈ-ફાઈ નથી પણ બંને પરિવારના શિક્ષણના કારણે સમસ્યા થઈ છે. ઐશ્વર્યાના દાદ દરોગાપ્રસાદ મુખ્યમંત્રી હતા જ્યારે તેમના પિતા ચંદ્રિકા પ્રસાદ સાત વાર ધારાસભ્ય બન્યા છે તેથી ઐશ્વર્યા સુખ-ચેનમાં ઉછરી અને ભણી પણ વધારે છે. પટણાની ઉચ્ચ વર્ગની મનાતી નોત્રેદેમ એકડમીમાંથી સ્કૂલનું શિક્ષણ લેનારી ઐશ્વર્યાએ દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી હિસ્ટરીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને પછી દિલ્હીથી જ એમબીએ કર્યું છે. ઐશ્વર્યાની એક બહેન બેંગલુરૂમાં ભણેલી છે જ્યારે તેનો ભાઈ પટણા હાઈકોર્ટમાં વકીલ છે.
બીજી તરફ તેજપ્રતાપ તો બારમું ધોરણ જ ભણેલો છે. તેના પરિવારમાં પણ બીજું કઈ ભણેલું નથી. આ કારણે યાદવ પરિવાર અત્યંત રૂઢિચુસ્ત છે. આ રૂઢિચુસ્તતા જ ઐશ્વર્યાને નડી ગઈ. ઐશ્વર્યાએ ફરિયાદ કરી તેમાં તેજપ્રતાસ ઉપરાંત તેની સાસુ રાબડી દેવી, નણંદ મિસા ભારતી વગેરે સામે પણ ઘરેલુ હિંસાના આક્ષેપો કર્યા છે.
ઐશ્વર્યાએ પોતે તેજપ્રતાપ સાથેનાં લગ્ન ટકાવવા પૂરતા પ્રયત્ન કર્યા છે. તેજપ્રતાપે કોર્ટમાં ડિવોર્સનો કેસ કર્યો છે પણ ઐશ્વર્યા ડિવોર્સ માટે તૈયાર નથી. ઘરેલુ હિંસાનો કેસ પણ તેજપ્રતાપે કરેલા ડિવોર્સના કેસના જવાબમાં કર્યો છે. ઐશ્વર્યાએ તો પોતે તેજપ્રતાપ સાથે રહેવા માંગતી હોવાનું પણ કોર્ટમાં કહ્યું છે એ જોતાં તેજપ્રતાપ અને લાલુના પરિવારે સમજદારી બતાવી હોત તો આ લગ્ન ટકી ગયાં હોત.
આ સમજદારી ના બતાવાઈ તેમાં તેજપ્રતાપના માથે સજાની તલવાર તોળાઈ રહી છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે તેથી તેજપ્રતાપે ઐશ્વર્યા માટે આલિશાન ઘરની વ્યવસ્થા કરવી પડે ને તેમાં બે-ચાર કરોડ રૂપિયા ઓછા થાય કે દર મહિને એક-બે લાખ રૂપિયા ભરણપોષણ માટે આપવા પડે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લાલુના પરિવાર માટે આ બધું ચણામમરા જેવું છે પણ ઘરેલુ હિંસાના કેસમાં તેજપ્રતાપને સજા થાય તો હાહાકાર મચી જાય.
ભારતમાં સામાન્ય પુરૂષોને પણ ઘરેલુ હિંસાના કેસમાં સજા થઈ હોય એવું બહુ ઓછા કેસોમાં બને છે ત્યારે યાદવ પરિવારના નબિરાને સજા થઈ જાય એ બહુ મોટી વાત કહેવાય. ભારતમાં ઘરેલુ હિંસાના કેસમાં ત્રણ વર્ષ સુધી સજાની જોગવાઈ છે એ જોતાં તેજપ્રતાપને ત્રણ વર્ષ સુધીની સજા થવાની શક્યતા છે. કોર્ટે હવે પછીની સુનાવણી ૩૦ ઓક્ટોબરે રાખી છે ને એ વખતે કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે પણ તેજપ્રતાપને સજા થઈ જાય તો આ સજાના રાજકીય રીતે પણ ઘેરા પ્રત્યાઘાત પડે. ભાજપને લાલુ પ્રસાદ યાદવના પરિવાર સામે પ્રહારનો એક મોકો મળી જાય.
તેજપ્રતાપનું બેવડું વ્યક્તિત્વ, વ્રજમાં કૃષ્ણભક્તિ, દિલ્હીમાં પાર્ટીઓ
લાલુ પ્રસાદ યાદવને નવ સંતાનો છે તેમાં સાત દીકરી અને બે દીકરા છે. લાલુનાં તમામ સંતાનો વધારે ભણેલાં નથી. તેજપ્રતાપ પણ તેમાં અપવાદ નથી કેમ કે તેજપ્રતાપ માત્ર ધોરણ ૧૨ સુધી ભણેલો છે. તેજપ્રતાપ અને તેજસ્વી બંને દિલ્હીમાં ભણતા હતા પણ ભણવામાં બંનેમાંથી કોઈએ કશું ઉકાળ્યું નથી.
તેજપ્રતાપ શાંત અને ઓછું બોલનારો માણસ ગણાય છે પણ ઐશ્વર્યા સાથેના તેના વર્તને તેનો ખરેખર ચહેરો શું છે એ સવાલ ઉભો કર્યો છે. તેજપ્રતાપનું જાહેર જીવનમાં વર્તન પણ તેનો બેવડા વ્યક્તિત્વને છતું કરે છે.
તેજપ્રતાપ તેજપ્રતાપ લાલુના પૈસાના જોરે બિઝનેસમેન બન્યો છે અને વૈભવી મોટરબાઈક્સ પર ફરે છે. તેજપ્રતાપને કાર્સનો શોખ છે અને અત્યંત મોંઘી કારોમાં ફરે છે. પટણામાં તેજપ્રતાપનો પોતાનો લક્ઝુરીયસ મોટરબાઈકનો શોરૂમ છે.
તેજપ્રતાપની એક ઈમેજ ભગવાનના માણસ તરીકેની છે. કૃષ્ણ ભગવાનના ભક્ત તરીકેની તેની ઈમેજ છે અને નિયમિત રીતે ભગવાન કૃષ્ણની જન્મભઊમિ બ્રજના મથુરા, વૃંદાવન સહિતનાં સ્થળે ભગવાન કૃષ્ણની ભક્તિ માટે જાય છે. ગાયોને ઘાસચારો નાંખે છે જ્યારે સામાન્ય રીતે કુર્તા-પાયજામામાં જોવા મળતો તેજસ્વી દિલ્હી સહિતનાં શહેરોમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને પાર્ટીઓ કરતો જોવા મળે છે.
તેજસ્વી નાનો હોવા છતાં લાલુનો રાજકીય વારસ
લાલુ પ્રસાદના બે પુત્રોમાં તેજપ્રતાપ મોટો છે જ્યારે તેજસ્વી નાનો છે. તેજપ્રતાપ અને તેજસ્વી બંને ધારાસભ્ય છે પણ લાલુ યાદવનો રાજકીય વારસદાર તેજસ્વી છે. તેજપ્રતાપ અત્યારે બિહારની નીતિશ કુમાર સરકારમાં મંત્રી છે જ્યારે તેજસ્વી નાયબ મુખ્યમંત્રી છે.
તેજપ્રતાપ તેજસ્વીને અર્જુન અને પોતાને તેનો સારથી કૃષ્ણ ગણાવે છે પણ બંને ભાઈઓ વચ્ચે મતભેદો હોવાની વાત છૂપી નથી. તેજસ્વી સામે આડકતરી રીતે તેજપ્રતાપ ઘણી વાર બળાપો કાઢી ચૂક્યો છે. તેજસ્વીએ લીધેલા નિર્ણયો સામે પણ ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યો છે. તેજસ્વી સંયમ અને મોટા ભાઈની મર્યાદા જાળવીને વર્તતો હોવાથી બંનેનો ઝગડો જાહેરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો નથી પણ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલે જ છે.
આ કોલ્ડ વોરના મૂળમાં લાલુ પ્રસાદે તેજસ્વીની પોતાના રાજકીય વારસ તરીકે કરેલી પસંદગી છે. લાલુ પ્રસાદે તેજસ્વીને પોતાના રાજકીય વારસ તરીકે પસંદ કર્યો તેનું કારણ એ છે કે તેજસ્વી આક્રમક છે જ્યારે તેજપ્રતાપ ઢીલો છે. તેજપ્રતાપની હરકતો પણ અત્યંત બાલિશ હોવાથી લાલુ યાદવને તેનામાં બહુ વિશ્વાસ નથી.