Get The App

તુલસી ટ્રમ્પ કે આંગનકી... ટ્રમ્પના નિર્ણયે સૌને ચોંકાવ્યા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
તુલસી ટ્રમ્પ કે આંગનકી... ટ્રમ્પના નિર્ણયે સૌને ચોંકાવ્યા 1 - image


- અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સનું કરોડો ડોલરનું બજેટ છે, તેના નેટવર્કમાં ૧૨૭૧ સરકારી સંસ્થાઓ અને 1931 ખાનગી કંપનીઓ છે

- તુલસીને ઈન્ટેલિજન્સમાં કામ કરવાનો કોઈ અનુભવ નથી તેથી કરોડોનું બજેટ ધરાવતી 18 એજન્સીઓને કઈ રીતે સાચવી શકશે એ સવાલ થઈ રહ્યો છે. 2016માં  હિલેરીએ તુલસીને 'રશિયન એસેટ ગણાવીને રશિયાના ઈશારે પોતાને હરાવવા માટે મેદાનમાં આવ્યાં હોવાનો આક્ષેપ કરેલો. અમેરિકાના મીડિયામાં પણ તુલસીએ 2016ની ચૂંટણીમાં હિલેરીને હરાવવા માટે રશિયાને મદદ કરી હોવાના આક્ષેપો સાથેના રીપોર્ટ છપાયા હતા. આ કારણે તુલસીની દેશભક્તિ સામે શંકાઓ કરાય છે.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ બનાવવા માંડી છે અને મહત્વના તમામ હોદ્દાઓ પર કોણ કોણ હશે તેની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પની પસંદગીમાં અનેક આશ્ચર્યજનક નામો છે પણ સૌથી વધારે આશ્ચર્યજનક નામ તુલસી ગબાર્ડનું છે. તુલસી ગબાર્ડ અમેરિકામાં જાણીતાં રાજકારણી છે અને માત્ર ૩૨ વર્ષની ઉંમરે તો ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર જીતીને સાંસદ બન્યાં હતાં પણ પછી ડેમોક્રેટિક પાર્ટીમાં ડખો થતાં ૨૦૨૨માં રીપબ્લિકન પાર્ટીમાં આવી ગયેલાં. 

ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે સામે તુલસીનાં કટ્ટર હરીફ હિલેરી ક્લિન્ટન મેદાનમાં હતાં. તુલસીએ ટ્રમ્પને હિલેરીને હરાવવામાં પાછલા બારણે મદદ કરી હતી એવું કહેવાય છે. 

આ વખતે પણ  ટ્રમ્પને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીતાડવામાં પણ તુલસીએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેથી તુલસી ટ્રમ્પની ટીમમાં હશે એ નક્કી મનાતું હતું પણ ટ્રમ્પ તુલસીને સીધાં નેશનલ ઈન્ટેલિજન્સનાં ડિરેક્ટર બનાવી દેશે એ કોઈને કલ્પના નહોતી. 

અમેરિકામાં નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરના તાબા હેઠળ આર્મી, નેવી, એરફોર્સ ઉપરાંત બીજી ઘણી ગુપ્તચર સંસ્થાઓ કામ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી છોડીને રીપબ્લિકન પાર્ટીમાં આવેલાં અને પોતાનાં કટ્ટર સમર્થક બનેલા તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર નિમીને બહુ મોટી જવાબદારી સોંપી છે કેમ કે તુલસી ગબાર્ડના હાથ નીચે યુનાઇટેડ સ્ટેટ્સની ૧૮ જાસૂસી એજન્સીઓ હશે. 

અમેરિકામાં નેશનલ ઈન્ટેલિજન્સનું કરોડો ડોલરનું બજેટ છે. ઈન્ટેલિજન્સ નેટવર્કમાં ૧૦,૦૦૦ સ્થળેથી ચાલતી ૧,૨૭૧ સરકારી સંસ્થાઓ અને ૧,૯૩૧ ખાનગી કંપનીઓ સામેલ છે.  અમેરિકન ઈન્ટેલિજન્સ નેટવર્કમાં ૧૦ લાખ કરતાં વધારે લોકો કામ કરે છે.  તુલસી ગબાર્ડને પહેલાં ઈન્ટેલિજન્સનો કોઈ અનુભવ જ નથી તેથી સાવ બિનઅનુભવી ગબાર્ડને આટલા મોટા તંત્રની જવાબદારી સોંપીને  ટ્રમ્પે મોટો ભાંગરો વાટી દીધો કે શું એવો સવાલ થઈ રહ્યો છે.

ગબાર્ડના હાથ નીચે ઓફિસ ઓફ નેવલ ઈન્ટેલિજન્સ (નેવી), કોસ્ટ ગાર્ડ ઇન્ટેલિજન્સ (સીજીઆઈ), સિક્સટિન્થ એર ફોર્સ (એર ફોર્સ) અને મિલિટરી ઈન્ટેલિજન્સ કોર્પ્સ (આર્મી) એમ આર્મીની ચાર ઈન્ટેલિજન્સ એજન્સીઓ તો હશે જ પણ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) પણ હશે. સીઆઈએ તો અમેરિકાનું દુશ્મન દેશો સામેનું સૌથી મોટું હથિયાર છે.

આ સિવાય ડીફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી (ડીઆઈએ), ઓફિસ ઓફ ઈન્ટેલિજન્સ એન્ડ કાઉન્ટર ઈન્ટેલિજન્સ (ઉર્જા વિભાગ),  ઑફિસ ઑફ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (ડિપાર્ટમેન્ટ આફ હોમલેન્ડ સિક્યુરિટી), બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ એન્ડ રિસર્ચ (વિદેશ મંત્રાલય),  ઓફિસ ઓફ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી),  નેશનલ સિક્યુરિટી ઇન્ટેલિજન્સ ઓફિસ (ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન) જેવી મહત્વનાં મંત્રાલયોની એજન્સીઓ પણ તેમના તાબા નીચે હશે. એ સિવાય ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ), મરીન કોર્પ્સ ઇન્ટેલિજન્સ, નેશનલ જીઓસ્પેશિયલ-ઇન્ટેલીજન્સ એજન્સી, નેશનલ રિકોનિસન્સ ઓફિસ, નેશનલ સીક્યુરિટી એજન્સી (એનએસએ) અને નેશનલ સ્પેસ ઇન્ટેલિજન્સ સેન્ટર પણ ગબાર્ડના તાબા હેઠળ કામ કરશે. 

ગબાર્ડ એવરિકા હેન્સનું સ્થાન લેશે. હાલનાં નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર એવરિલ ડેનિકા હેન્સને ઈન્ટેલિજન્સનો વરસોનો અનુભવ છે. મૂળે વકીલ એવરિકા નેશનલ ઈન્ટેલિજન્સનાં ડિરેક્ટર બનનારાં પ્રથમ મહિલા છે. હેન્સ પહેલાં ઓબામાના શાસનમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (ભૈંછ)ના ડેપ્યુટી ડિરેક્ટર હતા. સીઆઈએમાં નિમણૂક પહેલાં એવરિકા વ્હાઇટ હાઉસ કાઉન્સેલ  ઓફિસમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં પ્રમુખનાં નાયબ સલાહકાર હતાં. તેમની સરખામણીમાં ગબાર્ડનો ઈન્ટેલિજન્સનો કોઈ જ અનુભવ નથી. 

ગબાર્ડના કિસ્સામાં બીજી નકારાત્મક બાબત તેમના રશિયા સાથેના કનેક્શનના આક્ષેપો છે. તુલસી ગબાર્ડ પહેલાં ડેમોક્રેટિક પાર્ટીમાં હતાં ને તેમની જ પાર્ટીનાં લોકો તેમને રશિયન એજન્ટ ગણાવતાં હતાં. 

તુલસી ગેબાર્ડ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે બારમો ચંદ્રમા છે તેથી ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી વખતે તુલસીએ હિલેરી ક્લિન્ટન સામે મોરચો માંડેલો. બરાક ઓબામાની પ્રમુખપદે બીજી ટર્મ પૂરી થતી હોવાથી ડેમોક્રેટિક પાર્ટીમાં તેમના સ્થાને ઉમેદવાર બનવા હિલેરી ક્લિન્ટન અને બર્ની સેન્ડર્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. તુલસી ગેબાર્ડ ત્યારે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વાઈસ ચેરપર્સન હતાં. તુલસીએ વાઈસ ચેરપર્સનપદેથી રાજીનામું આપીને બર્ની સેન્ડર્સને ટેકો આપતાં હિલેરી અને તુલસી વચ્ચે જંગ જામી ગયો હતો. 

હિલેરીએ તુલસીને 'રશિયન એસેટ ગણાવીને રશિયાના ઈશારે પોતાને હરાવવા માટે મેદાનમાં આવ્યાં હોવાનો આક્ષેપ કરેલો. અમેરિકાના મીડિયામાં પણ તુલસીએ ૨૦૧૬ની ચૂંટણીમાં હિલેરીને હરાવવા માટે રશિયાને મદદ કરી હોવાના આક્ષેપો સાથેના રીપોર્ટ છપાયા હતા. આ કારણે તુલસીની દેશભક્તિ સામે શંકાઓ કરાય છે. તુલસી ૨૦૧૯માં પ્રમુખપદનાં ઉમેદવાર બનવાની રેસમાં ઉતર્યાં ત્યારે હિલેરી ક્લિન્ટને તુલસીનું નામ લીધા વિના આક્ષેપ કરેલો કે, ટ્રમ્પને ફરી જીતાડવા રશિયા ત્રીજા પક્ષમાંથી કોઈ મહિલાને પ્રમુખપદની ચૂંટણીમાં ઉતારી શકે છે. એ વખતે પણ તુલસીના રશિયા સાથેના કનેક્શનનો મુદ્દો ગાજેલો. અમેરિકામાં અત્યારે પણ એ ચર્ચા પાછી શરૂ થઈ છે. 

જો કે તુલસીને આર્મીનો બહોળો અનુભવ છે ને તેના આધારે તેમને પસંદ કરાયાં છે એવું ટ્રમ્પ સમર્થકો કહે છે. ગબાર્ડે આર્મી નેશનલ ગાર્ડમાં બે દાયકાથી વધુ સમયથી સેવા આપી છે. ઇરાક અને કુવૈતમાં મોરચા પર કામ કરી ચૂકેલાં તુલસીએ  ૨૦૦૫માં  હવાઈ નેશનલ ગાર્ડ દ્વારા કરાયેલા ધ ઓપરેશન ઇરાકી ફ્રીડમમાં પણ ભાગ લીધેલો. 

આ કામગીરી બદલ તેમને ધ કોમ્બેટ મેડિકલ બેજથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.  ગબાર્ડે હાઉસ હોમલેન્ડ સિક્યુરિટી કમિટીમાં બે વર્ષ કામ કર્યું છે પણ ભૂતકાળના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરોની જેમ કદી આર્મી કે કોઈ એજન્સીમાં મોટા હોદ્દા પર કામ કર્યું નથી. 

તુલસી નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે લાયક છ કે નહીં એ સમય જ કહેશે પણ  તુલસી સામે મોટા પડકારો છે તેમાં શંકા નથી. હાલમાં અમેરિકાની સર્વોપરિતા સામે બહુ મોટા પડકારો છે. રશિયા અને ચીન સાથે મળીને અમેરિકા વિરોધી ધરી બનાવી ચૂક્યાં છે. આ ધરી અંગે બીજા દેશોનું શું વલણ છે એ જાણવામાં ગુપ્તચર સંસ્થાઓની મહત્વની ભૂમિકા હશે. 

 દુનિયામાં ઠેકઠેકાણે યુધ્ધો ચાલી રહ્યાં છે તેમાં પણ અમેરિકન ગુપ્તચર સંસ્થાઓની ભૂમિકા મહત્વની છે એ જોતાં તુલસી શું કરે છે એ જોઈએ.

ટ્રમ્પે ભારતને ખુશ કરવા હિંદુ તુલસીને નેશનલ ઈન્ટેલીજન્સ ડિરેક્ટર બનાવ્યાં ? 

તુલસી ગેબાર્ડ  અમેરિકાનાં સૌથી મોટાં હિંદુવાદી નેતા ગણાય છે. 

સામાન્ય રીતે કોઈ પણ હિંદુનાં મૂળિયાં ભારતમાં હોય પણ તુલસીને ભારત સાથે કંઈ લેવાદેવા નથી પણ તેમનાં માતા કેરોલ હિંદુ બની ગયાં અને પોતાનાં સંતાનોનો  ઉછેર હિંદુત્વના સંસ્કાર સાથે કર્યો તેથી તુલસી હિંદુવાદી નેતા મનાય છે. અમેરિકન સમોઆમાં ૧૨ એપ્રિલ, ૧૯૮૧ના રોજ જન્મેલાં તુલસીના પિતા માઈક ગેબાર્ડ હવાઈમાં ૨૦૦૬થી સ્ટેટ સેનેટર છે જ્યારે માતા કેરોલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં હતાં. કેરોલ હિંદુ વિચારધારાથી આકર્ષાઈને હિંદુ બન્યાં એટલે સંતાનોને હિંદુ ધર્મના સંસ્કાર આપ્યા ને  પિતા માઈકે કદી વાંધો ના લીધો.  કેરોલે પોતાના પાંચેય સંતાનોનાં નામ હિંદુ સંસ્કૃતિ પ્રમાણે તુલસી, ભક્તિ, જય, આર્યન અને વૃંદાવન રાખ્યાં છે. 

તુલસી અમેરિકાની સંસદમાં લોકસભા એટલે કે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાનારાં પહેલાં હિંદુ કોંગ્રેસવુમન એટલે કે સાંસદ છે.  તુલસી  પોતાને ગર્વથી હિંદુ ગણાવે છે અને ચૈતન્ય મહાપ્રભુએ સ્થાપેલા ગૌંદિયા વૈષ્ણવ સંપ્રદાયનાં અનુયાયી છે.

હિંદુ તુલસીની ઉચ્ચ હોદ્દા પર પસંદગી કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ભારતીયો તરફ પોતાનું વલણ કૂણું રહેશે એવો સંકેત આપ્યો હોવાનું અર્થઘટન કઢાઈ રહ્યું છે. અલબત્ત નેશનલ ઈન્ટેલિજન્સનાં ડિરેક્ટર તરીકે એ ભારતને શું ફાયદો કરાવી શકશે એ સવાલ છે. 

તુલસી કદી સ્કૂલે ગયાં નથી, 21 વર્ષની ઉંમરે સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયેલાં

તુલસી ગેબાર્ડ  માત્ર ૪૩ વર્ષનાં છેતુલસી ૨૦૧૩થી ૨૦૧૮ સુધી એટલે કે ૮ વર્ષ માટે સાંસદ રહી ચૂક્યાં છે.  તુલસી નાનપણથી પિતાની રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થતાં હતાં તેથી કદી સ્કૂલે ગયાં નથી. ઘરે રહીને જ સ્કૂલ એજ્યુકેશન પૂરું કરનારાં તુલસીએ હવાઈ પેસિફિક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.   

અમેરિકાના લશ્કરમાં કામ કરનારાં તુલસી  ૨૦૦૨માં એડવર્ડો તામાયોને પરણેલાં પણ ૨૦૦૬માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. ૨૦૧૫માં તુલસીએ હોલીવુડમાં સિનેમેટોગ્રાફર અને એડિટર અબ્રાહમ વિલિયમ્સ સાથે વૈદિક વિધીથી લગ્ન કર્યાં હતાં. 

તુલસી માત્ર ૨૧ વર્ષની ઉંમરે હવાઈ સ્ટેટમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયાં હતાં. ભારતમાં રાજ્યની વિધાનસભાને સમકક્ષ આ હોદ્દો ગણાય. તુલસી ચાર વર્ષ સુધી સભ્યપદે રહેલાં પણ તેમના  નેશનલ ગાર્ડ યુનિટની ઇરાકમાં તૈનાતીને પગલે ચાર વર્ષ પછી યુધ્ધના મોરચે જવું પડેલું.

News-Focus

Google NewsGoogle News